કૉલેજ કાળ એટલે મોજ, મસ્તી ઍન્ડ ફૂલ ઑન ધમાલ જેની યાદ જીવનભર હદયના એક ખૂણે સચવાયેલી હોઈ છે પરંતુ એવું નથી આ યાદોના પીટારા માં માત્ર સુંદર અને મધુર યાદો જ સચવાયેલી હોય ક્યારેક કડવી, ખરાબ તો ક્યારેક ભયજનક યાદો પણ પુરાયેલી હોય છે. હા, આજે અહીં એક ભયજનક યાદ જે મેં એક પરિચિતના મુખેથી સાંભળી હતી તે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહી છું. જે સત્ય ઘટના પર આધારિત છે.
આ વાત આશરે પાંચેક વર્ષ પહેલાંની છે. મારા એક પરિચિત તેના કૉલેજ ના મિત્રો સાથે મહારાષ્ટ્ર અને ગોવા ની બૉર્ડર પર આવેલાં દાપોલી પર પિકનીક માટે ગયાં હતાં. દાપોલી તેના સુંદર અને શાંત દરિયાકિનારા માટે વખણાય છે. આજે આ એક મહત્વનું પર્યટન સ્થળ બની ગયું છે પરંતુ પાંચ વર્ષ પૂર્વે તે હજી નવું નવું જ હતું. આશરે 20 જણ નું ગ્રુપ અહીં આવ્યું હતું તેઓ બે ત્રણ દિવસ માટે અહીં રોકવાના હતા. હોટલ પણ દરિયાકિનારા ની નજીક મળી હતી એટલે અહીંથી મન ફાવે ત્યારે દરિયાકિનારે નીકળી પડાય એવું હતું. દાપોલીની આ સત્ય કહાનીને આપણે આ પરિચિત ના મુખે થી જ સાંભળીશું તો વધારે મજા આવશે.
" મારા તમામ મિત્રોની ઉંમર ૨૦ ની આસપાસ હતી એટલે કે આ એજ ઉંમર કહેવાય જ્યારે માણસના પગ તો ઘરમાં રહે જ નહીં અને સાથે મગજ પણ ભટકયાં કરતું હોય. આ એજ ઉંમર છે જ્યારે કૉલેજકાળ પણ પૂરો થવાનો હોય અને કોઈ રહી ગયેલા અને પછી પાછા કદાચ પુરા કરવા ન મળશે એવા શોખ પુરા કરવાની ઈચ્છા અંતર માં ઉછાળા માર્યા કરતી હોય છે. મારા આ મિત્ર સર્કલમાં ત્રણ ખાસ ફ્રેન્ડ ભાવિક, વર્ષા અને દિનેશ હતા. તેઓ બહાર પણ સાથે જ ફરવા જતાં. અજાણ્યો વિસ્તાર હોવાથી તેઓ એકબીજાની સાથે રહેતાં જો ગમે ત્યારે કોઈ મુશ્કેલી આવે તો પહોંચી શકાય. પરંતુ અમને ક્યાં ખબર હતી કે આ મુશ્કેલી ભયાનક રૂપે તેમની નજીક આવવામાં જ છે. જે તેમને જીવનભર માટે એક બિહામણી યાદ ભેટ રૂપે આપી જશે.
દાપોલીમાં પહેલો દિવસ હોવાથી આખો દિવસ હોટલ જોવામાં અને હોટલમાં ક્યાં ખૂણેથી શું નવું જોવા મળે છે તેને શોધવામાં, હોટલના ગાર્ડનમાં ફોટો પાડવામાં અને દાપોલીની હોટલની સામે આવેલા દરિયા કિનારે ફરવામાં જ નીકળી ગયો. સુંદર અને શાંત દરિયાકિનારા પરથી સનસેટ જોવાની મજામાં આવી ગઈ. હવે સૂર્ય પાણીમાં ડૂબી ગયો હતો જેથી આકાશનો રંગ પણ હવે બદલાઈ રહ્યો હતો ઠંડો પવન ફૂંકાતો હતો અને થોડો સમય અહીં જ બેસીને દરિયા કિનારાનો આનંદ લેવાનું મન થઇ ગયું. અને અમે ચાર પાંચ મિત્રો અહીં જ ગોઠવાઈ ગયાં. માંડ પ્રકૃતિ ને માણવાનું શરૂ કર્યું હશે ત્યાં પાછળથી સિટીનો અવાજ આવ્યો. પાછળ ફરીને જોયું તો અમારી હોટલનો વોચમેન એક હાથમાં લાકડીને અને બીજા હાથમાં સિટી વગાડતો વગાડતો અમારી નજીક આવી રહ્યો હોય અને જાણે કહી રહ્યો હોય કે અહીંથી ઉભા થઇ જાવ અને કિનારો ખાલી કરી નાખો. ખેર, અમે તો મુંબઈની કોલેજમાં ભણતાં વિધાર્થીઓ એટલે થોડા નફ્ફટ જ. કૉલેજ માં પણ અમને સાંજે વૉચમેન આવી રીતે જ ભગાડતાં અને ઘરે મોકલતાં એટલે અમે હોટલના વૉચમેન ની સિટી ને સાવ અવગણી જ નાખી. વૉચમેન નજીક આવ્યો અમે અંદરોઅંદર ઈશારો કરીને વાત કરી કે અત્યારે આપણે જતાં રહીએ પછી પાછા આવીશું. વૉચમેન આવ્યો તેણે કહ્યું,પ્લીઝ, સર તમે લોકો હોટલમાં ચાલો. હવે રાત્રી થવામાં છે અહીં હવે રોકાવું સેફ નથી. અમે કહ્યું ઑકે. ચલો હોટલ પર. વૉચમેન આગળ ચાલતો રહ્યો અમે તેની પાછળ પાછળ નીકળ્યાં. રસ્તામાં અમને ટાઈમપાસ કરવાનું મન થયું એટલે અમે ટીખળ કરવા વૉચમેન ને પૂછ્યું કે અંકલ તમે કેમ એમ કહ્યું કે અહીં રાત્રે રોકાવું સેફ નથી તેણે ત્યારે કંઈ વધુ કહ્યું નહિ માત્ર એટલું જ બોલ્યા કે સર અહીં રાત્ર થાય તે પૂર્વે અમે અમારા ગેસ્ટને પાછા હોટલ પર બોલાવી લઈએ છીએ. અમને તેનો ઉપરથી ઑડર છે. અમને થયું કે કંઈક ઇન્ટરેસ્ટિંગ છે મજા આવશે થોડી વધુ ઇન્ફોર્મેશન કઢાવીએ ટાઇમપાસ થશે. અમે અંકલની કહ્યું કે અંકલ પ્લીઝ અમને સાચું કહો અમને ડર લાગે છે. વૉચમેનને જાણે અમારા ઈરાદા ની ખબર હોય તેમ તેઓ માત્ર એટલું જ બોલ્યા કે જુઓ સર, રાત્રીના સમયે કોઈપણ એકાંત સ્થળે વધુ સમય રહેવાનું ટાળવું જોઈએ ભલે એ કોઈ હાઇવે હોય કે પછી દરિયાકિનારો એમાં પણ જો તે જગ્યા જાણીતી ન હોય તો વધુ સચેત બનીને રહેવામાં જ શાણપણ છે. મારા અન્ય મિત્રોનું ખબર નહિ પરંતુ મારા હાથની રૂંવાટી તે સમયે ઉભી થઇ ગઇ હતી ખબર નહિ એ ત્યાંની ઠંડી હવાને લીધે કે પછી તે વૉચમેને આડકતરી રીતે આપેલા સંકેતના લીધે ઉભી થઇ ગઇ હતી? પરંતુ એક વાત તો સો ટકા સાચી કે જ્યારે વૉચમેન અમને ચેતવી રહ્યા હતા ત્યારે તેમની આંખ અને શબ્દોમાં એક ડર, ચિંતા અને ગભરાટ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. અમે મિત્રો કોઈપણ વાતચીતમાં પડયાં વિના સીધાં જમીને રૂમમાં જતાં રહ્યાં. આવી બધી વાતો સાંભળીને ભલા કોને ઉંઘ આવવાની હતી તેમછતાં સુવાનો પ્રયત્ન કર્યો. થોડી વાર એમજ આંખ બંધ કરીને સૂતો રહ્યો કે હમણાં ઉંઘ આવી જશે પરંતુ ક્યાંથી આવે. વૉચમેન ના શબ્દો કાને ફરી રહ્યા હતાં આખરે હું બેડ પરથી ઉભો થઇ ગયો મારો રૂમ પાર્ટનર ભાવિક જે મારી સાથે આ વાર્તાલાપ નો સાક્ષી હતો તે રૃમમાં હતો નહીં મેં ટોઇલેટ નો દરવાજો જોયો તો તે ખુલ્લો જ હતો એટલે તે અંદર પણ ન હતો. મેં તરત તેને ફોન લગાડ્યો. પરંતુ ફોન પર રિંગ જ જઈ રહી હતી. મનમાં ગભરાટ સતત વધી રહ્યો હતો શરીર પર પરસેવો ફરી વળ્યો હતો. હમણાં રૂમમાંથી ભાગીને બહાર જતો રહું એવું વિચાર્યું. ભગવાનના નામનું રટણ ચાલુ કરી દીધું કેમ કે રાત્રીના બે વાગેલા હતાં એટલે આ સમયે ભાવિક કોઈના રૂમમાં ગયો હોવાની શકયતા પણ નહતી અને કદાચ ગયો હોત તો મને કહીને ગયો હોત અથવા તો મેસેજ કર્યો હોત. આ જ બધાં વિચારમાં હું ક્યારે રૂમની બહાર નીકળી ગયો તેનું ભાન પણ ન રહ્યું મેં મારી બાજુની રૂમના દરવાજા ખખડાવ્યાં. મારા કૉલેજ ના બે વિદ્યાર્થી રૂમમાંથી બહાર આવ્યાં મેં તેમને સમગ્ર વાત કહી એટલે તેઓ મારી સાથે ભાવિક ને શોધવા હાથમાં ટોચ અને લાકડી લઈને હોટલની બહાર નીકળી પડયાં. વૉચમેન અને હોટલના અન્ય સિક્યોરિટી ગાર્ડ પણ ભરનિદ્રામાં હતાં. અમે ધીમે ધીમે હોટલની બહાર નીકળયા. થોડા પગલાં માંડ ચાલ્યા હશે ત્યાં સામેથી ભાવિક, વર્ષા અને દિનેશ અમારી તરફ ભાગીને આવી રહ્યાં હતાં તેઓની ભાવમુદ્રા જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓએ કંઈક અજુગતું જોઈ લીધું છે. અમે કંઈક વિચારીએ અને બધું પૂછીએ તે પહેલાં તો વર્ષા અમારી પાસે આવીને ચક્કર ખાઈને પડી ગઈ. મારો રૂમ પાટર્નર ભાવિક અને મિત્ર દિનેશ ની હાલત પણ હમણાં બેભાન થઈ જશે એવી હતી. આટલો ડર મેં તેમનાં ચહેરા પર ક્યારે નથી જોયો અમે તેમને માંડ હોટલ સુધી લઈ ગયાં મારી રૂમમાં બેસાડ્યા હવે તેઓ સેફ છે તેની ખાતરી આપીને તેમને પાણી પીવડાવ્યું. શાંત કર્યા અને સમગ્ર ઘટના વિશે પૂછ્યું જ્યારે તેઓએ બોલવાનું શરૂ કર્યું અને તેમનાં મોઢામાંથી જે શબ્દો નીકળ્યાં તે સાંભળીને અમને પણ ગભરાટ છૂટી ગયો. વાત ને પહેલાંથી શરૂ કરતાં ભાવિક બોલ્યો કે હું રાત્રે.....
(હવે આગળ શું થયું તે આવતાં ભાગમાં વાંચો...)