prem vistrut che jyare swarth sankochan che in Gujarati Moral Stories by sanket jethava books and stories PDF | પ્રેમ વિસ્તરણ છે, જ્યારે સ્વાર્થ સંકોચન છે

Featured Books
Categories
Share

પ્રેમ વિસ્તરણ છે, જ્યારે સ્વાર્થ સંકોચન છે

પ્રેમ વિસ્તરણ છે , જ્યારે સ્વાર્થ સંકોચન છે (ટાઈટલ – શ્રી સ્વામી વિવેકાનંદ)


પ્રેમ અને સ્વાર્થ એ બંનેનો અર્થ અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ તરી આવે છે. પ્રેમની પરિભાષા તમે યુવાપેઢીને પુછો અને આજના વૃદ્ધ સ્વજનોને પુછો, તો પણ તેનો અર્થ અને વ્યક્તિદીઠ તેમની સ્વાર્થ અને પ્રેમ વચ્ચેની પરિભાષાની દૃષ્ટિ એકદમ અલગ જ તરી આવે છે, કદાચ મને કોઈ પૂછે કે પ્રેમ એટલે શું ? તો તેનો જવાબ હું કંઈક આમ આપું, "પ્રેમ ઍટલે બે આત્મા વચ્ચેનું સ્થૂળ ચારિત્ર્ય મીલન.” અને કોઈ પૂછે કે સ્વાર્થ એટલે શું ? તો તેનો જવાબ કંઈક આવો હોય, “નિ:સ્વાર્થ કાર્યમાં પણ જે કંઈક પામવાની આશા રાખવી તે ઍટલે સ્વાર્થ."

"પ્રેમ" એટલે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો એવો સંબંધ કે જેમાં નિ:સ્વાર્થથી પણ પર એક - બીજામાં ઓગળવું, એક બીજાની જરૂરિયાતને વગર કહ્યે સમજવી, નિ:સ્વાર્થ ભાવે કાર્ય કરી આપવાની લાગણી. જી હા, હું અહીં પ્રેમને માત્ર નવયુગલો માટે માર્યાદિત નથી કરતો માટે જ ઘણી વખત મને કોઈ મિત્ર પૂછે તો કહું છું કે, પ્રેમ એટલે સંબંધ, એક એવો સંબંધ જેમાં એવી તમામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે કે જેમાં ભાઈ - બહેનના મીઠાં, કટાક્ષ ભર્યા અને મજબૂત સંબંધથી લઈને એક ગર્ભવતી માતાના ગર્ભમાં રહેલ તેમના બાળક પ્રત્યેનો એક એવો પ્રેમ કે જેને વિશ્વભરમાં માત્ર એક માતા સિવાય બીજું કોઈ સમજી જ ન શકે.

પ્રેમ એ ખૂબ જ નાજુક છે, પણ જયારે નિ:સ્વાર્થ ભાવનાનું કાર્ય હોય ત્યારે આ જ નાજુક પ્રેમ એક વિશાળ શક્તિ બની રહે છે - એક એવી શક્તિ કે જે ધારે તો દુનિયાને જીતી શકે છે. દુનિયાને કાબુ કરી શકે છે અને સમગ્ર વિશ્વમાં પ્રેમની ભાવના પ્રસરાવી બધાને પોતાના રંગે રંગી નાખે છે. આ રંગ એવો હોય છે કે જે જીવનભર તેમના અસ્તિત્વને વળગી રહે છે. એક એવું અસ્તિત્વ કે જેમાં ગમે તેવો સ્વાર્થ પ્રગટે તો પણ તેમના નિઃસ્વાર્થ પ્રેમમાં પાયભરનો પણ ફરક ન જ પડે એટલે જ કહી શકાય કે પ્રેમ એટલે વિસ્તરવું. ફેલાવવું - કેમ કે પ્રેમથી એક માનવી બીજા માનવીના પરસ્પર સ્પર્શમાં આવે છે, તેને જાણે છે, સમજે છે , લાગણીઓની ધારા પ્રસરે છે. તેમ જ મેં અગાઉ કહ્યું હતું તે મુજબ કહું તો પ્રેમથી બે આત્માઓનું મિલન થાય છે. બે આત્માઓનું એવું મિલન કે જેમાં ખરા અર્થમાં ચારિત્ર્યની પ્રીતિ અનુભવાય છે . પરંતુ જ્યારે આ પ્રેમમાં સ્વાર્થનો એક પણ છાંટો ઉડે ને ત્યારે પ્રેમની પરિભાષા પર કલંક લાગ્યાની પ્રતીતિ થાય. સાચા અને નિઃસ્વાર્થ પ્રેમ માટે આપણે ફરીફરીને ગાંધીજીને યાદ કરવા જ રહ્યાં. કારણ તેમના દેશ પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમની ભાવના દ્વારા જ દેશ આઝાદ થયો અને માત્ર ગાંધીજી જ નહિ પરંતુ તેમની સાથે જોડાયેલ તમામ ભારતીયોને યાદ કરવા જ પડે કે જેમના લીધે દેશ આઝાદ થયો. જી હા, આ માત્ર નિઃસ્વાર્થ પ્રેમ દ્વારા જ શકય બની શકે છે અને આ જ બાબત પ્રેમની સાચી શક્તિનું ઉદાહરણ પણ બની રહે છે કે નિઃસ્વાર્થ પ્રેમથી થતાં કાર્યમાં સમય લાગે છે પણ તેનું પરિણામ ધાર્યા કરતા પણ સારું આવે છે.

સ્વાર્થથી થતાં કાર્યમાં એટલી શક્તિ નથી જેટલી નિ:સ્વાર્થભાવે અને પ્રેમથી થતા કાર્યમાં હોય છે. સ્વાર્થ વિશે વધુ કહું તે પહેલા મારા પ્રથમ પુસ્તક “ગમતાંનો ગુલાલ" માં પ્રસિદ્ધ મારો એક નિબંધ "સ્વાર્થ : સાંપ્રત સમયનો રાષ્ટ્રીય રોગ"ની પ્રચલિત લાઈનોને હું અહીં ટાંકવા માંગુ છું. “દુનિયાએ વિકાસ કર્યો તે બરાબર છે પરંતુ વિકાસે સ્થળ - સ્થળ વચ્ચેનું અંતર ઘટાડ્યું હોવા છતાં માનવી - માનવી વચ્ચેના અંતરને વધાર્યું છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી .” આ વાકયની પાછળ અનેક મારા અનુભવો અને નજર સામે જોયેલ દૃશ્યો છે અને અમુક દૃશ્યો તો એવાં પણ જોયેલા છે કે તેની તમે કલ્પના પણ ન કરી શકો.


તેમ જ સ્વાર્થના લક્ષણોમાંથી એક લક્ષણ એટલે ઈર્ષ્યા. જી હા મિત્રો, સ્વાર્થની સાથે સાથે ઈર્ષ્યા ભાવ હોય જ છે. તેમ જ ઈર્ષ્યાની વાત આવે છે ત્યારે મને જોસેફ પી. કેનેડીની આ લાઈન અહીંયા ટાંકવાની ઈચ્છા થાય છે : “કેન્સરથી મૃત્યુ પામતા લોકો કરતાં ઈર્ષ્યાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે.” આ વાત ખોટી છે તેમ કહેવું હોય તો તમારે પણ આજ વાક્યને ફરીફરીને વાંચવાની આવશ્યકતા જણાય છે. કેમ કે સ્વાર્થનું ઉગમબિંદુ કહો તો તે ઈર્ષ્યા જ છે. તમે વિચારતો કરી જુઓ મિત્રો , માત્ર ૪થા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને એમ હોય કે મારે પેલા મિત્રથી વધુ માર્ક્સ લાવવા છે અને પરિક્ષા ખંડમાં વધુ માર્ક્સની લાલશામાં તે ચોરી કરવા પ્રેરાય છે . તે બાબત શું સાબિત કરે છે ! ! !


માટે સ્વાર્થને આપણે દાનેવ કહેવું હોય તે ખોટું નથી, ત્યારે પ્રેમને આપણે દેવતા પણ કહી જ શકીએ. બંને માટે યોગ્ય શબ્દ જ કહેવાશે, કેમ કે દાનેવનું કામ બીજાને દુઃખી કરવા કે હેરાન કરવાની જ મથામણ હોય. જ્યારે દેવતા એટલે પ્રેમ અને કરુણાના પ્રણેતા, લાગણીઓના દાતા વગેરે. તો ચાલો કેમ નહીં આપણે પણ આ પ્રેમરૂપી દેવતાને આપણી અંદર સ્થાન આપીએ અને એકબીજાને પ્રેમ કરતા રહીએ અને સ્વાર્થને નેવે ચઢાવીએ. અંતે તો કવિ શ્રી સાંઈ મકરંદ દવેની, સુંદર લાઈનો ટાંકીને અટકું :


“ છુટટે હાથે વેર્યા છે મેં તો બીજ ,
હવે વાદળ જાણે ને વસુંધરા . ”


- સંકેત જેઠવા ( ગોંડલ )
તારીખ : ૦૭ - ૧૦ - ૨૦૧૯