I Broom in Gujarati Short Stories by Anya Palanpuri books and stories PDF | હું સાવરણી

Featured Books
Categories
Share

હું સાવરણી

“ઓ...ઓ...ઓ...એક મિનિટ... એક મિનિટ. જરાક પગ ઊંચા લો, તમારા પગ નીચેથી કચરો લઈ લઉં.”

“અરે...આમ શું જોઈ રહયા છો મારી સામે? મને ખબર છે કે હું અત્યંત પાંખેદાર છું, પણ અત્યારે મને કામ કરવા દો.”

“હાશ... હવે આવો!! ઓસરી મસ્ત સાફ થઈ ગઈ. પધારો...પધારો!!

“અરે હજુ મારી સામેથી નજર નથી હટતી? મને ઓળખી કે નહિ?

“હે? અરે હું સાવરણી. કુંવરબાના ઘરની સાવરણી”

“આજે થોડી અલગ લાગુ છું ને? હમમ... હજી જુનીની જગ્યાએ મને આવ્યે વરસ જ થયું છે”

“અમારા મેડમ?...હમણાં આવશે. એટલીવાર બેસો તમે.”

“કેમ છો તમે? આ પહેલા ક્યાં હતા?” મહેમાનથી ભૂલથી પુછાઇ ગયું.

“ઓહોહો... તમે તો આત્મકથા વાળો પ્રશ્ન પૂછી લીધો, તમારી પાસે સમય છે એટલે શરૂથી શરૂ કરું છું.”

“વર્ષો પહેલાની આ વાત છે. સુરાઉ ઝાડ પર હું અને મારા પરિવારજનો રહેતા હતાં. અચાનક જ કોઈ નિર્દયીએ અમારા હસતાં-રમતાં પરિવાર પર કુહાડીના ઘા કર્યા અને અમારા પરિવારને તહસ-નહસ કરી નાખ્યો. મને ભાન આવ્યું ત્યારે કોઈ ખટારામાં દટાયેલ હતી. મારા જેવા કેટલાક બેઘર પરિવારનાં સભ્યો મારી સાથે પડેલ હતાં. લગભગ બધા જ મારા જેટલા જ દુખી. દસેક દિવસનાં રઝળપાટ પછી પાલનપુરના જામપુરા વિસ્તારમાં પહોંચી. ત્યાં હું મારા જ ઘરના સભ્યોને શોધતી હતી. એટલામાં જ ઘનાભાઈનો હાથમારી કમર પર પડ્યો. મને એમની દાનત સારી ન લાગી. મેં વિરોધ કર્યો, પરંતુ આખરે તેમની મુઠ્ઠીમાં મારે હિમ્મત હારવી જ પડી. મારા જેવી બીજી કેટલીય દુખિયારીઓને એમણે એકબીજા સાથે બાંધી. પાછળની બાજુ તાર વીટ્યા, પછી એના પર ચમકદાર પ્લાસ્ટીકની પટ્ટી. અમે હજુ પણ લડતમાં હતાં. બે-ચાર એમના હાથમાંથી લપસીને નીકળ્યાં પણ ખરા, પણ અમારા નસીબ એટલા ખરાબ કે અમને તેણે જકડીને રાખ્યા. આખરે અમે બંધાયા. બે ચાર વાર ખંચેરાયા. અમારામાંથી ધૂળ દૂર થઈ. અમે એમના તૈયાર થયેલ ડિસ્પ્લેમાં ગોઠવાયા અને અમને ખરીદવા માટે સામે સ્ત્રીઓની લાઇન લાગવા લાગી.

“ લો...બેન” મને સામે ઊભેલી એક જાડી સ્ત્રીને સોંપાઈ. એનું મોઢું જોઈને જ મારા તો હોંશ ઊડી ગયાં. એણે મને બે-ચાર વાર હવામાં ફંગોલી. મારા વાળ ખુલ્લા થઈ ગયાં. બે-ચાર પાંખો તો નીચે પડી ગઈ. પછી મને માટીમાં ફેરવીને તપાસાઈ. ફરીથી મારા માથામાં ધૂળ-ધૂળ.

“હે ભગવાન... આ જાડીથી છુટકારો મળે તો સારું.” એવું હું વિચારતી જ હતીને એ જાડીએ મને બાકીની સાવરણીઓની ઉપર ફેંકી. મારી કમર ફરી પાછી તૂટી. માંડ-માંડ ઊંચું જોયું. એ જાડી બોલી “બહુ પાતળી છે...પાંખો બરાબર નથી. થોડી જાડી અને ભરેલી બતાવોને??” મને એ જાડી પર જોરદાર ગુસ્સો આવ્યો. મન તો એવું થયું કે એ જાડીનાં પછવાડા પર બે-ચાર વાર કુદકા મારી આવું!!

“ખૈર!! સારું થયું એના હાથમાં ના ગઈ, નહિતર એ મને રૂપાળીને પીંખી નાંખત!! હું ફરી પાછી મારી રોજની બેઠક પર આવી ગઈ. દિવસો પસાર થવા લાગ્યાં. અમને રાખવામા આવતી જગ્યાએ તમે અડધી મિનિટ પણ તમે ન રહી શકો. એમાય ઢગલામાં સૌથી નીચે પડેલાઓની તો ગૂંગળાઈને હાલત ખરાબ થઈ જાય. રાત્રે અમારા ઉપર ઉંદરો, કુતરાઓ અને બિલાડીઓ પકડ-દાવ રમતા હોય છે. કૂતરાઓ કોઈ-કોઈક વાર હલકો વરસાદ પણ કરી જતાં હોય છે. અને ગાયોનું તો કહેવું જ શું? ગાયોનો તો અમે ડાયટ ખોરાક હોઈએ તેમ પહેલા ટેસ્ટ કરે, પછી મોઢું બગાડે અને છેલ્લે અમને ખાઈ જાય. મારી ઘણીય બહેનપણીઓને મેં ગાયોને મોઢે ચવાતી જોઈ છે. શરીર કંપી જાય છે બાપ!! દસેક દિવસની આ યાતનામાથી પસાર થયા પછી, એકવાર મેડમ અમારી ખરીદી કરવા આવ્યાં. મારી પહેલા એમણે બે-ચાર સાવરણીઓ જોઈ, પણ એમની નજર મારા પર જ ફરી. હું શરમાઈ. અમારી આંખો મળી. તેમને હું, અને મને તેઓ ગમી ગયાં. મને હાથમાં લઈ તેઓએ એકાદ-બે વાર જાપટી જોઈ, આજે પહેલીવાર મને જાણે મજા આવી. તેમનાં કુણા-કુણા હાથ મારી પાંખો પર ફર્યા. મને ગલી થવા લાગી. મને મલકાતી જોઈ, તેઓ પણ મલકાયાં. આખરે થેલીમાંથી મારી સખીઓને ‘બાય-બાય’ કરતી હું અહીંયા પહોંચી.

અહીંયા આવ્યા પછી થોડા સમય માટે તો બધું નવું-નવું લાગતું હતું. નવું ઘર- નવી જગ્યા – નવો હાથ!! બે દિવસ તો મને ચેન જ ન પડ્યું. પણ અહિયાં રોજ સવારે વહેલા ઉઠવું પડે છે!! ત્યાં તો અમે એમ જ પડ્યા રહેતા. અહિયાં સવારે છ વાગે ઉઠી જવાનું, આખા ઘરમાં ઘસાવાનું. એમય વચ્ચે પાણી ઢળ્યું હોય તો સાબુ વગર જ નાહી લેવાનું. કામ પત્યુ એટલે રસોડાના પેલા ખૂણામાં ફેંકાવાનું. દિવસમાં ચાર વાર આ રીતે એક જ રસ્તા પર ચાલવાનું. ઉપર મેડમનો હાથ હોય તો બરાબર, પણ જ્યારે પેલી કામવાળો મારી ઇજ્જત પર હાથ નાખે છે, ત્યારે મને તેનાં પર સખત ગુસ્સો આવે છે. આમ-તેમ, આડેધડ મને ચક્કર આવી જાય એવી રીતે ફટાફટ ફેરવીને દિવાલોએ અથડાતી-અથડાતી મને ફેંકે. આતો મેં હિમ્મત સાચવી રાખી. પેલી સસ્તીવાળી સાવરણી હોત તો ક્યારનીય છૂટી પડી ગઈ હોત!!

“હે શું કહયું? બાકી તો જલસા ને? અરે શું જલસા!!! શરૂઆતમાં જલસા જેવુ લાગ્યું. પણ પછી જ્યારે મારો પ્રાઈવેટ સેક્ટરનાં કર્મચારીની જેમ ‘મલ્ટીટાસ્કીંગ યુઝ’ થવા લાગ્યો ત્યારે મને ભાન થયું. કેટલીકવાર તો મારે બેનના હથિયાર તરીકે પેલા વંદાઓ, ગરોળીઓને બાથ ભરવી પડતી. ગરોળીઓ તો તોય સ્ત્રીઓમાં આવે, પણ પેલા વંદાઓ તો ભારે ચીપકું!! જાણે કોઈ સુંદર સાવરણી જોઈ જ ન હોય એવી રીતે ચોંટી જાય સાલા. વળી એય બરાબર પણ કેટલીકવાર મારે સાહેબ પર પણ ત્રાટક્વું પડતું. હા...પણ એવું મહિનામાં એકાદ વાર જ સહન કરવાનું થાય!! બીજું એ કે ભોંય ફ્લોરીંગ પર ફરવા સુધીનો બરાબર પણ દિવાળી સમયે તો અમારે ઓવરટાઈમ કરીને દિવાલો અને છતો પણ સાફ કરવી પડતી. આ તો હમણાં-હમણાં અમારા સમાજની એકતાના અને અમારા સખત વિરોધનાં કારણે બજારમાં લાંબા દંડાવાળી છત સાફ કરવાની સાવરણીઓ આવી. જુઓ...પેલી દીવાલને ચૂમતી ઉભી એ સાવરણી!! હા...એ જ. એમને મોટાભાગે આવી રીતે દિવાલે સટીક ચોંટાડીને જ ઉભા રખાય છે. અમારા માટે એટલું તો સારું છે કે રેગ્યુલર થોડું વપરાવાનું છે, બાકી આવી રીતે એક જ જગ્યાએ પડ્યા રહીએ તો શરીર ફૂલી જાય!! અમારા સમાજમાં ફીટ રહેવું બહુ જરૂરી છે, નહિતર ક્યારે તમે રસ્તા પર ફેંકાઈ જાવ ખબર જ ન પડે!!

“હાશ...હવે મને થાક લાગ્યો મારી તો લાંબી રામાયણ તમે સાંભળી. હવે, તમે પણ કાઇંક તમારા વિશે જણાવો.”

એટલામાં જ મેડમનો હાથ સાવરણી પર પડ્યો.

“અરે...અરે...મેડમ...બે મિનિટ...આવી રીતે મહેમાનો સામે મારી ઇજ્જત ન કાઢો. સાહેબની જેમ મને પણ બોલવા નહીં દો!! તમે સરેઆમ Right to speech નો ભંગ કરો છો. અરે... છેલ્લી લાઇન તો સંભળાવવા દો... હું હાઇકોર્ટમાં જઈશ...અમારો સમાજ ભેગો કરીશ...તમે સાંભળો” અને સાવરણી રસોડાનાં ખૂણામાં પછડાઈ બેભાન થઈ!!

----અન્ય પાલનપુરી