ડાયવર્ઝન ૨.૫
(સ્ટોરી-૨ / પાર્ટ-૫)
...‘તમને શું લાગે છે બોલો બોલો. તમને એમકે આ પણ જાણે કોઈ રેડિયો પર આવતી કોઈ કહાનીઓ ની જેમ થોડીવાર માં ખતમ થઇ જશે અને આપણે ઘરે પહોચી જઈશું એમ?’
બંને ના કપાળે પરસેવો જબકી રહ્યો છે. એકબીજાને ચોંટીને બેઠા છે અને હવે આ મુસીબત માંથી બહાર કેવી રીતે નીકળવું એ વિચારવા કોશિશ કરવા લાગ્યા.
(હવે આગળ...)
===== ===== =====
આ અચાનક આવી પડેલ મુસીબત છે શું અને એમાંથી કેવી રીતે બહાર નીકળાશે એના વિષે કોઈ આઈડીયા આવે એના પહેલા તો જાણે આ ડાયવર્ઝન પોતાનો અલૌકિક રંગ દેખાડતું હોય તેમ આજુબાજુ બધું અજુગતું થવા લાગ્યું. પેલી વડવાઈઓ જે ગાડીને જકડી રહી હતી એ હવે ખુબ ટાઈટ થવા લાગી અને ગાડીની બોડીને જાણે કોઈ પોતાની મુઠીમાં ભીંસી રહ્યું હોય તેમ ગાડી બેન્ડ થવા લાગી અને અંદર ની બધી વસ્તુઓ અને એસેસરીઝ બધી તુટવા લાગી. પાછળની ડેકી લગભગ પુરેપુરી અંદર આવી ગઈ. સાઈડના વિન્ડો ગ્લાસ જાણે ભુક્કા થઇ ને ક્યારે ગાયબ થઇ ગયા એની ખબર પણ ના પડી. નાની મોટી વસ્તુઓ તૂટી ફૂટી ને નીચેની તરફ પડી રહી છે પણ ગાડી હજુ ઉભું રહેવાનું નામ નથી લઇ રહી. એટલીજ સ્પીડમાં ઉપર ની તરફ જઈ રહી છે અને આજુબાજુ વધારે અંધકાર ફેલાઈ રહ્યો છે. શોપિંગ કરીને લાવેલી બધી વસ્તુઓ પાછળ ની સીટ પર થી અને ડેકી માંથી નીકળી નીકળીને નીચે પડી રહી છે. અને હવે ગાડી આગળથી થોડી ઉંચી થઇ ગઈ છે. એટલી ઉંચી કે સુરજ અને રોશનીને સીટ બેલ્ટ પહેર્યા વગર જાણે સીટ ને ચોટી ગયા છે. પાછળ વળીને બંને જણા આ બધી વસ્તુઓને શરકી શરકી ને નીચે પડતા જોઈ રહ્યા છે અને ગભરાહટના માર્યા કંઈ બોલી પણ નથી શકતા.
બધી વસ્તુઓ ને છોડીને પોતે બંને જણા પોતાની જાત ને બચાવવા જાણે પોતાની આગળની સાઈડ જુકી રહ્યા છે અને જે મળે એને પકડવા મથી રહ્યા છે.
‘રોશની..રોશની સંભાળીને તું મારો હાથ ના છોડતી. અને તારો સીટ બેલ્ટ બરાબર ફીટ કરી લે’ સુરજે સ્ટીયરીંગ પકડતાં પકડતાં સલાહ આપી.
‘સુરજ મને બહુજ બીક લાગે છે.! શું થશે હવે..?’ રોશની કોઈ નાના બાળકની જેમ ડરી ગઈ છે.
સુરજ પોતાના મિત્ર સાથે થયેલી એ વાતો યાદ કરે છે. જયારે એના મિત્રે આ ડાયવર્ઝન વિશે વાત કરી ત્યારે આવી કોઈ અનહોની ક્યારેય પણ હકીકત માં એની સાથે થશે એવું વિચાર્યું ન હતું. અને કદાચ એ વખતે તો સુરજ ને એના મિત્રની આ બધી વાતો પર ભરોષો પણ ન હતો, એટલે જાણે કોઈ પરીકથા હોય તેમ બસ એની આ ડાયવર્ઝન વાળી વાત ને જતી કરી હતી. પણ પછી સુરજ ને જાણ થઇ કે એ વખતે રોશની પણ ચા લઈને આવી હતી અને એમની એ વાતો સાંભળવા એ પણ બેસી ગઈ હતી.
‘અરે, હા રોશની તું પણ ત્યારે ત્યાંજ હતી ને જયારે એ ડાયવર્ઝન ની વાત કરતો હતો.’
‘હા..તો..!? એમાં શું થયું.?’ રોશની એ પોતાની આંખો ખોલીને સુરજ તરફ જોયું.
‘અરે, ગાંડી તો બસ. એ જ તો કરવાનું છે આપણે જે મારા મિત્રે કહ્યું હતું.’ સુરજને બેધ્યાન થઇને સાંભળેલી એના મિત્ર ની વાતો જાણે કોઈ રણમાં તરસ્યા ને મીઠાપાણી નું ઝરણું મળી જાય એવી લાગી.
‘સુરજ જો હું નહોતી કહે’તી કે કોઈની પણ વાતો ને મજાકમાં ન લેવાય. આજે એમનીજ વાતો યાદ આવીને.’
બંને જણા એ આ અલૌકિક વાતાવરણમાં પણ આશા ની કિરણ જેવું કંઇક જોયું હોય તેમ બંને ના ચહેરા ચમક્યા.
‘રોશની તારી વાત સાચી પણ હવે એ બધી વાતો નો સમય નથી તું મને જલ્દી થી એ બતાવ કે છેલ્લે છેલ્લે એને બતાવેલી પેલી આકાશવાણી વાળી વાતો યાદ છે તને?’ સુરજ આશાવાન થયો.
‘આકાશવાણી કઈ આકાશવાણી..?’
‘અરે, પેલી અમુક નિયમો વાળી વાત નહોતી કરી એને કે એ ડાયવર્ઝન પૂરું થયું એટલે કંઇક અજીબ અવાજમાં કોઈ એને બધું સમજાવી રહ્યું હતું એ. મને બરાબર યાદ નથી.’
‘હા..તમે તો બધું જ મજાક માં લીધું હતું ને..? બિચારો એ આપણી જેમ જ ખુબ ડરી ગયો હતા આપણને પોતાના સમજીને પોતાનો ડર ઉતારવા એ તમારી પાસે આવ્યા હતા અને તમે એની મજાક કરી હતી. અને આજે આપણે પણ..!’ રોશની પોતાના સ્ત્રી સ્વભાવ ને વસ થઇ બોલવા લાગી.
‘બસ બસ રોશની મારી ભૂલ હતી બસ’
બંને જણા પોતાની વાતો માં એટલા મશગુલ હતા કે હવે એમની શું હાલત થઇ છે એ પણ ખબર ના પડી. ધીરે ધીરે પોતાની બંને સીટો એકબીજા ની નજીક આવવા લાગી ત્યારે ખબર પડી કે પેલી ભયાનક વડવાઈઓ એ એમની ગાડીના કચ્ચરઘાણ વાળી નાખ્યા છે અને હવે તો આખી ગાડી કાગળ ના ડુચ્ચાની જેમ વળી ગઈ છે. ગાડીના ઉપર ના ભાગમાંથી વડવાઈઓ છત ચીરીને ગાડીની અંદર આવી રહી છે. સુરજ અને રોશનીને જાણે પોતાની જાળ માં ફસાવી રહી છે. ગાડી જે પુર ઝડપે ઉપર તરફ ધસી રહી હતી એ ક્યારે આ વડવાઈઓ માં હિંડોળા ખાવા લાગી એની ખબર જ ના પડી. સુરજ અને રોશની પોત પોતાની સીટ માં સીટબેલ્ટ લગાવીને બેઠા હતા ફક્ત પોતાના હાથ એકબીજા ને પકડી રાખે એ રીતે. ધીરે ધીરે સુરજને પોતાના પગમાં કંઇક સળવળતું હોય એવું લાગ્યું. એને એકી ઝાટકે પોતાના બંને પગ ઉંચા કરી લીધા. પણ જેવા બંને પગ ઉંચા કર્યા કે એ પોતાની સીટ ના પાછળના ભાગ તરફ વળવા લાગ્યો કેમકે ગાડી હવે આખી અધ્ધર જાણે કોઈ સર્કસમાં આગળનો ભાગ ઉપર અને પાછળ નો ભાગ નીચે તરફ હોય તેમ લટકી રહી હતી. પાછળ નો આખો ભાગ વડવાઈઓએ જકડીને જાણે ગોળ દડા જેવો કરી નાખ્યો હતો અને હવે એ ગોળ ગાડીના ગોળાને વચ્ચોવચ થી નોખો કરતા હોય તેમ બંને ની સીટો એકબીજા ની વિરુધ્ધ ખેચાઇ રહી હતી. નાની મોટી અનેક વડવાઈઓ હવે રોશનીને ઝડપથી વળગી રહી છે. રોશની કંઇક વિચારે એના પહેલા તો જાણે એનો હાથ સુરજ ના હાથ માંથી છૂટી ગયો.
‘સુરજ...સુરજ.. બચાવ. મને બહુજ ડર લાગી રહ્યો છે.’ રોશની હવે ખરેખર રડી રહી હતી.
‘રોશની...રોશની’ સુરજ પોતાનો હાથ લાંબો કરીને રોશની ને પકડવા લંબાયો, પણ એ પણ પોતાની સીટ સાથેજ રોશની અને પોતાની ગાડી થી અલગ થઇને બસ હવામાં લટકી રહ્યો છે. પોતાનો મોબાઈલ અને હેન્ડબ્રેક પાસે રાખેલું રોશની નું હેન્ડબેગ નીચે ખુબ ઊંડી ખાઈમાં પડતા જોઈ રહ્યો. નીચે એકદમ અંધકાર જાણે કોઈ ખુબ ઊંડો કુવો હોય એવું દેખાઈ રહ્યું હતું. જે વડવાઈઓ એ એને અને રોશની ને જકડીને લટકાવી રાખ્યાં હતા એ છેક નીચેથી ખુબ ઊંડે થી આટલે સુધી લંબાયેલી હતી. અને હજુ તો એ ધીરે ધીરે ઉપર ની તરફ વધી જ રહી હતી જાણે એનો કોઈ અંત જ ના હોય તેમ. સુરજ આજુબાજુ નજર નાખીને જુવે છે પણ કઈંજ ખબર પડતી નથી કે એ ક્યાં છે અને આ કઈ જગ્યા છે. બધુજ અલૌકિક અને અજુગતું થઇ રહ્યું હતું. રોશની એ તો પોતાની આંખો ક્યારનીયે બંધ કરી નાખી હતી.
‘રોશની...ઓ રોશની..!’ સુરજે રોશની ને જગાડી.
‘હા, સુરજ. મને સંભળાય છે. મને...મને બચાવ સુરજ મને બહુજ ડર લાગી રહ્યો છે’ બંધ આંખોએ રડતા રડતા બોલી.
(વધુ આવતા અંકે...)
====== ====== =======