((આપણે ભાગ 3 માં જોયું કે યશ પરમાર ને ચોરી અને ખુનના ગુનામા 3 લાખ રૂપીયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે અને આ ખબર વાયુ વેગે ચોમેર ફેલાઇ જાય છે. આ ખબર સાંભળતા વેત જ પોલીસ સ્ટેશનમાં એક છોકરી આવે છે. હવે આગળ...))
"ક્યાં છે તમારા ઇન્સ્પેક્ટર સાહેબ? આ રીતે નિર્દોષોને સજા ફટકારવામાં આવશે તો આખા દેશમાં હોબાળો કરીને રાખી દઈશ. ના કોઇ સબૂત ના કોઈ સાક્ષી! ખાલી ડી.એન.એ.ના આધાર ઉપર સીધી ઉમરકેદ?"
એ જ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસોમાં એક રૂપાળી છોકરી આવે છે.ગંભીર છતા મોહક નમણો ચહેરો, ખભા પર ખૂલ્લા મૂકેલા કાળા ભમ્મર વાળ, નાની સરખી કામણગારી કાયા, કાજળ આંજેલી અણિયાળી આંખો સાથે ચિત્તહારક વ્યક્તિત્વ લઈને આવેલી એ 'મુગ્ધા' નામની છોકરી ધારદાર શબ્દો સાથે સીધી ઈન્સપેક્ટર અગ્નિહોત્રીની ઓફીસ તરફ આવતી દેખાય છે. આવતા વેંત જ સવાલોનો પ્રહાર શરૂ કરી દીધો હતો. એની વાક્છટા પરથી તે વકીલ કે પત્રકાર હોવાનુ લાગી રહ્યુ હતુ. એટલે ઈન્સપેક્ટરે તેને સમજી વિચારીને જરૂરી લાગતા જવાબ આપ્યા.
ઈન્સપેક્ટર અગ્નિહોત્રી:- એકસક્યૂઝ મી! મેડમ! કોણ છો તમે? અને આમ ડાયરેક્ટ ઓફીસમા કેમ આવી ગયા? બહાર બેસો, હું હમણા અંદર આવવા કહુ ત્યારે આવજો.
મુગ્ધા:- હું અહીં બેસવા નથી આવી. ખૂન અને ચોરીના ખોટા આરોપમાં તમે મારા મિત્રને દોષિત ઠરાવીને એકમાત્ર ડી.એન.એ. ના આધાર પર કોર્ટમાં હાજર કરી કોઈ સબૂત વગર આમ સજા કેમ અપાવી શકો છો?
ઈન્સપેક્ટર અગ્નિહોત્રી:- એક મિનિટ! આ બધું પૂછવા વાળા તમે કોણ ? અને સજા દેવાનું કામ મારું નહિ કોર્ટ નું છે. મે તો મારી ફરજ નિભાવી છે. કેસ અંગે તપાસ કરીને જરૂરી લગતા પુરાવા અને આરોપીને કોર્ટ માં હાજર કરવાનું કામ છે મારું. અને મે એ જ કર્યું છે.
મુગ્ધા:- તો તમે તમારું કામ પૂરું નથી કર્યું એટલે જ આમ નિર્દોષોને સજા થવા લાગી છે ને! તમારે પૂરી તપાસ હાથ ધરવી જોઈએને. આટલા કેસ હેન્ડલ કરો છો. આમ ખાલી એક ડી.એન.એ. ના આધાર પર કંઈ રીતે સાબિત કરી શકાય કે ખુની કોણ છે?
ઈન્સપેક્ટર અગ્નિહોત્રી:- જુવો મેડમ! અમે તો પોલીસ તરીકેની અમારી ડયુટી માં જે આવે છે એ જ કર્યું છે. આરોપી અને પુરાવા ને હાજર કરવાનું કામ જ અમારું છે પછી આગળની પ્રોસેસ બધી કોર્ટ માં થાય. અને આપનો ખુની મિત્ર તો ખૂબ જ જાણકાર છે. એટલે તો એણે કોઈ પુરાવા નહીં છોડવાનું ખૂબ જ ધ્યાન રાખેલું. ક્યાંક તમે પણ મળેલા નથી ને? અત્યાર સુધી ક્યાં હતા તમે? જો કે એણે કબૂલી લીધું છે કે આ ખૂન એણે જ કર્યું છે.
મુગ્ધા:- એણે દબાણમાં આવીને કબૂલ્યું છે આ. એની પાસે આ કબૂલ કરાવડાવ્યું છે. હું આ કેસ ને હાઈકોર્ટ માં લઇ જઇશ. આ કેસ હું જ લડીશ. મારે યશ ને મળવું છે. આ રહી કોર્ટની મંજુરી. (એક કોર્ટની અરજીનો કાગળ ટેબલ પર મૂકે છે).
મુગ્ધા યશને મળવા જાય છે. યશ ત્યારે પણ મુગ્ધા ને એ જ કહે છે કે મે આ ખૂન નથી કર્યું. મુગ્ધા ને યશની હાલત ખબર હતી. બંન્ને હતા તો ખાસ મિત્રો જ ને.
યશના પિતા નાની એવી પણ સરકારી નોકરી કરતા. અને માતા ગૃહિણી હતા. ક્યારેક સીવણ જેવું નાનું નાનું છૂટક કામ કરી લેતા. તેનો પરિવાર સામાન્ય વર્ગ માં ગણી શકાય. યશ થોડો આંતરમુખી. બધા સાથે જલ્દી ભળી ના શકે. બસ એક મુગ્ધા એની ખાસ દોસ્ત. યશ ભણી લીધા પછી નાની એવી કંપનીમાં કામ કરીને પોતાનું કમાઈ ખાતો. નાનપણથી જ પરિસ્થિતિ સાથે જીવતા શીખી ગયો હતો.
યશને થોડા વખત થી માથામાં દુખાવો રહેતો હતો. પણ એણે કદી ધ્યાન નોતું આપ્યું. એવામાં એક દિવસ આ દુખાવો અસહ્ય બની ગયો. તે બેભાન થઈને પડી ગયો. હોસ્પિટલ પહોંચતાં સુધીમાં તેને એક નાનકડો બ્રેઇન સ્ટ્રોક તો આવી જ ગયો હતો. એક બે નાનકડી બ્રેઇન સર્જરી કરવી પડી. આ બ્રેઇન સ્ટ્રોક માં મગજની એક નસ ફાટી જવાથી યશ ની બધી જ યાદ શક્તિ જતી રહી હતી. પણ સર્જરી સમયસર અને સફળતાપૂર્વક કરવામાં આવી એટલે યશ બચી ગયો હતો. અને ડોક્ટર ના કહેવા પ્રમાણે જો તેને જૂની વાતો વારંવાર યાદ કરાવ્યા કરીએ અને જૂના લોકો સાથે વારંવાર મળતો રહે તો ધીમે ધીમે એકાદ વર્ષમાં એની યાદશક્તિ પાછી આવી શકે છે. ત્યારબાદ હજુ એક બ્રેઇન સર્જરી કરવાની બાકી હતી જે પહેલી સર્જરી સંપૂર્ણપણે રૂઝાઈ જાય અને યાદ શક્તિ પાછી આવી જાય ત્યારે કરવાની હતી.
ડોકટરની સૂચનાઓ પ્રમાણે કરવાથી તેની યાદ શક્તિ થોડી ઘણી પાછી પણ આવવા લાગી હતી. હા પણ કોઈક વખત એને કોઈ વસ્તુ કે માણસ કે અમુક જગ્યાનું નામ યાદ કરતા વાર લાગતી. અમુક ઘટનાઓ એને હજુ પણ યાદ નહોતી આવી રહી. હજુ એની ટ્રીટમેન્ટ ચાલુ જ હતી.આ તમામ બાબત વિશે મુગ્ધા જાણતી હતી. ને એટલે જ એને વિશ્વાસ હતો કે આ ખૂન યશ કરી જ ના શકે. પણ યશે કોર્ટ માં કીધું હતું કે તેને યાદ નથી કે તે દિવસે શું થયું હતું? એને કશું યાદ નથી. અને આ વાક્યના પરોક્ષ અર્થે એને ગુનેગાર બનાવી દીધો.
દરેક મુસીબત માં મુગ્ધા યશ ની ઢાલ બનીને એની સાથે ઊભી રહેતી. તો આવા કેસમાં તો એ એનો સાથ કેવી રીતે મૂકે. યશના સમાચાર મળતાં જ તરત મુગ્ધા બધા કામ પડતાં મૂકીને પહોંચી ગઈ. સ્વભાવે બોલકી, એના નામ પ્રમાણે જ બધાને મુગ્ધ કરી લેતી અને તો પણ બોલવામાં પૂરી વકીલ. વકીલાતનું ભણી લીધા બાદ તે હમણાં પ્રેક્ટિસ કરી રહી હતી પણ એને વધુ રસ તો આવા અઘરા કેસો વિશે સ્ટડી કરવામાં પડતો. એટલે એ અમુક વણ ઉકેલાયા કેસોનું રિસર્ચ કર્યા કરતી હતી.
મુગ્ધા યશનો કેસ લડવાનું નક્કી કરે છે. અને આ કેસની સંપૂર્ણ માહિતી લઇ લીધા બાદ તે આ સેશન્સ કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરે છે. મુગ્ધા અને પરિવારના સભ્યોને પૂરો વિશ્વાસ હતો કે યશ ખૂન તો ના જ કરી શકે. પણ અવસ્થીની બોડી પર યશના ડી.એન.એ. નું મળવું એ મુગ્ધા ને મુંજવી ગયું. પણ મુગ્ધા એના માટે જ તો લડવા આવી હતી. અને એને આવા કેસીસ જ રસપ્રદ લાગતા હતા. એણે આ કેસને પૂરેપૂરો સ્ટડી કરી લીધો. જરૂરી લાગતી માહિતી એકઠી કરી લીધી. હાઈકોર્ટમાં મુદત પડી. આગળની મુદત માં કેસ જીતવા માટે જરૂરી જાણકારી મેળવવા તે એની એક મિત્રને મળવા જાય છે.
મુગ્ધા ની આ મિત્ર એટલે નંદિની. નંદિની અને મુગ્ધા સોશીયલ મીડિયા થી એકબીજાના કોન્ટેક્ટ માં આવ્યા. જુદા જુદા કેસ અંગે સ્ટડી દરમિયાન એ બંને વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ હતી. નંદિની એ હૈદરાબાદ માં આવેલ CDFD (Centre for DNA Fingerprinting and Diagnostics) માં રિસર્ચર છે. અને તે બાયોટેકનોલોજી ના ડિપાર્ટમેન્ટ માં એક પ્રોજેક્ટમાં ડી.એન.એ. પર રિસર્ચ કરી રહી છે. મુગ્ધા એની પાસે ડી.એન.એ. વિશેની સમજ મેળવવા પહોંચી ગઈ. કદાચ એનાથી આ કેસ માં કઈ માર્ગદર્શન મળી જાય!
(ક્રમશ:)
....હાઈ!! મિત્રો!! આ વખત થોડુ મોડું થઈ ગયું નવો ભાગ મૂકવામાં....... હા પણ થોડુ થોડુ લખવામાં સુધારો લાવવા પ્રયત્ન કર્યો છે. .... આજે આટલું જ... જલ્દી પાછા મળીયે..... વાચતા રહેજો..... :))