“દિલ”ની કટાર.....
“ લોકડાઉનથી ભર્યું ભર્યું સહુનાં ઘરનું આગવું આભ.”
ગણયા ગણાય નહીં એટલાં લાભ એ આભલામાં માય.
સવારથી ઉઠી રાત્રે સુઈ જવા સુધીનો સમય ક્યાં પસાર થઈ જાય ખબર જ નથી પડતી...સમય જ ક્યાં છે?
આવી ફરિયાદ સાંભળવી કહેવી...અચાનક બંધ થઈ ગઈ. કોરોનાની મહામારીનાં અતિક્રમણે માણસને ઘરમાં બંધ કરી દીધો. હવે બસ સમય જ સમય.......
પ્રવૃત્તિ અચાનક જ નિવૃત્તિમાં બદલાઈ ગઈ. બધાંજ ગણિત બદલાઈ ગયાં. દોડધામે વિશ્રામ લીધો. સવારથી સાંજ સુધી હવે શું કરવું એજ યક્ષ પ્રશ્ન બની રહ્યો. પણ...બે ત્રણ દિવસમાં નિવૃત થયેલું મન સક્રિય પ્રવૃત થવા લાગ્યું . ચાલો સમયનો સદઉપયોગ કરીએ......
દરેકમાં સુસુપ્ત ધરબાયેલી સર્જનશીલતાનાં નાગે આળસ મરડી..કંઇક કરવું છે જેમાં સમય તો પસાર થાય જ સાથે કંઇક નવસર્જનનો સંતોષ મળે. બાકી રહેલાં ઘરનાં કામ પણ નિપટાવી લેવાય.
ઘરનો જે ખૂણો ખૂણો માણ્યો નહોતો એ બધાને જોવા માણવાનો અવસર આવ્યો. જે રોજ જોતાં પણ અછડતી નજર કરી નીકળી જતાં... ટપકતો. નળ, ઉડેલો ગોળો, પછી બદલીશું, બાળકો સાથે બેસવું પેઇન્ટિંગ, ક્રાફટ વર્ક .ઇન્ડોર રમતો રમવી..સટ્ટાબાજી, વેપાર, કોડીઓ, સાપસીડી, કેરમ, પત્તાં, કચુકા, પગથિયાં, અંતાક્ષરી, ચોપાટ, કુકા, અડકોદડકો, વકૃત્વ, પ્રાણાયામ, યોગ, કસરત...સંગીત કેટકેટલું કરવા તમને પોતાને ઓળખવાનો સમય મળ્યો છે.આવું બધું વિચારોમાં જરૂર આવતું..પણ..થતું નહોતું....કારણ સમય નહોતો..
બસ હમણાં સમય જ સમય છે સદઉપયોગ કરીએ..અકાળે અચાનક નિવૃત થયેલો માનવી શરૂઆતમાં બેબાકળો થયો..સ્થિતિ સ્વીકારવા તૈયાર નહોતો.. અહમ ઘવાયેલો..પણ ધીમે ધીમે વાસ્તવિકતા સ્વીકારી પગ ધરતી પર ટેકવી રહ્યો છે..
આજે દીકરી, દીકરો ભણી રહયાં છે એમનું ભણતર, ગણતર જોવાનો સમય મળ્યો છે. વાહ.. આ બધાં માટે સમય જ સમય છે તક ના ગુમાવો કરીલો એમની રુચિ અરુચિ સમજી લો.. ફરી ક્યારે.....?
ત્યાંજ તમારો નાનકો બોલે.” પપ્પા કેવું સારું લાગે છે..તમે આખો દિવસ ઘરે છો..કેટ કેટલી વાતો કરીએ છીએ ગેમ રમીએ છીએ. તમે હાર્મોનિયમ શીખવવાના હતાં હવે અવસર જ છે.. ચલો...
દરેક ઘરમાં દૌનિક ઘટમાળની સાંકળ બંધાયેલી હતી. એ ટૂટી... વિચાર અને ભ્રમણામાં રહેલા કાર્યો વાસ્તવિક રૂપ લઈ રહયાં છે.
નકામી ગણાતી ચીજવસ્તુઓના ઢગલામાંથી કંઈ ને કઇ નવસર્જનનાં વિચાર આવે છે નવી નવી પ્રેરણા મળે છે.સાચેજ આ સજાનો નહીં આશીર્વાદનો કાળ છે. દિશાહીન મશીન જેવી જીંદગીથી નીકળી નવા જરૂરી કામ કરવા પ્રેરાયો છે.
આ બધાં ઉપર માનવનો અહમ સાવ તળીયે બેઠો છે. હું કંઈ પણ કરી શકું.. હુંજ સર્વશક્તિમાન છું .કુદરત કે ઈશ્વર ભ્રમ છે જે છે એ વિજ્ઞાન છે. એવું સમજનાર માનવ આજ ઘૂંટણીએ પડ્યો છે. વિજ્ઞાનની પાંખે ઉડી બ્રહ્માંડ સર કરવા નીકળેલો માનવી ભલે ચંદ્ર પર પગલાં પાડી આવ્યો..પણ..આજે ઘરની બહાર પગલાં પાડી શકતો નથી..
ઈશ્વર છે..એનો પુરાવો મળી ગયો. એનાં વ્યવસ્થાતંત્રમાં જો છેડછાડ થાય તો ભોગવવું માણસે જ પડશે. માનવ સિવાય બધાં જીવ નિશ્ચિન્ત જીવે.. મહાલે.. ઉડે છે. મદમાં જીવતો માનવી આજે હાર્યો છે. મળેલા સમયમાં. પાઠ શીખી કુદરતમાં પરોવાઈ નવસર્જન કરે શ્રુષ્ટિનું જતન કરે એજ ઈશ્વરની સાચી પ્રાર્થના.....
“સૂના થયાં ભલે આંગણા અતિથીની અવરજવરથી...
રોજ આવે ભોળા પક્ષીઓ આંગણુ ભરી ભરી...
રોજ સવારે ઉઠી પ્રશ્ન થાય.. આ લોકડાઉન વેકેશન ક્યાં સુધી? ભલે તારીખ જાહેર કરેલી ખબર છે ..પણ ક્યાં ખબર છે હજી લંબાશે કે નહીં?..
મન પરોવ જીવડા કુદરતમાં આવો સમય ક્યાં મળશે? યાદ કર કેટલાં વર્ષો પછી આવો મોકો મળ્યો?. અને એ પણ પોતાની જાત સાથે વાતો કરવા...
ભૌતિકતા અને પૈસા પાછળ દોટ મૂકતી જીંદગી અચાનક થંભી ગઈ..કુદરતે હવે વારો કાઢ્યો..માનવ તેં પૃથ્વી ઉપર ધરા, જળ, આકાશ, અગ્નિ , વાયુ..પાંચે તત્વોને મનમાની કરી પ્રદુષિત કર્યું છે. ક્યારેય વિચાર ના આવ્યો? અરેરાટી ના થઇ ના કોઈ ખોટું કર્યાની લાગણી થઈ? આનું પરિણામ શું આવશે? ક્યાં સુધી સહે ? સતત પડતો આવો માર? તમને કે મને વિચાર આવ્યો? આવ્યો હશે પણ પ્રયત્ન ક્યાં થયો?..
પ્રકૃતિને પ્રદૂષણમુક્ત કરવાની ગુલબાંગો કહેવાતા પ્રચારમાં રહેતાં પર્યાવરણવાદીઓ ક્યાં છે? આજે કુદરતે પોતે બીડું ઝડપ્યું છે. પ્રદુષણ કરનાર માનવને ઘરમાં કેદ રહેવા મજબૂર કર્યો છે.
વિજ્ઞાનની પાંખે ઉડનાર માનવી એમ ક્યાં માને એવો હતો? વિષાણુનાં થનાર મૃત્યુનાં ડરથી ઘરમાં પુરાયો છે.
ચંદ્ર, મંગળ અને ગ્રહો ઉપર પોતાનાં ધ્વજ ફરકાવનાર પ્રગતિશીલ અને બળવાન ગણાતાં દેશ આજે ઘૂંટણીએ પડયા છે. કુદરત સામે હારી બેઠાં છે. પોલ ખૂલી ગઈ છે. હાથ ઊંચા કરી દીધા છે.
કુદરતનો માર પડે ત્યારે એનો અવાજ નથી હોતો..જ્યારે પડે ત્યારે જ ખબર પડે.. આજ કડવી વાસ્તવિકતા છે...
હળવા મૂડમાં વાત કરીએ તો...
આપણે આપણાં ઘર આંગણ ફ્લેટ જે હોય સાચવીને એમાં જ રહીએ. ઉંબરો ઓળંગતા પહેલાં હજારવાર વિચાર કરીએ.
આપણા ગુજરાતમાં તો ખાસ કરી આપણા વહાલાં વલસાડમાં ચારોતરફ લીલોતરીનાં ખોળામાં રહી ઘરમાં કેટલીયે જાતની પ્રવૃતિઓ કરે છે જેવીકે બાગકામ, ફુલછોડનું સંવર્ધન, ચિત્રકામ, ક્રાફ્ટવર્ક, રસોઈકળા, શિવણ ભરત કામ આવાં કલાકૃતિ અને સર્જનનાં કામ કરે છે. અને એને પ્રોત્સાહન પણ મળી રહે છે. મારી પત્નિએ કહ્યું કે કોઈ ગામમાં પતિ પત્નિ અને એમનાં દીકરાએ ભેગા મળી કૂવો ખોદી નાંખ્યો એમાં જળ ઉભરાયા..જરૂરિયાત હતી જાતે જ સર્જન કરી નાખ્યું. આવો લેખ આવેલો..બોલો આનાથી વધું સારું અને જરૂરી કામ બીજું શું હોય? શ્રુષ્ટિમાં મહામારીની પરાકાષ્ઠામાં સર્જનકળા ખીલી ઉઠે બીજું શું જોઈએ?.
મહાનગરોમાં લોકો પોતાનાં મકાન, ફ્લેટ વગેરેનાં ધાબા, અગાશીઓ ઉપર આવી સમય વ્યતીત કરે છે..કોઈ પક્ષીવિદ બને.. કોઈ નૃત્ય કરે, સંગીત સાંભળે, છોડને પાણી પીવરાવે, એકબીજાને જુએ વાતો કરે વિડિઓ ઉતારી વાયરલ કરે, યોગા કસરત કરે..વ્યસ્તતામાં મળ્યા જોયા ના હોય એવા જોવા મળે.. સતત ચાલતાં સ્ટુપીડ બોક્સને આરામ આપી કોઈને કોઈ પ્રવૃત્તિમાં પરોવાય.
હાસ્યરસિક વાયરલ થતાં વિડિઓ જોઈ એવું લાગે આજે માણસ પોતાનાં ઉપર જ હસી રહ્યો છે.
કુદરતની આ પ્રક્રિયા પ્રહાર નહીં પ્રભુતા છે કારણકે શ્રુષ્ટિ આખી નિર્મૂળ થાય એનાં કરતાં માનવીને પાઠ ભણાવી પલ્લું સરખું કરી લે.
દક્ષેશ ઇનામદાર.”દિલ”..