The last wish - 5 in Gujarati Adventure Stories by Pratik Barot books and stories PDF | અંતિમ ઈચ્છા - ભાગ ૫

Featured Books
Categories
Share

અંતિમ ઈચ્છા - ભાગ ૫

અધ્યાય ૫

ઋષિ પાસે અત્યારે માત્ર બે કલાક જીવાડી શકે એટલો પ્રાણવાયુ બચ્યો હતો. સતત પ્રાણવાયુ પૂરો પાડતા વૃક્ષોનુ જાણે-અજાણે નિકંદન કાઢતા મનુષ્યોનુ ભવિષ્ય એને સ્પષ્ટપણે દેખાતુ હતુ.

એ અત્યારે સાવ એકલો હતો, ઘરના લોકો સાથે કાયમ બહારના જેવુ વર્તન કરવા બદલ એને પસ્તાવો થતો હતો.

મેડ મેક્સ, ટર્મિનેટર, રેસિડેન્ટ એવિલ, વોર ઓફ ધ વર્લ્ડસ જેવી પૃથ્વીના અંત વિશેની હોલીવુડની ફિલ્મો એણે જોઈ હતી, તો ભગવદ્દ ગીતા, રામાયણ, મહાભારત કે મનુસ્મૃતિ અને એવા કેટલાય હિંદુ ધર્મના પુરાણ, ગ્રથોં કે પુસ્તકોમાં આલેખેલી ભવિષ્યની વિપતિઓ અને એને નાથવા માટેના ઉપાયો પણ એણે વાંચ્યા હતા. એ પૃથ્વી પર આવી શકે એવી આફતો અને એના ઉપાયો વિશે પણ વિચારતો હતો.

એનુ માનવ-મગજ આટલા કલાકોના વજનરહિત તરણના લીધે ચકડોળે ચડયુ હતુ, જેમાં દરેક બીજી ક્ષણે નવા-નવા વિચારોના વમળો ઉદ્ભવે જ જતા હતા. બે કલાકનુ એનુ બાકી રહેલુ જીવન સુધરી શકે એવી બે જ વસ્તુઓ એની પાસે હતી : સગા-વ્હાલાઓ સાથે વિતાવેલી પળોના સંસ્મરણો અને સપ્તર્ષિ દર્શનની કદી ન છીપાઈ શકે એવી તૃષ્ણા.

થોડીક બીજી ક્ષણો સુધી એ આમ જ અવકાશમાં સમય સાથે દાવ-પકડ રમતો રહ્યો. પોતાની તરફ આવી રહેલી મૃત્યુનો સ્વીકાર માનસિક રીતે કરી લીધા બાદ જ ઋષિને થોડીક સ્વસ્થતાનો અનુભવ થયો.

પોતાની પાસે બેટરી પાવર ઓછો હોવા છતાં હવે એ બીજા કોઈ ઉપયોગમાં આવવાની નથી એમ વિચારી એણે પોતાના સ્પેશસૂટના ઉપકરણોનો સપ્તર્ષિ નક્ષત્ર શોધવા માટે ઉપયોગ કરવાનુ વિચાર્યુ. સૂટમાં છાતીની ઉપરના ભાગમાં એક બટન દબાવતા જ એના હેલ્મેટના કાચ પર એક હોલોગ્રામ સ્ક્રીન ઉભી થઈ ગઈ. સ્પેશસૂટના અંદર રાખેલા માહિતી પ્રક્રિયા યંત્રની બધી જ માહિતી એ સ્ક્રીન પર દેખાવા લાગી.

ઋષિએ સ્ક્રીન પર કંઈક ટાઈપ કર્યુ અને બીજી જ ક્ષણે ધ્રુવના તારા અને સપ્તર્ષિ નક્ષત્રથી એનુ અંતર એની સામે સ્ક્રીન પર હતુ.

દરેક અવકાશયાત્રીના સ્પેસશૂટમાં એક ખાસ પ્રકારની વ્યવસ્થા હોય છે, જેની મદદથી પગ અને હાથ પાસેથી હવા બહાર તરફ દબાણ સાથે જાય છે અને અવકાશયાત્રી પોતાના લક્ષ્ય તરફના રસ્તે એ દબાણના સહારે સરળતાથી આગળ વધી શકે છે.

સ્ક્રીન પર દેખાતા અવકાશી માર્ગ મુજબ એ આગળ વધી રહયો હતો. થોડુક જ અંતર કાપ્યું હશે અને ત્યાં જ ચાર-પાંચ વાર લાઈટો ઝબકી અને સ્ક્રીન પરથી નકશો ગાયબ થઈ ગયો. ઋષિ સમજી ગયો કે સૂટની બેટરી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ ગઈ છે.

ફરી એકવાર ઋષિ સાવ દિશાશૂન્ય હતો. સપ્તર્ષિ સુધી પંહોચવાની એની ઈચ્છા હવે જરાક નબળી પડી હતી. એણે પોતાના મૃત્યુનો સમય બતાવતા મીટર પર એક ત્રાંસી નજર નાખી, જે અડધો કલાકનો સમય દર્શાવતુ હતુ. એણે પેલુ હવાનો ઉપયોગ કરતુ ઉપકરણ બંધ કર્યુ, અને પોતાને ફરી અવકાશના હવાલે સોંપી દીધો.

અત્યારે એનો ચહેરો પૃથ્વી તરફ હતો. અંદાજ લગાવીને એણે પોતાનું ઘર શોધવા પ્રયાસ કરી જોયો, પણ નિષ્ફળ રહયો. ભારત દેશને એ શોધી શક્યો અને દેશ માટે ગર્વ પણ અનુભવ્યો. એણે તરતા તરતા જ ભારતીયોને એક સેલ્યુટ કરી.

અમસ્તુ જ એણે પડખુ ફેરવ્યું અને જે દ્રશ્ય એની આંખો સમક્ષ ખડુ થયું, એ મધ્ય મરૂસ્થળમાં રખડતા કોઈ નપાણિયા મુસાફર જીવને મીઠા પાણીનુ આખુ તળાવ મળી આવે એ બરાબર હતુ.

એનાથી અંદાજે પાંચેક મિનિટના જ અંતરે સપ્ત તારાઓનુ એક મંડળ આંખો આંજી દે એવી રોશનીના ઝગારા દેતુ હતુ. તારાજૂથની ઉતરે એક મહાતેજસ્વી તારો એટલો બધો પ્રકાશ પાથરતો હતો કે એ સૂર્ય સમો ભાસતો હતો.

આખરે ઋષિ એના ગંતવ્ય સ્થાનની સાવ નજીક હતો. એની હર્ષોર્મિનો કોઈ પાર ન હતો અને આ દિવ્ય પ્રકાશે જાણે ઋષિના અંતરના અંધારિયા ઓરડામાં પણ અજવાળું પાથર્યુ હતુ.

ઋષિએ પેલુ વાયુના દબાણથી ચલિત યંત્ર ફરી શરૂ કર્યુ અને મંઝીલ તરફ તરણ-પગલાં ભરવા શરૂ કર્યા.

ગંતવ્યને પામવાની તમારી કેટલી ઉત્કંઠા છે,

બાકી,

"બ્રહ્મ" અને "ભ્રમ" વચ્ચે સાવ પાતળી રેખા છે.
-શૂન્યમનસ્ક.