DEVALI - 8 in Gujarati Fiction Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | દેવલી - 8

Featured Books
Categories
Share

દેવલી - 8

.....ગોરી ગોરી કલાઈવાળા સુંદર હાથ હતા.નરોતમના જમણા પગ પર દેવલીનો હાથ ધીરે ધીરે ઢીંચણ સુધી સરકવા લાગ્યો.સરકતા હાથ પરની કંગનની ઘૂઘરીયો ખનન...ખનન...થતી હતી.જીવણ પોતાની હોંશિયારી દાખવતો સહસાજ કૂદવા ગયો.પણ,દેવલીનો તે હાથ સર્પેણ પેઠે કૂદયો ને જીવણનો તે પગ દોઢેક ફૂટ હવામાંજ સ્થિર થઈ ગયો.એકદમ શ્યામ ને કાળી મજજર રૂંવાટીથી તે હાથ પર પાતળી ગરુડવેલ ફૂટવા લાગી.તે વેલ ચિતાવરી વેલની જેમ દેખાતી હતી પણ,જાણે જીવણો સર્પ હોય અને તેનો શિકાર કરવા મથતી હોય તેમ ગરુડ વેલ તેના પગે વીંટળાઈ વળી.એકદમ ગરુડવેલની ફરતે રુવાંટી ઊગી નીકળી.દેવલીનો હાથ હવે હાથ નહોતો રહ્યો પણ,રુવાંટીથી ભરેલું જાણે કાળું મજજર થડ જોઈ લો.! અને થડ પર કાળી-કાળી રુવાંટી દિવેટીયુંની માફક ગુંચડો બની ચીપકાઈ ગઈ હતી.
જીવણાનાં ડોળા બ્હાર આવી ગયા.તેનો બીજો પગ પોલિયો વિના જાણે અપાઈજ થતો હોય તેમ ચુસાતો હતો.નસો જાણે તેનું લોહી ચુસતી હોય તેમ જમીન પરનો પગ સુકાવા લાગ્યો.નેતરની સોટી જેવો આખો પગ થઈ ગયો.ઠેરઠેર હાડકાના ચોસલા ઉપસી આવ્યા.નેતરની સોટી પર જાણે બરફના નાના-નાના ચોસલા કોઈએ ફેવિકોલથી ચીપકાવ્યા હોય તેમ આખા પગ પર હાડકાના ચોસલા ઊપસી આવ્યા.હવામાં રહેલા પગ પર પણ,છેક ઢીંચણ લગી કાળી રુવાંટી ઉપસી આવી.પગમાંથી રુવાંટીના દોરાઓ ફૂટી ફૂટીને ગુંચ બની વીંટળે જતા હતા.ડાબો હાથ પણ ધીરે-ધીરે ચૂસાવા લાગ્યો.ડાબી આંખમાં કીકી સફેદ બની ઝગારા મારવા લાગી.આંખોએ જાણે નવું રૂપ લીધ્યું હોય તેમ કીકી સફેદ અને ફરતું પડળ કાળું મેશ થઈ ગયું.પાંપણો લીલી-પીળી થઈ ગઈ.જોઈનેજ ચીતરી ચડી જાય તેઓ બિહામણો અને ભયાનક જીવણો દેખાવા લાગ્યો.નરોતમ તો આભો બની ગયો.જીવણાને જોઈને તેની આંખો ઉભરાઈ આવી.પણ,આ શું?.. રક્તની ધારાઓ આંખેથી વરસવા લાગી.તેના શરીર પરથી એક એક રૂંવાટીના મૂળમાંથી પાણીની ધાર થવા લાગી......
...દેવલી....દેવલી મને માફ કરી દે.મે કંઈ નથી કર્યું...હું તારા કાકાની વાતમાં આવી ગયો હતો.પણ, હવે મને ભાન થયું.....તું કેહ તે હું કરીશ....(જીવણો ચુસાતા જતા શરીરમાં પ્રાણ પૂરવા મથતો હોય તેમ દેવલીને આજીજી કરવા લાગ્યો.)
દેવલી તેની વાત સાચી છે કે...હા, મેં તારી સાથે દગો કર્યો છે અને બહુ મોટી ભૂલ કરી છે.પણ, તારી હત્યા ને ઘોર કુકર્મ તો મેં નથીજ કર્યું.જરૂર એ આ જીવણાનુંજ પાછલા બારણે કામ છે....
દેવલીથી બચવા અને પોતાની થઈ ગયેલી ભૂલને માફ કરવા નરોત્તમ અને જીવણો એકબીજા પર દોષનો ટોપલો નાખવા લાગ્યા.
સપાટ જમીન પર તગતગતી બે આંખોજ જાણે દેવલી હોય તેમ તેના ભણી નજરો નાખી જીવણો અને નરોત્તમ કાકલૂદી કરવા લાગ્યા...
તમે મને આ દશામાં લાવીને મૂકી છે તો,તેનો રસ્તો પણ, તમારેજ લાવવો પડશે.પણ,હા બીજું હું જે કહું તે મારું કહ્યું કરવું પડશે.મારા હત્યારાને જીવણા તું સારી પેઠે જાણે છે અને તેને તારેજ પાર ઉતારવો પડશે.
હા....મારી મા...હા.. દેવલી હું ભાન ભૂલ્યો.એક કુંવારકાનો આવો ઘાત કરવાનો વિચાર વિચાર મને સૂજ્યો તેજ મારા સાત જન્મોનું પાપ છે.હું તું કહીશ તે સઘળું કરીશ.બસ મને છોડી દે.મારા ખોળિયાને બક્ષી દે.તારા મનનો પડ્યો બોલ હું ઝીલીશ.
અફાટ રણમાં બે દેહ પાણીના એક બુંદ માટે તરસતાં-તડપતા ને કિકિયારીઓ કરતાં હોય તેમ,ભરી વસ્તીમાં બે દેહ આસપાસની દુનિયા ભૂલીને સોંસ પડતાં...શ્વાસના એક એક બુંદ માટે આજીજી કરતા હતા.
દેવલીના હાથ જમીનમાં પાછા ભરાવા લાગ્યા.જીવણોને નરોત્તમ સાધારણ દેહમાં પરિવર્તિત થવા લાગ્યા.બંનેના મુખ પર પુનર્જન્મ પામ્યાનો આનંદ વર્તાવા લાગ્યો.બળબળતા ઉનાળામાં પીગળતા બરફની હાથ પીગળવા લાગ્યા.જમીન પર નાગણ સમી ફેલાયેલી વિશાળ ભ્રમરો સિમેટાવા લાગી.....પીંગળતી જતી બે આંખોને નરોતમ સહસાજ પૂછી વળ્યો....
.... દેવલી તારો પડ્યો બોલ અમે ઝીલીશું.આજથી તુંજ અમારો શ્વાસ ને તુંજ અમારો દેહ.નામ અમારાને આ ખોળિયું ને ખોળિયાંના ધબકારા તારા.પણ, જતાં જતાં તારા બે આત્માઓનું રહસ્ય તો કહેતી જા....
નરોતમ....(દેવલીને જાણે હવે આ જણ સાથે કોઈ સંબંધ ના હોય તેમ કાકાને નામ દઈને બોલી) આ આત્મા તો દગાથી માર ખાઈ ગયેલા દેહનો છે અને તમે જે સ્વર્ગે મોકલ્યો તે તો પવિત્ર છે.તે આત્મવિશ્વાસના શ્વાસોથી ધબકતો ને હજુએ સંબંધોથી વીંટળાયેલો છે.તે તો ગગનમાં વિહરે છે.ત્રણ દિવસની વાટ જોતો..કુદરતનો નિયમ છે કે કોઈ આત્મા પવિત્ર સંબંધો અને વિશ્વાસની માયાજાળમાં ફસાઈને સ્વર્ગે વિહાર કરવા આવે અને તેનું ખોળિયું તેની જાણ બહાર ખંખેરી લેવામાં આવે ત્યારે, તે ખોળિયામાંથી એક બીજો આત્મા ઉત્પન્ન થાય છે.જે આત્મા તે દેહનોજ હોય છે પણ,તે દગા અને સંબંધોની ઘાતથી મરણ પામેલ હોય છે.અને તેમાં બદલાની ભાવના સિવાય કંઈ નથી હોતું.તમારા થકી મારો બદલો પુરો થતાંજ હું નાશ પામીશ.પણ,તે પવિત્ર આત્મા કોઈક ખોળિયાની લાલસા રાખતો ભટકે જશે.કેમ કે તેતો મરણ પામ્યોજ નથી હોતો..! તે ના તો સ્વર્ગ-નરકમાં જઈ શકે છે કે,ના તો ધરતી પર રહી શકે છે કે, ના તો પછી બીજો જન્મ લઈ શકે છે.તે જેવો હોય તેવું ખોળિયાની ખોજમાં ભટકતો રહે છે અને તમારા જેવા અઘોરીઓ આગળ જઈને તે કોઈપણ ખોળિયામાં તેનો આત્મા પૂરવાની વિનંતી કરે છે.
અને બસ તમારે પણ,મારા બદલાની ભાવના પૂર્ણ થાય એટલે તે આત્માનું પ્રતિરોપણ ક્યાંક કરવું પડશે.તમે બંનેએજ મારી આ હાલાતની શરૂઆત કરી છે પણ,મારો તે પવિત્ર આત્મા ફરી પાછો આવે ત્યારે, તમારા બંને થકીજ તેને ફરી ખોળિયું મળી શકે તેમ છે એટલેજ તમારી જિંદગી બક્ષુ છું.પણ,જો તમે એ આત્માને પણ દગો કરશો તો,પવિત્ર આત્મા તો દુષ્ટ આત્મા કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે.અને તે પવિત્ર આત્મા જ્યારે દૃષ્ટતાનું રૂપ ધારણ કરે છે ત્યારે તેની ભયાનકતા ખૂબજ દુષ્ટ હોય છે.હું તો તમારો બદલો પુરો થતાં સઘળું ભૂલી જઈશ.પણ,તે પવિત્રતામાંથી દુષ્ટતાનું ખોળિયું ના ધારણ કરે એ તમારા તેના પર કરેલા વ્યવહાર પર નિર્ભર રહેશે.તે માટે તમારે શું કરવું તેની એક વિદ્યા તમારે શીખવી પડશે.બુરાઈઓની બદી સામે હારીને સત્યવાદી પણ, આક્રમક બને છે.અને દાનવો સામે લડવા માટે દેવો પણ ક્યારેક દાનવોની કૂટનીતિ અપનાવવા મજબૂર બને છે.તેવીજ રીતે પવિત્ર આત્માને પણ છંછેડવામાં આવે તો દુષ્ટતાનો મુખટો ઓઢતા પળનો વિલંબ નથી કરતો.
ના, ના હો દેવલી ! તારા પવિત્ર આત્માને અમે ક્યારેય દુષ્ટ બનવાના પરિબળો ઉભાં નહીં કરીએ.અમે તારી અને તારા સ્વર્ગે વિહાર કરતા પવિત્ર આત્મા બંનેની ઇચ્છાઓ પૂરી કરીશું.
હા,તમારી મરજી ન હોય તો પણ કરવું પડશે.નહીંતર પરચો તો તમને મળીજ ગયો છે
દેવલીની આંખો સપાટ જમીન પર પટ પટ થતી વાતો કરે જતી હતી.સંગીતની સુરાવલી જેમ સ્પીકરમાંથી પડઘો બની પડઘાય છે તેમ, દેવલીનો અવાજ અવકાશમાં આંખોમાંથી ધ્વની બની ગુંજતો હતો.
પહેલા તો તમારે કંકાવતીને મારવાની છે.દેહ તેનો શબ બનેલો પણ,આત્મા તેનો ભટકતો.આજ રાત્રેજ તમારે તમારી જે વિદ્યા વાપરવી હોય તે વાપરજો અને જે તાકાત દેખાડવી હોય તે દેખાડજો પણ,મારે તો કંકાવતી ના તો સ્વર્ગમાં વિહરે કે ના તો નરકના દ્વાર તેના નસીબમાં લખાય તે જોઈએ છે.બસ આ માયાવી દુનિયામાં તે ઠેર ઠેર ખોળિયા માટે ભટકતી રહે.તેની આંખો સામેજ સૌ તેના પોતાના ફરે છતાં, જન્મોજન્મના જોજન દૂર તે તેમનાથી તરસે.સંબંધોના તોરણના મોતી તોડવાની શરૂઆત તેને કરી છે.તો,તે સંબંધની માળાનો એક એક મોતી તેનો અદ્રશ્ય આતમ રોજ જોઈને પસ્તાતો ભટકતો ફરે.મારા આ હાલ કરનાર એક એકને હું તડપતા,તરસતા ને ભટકતા આ બે દાડામાંજ જોવા માગું છું.
કંકાવતી....?. આ શું બોલે છે તું દેવલી ? એતો તારા સર્જનનું ધામ છે.ખુદની માતાને આમ, તડપાવી તડપાવીને ભટકતી કરવાના અભરખા તને કેમ જાગ્યા ? તારા મોત માટે તેનો શું વાંક ?
હા,નરોતમ...મારીજ માં કંકાવતીની હું વાત કરું છું.દેવલીની બે તગતગતી આંખોમાંથી આંસુડાનાં રેલા ધરા પર પથરાવા લાગ્યા.આતમના આંસુડાની વરસોથી તરસી ધરા આ ભાર ના ઝીલી શકી.એકાએક ધરા કંપી ઉઠી.નરોત્તમ અને જીવણો ધ્રુજી ગયા.પરસેવાના બુંદ બુંદ ઉપસી આવ્યા.
રડતી દેવલીની આંખો સામે માં તરવળવા લાગી.તામ્રવર્ણ વીશાળ ને લાબું લલાટ.લલાટ પર લાલચોળ કંકુનો મોટો ચાંદલો.ભરાવદાર ચહેરો,વર્ષો ગળી જઈને પ્રૌઢવસ્થાને જાળવી રાખતી તેની સાઠની કરચલીઓ ક્યાંય નજરે ન દેખાડતું મુખડું,સાડા છ ફૂટ ઊંચુ કદ,મર્દની ભૂજાઓને પણ શરમાવે તેવી ભૂજાઓ,કાન પર સોનુ વાડ પર વાલોળ લટકે તેમ લટકતું હતું,નાકમાં મોટી નથણી,ગળામાં ઓહળી,પગમાં કોબીયું,કેડે રૂપાનો કંદોરો,માથાને ભરાવો લઇને બાંધેલો અંબોડો,ખૌફથી ભરપૂર ભરેલું લાગતું તે રૂપ અંદરથી સાવ મૃદુ હતું.
દેવલી માટે ભરપૂર સ્નેહ નિતરતો.મોટી કરતાં પણ દેવલીને ઝાઝું કરિયાવર દેવા જિંદગી ખર્ચી નાખી હતી.દેવલી ભણીને આગળ વધે તે માટે સમાજથી દૂર રહીને દેવીના હર સપના પરષોત્તમની સાથે ખભે-ખભો મિલાવીને પૂર્ણ કરવા સઘળું જીવતર બલિદાન પર મૂકી દીધું હતું.આટલા વર્ષો લગી કાળજે પથ્થર રાખીને કાળજાનો ટુકડો પરદેશ પોતાનાથી દુર રાખ્યો હતો.દૂર રહીને ભણતી દેવલીનું ગામનું અને સગાં-નાતીલાનું હરેક મનેખ દેવલી કહીને ઓળખતું ને બોલાવતું.પણ, તેતો દેવલ સિવાય હરફ ના ઉચ્ચારતી.
દેવલ તારા માટે સોનાની કડીયું કરાવી છે,દેવલ તારા માટે ઝાંઝર,કોબીયું ને ઓલું શહેરનું તને ગમે છે તે ડીમાંડનું નિકલસ પણ બનાવડાવ્યું છે.દેવલ મારા કાળજાના ટુકડા,મારા હૈયાના કટકા...તારે ક્યાંય હાથ લાંબો ના કરવો પડે માટે શહેરમાં દીકરીને દેવાતો હર ચીજનો કરિયાવર ઠોસી-ઠોસીને ઓરડે ભર્યો છે.અને દેવલના વિદાયના વિચાર માત્રથી તેની આંખોમાંથી દડદડ કરતા ફોરાં જેવડા આંસુડા ટપકી પડતાં.
આખો દી દેવલ દેવલ ને દેવલજ.સવારનો પહેલો હાદ અને રાતના શમણાંનો કંકાવટીનો પહેલો ખ્યાલ એટલે દેવલ.શહેરથી આવી ત્યારથી કંકાવટી દેવલને જાણે બાળપણથી ના આપેલી માની મમતા એક સામટી આપી દેવા મથતી હોય તેમ,એક પળ તેને આંખોથી ઓઝલ ના કરતી.અને આ વ્હાલની હેલી....
...વ્હાલની હેલી નરોતમ સારી પેઠે જાણતો હતો.તેનું મન વિચારોના ચકડોળે ઘુમરાવા લેતું હતું.દેવલી કેમ કંકાવટીની સાથે... પોતાની ભોજાઈ સાથે અરે તેની ખુદની મમતા સાથે આવું ક્રૂર કરવા કહે છે એને તે સમજાતું નહોતું.પણ, હા તેને એટલો ખ્યાલ આવી ગયો કે દેવલીના આવા ક્રૂર મોત માટે એ કે જીવણો બેજ જવાબદાર નથી.તેની જાણ બહાર પણ,આ રહસ્યનો મધપૂડો બહુ દૂર સુધી વિસ્તરેલો છે તે તેને દેવલીની આ કંકાવટીની વાત પરથી કળતા જરાય વાર ન લાગી.હવે તો તેના પગ તળેથી પણ જમીન સરકવા લાગી હતી.પણ,આ દેવલીનો હમણાં મળેલો પરચો આંખ સામે તાદ્રશ્ય થઈને તરવળતાજ તેના ગાત્રો થીજી જતાં.આંખ સામે જીવણાનો હમણાં જે હાલ થયો હતો તે વિચારીનેજ છઠ્ઠીનું ધાવણ યાદ આવી ગયું.
હવે છટકી શકવાનો કંઈ રસ્તો નહોતો અને આ દેવલીના આતમની મહેચ્છા પાર પાડીનેએ તેને દૂર દૂર ક્યાંય સુખનો કે હાશનો ઓડકાર નહોતો દેખાતો.આ આતમની સાંકળથી છૂટ્યાં કે તરતજ પવિત્ર આતમની હથકડીમાં આપોઆપ તેના કર બંધાયેલા તેની નજરો સામે તરવરવા લાગ્યાં.બન્ને હાલાતોમાં ખતરાનો પાર નહોતો પણ, બચી શકવાની આશાઓ ઘણી હતી.અને તેને જીવણાને કંકાવતીને કઈ રીતે પોતાની જાળમાં ફસાવવી તેની ગુપસુપ કરતા કહ્યું...હમણાંજ હું કંકાવતીને...

( શું કંકાવતીએજ પોતાની દીકરી દેવલીને મોતને ઘાટ ઉતારી હશે ? શું બન્યું હશે એવું તે એક માને આટલું ક્રૂર થવું પડે ? કેટલી આત્માઓને દેવલી દેહ વિનાની ભટકતી કરશે ? અને દેવલીની સાથે બળાત્કાર જેવું કૃત્ય કોણે કર્યું હશે ?... તે જાણવા આગળના રવિવારે વાંચવાનું ભૂલતા નહીં ..હોં કે વહાલા મિત્રો...)