Sukh no Password - 51 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 51

Featured Books
Categories
Share

સુખનો પાસવર્ડ - 51

અત્યંત ગરીબ યુવાન જગમશહૂર ખેલાડી બન્યો!

કારમી ગરીબીમાંથી આગળ આવીને પણ કોઈ માણસ જગવિખ્યાત બની શકે એનો જીવતોજાગતો પુરાવો: જેસન ડૅ

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

૧૨ નવેમ્બર, ૧૯૮૭ના દિવસે ઓસ્ટ્રેલિયાના બ્યૂડેસર્ટમાં એલ્વિન ડેની પત્ની ડેનિંગે એક પુત્રને જન્મ આપ્યો. તેમણે એ પુત્રનું નામ જેસન પાડ્યું. એલ્વિનની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેનું કુટુંબ એવી જગ્યામાં રહેતું હતું, જ્યાં ઘેટાબકરા રખાતા હોય.

આર્થિક સ્થિતિ ખરાબ હતી અને એલ્વિનનો સ્વભાવ પણ આક્રમક હતો. અધૂરામાં પૂરું તે શરાબનો બંધાણી પણ હતો. ગરીબીને કારણે એલ્વિન હતાશ રહેતો હતો અને વાતવાતમાં ઉશ્કેરાઈ જતો હતો. એ સ્થિતિમાં તેનું કુટુંબ દુખી રહેતું હતું. શરાબના નશામાં કે હતાશામાં તેનો ગુસ્સો ઘણી વાર નાનકડા જેસન પર ઊતરતો હતો. તે ક્યારેક તો બેરહેમીથી જેસનને ફટકારતો હતો.

એલ્વિન ગરીબી અને હતાશાને કારણે પુત્રને મારતો હતો, પણ તે પુત્રને પ્રેમ કરતો નહોતો એવું નહોતું. તે પુત્રને રમતવીર બનાવવા માગતો હતો. જેસન પાંચ વર્ષનો થયો ત્યારે એલ્વિને તેને બ્યૂડેસર્ટ ગોલ્ફ ક્લબમાં જુનિયર મેમ્બર તરીકે દાખલ કર્યો હતો. તે પુત્રને સફળ ગોલ્ફર બનાવવા માગતો હતો.

જેસન છ વર્ષનો થયો ત્યારે તેના પિતા એલ્વિન ડેએ ક્વીન્સલેન્ડમાં રહેવા જવાનું નક્કી કર્યું. ત્યાં એલ્વિને મટનનું પેકિંગ કરતી એક કંપનીમાં નોકરી સ્વીકારી લીધી. એલ્વિને રહેવા માટે એક કતલખાનાની નજીકમાં જગ્યા શોધી લીધી હતી. ક્વીન્સલેન્ડમાં પણ તેનું ગુજરાન જેમ તેમ ચાલતું હતું. એક તો આવક ઓછી હતી અને ઉપરથી એલ્વિનને દારૂ વિના ચાલતું નહીં એટલે દર મહિને આવકજાવકના છેડા મહામુશ્કેલીએ ભેગા થતા.

જેસન આઠ વર્ષનો થયો ત્યારે એલ્વિને રોકમ્પટન સ્થળાંતર કર્યું. ત્યાં પણ જેસનનું ગોલ્ફ રમવાનું ચાલુ રહ્યું હતું. તે નાની નાની ગોલ્ફ સ્પર્ધાઓમાં વિજેતા બનવા લાગ્યો હતો. જેસન કંઈક તો પિતાના ડરથી સ્પર્ધાઓ જીતતો હતો. તે અગિયાર વર્ષનો થયો ત્યારે ત્યારે એક વાર એક સ્પર્ધામાં તેનો દેખાવ નબળો રહ્યો ત્યારે તેના પિતા એલ્વિને તેને બહુ માર્યો હતો. તેણે જેસનને માર્યો એમાં હતાશાની સાથે જેસનના ભવિષ્યની ચિંતા પણ હતી. જેસન સારો ગોલ્ફર બને તો તેનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે એવી તેને આશા હતી. જેસન ગોલ્ફર તરીકે સફળ ન થાય તો પોતાની જેમ જીવનભર આર્થિક મુશ્કેલીનો સામનો કરતો રહેશે એવી ચિંતા તેને સતાવી રહી હતી. એ દિવસે એલ્વિને જેસનને ખૂબ માર્યા પછી એક વૃક્ષ નીચે કાદવકીચડમાં ત્રણ કલાક ઊભા રહેવાની સજા પણ કરી હતી.

એ દિવસથી જેસન ગોલ્ફની રમત પ્રત્યે અત્યંત ગંભીર બની ગયો. તેના પિતાએ તેને કરેલી એ છેલ્લી આકરી સજા હતી. કારણ કે જેસન બાર વર્ષનો થયો ત્યારે તેના પિતાનું કૅન્સરની બીમારીથી અકાળે મૃત્યુ થયું.

પિતાના મૃત્યુને કારણે જેસને નાની ઉંમરે કામે વળગી જવું પડ્યું. તેણે પેલી મટન પેકિંગ ફેક્ટરીમાં જ કામ કરવા માંડ્યું જ્યાં તેના પિતા નોકરી કરતા હતા. આ દરમિયાન તેણે ગોલ્ફ રમવાનું ચાલુ રાખ્યું હતું. જો કે, તે ઘણી વાર હતાશ થઈ જતો અને હતાશા દૂર કરવા માટે શરાબનો સહારો લેતો. એ સમયમાં તેની ઊઠબેસ પણ ખરાબ મિત્રો સાથે થઈ ગઈ હતી. તે જાણે તેના પિતાના પગલે જ ચાલી રહ્યો હતો. એક દિવસ તો તેણે એટલો શરાબ પીધો કે તે હોશ ગુમાવી બેઠો. બીજા દિવસે તે ઊઠ્યો ત્યારે તેને ખબર પણ નહોતી કે તેણે શરાબના નશામાં કેવો વર્તાવ કર્યો હતો. એ દિવસે તેની માતાએ તેને કહ્યું કે તારું ભવિષ્ય કેવું બનાવવું એ તારા હાથમાં છે. તું સારો ગોલ્ફ ખેલાડી બનવા માગે છે કે તારા પિતાની જેમ જીવન વેડફી દેવા માગે છે એ નક્કી કરી લે.

એ દિવસથી જેસન ગંભીર બની ગયો. તેણે ગોલ્ફ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંડ્યું. એ સમય દરમિયાન તેની માતાએ તેને કૂરેલબીન ઈન્ટરનેશનલ સ્કૂલમાં દાખલ કર્યો, જ્યાં ગોલ્ફ કોર્સની સુવિધા હતી. તેની માતાએ કામ શોધી લીધું હતું. સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા પછી જેસને હિલ્સ ઈન્ટરનેશનલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો જ્યાં ગોલ્ફ એકેડેમી હતી.

જોગાનુજોગ એ ગોલ્ફ એકેડેમીમાં ગોલ્ફ કોચ તરીકે કોલ સ્વોટન આવ્યા, જે કૂરેલબીન સ્કૂલમાં ગોલ્ફ કોચ હતા. કૂરેલબીન સ્કૂલ બંધ થઈ હતી એટલે તેમણે હિલ્સ ઈન્ટરનેશનલ કૉલેજની ગોલ્ફ એકેડેમીમાં નોકરી લીધી હતી. તેમને જેસનમાં પ્રતિભા દેખાઈ હતી. તેમણે જેસનને કહ્યું કે તું ટાઈગર વૂડ્સના જીવન પરનું પુસ્તક વાંચ. જેસને એક મિત્ર પાસેથી ટાઈગર વૂડ્સનું પુસ્તક મેળવીને વાંચ્યું. એ પુસ્તક વાંચીને તેને ટાઈગર વૂડ્સ જેવા બનવાની પ્રેરણા મળી.

જેસનની જિંદગીમાં ગોલ્ફનું મહત્ત્વ વધી ગયું. તે સ્થાનિક સ્પર્ધાઓમાં વિજેતા બનવા લાગ્યો. ૨૦૦૬માં ૧૯ વર્ષની ઉંમરે જેસન પ્રોફેશનલ ગોલ્ફ ખેલાડી બન્યો. તેનું નામ જાણીતું બનવા લાગ્યું. જો કે, ૨૦૧૧માં તેના ખરાબ પ્રદર્શનને કારણે તેણે ગોલ્ફ છોડવાનો નિર્ણય કરી લીધો, પરંતુ પછી તેણે પોતાનો નિર્ણય બદલ્યો. એ પછી તે એક પછી એક સ્પર્ધાઓમાં વિજેતા બનતો ગયો. આ દરમિયાન તેણે 2009માં એલી હાર્વે સાથે લગ્ન કરી લીધા હતા અને તે ડેશ અને લ્યુસી નામના બે રૂપાળા બાળકોનો પિતા બન્યો.

18 ઓક્ટોબર 2015ના દિવસે 27 વર્ષની ઉંમરે જેસન વિશ્વનો નંબર વન ગોલ્ફ ખેલાડી બન્યો. કારમી ગરીબીમાંથી આગળ આવીને પણ કોઈ માણસ જગવિખ્યાત બની શકે એનો જીવતોજાગતો પુરાવો જેસન ડે છે.