VALENTINE GIFT in Gujarati Love Stories by Jagruti Vakil books and stories PDF | વેલેન્ટાઈનની ભેટ

Featured Books
Categories
Share

વેલેન્ટાઈનની ભેટ

વેલેન્ટાઇનની ભેટ

“એક ગણિત શાસ્ત્રીએ કવિને પૂછ્યું: “પ્રેમ,લાગણી,ભક્તિનો સરવાળો કરતા શું જવાબ મળે?” કવિએ બહુ સુંદર જવાબ આપ્યો: “રાધા,રુકમણી અને મીરાં મળે...”તાલીઓના ગડગડાટ વચે વેલેનટાઈનડેનું વક્તવ્ય આગળ ચલાવતા ઇવાબહેને કહ્યું: “પ્રેમ એટલે શું? ત્યાગ,સમર્પણ,સ્વીકાર......જરૂરી નથી કે પ્રેમ કરવા માટે વ્યક્તિ પ્રત્યક્ષ હાજર જોઈએ...પરોક્ષ રીતે પણ પ્રેમ કરી શકાય છે...એટલે જ કોઈ શાયરે કહ્યું છે:

“પ્રેમ એટલે કોસો દુર રહીને પણ એક પણ શબ્દ સાંભળ્યા વગર

ચહેરાના હાવભાવ જોયા વગર પ્રિયજનના હૃદયના તરંગને જાણવું”

અહી બેઠેલા શ્રોતાગણમાં ટીન એજર્સ માટે આજે પ્રેમની વ્યાખ્યા કૈક એવી છે...’સાચો પ્રેમ એટલે રોમાન્સ,હોટેલમાં ડીનર,બીચ પર લટાર.’ પણ નહિ...સાચો પ્રેમ એટલે કાળજી,બાંધછોડ,આદર અને વિશ્વાસ..”

એક જાણીતા શહેરમાં મોટા હોલમાં ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે નિમિતે સ્નેહ મહિલા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ટીન એજર્સ, પુખ્ત પેઢી સાથે મળીને પચાસ વટાવી ચુકેલા છતાં યુવાન લાગતા એવા રક્ષક મહિલા આશ્રમના ફાઉન્ડર ઇવાબહેનને એકાગ્રતાથી સાંભળી રહ્યા હતા. બહાર આકાશ ગોરંભાયેલું હતું.ઝરમર વરસાદના ઝાપટા ધરતીની તરસ છીપાવવા હજી રાહ જોવડાવી રહ્યા હતા ત્યારે શહેરનો શ્રોતા ગણ ‘પ્રેમની પરિભાષા’ વિષયના વક્તવ્યમાં ભીંજાતા હતા..વક્તવ્ય આગળ ચાલ્યું: “મિત્રો....અહી બેઠેલા સહુના મનના કોઈ એક ખૂણે આજે ભીની લાગણી ભીંજવતી હશે....યુવાનો જેને ‘સોફ્ટ કોર્નર’તરીકે ઓળખે છે એવી અનુપમ સવેદના સહુના દિલમાં ક્યાય ને ક્યાય છુપાયેલી હશે જ....ત્યારે એક શાયરી જરૂર યાદ આવે: “સહેલું નથી સૌન્દર્ય માણવું જીવનનું,ભાષા શીખવી પડે છે લાગણીની.” હા દોસ્તો..બહુ નસીબદાર હોય એને જ દુનિયામાં પ્રેમ મળે,પ્રેમને સમજનાર મળે કે પ્રેમને ઝીલનાર મળે..બાકી સાચી લાગણીના વ્યક્ત કરનારને ક્યાં વેલેન્ટાઇન ડેની રાહ જોવી પડે?તેના માટે તો દરેક દિવસ,દરેક પલ પ્રેમથી ધબકતી હોય છે...એવો જ સાચો પ્રેમ સહુ કરો અને પામો એવી શુભેછા સાથે વિરમું છું.” પાચ સેકંડ હોલમાં નીરવ શાંતિ છવાયા પછી તાલીઓના ગડગડાટ સાથે સહુ શ્રોતાઓએ ઉભા થઈને ઇવાબેનના વક્તવ્યને વધાવ્યું....

આયોજક સ્નેહ મંડળના પ્રમુખ મહિકાએ માઈક હાથમાં લીધું,આંખોની ભીનાશને ખાળવાનો વ્યર્થ પ્રયત્ન કરતા સ્વસ્થ થઇ બોલ્યા: “મિત્રો...આપણે સહુ વર્ષોથી સુંદર સંસ્થા ચલાવતા અને સહુને પ્રેમ વહેચતા એવા ઇવાબહેનને ખુબ સારી રીતે ઓળખીએ છીએ.વર્ષોથી મારા કૌટુંબિક સંબંધ હોવાને કારણે હું વધુ નજીકથી તેમને ઓળખું છું અને તેમના પ્રેમને પામનાર ભાગ્યશાળી છું..અહી ઉપસ્થિત આજના મુખ્ય મહેમાન અને જાણીતા ઉદ્યોગપતિ આપણા વડીલ એવા શ્રી વિસ્મયભાઈ શ્રી ઇવાબહેનને એક પુસ્તક ભેટ આપવા ઈચ્છે છે...આપણે તેમનો આભાર માનીએ....”વિસ્મયભાઈએ ઇવાબહેનને પુસ્તક સાથે નાનું લાલ ગુલાબ ઇવાબહેનને ભેટ આપતી વખતે ચાર આખો મળી અને વિસ્મયભાઈની આંખોમાં ભીનાશ સાથે આભારની લાગણીનો ઝબકારો આવીને વિલીન થઇ ગયો..

કાર્યક્રમ બીજી ઔપચારિકતા સાથે પૂરો થયો.સહુએ આયોજકોને અને ઇવાબહેનને ધન્યવાદ સાથે પ્રેમની નવી પરિભાષા શીખી વિદાય લીધી..ઈવા કરતા ૧૦ વર્ષ નાની મહિકા કૌટુંબિક સંબંધને કારણે દીદી માનતી...તે ઈવાને વિદાય કરવા તેની કાર સુધી આવી...કોઈ ન જુવે તેમ એક સુંદર લાલગુલાબ લગાવેલ કવર તેમના હાથમાં પકડાવી પગે લાગી..ઈવાએ તેને ભેટતા કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી કાર્યક્રમની તૈયારીમાં રોકાયેલી હોવાથી આપણે શાંતિથી મળ્યા પણ નથી ને તું પણ જો કેવી થાકેલી લાગે છે?આજે કાયમ મુજબ સાંજે મળીએ છીએ હો...હમેશ ઈવાને મળવા ઉત્સાહી મહિકા આજે કૈક ખોવાયેલી હતીઅને ઈવાની નજર ચૂકાવી કહ્યું:”જોઉં,ફ્રી થાઉં તો આવીશ હો દીદી...હજી મમ્મી,ભાઈ અને આર્ણવને વેલેન્ટાઇનની ગીફ્ટ આપવાની પણ બાકી છે તે પતાવી ટ્રાય કરું આવવાની હો....આવજો..” ઝડપથી ચાલી જતી મહીકાની પીઠને જોઈ રહ્યા પછી ઇવાબહેન કારમાં બેસી ગયા.ઘરે પહોચી ફ્રેશ થઇ દર વેલેન્ટાઇન ડેએ મહિકા પ્રેમપત્ર લખી આપતી એમ આ વખતનું કવર પણ ખોલ્યું....પોતાની જિંદગીની પ્રત્યેક બાબતોથી માહિતગાર એવી મહિકા હમેશ તેમના પ્રત્યે આદર અને અતિ લાગણી વ્યક્ત કરતી....પણ આજના પત્રમાંની વાત વાચી ઈવાના પગ નીચે જમીન સરકી ગઈ.”.ના,ના...સાવ આવું જ..?ઇતિહાસનું પુનરાવર્તન? મારા જ પગલે ચાલશે?પણ..શા માટે?ના...હું જે આગમાં શેકું છું તેમાં મહિકાને તો નહિ જ શેકવા દઉં...પણ આવો નિર્ણય કેમ લીધો?હવે સમજાયું કે છેલ્લા ચાર-પાચ દિવસથી કેમ મળતી નથી?મને એમ કે કાર્યક્રમની તૈયારીમ વ્યસ્ત.....ઓહો...ના જરાય નહિ ચાલવું આ વખતે એની જીદને.... “બહાર ઉકળાટ વધતો હતો અને અંદર ઈવાના મનમાં લાવા ઉકળતો હતો.... પોતાનો મોબાઈલ ઉપાડવા જતા હતા ત્યાં જ સ્ક્રીન પર મહીકાનું નામ ચમક્યું ને એક જ રિંગમાંકોલ રીસીવ કરતા તરત જ ઈવાએ ગુસ્સામાં કહ્યું; “આ શું માંડ્યું છે? આટલો મોટો નિર્ણય?ના..મારે કઈ જ નથી સાંભળવું,તું હમણાં જ મને મળ...”કહી ફોન કટ કરી સોફા પર ઘા કર્યો..૧૫ મિનીટ તો માંડ નીકળી...આમથી તેમ આટા મારતા બહાર રાખેલ આંગણામાં હીચકા પર બેઠા...હિચ્કાની મંદ ગતિ સાથે મગજમાં વિચારો તેજ ગતિએ ભૂતકાળમાં દોડ્યા..... આ હિચકો તેમના બેયના પ્રેમની સાથે ઈવા -આરવ અને મહિકા- આર્તવના પ્રેમની વાતોનો સાક્ષી હતો...વિસ્મયભાઈનો દીકરો આરવ ને ઈવા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા.બનેના કુટુંબને પણ એ સંબંધ મંજુર હતો...પણ કુદરત પણ ક્યારેક સાચા પ્રેમીઓને મેળવવા આડાઈ કરતી હોય એમ મોટા ઉદ્યોગપતિ હોવા છતાં જ્યોતિષનું જ્ઞાન ધરાવતા વિસ્મયભાઈએ જયારે ઈવાને બોલાવી કહ્યું હતું કે મારો દીકરો ખુશ તો રહેશે તારી સાથે પણ એ ખુશી બહુ લાંબો સમય નહિ ટકે ...તારા ગ્રહો ને કારણે જો તમારા લગ્ન થાય તો તારે તારો પ્રેમી અને મારે મારો એકનો એક દીકરો ખોવો પડશે ...પણ આરવ તારાથી દુર રહેવા ક્યારેય પણ નહિ મને...માટે તું જ કૈક ઉપાય બતાવ....સ્તબ્ધ થયેલી મુગ્ધા ઈવાએ એક જ મીનીટમાં નિર્ણય લઇ લીધો અને આરવને કઈ પણ જણાવ્યા વગર પોતાના દિલમાં સમાવી લઇ એ શહેર છોડી દુર જતી રહી...મનના એક ખૂણે પેલું ગીત હમેશા ગાતી,આરવની માફી માગતી મનોમન....”હમ બેવફા હરગીજ ન થે...પર હમ વફા કર ન શકે...” આજે ઘણા વર્ષો પછી વિસ્મય ભાઈ આ શહેરમાં આવ્યા અને પોતાના કાર્યક્રમમાં હાજર રહેવા મહિકા સાથે મંજુરી મંગાવી...પોતે આપી પણ ખરી..એમને જોઈ,મળી આરાવના સુખી જીવન વિષે જાણી આનંદ અનુભવ્યો,પણ આરવ હજી પોતાને બેવફા સમજે છે તો હવે સાચી વાત એને કહેવાની મંજુરી માંગતાવિસ્મય ભાઈને પગે લાગી નમ્રતાથી ના પાડી, પોતાની જાતને માંડ કન્ટ્રોલ કરેલ મનની વ્યાકુળતા મહીકાની વાતે વધારી દીધી...પણ આરવ માટે પ્રશ્નાર્થ બની રહેલ અને મનોમન એને જ પોતાનો ભરથાર માનતી તેને કાયમ ખોવા કરતા દુરથી જોઈ દિલથી પ્રેમ કરતી ઈવા અનેક ત્યકતાઓ, વિધવા બહેનો ની જીંદગીમાં પ્રેમ પીરસતી, પોતાની સંસ્થા ચલાવતી હતી.

અહી આવ્યા પછી મહિકાના કુટુંબ સાથે સંબંધ બંધાયો હતો..સંસ્કારી કુટુંબની મહિકા અભ્યાસ પૂરો કરી અનેક સામાજિક કર્યો કરતી હતી..દિલની વાતો એકબીજા સાથે કરતા ત્યારે બને વચ્ચેનું દાયકાનું અંતર ખસી જતું...પ્રેમના એક પરિપકવ મૂર્તિ સાથે રહી મહિકા પણ પોતાના જીવનમાં આવેલ આર્ણવને એ જ રીતે ચાહતી,એ બને ક્યારેક ઈવા પાસે સાથે આવતા સાંજ ગાળતા..બનેના કુટુંબે એમના સંબંધને મંજુરી આપી હતી આર્ણવ નું એમ.બી.એ.પૂરું થતા જ પોતાના જ પિતાના ખુબ સારા ફેલાયેલા ધંધામાં જોડાઈ જાય પછી તેમના લગ્નનું વિચારતા હતા..ત્યાં આરવને અચાનક છોડવાનું નક્કી કરવાનું જણાવતા ઈવાને ધક્કો લાગ્યો....

ને મહિકા આવી ગઈ.તેમની બાજુમાં હીચકા પર ફસડાઈ પડી...મહીકાએ કહ્યું: “દીદી તમે મારી વાત સાંભળો શાંતિથી....હું ને આર્ણવ સાથે નહિ રહી શકીએ.અમે ખુબ વિચારીને આ નિર્ણય લીધો છે...અમને ય ખબર છે કે “એટલું તો ગણિત મનેય આવડે છે તારી ને મારી બાદબાકી ભલે શૂન્ય થતી પણ સરવાળો તો એક જ થાય છે.”પણ ..તમારી જેમ અમારી પ્રેમ કહાની પણ અમર રહેશે...” આકુળવ્યાકુળ થતા ઈવા બોલી : “અરે પણ તમારા બેના જન્મક્ષાર તો મેં જ જોયા છે ..હવે તો મને પણ થોડું ઘણું આવડે છે જ્યોતિષ...અમારા જેવું કઈ જ નથી એ તો મેં તમને કહ્યું જ હતું..તો પછી કેમ છુટા પાડવાનો નિર્ણય લીધો?” મહિકાની આંખોમાંથી આંસુની ધાર છૂટી..બહાર ઘેરાયેલ વાદળોએ ધીમી ધારે વરસવાનું શરુ કર્યું.મહિકાને એકચિતે ઉત્સુકતા પૂર્વક ઈવા સાંભળી રહી: “દીદી,એ વાત નથી..પણ તમે જાણો જ છો કે આર્ણવને નાનપણથી શરદી ઉધરસની તકલીફ રહે છે હમણાં થોડા વખતથી તેની તબીયત વધુ ખરાબ રહેતા હું તેની સાથે તેના ફેમીલી ડોક્ટરને મળી, તેમણે કહ્યું કે હમણાં આર્ણવ થોડો વખત અમેરિકા ગયો હતો ત્યારે તેની તબીયત એકદમ સારી રહેતી એટલે કે ત્યાનું વતાવરણ તેને ખુબ અનુકુળ છે ;અહી રહેશે તો તકલીફ વધતા જતા તેને ભવિષ્યમાં ગંભીર બીમારી આવવાની શક્યતા છે.તેના બીઝનેસમેન પિતાએ તેના માટે અમેરિકામાં એક મોટી ફેક્ટરી તેના માટે ખોલી છે જો કે એ વાત એણે મારાથી છુપાવી હતી હમણાં થોડા દિવસ પહેલા તેણે મને એ વાત કરી; પણ તે ત્યાં મને છોડી જવા તૈયાર નથી..ને હું તેની સાથે જઈ ન શકું...કેમકે મારા પર મારા નાના મંદ બુદ્ધિના ભાઈ અને બીમાર વૃદ્ધ માતાની જવાબદારી છે...આ જ શહેરમાં રહેત તો એમનું ધ્યાન રાખી શકત પણ અમેરિકા જાઉં તો પાછળ એમની જવાબદારી??ને હું એમને સાથે પણ ન લઇ જઈ શકું...કેમકે અમારા સંબંધ માટે માંડ માનેલા આર્ણવના પિતા અમેરિકા એ લોકોને સાથે લઇ જવાની વાતના સખત વિરોધી છે...હું જાણું છું કે તમે એ જ કહેશો કે એમને તમે સાંભળી લેશો ..પણ દીદી બને તરફ મારી ફરજ અને બને તરફ મારો પ્રેમને કારણે મારું દિલ એ વાત મને મંજુરી નહીઆપે.... એ માટે એટલે મેં જ આર્ણવને સમજાવી એ માટે તૈયાર કર્યો છે.મેં કહ્યું કે “દર્દની બધા જ તારા,હું દવા થઇ જાઉં...મોત પાસે ન આવે તારા એ માટે હું ફના થઇ જાઉં..”એક અઠવાડિયા પછી એ અમેરિકા જશે પણ એકબીજાના દિલથી અમે જરાય દુર નહિ હોઈએ... તમારી પાસેથી શીખેલ પ્રેમની પરિભાષા અમે સારી રીતે જાણીએ છીએ...

સ્તબ્ધ થયેલ ઈવાએ હવે ઊંડો શ્વાસ લીધો ને આંસુભરી આખે મહીકાનું મસ્તક પ્રેમથી ચૂમ્યું...અને બોલ્યા ઝાકળબિંદુ અર્થ ધરાવતી નામને સાર્થક કરતી મહિકા ખરેખર પ્રેમના આર્ણવ (દરિયા)માં સમાઈ ગઈ.....ઓલ ઇન્ડિયા રેડીઓ પર રાતની સભામાં ઈવાનું પ્રિય ગીત વાગી રહ્યું હતું: “હોઠો સે હોઠ મિલે ના ભલે ચાહે મિલે ન બાહે બાહો સે....દો દિલ ઝીંદા રહે શકતે હૈ ચાહત કી ભરી નિગાહો સે.....” ઈવા વિચારી રહી.....વેલેન્ટાઈનની ગીફ્ટ કેટલા બધાને મળી?બીમાર માતાને?મંદ બુદ્ધિના ભાઈને? પ્રિય પાત્રને? પ્રેમ ક્યાં ક્યાં ને કયા કયા સ્વરૂપે વરસતો રહે છે?

આકાશ પણ જાણે ગીત સાથે પોતાનો તાલ મિલાવવા અધીરું થયું અને જોરદાર વીજળી સાથે ક્યારનું ગોરંભાયેલું વાદળું વરસી પડ્યું: અનરાધાર વરસાદે ધરતીને પોતાના નિસ્વાર્થ પ્રેમથી ભીંજવવા પડતું મુક્યું ને એ વરસાદે ઈવા અને મહિકાની આંખોના આંસુને એ ફરિયાદ છુપાવવામાં મદદ કરી.... “હું તો પ્રેમની એક જ ચપટીમાં ખુશ...મેં ક્યાં કદી ખોબો ભરીને માંગ્યો છે....?!”