ગુરુ શિખરથી હવે અમારે ગૌમુખ મંદિર જોવા જવાનું હતું.ગુરુ શિખરથી રિટર્ન જતી વખતે થોડે આગળ જ ગૌમુખ મંદિર આવે છે. રસ્તામાં એક વણાક પર લવર પોઈન્ટ આવે છે. લવર પોઈન્ટ પર ફોટોગ્રાફરો સહેલાણીઓને આકર્ષી રહ્યા હતા."રાજસ્થાની પોશાક પઘડી મેં બંદૂક કે સાથ ઘોડી પર ફોટો ખીચવાએ, સીર્ફ પચાસ રૂપે મે" આ જગ્યા પર અમે અડધો કલાક જેવો વોલ્ટ લીધો.
સોનેરી હાઈલાઈટ કરાવેલા લાંબા અને પવનના કારણે લહેરાતા વાળ, નમણું મોઢું, કાતિલ સ્માઈલ, આછા ગુલાબી રંગનું લેધર જેકેટ અને બ્લુ ડેનિમમાં સજ્જ એક યુવતી ઘોડી પર બેસીને બંદૂકનું નાળચું તેના બોયફ્રેન્ડ/ફીયોનસે કે પતિ તરફ રાખીને, ડાબો હાથ બંદૂક ઉપર, ને જમણો હાથ ટ્રિગર ઉપર અને જમણી આંખ મીંચીને પોઝ આપી રહી હતી. યુવતીના આ નખરાની જાણે ઘોડીને પણ મજા આવતી હોય!!! ફોટોગ્રાફર એના ફોટો લેવામાં વધારે સમય લેતો હોય એવું લાગ્યું.
ચા-પાણી પી ને અમે ફરી પાછા ગૌમુખ મંદિર જવા રવાના થયા.
મંદિરનો ફલોર સફેદ મારબલનો બનેલો હતો. જેથી ખુલ્લા પગે બરફ પર ચાલતા હોય તેવો અનુભવ થયો. ગૌમુખ મંદિર ભગવાન શિવ અને વશિષ્ઠ મુનિને સમર્પિત છે. તે ધાર્મિક તીર્થસ્થળ અને ધ્યાન માટે પણ પ્રખ્યાત છે. ભગવાન કૃષ્ણ, રામ, શિવની પ્રતિમાઓ સાથે સફેદ આરસની નંદિની મૂર્તિ આવેલી છે ભગવાન શિવનો આખલો હોય છે. જેના મોઢામાંથી પાણી નીકળતું જોઈ શકાય છે.
પ્રવાસીઓ દર્શન માટે ઘીમે ધીમે લાઈનમાં આગળ વધી રહ્યા હતા. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં છ-સાત પ્રવાસીઓને એક પૂજારી મંદિરની દંતકથા સંભળાવી રહ્યા હતા અને બધા દર્શન કરીને આગળ વધતા હતા.
દંતકથા મુજબ પૃથ્વીની સુરક્ષા માટે દેવી-દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે અગ્નિકુંડમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રામાયણમાં રામ વનવાસ દરમિયાન રામ-લક્ષમણ અહીં રહેતા વશિષ્ઠ મુનિ પાસે આશીર્વાદ લેવા આવ્યા હતા.
મંદિરની બહાર રાજસ્થાની સંસ્કૃતીની વિવિધ હાથ બનાવટી ચીજ વસ્તુઓ જેવી કે પર્સ, કિચન, ઘડા, લાકડાના રમકડાં, વિવિધ પ્રકારના પોસ્ટર, લાકડાના મંદિરો, બ્રેસલેટ, ઘરેણાં વગેરેની દુકાનો હતી. થોડીવાર શોપિંગ કરીને રાજસ્થાનની પ્રખ્યાત માવાની બનાવેલ ઠંડાઈની મજા માણી. સવારનો નાસ્તો તો ક્યારનો હજમ થઈ ગયો હતો એટલે ભૂખ પણ લાગી હતી. ત્યાં બાજુના રેસ્ટોરન્ટમાં જ પહેલા ટ્રાય કરવા એક-એક પ્લેટ સમોસા અને કચોરી મંગાવી. પહેલીવાર માઉન્ટ આબુ પર ગુજરાત જેવો ટેસ્ટ આવ્યો. એટલે વધારે ઓર્ડર કરીને ભરપેટ લંચ કર્યો.
ઘડિયાળમાં લગભગ સાડા બાર વાગ્યા હતા અને હવે અમારે દેલવાડાના દેરા જોવા જવાનું હતું તે પણ રીટર્ન શહેર તરફ જતા રસ્તામાં જ આવતા હતા.
દેલવાડાના દેરાના પ્રવેશદ્વાર આગળ જ અમે ગાડીઓ પાર્ક કરી. મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હતો. એટલે બધાએ મોબાઈલ અને વોલેટ એક્ટિવાની ડેકીમાં જ રાખી દીધા. બંને બાજુ ભાત-ભાતની વસ્તુઓની દુકાનો વચ્ચે રસ્તા પર થોડું ચાલતા જ મંદિરનું મુખ્ય દ્વાર આવી જાય. બહારથી આ જૈન મંદિરના સૌંદર્યનો ખ્યાલ કદાચ ના આવી શકે પરંતુ અંદર પ્રવેશતા જ સફેદ આરસના મંદિરની દરેક છત, થાંભલાઓ, ખૂણે-ખૂણાઓ પર કોતરવામાં આવેલ ડિઝાઇન અને મૂર્તિઓની શિલ્પકલા બેશક અપેક્ષા કરતા વધારે સુંદર છે. ઘણા મુલાકાતીઓ આને તાજમહેલ કરતા પણ એક સ્થાપત્યકલા રૂપે શ્રેષ્ઠ માને છે.
દેલવાડાના દેરા 11મી અને 13મી સદી વચ્ચે વસ્તુપાળ અને તેજપાલ દ્વારા બંધાવામાં આવ્યા હતા. દેલવાડાના મંદિરોમાં ભગવાન મહાવીર સ્વામી અને પાશ્રવનાથ સહિત પાંચ સમાન મંદિરો છે. ત્યાં આવેલ દેવરાણી-જેઠાણી મંદિર પણ આકર્ષકનું કેન્દ્ર છે.ત્યાંનો એક ભાગ અધુરો છે. એટલે કે ત્યાંના સ્તંભોમાં કોતરણી નથી. અધૂરા ભાગને જોતા દેલવાડાના દેરા ને બનાવામાં લાગેલ શ્રમ, સમય અને કારીગરોની મહેનતનો અંદાઝ લગાવી શકાય.
દેલવાડાના દેરાથી હવે અમે હોટેલ પર જઇને થોડીવાર આરામ કરવાનું નક્કી કર્યું. લગભગ બે કલાકના આરામ પછી મોબાઈલની અને અમારી બંનેની બેટરી ચાર્જ થઈ ગઈ હતી.
ચાર વાગ્યાની આસપાસ અમારી સવારી ઉપડી નખી તળાવ જોવા. નખી તળાવ અમારી હોટેલથી વોકિંગ ડિસ્ટન્સ પર જ હતું. લગભગ ચાર વાગ્યાની આસપાસ અમે નખી તળાવ પહોંચ્યા.
****************************************
વધુ આગળના ભાગમાં...
Hope you guys enjoying !
પ્રિય વાંચક મિત્રો, આગળના ભાગમાં આપણે માઉન્ટ આબુના બે મહત્વના સ્થળ નખી તળાવ અને સનસેટ પોઇન્ટની મુલાકાત લઈશું...
-સચિન