Sapna advitanra - 60 in Gujarati Fiction Stories by Amisha Shah. books and stories PDF | સપના અળવીતરાં - ૬૦

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સપના અળવીતરાં - ૬૦

સટ્ટાક....

એક થપ્પડ અને રાગિણીની બહાવરી આંખો કેકેના ચહેરા પર સ્થિર થઇ. રાગિણી ઘરેથી નીકળી એ પછી થોડીકજ વારમાં કેકે અને આદિ નટુકાકા સાથે ગોવાના રસ્તે નીકળી ગયા હતા. ઘણી ઝડપ રાખવા છતાં રાગિણી સુધી પહોંચતા તેઓને બે કલાક લાગી ગઇ. આ બે કલાક કેકેના જીવનની સૌથી વસમી બે કલાક હતી..!!

ઝડપ કરવાની સતત સુચનાઓ વચ્ચે જ્યારે નટુકાકાએ કહ્યું કે,

"સાહેબ, આગળ રાગિણી બેનની ગાડી દેખાય છે,.. "

તો કેકે અને આદિના ચહેરા પર એક ધરપતની લાગણી છવાઈ, પણ નટુકાકા નું વાક્ય પૂરું થતા ફરી ઉચાટ છવાઇ ગયો..

"પણ, કંઇક બરાબર નથી લાગતું... ગાડી સીધી નથી ચાલી રહી. લાગે છે કે બેનને કોઈ તકલીફ... "

બોલતા બોલતા નટુકાકાએ ગાડીની સ્પીડ વધારી રાગિણીની ગાડી આગળ લઇ લીધી. તેમણે જોયું કે રાગિણી કોઈ તંદ્રામા ગાડી ચલાવતી હતી. નટુકાકાએ થોડે આગળ જઇ બ્રેક મારી. રાગિણીની ગાડી એકદમ નજીક આવીને ચર્ ર્ ર્.. અવાજ સાથે ઉભી રહી. જરાક ચૂક થઇ જાત તો ચોક્કસ એક્સિડન્ટ થઈ જાત!

જેવી રાગિણીની ગાડી ઉભી રહી એટલે કેકેએ એકદમ તોરમાં નીચે ઉતરી રાગિણીનો દરવાજો ખોલ્યો અને હાથ પકડીને તેને નીચે ઉતારી. રાગિણી હતપ્રભ બનીને બસ જોઈ જ રહી અને... સટ્ટાક...

કેકેનો કૃશ હાથ રાગિણીના ગાલે પડ્યો, એ સાથે જ રાગિણી જાણે કોઇ તંદ્રામાંથી જાગી હોય એમ કેકે સામે જોઈ રહી. ધીરે ધીરે તેની આંખમાંથી આંસુ સરવા માંડ્યા અને એક સમય એવો આવ્યો કે તે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. કેકેનો શર્ટ કોલરથી પકડી તેણે કેકેની છાતી પર માથું ટેકવ્યું... કેકે માટે આ ધક્કો સહન કરવો અઘરો હતો, પણ પાછળથી આદિએ ટેકો કર્યો એટલે તે ઉભો રહી શક્યો. રાગિણી રડતા રડતા કંઇક બોલી રહી હતી, પણ ઘણું અસ્પષ્ટ હતુ... છતાં કેકે એટલું સમજ્યો કે તે કેયૂરને બચાવવા માટે કહી રહી છે...

રાગિણી રડતાં રડતાં નીચે બેસી પડી. કેકે પણ તેની સામે બેસી ગયો. એટલી વારમાં નટુકાકાએ બંને ગાડી રોડની સાઇડમાં કરી દીધી. રાગિણીનો બબડાટ હજુય ચાલુ જ હતો, ત્યાં આદિ પાણીની બોટલ લઈને આવ્યો. પાણી પી ને રાગિણી સ્હેજ શાંત પડી એટલે કેકેએ બોલવાનું શરૂ કર્યું.

"આમ હોય? આવી રીતે કોઈને કંઈ પણ કીધા વગર... મોબાઈલ વગર... આ પરિસ્થિતિમાં... આમ ગાડી લઈને નીકળી જવાય ઘરેથી? રસ્તામાં કંઈ થઇ ગયું હોત તો? શું જવાબ આપત હું કેયૂરને? "

ગુસ્સા અને ચિંતાને કારણે કેકેનું આખું શરીર ધ્રુજતું હતું, પરંતુ કેકેના શબ્દો જાણે રાગિણીના કાનમાં જ ન પ્રવેશ્યા હોય એમ રાગિણી પોતાની જ વાતનું પુનરાવર્તન કર્યે રાખતી હતી...

"બચાવી લો... પ્લીઝ, કેયૂરને બચાવી લો... એ.. એ મિ. વ્હાઈટ... એ નહિ છોડે... મારી નાંખશે મારા કેયૂરને... પ્લીઝ, તમે તો મદદગાર છો ને! બધાને બચાવ્યા... કેયૂરને પણ બચાવી લો... તે દિવસે, દરિયાકાંઠે... પેલા બાળકોને બચાવ્યા.... પેલી મિસરીને બચાવી... હવે... કેયૂરને... "

હીબકામાં તેના આગળના શબ્દો ખોવાઇ ગયા...પણ આદિ અને કેકે વિચારમાં પડી ગયા. એમાંય મિ. વ્હાઈટનું નામ સાંભળી આદિને સબ ઈન્સ્પેક્ટર શિંદેએ આપેલ ચેતવણી યાદ આવી ગઇ. તેણે તરતજ શિંદેને ફોન પર બધી વિગતો જણાવી. શિંદેએ તેમને બનતી ઝડપે ગોવા પહોંચવાનું કહ્યું તથા સંપર્કમાં રહેવાનું કહ્યું. આદિનો કોલ કટ કરી શિંદેએ તરતજ પોતાના ગોવાનાં કોન્ટેક્ટ કામે લગાડી દીધા. જાનીભાઇની શીપનું એડ્રેસ મેળવી ત્યાંની લોકલ પોલીસને પણ તૈયાર રહેવા જણાવી દીધું તથા પોતે પોતાની ટીમ સાથે ગોવા જવા રવાના થઈ ગયા.

રાગિણી થોડી શાંત થઇ એટલે ફરી બધા ગાડીમાં ગોઠવાયા. પણ આ વખતે રાગિણીની ગાડી નટુકાકાએ સંભાળી જ્યારે કેકેની ગાડીમાં રાગિણીને બેસાડી આદિએ ડ્રાઇવીંગ સીટ સંભાળી. ફરી બંને ગાડી પુરઝડપે ગોવા તરફ રવાના થઈ. આદિએ પોતાનું લાઇવ લોકેશન સબ ઇન્સ્પેક્ટર શિંદેને મોકલી આપ્યુ.

થોડીવારના મૌન પછી રાગિણીએ જાતે જ બોલવાનું શરૂ કર્યું.

" સિંગાપોર હતા ત્યારે જ મને ડાઉટ હતો કે કેયૂર કદાચ... ગોવામાં... એજ મિ. વ્હાઈટનું કારસ્તાન હશે... "

"મિ. વ્હાઈટ? "

કેકેએ અસમંજસમાં રાગિણી સામે જોયું, ત્યા આદિએ યાદ કરાવ્યું,

"ડી ગેંગ... તારે અમેરિકા જવાની જસ્ટ પહેલા રાગિણીને કીડનેપ કરવાની કોશિશ કરી હતી, પણ કેયૂરે એને બચાવી હતી. "

"યસ, યસ. કેયૂરે મને બધી વાત કરી હતી. યુ મીન, અત્યારે એજ ડી ગેંગ દ્વારા કેયૂરને... "

"હા, એજ. પણ, એમની દુશ્મની તો મારી સાથે છે, પછી કેયૂર કેમ? "

રાગિણીનો અવાજ સ્હેજ ધ્રુજી ગયો.

"દુશ્મની? કેવી દુશ્મની? "

કેકે અને આદિ બંનેના કાન ચમક્યા. ગોવા પહોંચતા પહેલા શક્ય એટલી માહિતી મેળવવા માટે કેકેએ પ્રશ્ર્ન પૂછવાનું શરૂ કર્યું. કેકેના પ્રત્યેક સવાલે રાગિણીના મનનાં પડળો એક પછી એક ખૂલવા માંડ્યા.

"એ મિ. વ્હાઈટને પાપા સાથે કોઇ તકલીફ હતી. પાપાને કીડનેપ કરી જાનીભાઇની શીપ પર... મેં દરવાજાની તિરાડમાંથી જોયું... એમની કનપટ્ટી પર બંદૂકનું નાળચું અડેલું હતું...હું ગભરાઈ ગઈ... મેં જોરથી દરવાજો ખોલી દીધો... એ મિ. વ્હાઈટ અને બાકી બધા બ્લેક એન્ડ બ્લેકમાં... બધા પાપાને ઘેરીને ઉભા હતા. મને જોઈને બંદૂક તો છુપાવી દીધી, પણ પાપાએ ઈશારામાં મને મમ્મા અને પોલીસને બોલાવી લાવવા કહ્યું. હું જેમતેમ ત્યાથી નીકળી દોડતી સ્કુલમાં ગઇ. મમ્મા ત્યા ભણાવતા હતા. મેં બધુ સમજાવ્યું એટલે મમ્મા ત્યાંથી નીકળી ગયા. હું પ્રિન્સીપાલ મેડમ પાસેજ રોકાઇ ગઇ. બસ, પછી મેં મમ્મા પાપાને નથી જોયા. "

એક હીબકા સાથે અવાજને સંયત કરતાં રાગિણીએ આગળ કહ્યું,

"શું થયું એ સમજાતું નહોતું. મમ્મા પાપાના પણ કોઈ સમાચાર નહોતા. થોડા દિવસ પછી અચાનક કેટલાક લોકો... એજ બ્લેક એન્ડ બ્લેક... મને ફરી જબરદસ્તી જાનીભાઇની શીપ પર લઇ ગયા. ત્યાં એ મિ. વ્હાઈટ ન્હોતો. કોઈ બીજું જ હતુ... વધારે ભયાવહ... તેની લાલચોળ આંખો જાણે એક્સ રે ની જેમ મારી આરપાર ઉતરી જતી હોય એવું લાગતું હતું. એમને પાપાનું એડ્રેસ જોઈતું હતું. પણ, હું ક્યાંથી કહુ? કેવી રીતે સમજાવું કે હું પણ એમને ગોતુ છુ? "

ફરી રાગિણીની આંખમાંથી આંસુ રેલાવા માંડ્યા. તે અત્યારે તેના મમ્મા અને પાપાને ખૂબજ મીસ કરતી હતી. કેકેએ તેને પાણીની બોટલ આપી. પહેલા તો પાણી પીવાની અનિચ્છા દર્શાવી, પણ પેટ પર હથેળી ફરતાંજ તેણે બોટલ લઇ લીધી. થોડું પાણી પીને તેણે બોટલ પરત કરી. અવાજમાં થોડી સ્વસ્થતા લાવી તેણે વાત આગળ વધારી.

" સમય વીતતો જતો હતો. દિવસ રાતનું કંઇ ભાન નહોતું. થોડી થોડી વારે કોઈને કોઈ આવતુ, જુદીજુદી રીતે પૂછપરછ કરતું, કોઈ મારતું તો કોઈ અપશબ્દો બોલી જતું રહેતું... પણ મારી પાસે કોઇ જવાબ જ નહોતો..!!

છેવટ એ રાક્ષસ આવ્યો. બધાને બહાર કાઢી દરવાજો બંધ કરી દીધો.. હું હબકી ગઇ. ભીંતને ટેકેજ બેઠી હતી, તોય વધુ સંકોરાઇ ગઇ. ભયના માર્યા મારી હાર્ટબીટ પણ મને સંભળાતી હતી. એ ખુરશી ઘસડીને મારી નજીક લાવ્યો અને એકદમ મારી સામે બેઠો. તેની લાલ હીંગળોક આંખો અંગારા વરસાવતી હોય એવું લાગ્યું. મારો ભય ચરમસીમાએ હતો ત્યારે જ તેણે હાથ ઉગામ્યો. "

રાગિણીના શબ્દે શબ્દે કેકેનો ક્રોધ ભભૂકી રહ્યો હતો. તેની આંખમાં લાલ દોરો ફૂટી રહ્યો હતો. આદિનું હ્રદય પણ ડબલ સ્પીડે ધબકી રહ્યું હતું. રાગિણી બસ નીચું જોઈ તેની વાત કહ્યે જતી હતી.

"તેણે ઉગામેલો હાથ એકદમ જોરથી હવામાં વીંઝ્યો અને તે એકદમ મારા ગાલ પાસે લાવી રોકી દીધો. મારી આંખોમાં ભય જોઈ એ ખડખડાટ હસી પડ્યો. અને હસતા હસતા જ મારા ગાલે લાફો ઝીંકી દીધો. "

કેકેના હાથની મુઠ્ઠી ભીંસાઇ ગઈ હતી. મનમાં એકજ અફસોસ હતો કે એ સમયે પોતે રાગિણીની મદદ કરવા હાજર નહોતો! મહામુસીબતે તેણે પોતાની લાગણી પર કાબૂ રાખ્યો. રાગિણીને ખલેલ પાડવાનું તેને યોગ્ય ન લાગ્યું.

"એ એક તમાચાથીજ મારૂ જડબુ હલી ગયુ. હોઠ ચીરાઇ ગયો અને લોહી પણ નીકળી આવ્યું. પણ એ સાથેજ બીજી પણ એક વાત બની. જેવો એનો હાથ મને અડ્યો કે મને કશુંક દેખાયુ... એક અસ્પષ્ટ વીઝન આવ્યુ. "

"કેવું વીઝન? "

આદિત્યથી પૂછ્યા વિના ન રહેવાયું. અને રાગિણી જાણે તંદ્રામાથી ઝબકી હોય એમ આદિ તરફ જોયું. પછી ફરી વાત આગળ વધારે એ પહેલાજ મોબાઇલ રણકી ઉઠ્યો. કેકેએ પોકેટમાંથી રાગિણીનો મોબાઇલ કાઢી જોયું તો ઇમરાનનો કોલ હતો.

***

બબલુએ દાદાના કહ્યા મુજબ બધી વ્યવસ્થા કરી દીધી હતી. એ વિશાળ રૂમની બરાબર મધ્માં એજ ડેવિડભાઈની ફેવરિટ ખુરશી ગોઠવી દીધી હતી. એની બરાબર સામે એક રાઉન્ડ ટેબલ હતું અને એના પર એક મજબૂત દોરડાનું ફીંડલું પડ્યુ હતુ. . એક સાઇડમાં કેયૂરનું સ્ટ્રેચર રાખવાની જગ્યા ખાલી રાખી હતી. ખાવા અને પીવાની વ્યવસ્થા પણ કરી દીધી હતી. દાદાએ આ ગોઠવણ જોઈ અને બધુ બરાબર છે એ ચેક કરી બબલુનો ખભો થપથપાવ્યો. બબલુ તો જાણે ધન્ય થઇ ગયો. તે જાણતો હતો કે દાદા બોલતા ઓછું, પણ આ ચેષ્ટા શાબાશી સૂચક હતી.

" દાદા, બીજું બધું તો ઠીક, પણ આ દોરડું શેની માટે? કંઇ સમજાયું નહિ. "

દાદાને સારા મૂડમાં જોઈ બબલુએ પોતાના મનની વાત પૂછીજ લીધી. પણ દાદાએ જવાબ આપવાને બદલે બસ માત્ર એક સ્મિત આપ્યું... એવું કાતિલ સ્મિત કે બબલુ જેવો બબલુ પણ થથરી ગયો!

બધી વ્યવસ્થા ચેક કરી દાદા બાજુના રૂમમાં ગયા. આ એજ રૂમ હતો જ્યા તેમની મુલાકાત રાગિણી સાથે થઈ હતી અને...