તમારે સ્ત્રીરોગચિકિત્સકને ક્યારે અને કેટલી વાર બતાવું જોઈએ તે તમારી ઉંમર અને જીવનની સ્થિતિ પર આધારીત છે.
આપણે આ મુલાકાતને બે ભાગમાં વિભાજીત કરી શકીએ
· રૂટિન ગાયનેકોલોજિસ્ટની મુલાકાત :
પ્રથમ મુલાકાત: કોઈ પણ સ્ત્રીની ગાયનેકોલોજિસ્ટ સાથે પ્રથમ મુલાકાત ત્યારે હોવી જોઈએ કે જ્યારે તેણે તરુણાવસ્થામાં પ્રવેશ કર્યો હોય અથવા જ્યારે તે જાતીય રીતે સક્રિય બને છે અને જ્યારે તે જાતીય રીતે સક્રિય ન હોય તો પણ, હું ભલામણ કરું છું કે સ્ત્રી ની અઢાર વર્ષની ઉંમર સુધી એકવાર તો ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લેવી જ જોઈએ.
મધ્યવર્તી મુલાકાતો: મોટાભાગની સ્ત્રીઓ માટે, ગાયનેકોલોજિસ્ટને વર્ષમાં એકવાર જ બતાવવું પૂરતું છે. જો તેઓ બાળક માટે (પ્રેગ્નન્સી) પ્લાનિંગ કરતા નથી અને તેમને કોઈ બીજી સમસ્યા (જેવી કે અનિયમિત માસિક, યોનિમાં પીડા અથવા બળતરા, પેપ સ્મીયર્સમાં અસામાન્યતા વગેરે) નથી,તો તેઓ વાર્ષિક અથવા દર ત્રણ વર્ષે મુલાકાત કરી શકે છે.
છેલ્લી મુલાકાત: ગાયનેકોલોજિસ્ટ પ્રજનન સ્વાસ્થ્યમાં નિષ્ણાત હોવા થી, મેનોપોઝ પછી પણ,70 વર્ષની ઉંમર સુધી, પ્રજનન અંગોના સ્વાસ્થ્યનું નિરીક્ષણ (એક્ઝામિનેશન) ઓછામાં ઓછું વર્ષમાં એક વાર કરવાની સલાહ આપે છે. 70 વરસની ઉંમર પછી જે સ્ત્રી ના પેપ સ્મીયર્સ ની તપાસ સામાન્ય આવી હોય તેમને આગળ ગાયનેકોલોજિસ્ટ ની મુલાકાત લેવાની આવશ્યકતા નથી.
· આવશ્યક ગાયનેકોલોજિસ્ટ ની મુલાકાત :
તો આવો જાણી લઈએ કે એવી કઈ સમસ્યાઓ છે કે જેમાં તમારે વર્ષમાં એકથી વધુ વાર ગાયનેકોલોજિસ્ટ મુલાકાત લેવાની જરૂર પડશે.
માસિકમાં ફેરફાર: જો તમને અચાનકથી માસિક આવવાનું બંધ થઈ જાય તો તમારે તરત જ ગાયનેકોલોજિસ્ટ ને બતાવું જોઈએ. આવી પરિસ્થિતિમાં પ્રેગ્નન્સી હોવાની પણ સંભાવના છે અને ગાયનેકોલોજિસ્ટ તંદુરસ્ત સગર્ભાવસ્થાની તૈયારીમાં તમને મદદ કરી શકે છે.
મેનોપોઝ: મેનોપોઝ દરમિયાન, કેટલીક સ્ત્રીઓ હળવા માસિક નો અનુભવ કરે છે, જ્યારે કેટલીક સ્ત્રીઓ ને ભારે માસિકનો અનુભવ થાય છે. મેનોપોઝ દરમિયાન માસિકચક્ર મા પણ કેટલાક ફેરફાર આવે છે. મોટાભાગની મહિલાઓ 50 ના દાયકાની શરૂઆતમાં મેનોપોઝ માં પ્રવેશે છે. પરંતુ કેટલીક સ્ત્રીઓ તેનાથી વહેલા તો કેટલીક તેનાથી મોડા. જો તમે મેનોપોઝની શરૂઆતની નજીક પહોંચી રહ્યા છો અને માસિક ચક્રમાં ફેરફાર જોતા હો, તો ગર્ભાવસ્થાની સંભાવના પણ નકારી ન શકાય તેના માટે પણ ગાયનેકોલોજિસ્ટ ની મુલાકાત લેવી જરૂરી બની રહે.
અનિયમિત રક્તસ્ત્રાવ: જો તમને માસિક સ્ત્રાવ સિવાયના સમયગાળા સિવાય રક્તસ્ત્રાવ થાય છે જેમકે જાતીય સમાગમ પહેલા કે પછી,તો વહેલી તકે તમારે ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લઇ આ રક્તસ્રાવ ની તપાસ કરવી જરૂરી બને છે, સંભોગ દરમિયાન રક્તસ્ત્રાવ એ યોનિમાર્ગને ઇજા સૂચવી શકે છે. યોનિમાર્ગ રક્તસ્રાવ એ ગર્ભાશયના પોલિપ્સ અથવા ગાંઠ અથવા ગર્ભાશયના કેન્સરની નિશાની પણ હોઈ શકે છે
યોનિમાર્ગમાં દુખાવો અથવા બળતરા: જો તમને યોનિમાર્ગમાં ખંજવાળ અથવા બળતરા થતી હોય તો તમારે ગાયનેકોલોજિસ્ટને તરત જ મુલાકાત લેવી જોઈએ. યોનિમાર્ગમાં પીડા એ ખાલી દુઃખદાયક જ નથી પણ પેશાબ ની નળી માં ઇન્ફેકશન, બૅક્ટેરિયલ ઇન્ફેક્શન, ફૂગ નું ઇન્ફેકશન અથવા જાતીય રોગનું એક કારણ પણ હોઈ શકે છે આ બધી જ સમસ્યાઓ ની તપાસ અને તેનું નિવારણ ગાયનેકોલોજિસ્ટ ની એક મુલાકાતથી કરી શકાય છે.
પેઢુ માં અને પેટના નીચેના ભાગમાં દુખાવો : તમને કયા પ્રકારનો દુખાવો છે તે તમારે ડોક્ટરને જણાવવું જરૂરી છે. તમારો દુખાવો કાયમનો છે કે અચાનક થયેલ છે. ડોક્ટરને યોગ્ય નિદાન માટે આ જરૂરી છે. એકદમ વધારે અચાનકથી થયેલ પેઢુનો દુખાવો એ કોઇ ઇન્ફેક્શન, અંડાશયની ગાંઠ નુ ફાટવું અથવા તો ગર્ભાશયની બહાર રહેલ જોખમકારક પ્રેગ્નન્સી (ectopic pregnancy) ની નિશાની પણ હોઈ શકે છે. પેટમાં ભારેપણું અથવા સતત રહેતો દુખાવો એ ગર્ભાશય ની ગાંઠ ( fibroids) પણ હોય શકે છે. કાયમ રહેતા પેટમાં દુખાવાનું એક કારણ એન્ડોમેટ્રીઓસિસ(endometriosis) કે જેમાં ગર્ભાશય નું આવરણ ગર્ભાશયની દીવાલ ની બહાર પણ જોવા મળે છે. એન્ડોમેટ્રીઓસિસ ની સરૂઆત માસિકસ્રાવ વખતે દુખાવાથી થાય છે અને ધીરે ધીરે માસિક ચક્ર સાથે દુખાવો વધતો જાય છે. એન્ડોમેટ્રીઓસિસ પેઢુ માં દુખાવા સિવાય વ્યંધત્વપણુ પણ કરી શકે છે
માસિક ચક્રની વચ્ચે રક્તસ્ત્રાવ/મેનોપોઝ પછી રક્તસ્ત્રાવ : માસિક ચક્રની વચ્ચે થતો થોડો રક્તસ્ત્રાવ જોખમકારક નથી પણ જ્યારે આ રક્તસ્ત્રાવ દિવસો સુધી ચાલે અથવા તો પીડાદાયક હોય ત્યારે ગાયનેકોલોજિસ્ટને બતાવવું જરૂરી બને છે. તે યોનિમાર્ગમાં ઇજા અથવા તો ગર્ભપાત (Abortion) અથવા તો ગર્ભાશયના કેન્સરની નિશાની હોઈ શકે છે. જો તમારુ માસિક મેનોપોઝ ના લીધે બંધ થયું હોય અને રક્તસ્ત્રાવ થોડા વર્ષો પછી ફરી શરૂ થાય ગર્ભાશયના કેન્સર ની નિશાની હોઈ શકે છે
માસિકમાં અનિયમિતતા/માસિક બંધ થઈ જવું : જો તમને દર કલાકે અથવા તો બે થી ત્રણ કલાકે સેનિટરી પેડ અથવા ટેમ્પોન બદલવું પડે છે, અથવા રક્તસ્રાવ એક અઠવાડિયા કરતા લાંબો સમય ચાલે છે, તો તમારે ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લેવી જ જોઇએ. આ બધી પરિસ્થિતિ માટે ગર્ભાશય ની ગાંઠ (fibroids), ગર્ભાશય માં ચેપ અથવા થાઇરોઇડ સમસ્યા એ એક કારણ હોઈ શકે છે. જો તમને માસિક સ્રાવ દરમિયાન નબળાઇ આવે છે અથવા ચક્કર આવે છે, તો પણ તમારે ગાયનેકોલોજિસ્ટ ની અપોઈન્ટમેન્ટ તરત જ લેવી જોઈએ .અનિયમિત માસિક હોવાનું એક કારણ પોલિસિસ્ટ્રીક ઓવેરિયન સિંડ્રોમ, હોર્મોન અસંતુલન સમસ્યા (PCOD) પણ હોઈ શકે છે.
યોનિમાર્ગ સ્રાવ(vaginal discharge) : યોનિમાર્ગ સ્રાવ એ યોનિમાર્ગને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાની શરીરની રીત છે. માસિક ચક્ર પ્રમાણે મહિનાના જુદા જુદા સમયે સ્રાવની જાડાઈ બદલાય છે. પરંતુ જો તમને પીળો, લીલો, અથવા ગ્રે સ્રાવ હોય જેની ગંધ ખરાબ હોય તો ગાયનેકોલોજિસ્ટ બતાવું જરૂરી બને છે. સ્રાવમાં ફેરફાર, તેમજ યોનિની આજુબાજુ ખંજવાળ અને બળતરા એ યોનિમાર્ગના સોજા ની નિશાની છે. ખૂબ જ દુખદાયક યોનિમાર્ગ નું ચાંદુ હર્પીઝ નું ચિહ્ન પણ હોઈ શકે છે.
પીડાદાયક જાતીય સમાગમ (Dyspareunia): જીવનનો સૌથી મોટો આનંદ દુખદાયક હોવો જોઈએ નહીં. સેક્સ દરમિયાન થતી પીડાને જનન વિસ્તારમાં દુખાવો અથવા પેઢુમાં થતી પીડા કહી શકાય છે. એ માટેના સામાન્ય કારણો યોનિમાર્ગ શુષ્કતા, ચેપ અથવા ગર્ભાશય ની ગાંઠ હોય શકે છે. આ માટે ગાયનેકોલોજિસ્ટ ને વહેલી તકે બતાવી યોનિમાર્ગની જરૂરી એવી તપાસ કરી કારણ શોધવા નો પ્રયત્ન કરી શકાય .
પેશાબની સમસ્યા: પેશાબની સમસ્યા એ પેઢુના સ્નાયુઓની સમસ્યાઓના લક્ષણ હોઈ શકે છે. પેઢુના સ્નાયુઓને આધાર આપતી પેશીઓ ક્ષતિગ્રસ્ત અથવા નબળી પડી જાય છે(પ્રોલેપ્સ), આવું ઘણીવાર બાળજન્મ (નોર્મલ ડીલેવરી)ને કારણે થાય છે. જો સ્નાયુઓ નબળા હોય, તો ગાયનેકોલોજિસ્ટ પેઢુ/યોનિમાર્ગ ના સ્નાયુઓને મજબૂત કરવા માટે, પેલ્વિક કસરતો, જેને Kegels એક્સરસાઇઝ પણ કહે છે, તે કરવા સૂચવી શકે છે