bhare vajan ghatadvana halva nuskha - 10 in Gujarati Magazine by Mital Thakkar books and stories PDF | ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૧૦

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૧૦

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા

ભાગ- ૧૦

- મીતલ ઠક્કર

વજન ઘટાડવા માટે આપણું મગજ પણ મહત્વની ભૂમિકા ભજવે છે એ ભૂલવું ન જોઇએ. વજન ઓછું કરવા મગજનો લાગણીશીલ ભાગ છે એના પર નિયંત્રણ મેળવવું જરૂરી બને છે. મગજનો લાગણીશીલ ભાગ વધારે કેલેરી અને ચરબીયુક્ત પદાર્થની ઇચ્છાને વધારતો હોવાથી આહાર અને કસરત નિયમિત કરી શકાતા નથી. વધુ વજન ધરાવતા લોકો મગજના લાગણીશીલ પક્ષના દબાણ હેઠળ આવી જતા હોય છે. એ માટે દરરોજ દસ મિનિટ માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો જોઇએ. ધ્યાન ભાવનાત્મક મગજ પર નિયંત્રણ મેળવે છે. ધ્યાન કરવાથી મગજના લાગણીશીલ ભાગ પર નિયંત્રણ મેળવી શકાશે અને વજન ઘટાડવાનો સંકલ્પ દ્રઢ બનશે. વજન ઘટાડવાનું કોઇ સબળ કારણ મનમાં રાખી પ્રયત્ન કરવાથી વ્યાયામ નિયમિત થાય છે. લાંબા સમયની યોજનાથી વજન ઘટાડી શકાય છે.

* વજન ઓછું કરવા એના દુશ્મનથી પરિચિત થાવ. શરીરની એ દુશ્મન છે ટ્રાન્સ ફેટ. શરીરમાં જમા થતી ટ્રાન્સ ફેટ કોલેસ્ટ્રોલને વધારે છે અને તે સાથે હ્રદયરોગની બીમારીને લઇને આવે છે. જંક ફૂડ, માત્ર મેંદામાંથી બનેલી બેકરીની વસ્તુઓ અને તળેલી ચીજો ખાવાથી આ પ્રકારની ચરબી આપણા શરીરમાં જમા થાય છે. સમોસા, ભજિયા વગેરેમાં ટ્રાન્સ ફેટ હોય છે. ભોજન સમારંભોમાં તો આવા તળેલા પદાર્થોથી દૂર જ રહેવું જોઇએ. કેમકે એક જ તેલમાં વારંવાર તળવામાં આવે છે. મોનો સેચ્યુરેટેડ ફેટ સારી ગણાય છે, પણ શરીર માટે નુકસાનકારક ટ્રાન્સ ફેટથી તોબા કરી લેશો. તેને ઝડપથી ઘટાડવાનું આયોજન કરો.

* ઉંમર વધવાની સાથે સ્ત્રી અને પુરુષના શરીરના અમુક ભાગમાં વજન વધે છે. તેનું કારણ એ છે કે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની જે ક્રિયા છે એ ૪૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે ૫% ના દરથી ઘટતી હોય છે. એટલે ઉંમર વધે એમ શરીરનું વજન કાબૂમાં રાખવાનું મુશ્કેલ બનતું જાય છે. સ્ત્રીઓના શરીરમાં ખાસ કરીને જાંઘ અને નિતંબ પર ચરબીનું પ્રમાણ વધે છે. પુરુષોમાં પેટ પર ચરબીના થર વધતા હોય છે. અને પેટ પરની ચરબી જ સૌથી વધુ બિનઆરોગ્યપ્રદ કહેવાય છે. આમ તો શરીરના કોઇપણ ભાગ પર ચરબી જમા થતી હોય તો એ નુકસાનકારક જ ગણાય છે. એને કોઇપણ રીતે ઘટાડવી જોઇએ. પુરુષ કરતાં સ્ત્રીઓના શરીરમાં ચરબીની માત્રા વધુ હોય છે. આ એક કુદરતી વ્યવસ્થા છે. વજન ઘટાડવા માટે લોકોને માર્ગદર્શન આપતા ડૉ. બિમલ છાજેર કહે છે કે કુદરતની પ્રક્રિયા મુજબ સ્ત્રીના શરીરમાં તેના કુલ વજનના ૨૭ ટકા ચરબીની કોશિકાઓ હોય છે જ્યારે પુરુષમાં આ પ્રમાણ ૧૫ ટકા હોય છે. તેનું કારણ એ છે કે કિશોરીને માસિક ધર્મની શરૂઆત માટે કુલ વજનના ૧૭ ટકા ચરબીની જરૂરિયાત હોય છે. સ્ત્રીને પ્રજનન માટે પણ વધારે ચરબીની આવશ્યકતા રહે છે.

* જે લોકો સ્થૂળ છે એમને કેક ખાવાની ચોખ્ખી ના પાડવામાં આવે છે. કેમકે બેકરીમાં મળતી કેકમાં કેલેરી અને ચરબી વધુ હોય એવી મેંદો, દૂધ, ક્રીમ, ખાંડ, ઇંડા જેવી વસ્તુઓનો ઉપયોગ થાય છે. આથી ઘરે બનાવેલી કેકમાંથી એકાદ ટુકડો ખાઇને સંતોષ માનવો જોઇએ. મેંદામાંથી બનતી નાન, પાસ્તા, મેકરોની અને નૂડલ્સને ખાવાનું પણ ટાળવું જોઇએ. કેમકે તેમાં કેલેરી વધારે હોય છે અને રેસાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. પાસ્તા, મેકરોની અને નૂડલ્સ ખાવા જ હોય તો તેમાં ગાજર, વટાણા, ડુંગળી અને શાકભાજીનું પ્રમાણ વધારીને ખાઇ શકો છો જેથી રેસા પ્રાપ્ત થાય. પિત્ઝામાં ઘણી કેલેરી હોય છે. જો બહુ ઇચ્છા થાય તો ચીઝને ભભરાવ્યા વગર એક ટુકડો આરોગી શકો છો. તળેલા સમોસા કે કચોરી પણ સ્થૂળ લોકો માટે નુકસાન કારક છે. સમોસાનો સ્વાદ માણવો જ હોય તો તેનું તેલવાળું પડ હટાવીને અંદરનો માવો ખાઇ શકો છો. બ્રેડ, સેન્ડવીચ અને ટોસ્ટ ઉપર પણ ચીઝ કે માખણને બદલે લીલી ચટણી લગાવીને મર્યાદિત ખાઇ શકાય.

* સ્થૂળ હોય એમણે ભોજનમાં ઘણું ધ્યાન રાખવાની જરૂર છે. ઘી અને તેલમાં ૧૦૦ ટકા અદ્રશ્ય ચરબી હોય છે. એક ચમચા ઘી કે તેલથી ૫૦ કેલેરી મળતી હોય છે. ૧૦ ગ્રામ માખણમાં તો ૯૦ કેલેરી હોય છે. ડોકટરો સ્થૂળ લોકોને માખણનો ભોજનના કોઇપણ સ્વરૂપમાં ઉપયોગ કરવાની ના પાડે છે.

* તમે વજન ઘટાડવા માગતા હોય ત્યારે સલાડને ક્રીમ કે મેયોનિઝથી સજાવશો નહીં. કેમકે માત્ર એક ટેબલ સ્પૂન મેયોનિઝ તમને ૧૦૦ કેલેરી સાથે ૧૦ ગ્રામ ફેટ ભેટમાં આપી જશે. મેયોનિઝમાં ભરપૂર તેલ હોય છે. બજારમાં મળતા મેયોનિઝ શરીરને કોઇ પોષણ આપતા નથી. બજારમાં મળતા મેયોનિઝમાં સોયાબીન કે અન્ય વેજીટેબલ તેલ ઉમેરવામાં આવે છે.

* લો ફેટ એટલે કે ઓછી ચરબી વાળા ખાદ્ય પદાર્થોને તેના લેબલથી આકર્ષાઇને ખાવાનું ટાળવું જોઇએ. તેમાં વિવિધ પ્રકારના કલર્સ અને તાજા રાખવા માટે પ્રિઝર્વેટિવ તરીકે કેમિકલ વપરાતા હોય છે. કેટલાક તેને સ્વાદિષ્ટ બનાવવા ખાંડ અને બીજી સ્વાદિષ્ટ ચીજો ઉમેરતા હોય છે એ પણ અનહેલ્ધી હોય છે. લો ફેટ ફૂડ પેકેટસને બદલે ફળો અને શાકભાજીનો ઉપયોગ ખોરાકમાં કરવો જોઇએ.

* ઘર કે ઓફિસમાં બેસીને કામ કરનારાનું વજન વધવાની શક્યતા સૌથી વધુ હોય છે. શારીરિક શ્રમ ઘટી જવા સાથે ફાસ્ટ ફૂડનો ચસ્કો તેમનું વજન વધારે છે. એ લોકોએ પોતાનું વજન ઘટાડવું હોય તો તેનું વિજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. વજન અંગે જ્ઞાન ન હોવું એ પણ વજન વધવાનું કારણ ગણાય છે.

* વજન વધારે હોય એવી મહિલાઓ સૌથી વધારે મુશ્કેલીમાં મુકાય છે. સ્થૂળતાને કારણે ગર્ભ ધારણ કરવામાં સમસ્યા આવે છે અને માતા બની જાય પછી વજનમાં ઔર વધારો થાય છે. અને ગર્ભાવસ્થા પછી વજન ઘટાડવાનું અતિ મુશ્કેલ બને છે. એ કારણે ગર્ભ ધારણ કરતાં પહેલાં વજન ઉતારી દેવું જોઇએ. અને ગર્ભાવસ્થા પછી વજન ના વધે એની કાળજી રાખવી જોઇએ. જે મહિલાઓનું વજન ઘણું વધારે છે એમના માટે બેરિયાટ્રિક સર્જરી એક વિકલ્પ ગણાય છે. આ સર્જરી પછી ગર્ભ રહેવાની સંભાવનાઓ વધી જાય છે. પરંતુ આ સર્જરીના દોઢ વર્ષ પછી ગર્ભધારણ કરવું હિતાવહ ગણાય છે.

* આપણી ક્ષમતા કરતાં વધારે ખાવાથી કે શ્રમ ઓછો કરવાથી વજન વધવાનું જ છે. વજન ઘટાડવા માટે પેટને એક બેંક તરીકે માનીને આયોજન કરો. આપણે જે ખાઇએ છીએ તે પેટમાં કેલેરી તરીકે જમા થાય છે. અને પરિશ્રમ કરીએ છીએ તે કેલેરીના રૂપમાં ખર્ચાય છે. જો આપણે આ પેટરૂપી બેંકમાં કેલેરી વધારે જમા કરીશું અને એનો ખર્ચ ઓછો કરીશું તો વજન વધવાનું જ છે. જો કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો પેટમાં કેલેરીને વધતી અટકાવી શકીશું. જો ઓછી કેલેરી લઇશું તો શરીર અગાઉની જમા કેલેરીનો ઉપયોગ કરશે. અને જમા થતી કેલેરીથી વધારે ખર્ચ કરવાનું વલણ રાખવાનું. એ માટે વ્યાયામ કે શારીરિક શ્રમની પ્રવૃત્તિઓ કરવી પડશે. તણાવની સ્થિતિમાં ભોજન વધુ લેવાય છે. એટલે તનાવ કે દબાણમાં રહેવું નહીં. અને થોડી-થોડી માત્રામાં કંઇકને કંઇક ખાવાની આદત બદલવી જોઇએ. જો એમ વિચારીએ કે એક ચોકલેટ, થોડી વેફર કે કેકનો ટુકડો ખાવાથી શું ફરક પડે છે? પણ એમ કરવાથી કેલેરી તો વધે જ છે.