પ્રેમ થી વિશેષ કોઈ માયા નથી, મોહ નથી, યોગ નથી, તપ નથી અને ત્યાગ નથી. "ચિત્રલેખા "-1964, કિદાર શર્મા દ્વારા ડિરેકટેડ એક ઐતિહાસિક ફિલોસોફિકલ હિન્દી મૂવી.
"यह पाप है क्या यह पुण्य है क्या
रितों पर धर्म की मोहरें है...
हर युग में बदलते धर्मों को
कैसे आदर्श बनाओगे...
संसार से भागे फिरते हो भगवान को क्या तुम पाओगे. "
ઉપરોક્ત પંક્તિઓ હિન્દી ચલચિત્ર "ચિત્રલેખા " નું છે જેમાં જીવન વિશેની ફિલસુફી અર્થાત તત્વજ્ઞાન વિશાળ અર્થ માં દર્શાવાયો છે. જીવન વિશે નો દર્શકોનો અભિગમ ચંદ કલાકો માં બદલી શકે તેવી ક્ષમતા અને સામર્થ્ય આ મુવી માં છે. ચિત્રલેખા જો સમજીયે તો પાપ- પુણ્ય, ધર્મ -અધર્મ પ્રત્યે નો દ્રષ્ટિકોણ માં વૈચારિક ફેરફાર આવે જ.
ચિત્રલેખા ની કથાવસ્તુ એક મશહૂર નૃત્યાંગના... સુંદર સુડોળ દેહ્યષ્ટિ ધરાવતી ચિત્રલેખા નામની નૃત્યાંગના ની આસપાસ આકાર લે છે. સુંદરતા ની સાથે સાથે એ બુદ્ધિ ચાતુર્ય માં પણ ઘણી મોહક છે. જે પણ તેને જુવે છે, જોતા જ રહી જાય છે. જોનાર પાસે તેની સાથે પ્રેમમાં પડ્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ચિત્રલેખા ના બઁધન માં મોહવશ થયેલ એક આર્યપુત્ર સામન્ત બીજગુપ્ત પણ છે જેનો વિવાહ રાજકુમારી યશોધરા સાથે નકકી થયેલ છે અને યશોધરા પણ મનથી સાવ નિર્મળ નિર્દોષ છે અને મનોમન બીજગુપ્ત ને વરી ગઈ હોઈ છે. આજ ના યુગ માં તેને મર્યાદાયુક્ત, સદ્દભાવીની અને પવિત્રા જેવા ઉપનામ આપી શકાય એવી યશોધરા ને બીજગુપ્ત સ્પષ્ટ કહ્યા વિના ચિત્રલેખા સાથે પ્રણયફાગ ખેલે છે. તો સામે છેડે ચિત્રલેખા પોતાના અતિઆકર્ષક રૂપ પ્રત્યે ઘમંડી તો છે જ પણ જીવન જેવા વિષય પ્રત્યે પોતાનો એક અલગ જ અભિગમ ધરાવે છે જેને સ્વીકારવું અઘરું છે જ પણ જેને નકારાત્મક પ્રતિક્રિયા ના આપી શકાય.
માતા દ્વારા કોઈ કારણસર ત્યજાયેલી અને પરિસ્થિતિવશ નૃત્યાંગના બનેલી ચિત્રલેખાએ જિંદગી ના થોડા વર્ષો માં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેના આધારે ચિત્રલેખા દ્વારા પુછાયેલા પ્રશ્નો નો જવાબ સંસાર થી વિમુખ થયેલા યોગી કુમારગીરી પાસેય નથી. સામંત બીજગુપ્ત ના ચિત્રલેખા સાથે ગાઢ બનતા સંબન્ધો થી દુઃખી થયેલ યશોધરા કશું બોલી નથી શકતી અને બધું ઈશ્વર પર છોડે છે. પ્રેમ નો આ પણ એક પ્રકાર છે... ત્યાગ...જેને તમે ચાહો છો તેને સ્વતંત્ર કરો. લડવાથી કે રોકકળ કરવાથી પ્રેમી પાછો આવી શકે છે પ્રેમ નહીં. યોગી કુમારગીરી યશોધરા ની પરિસ્થિતિ થી વાકેફ થઈને ચિત્રલેખા માટે ક્રોધમાં "કુલટા " જેવું વિશેષણ પ્રયોજે છે અને તેને સમજાવવા જશે જ તેવો મનોમન નિર્ધાર કરીને સીધા ચિત્રલેખાના રહેવાસે જાય છે. આ બાજુ ચિત્રલેખા અર્થાત મીનાકુમારી એટલી તો મોહક અને સુંદર હોય છે કે જોનારને તે અપ્સરાસમી ભાસે છે.તેને તેના રૂપ નું અભિમાન હોય છે. સઁસારના તમામ સુખ ભોગ તેના ચરણે આળોટે છે તેથી તે કહી શકાય તેવી સ્વચ્છંદી બની ગઈ હોય છે. તેના રહેવાસમાં સોમરસ -મદ્યપાન ની છોળો ઊડતી રહે છે. સદ્દગત મીનાકુમારી એ આવી નૃત્યાંગનાનો કિરદાર ખુબ જ કુશળતાપૂર્વક નિભાવ્યો છે. સામંત બીજગુપ્ત (સ્વ. પ્રદીપકુમાર ) ચિત્રલેખાના પ્રેમમાં ગળાડૂબ હોય છે તો સામે ચિત્રલેખા પણ બીજગુપ્તને મનોમન વરી ચુકી હોય છે.
એવામાં યોગીકુમારનું (સ્વ. અશોકકુમાર ) આગમન નૃત્યાંગનાના મહેલમાં થાય છે. અચાનક સંસારથી વિમુખ યોગીશ્રીના પવિત્ર પગલાં કહેવાતા મોહથી-ભોગથી ભરેલા સ્થળમાં થાય છે તો ચિત્રલેખા તથા સખીવૃંદમાં આશ્ચર્યનું મોજું ફરી વળે છે. ચિત્રલેખા અભિમાનના પર્યાયસમી બનીને યોગીશ્રી પાસે આવે છે ત્યાં યોગી સાક્ષાત ક્રોધનું સ્વરૂપ ધરી પધારે છે.
અહીં ભોગ અને ત્યાગ નો ટકરાવ થાય છે. યોગીશ્રી ચિત્રલેખાને સમજાવે છે કે સામંત બીજગુપ્તને લાયક રાજકુમારી યશોધરા સિવાય બીજી કોઈ નથી. તું તારા મોહપાશમાંથી બીજગુપ્તને મુક્ત કર. અને " ઓ કુલટા તારું સ્થાન સમાજમાં ઉચ્ચસ્થાને ક્યારેય ન હોય શકે. માટે તારા કુકર્મો અને વ્યભિચારણના પ્રાયશ્ચિત માટે ઈશ્વરને શરણે જા. સંસારનો, તેના મોહનો ત્યાગ કર. "
યોગીશ્રીના ઉપદેશના જવાબરૂપે, ધર્મની, નીતિનિયમોની વ્યાખ્યા બદલતું ગીત ચિત્રલેખા યોગીને સાંભળવા મળે છે. જેની એક કડી નીચે પ્રસ્તુત છે:
संसार से भागे फिरते हो भगवान को क्या तुम पाओगे?
ये भोग भी एक तपस्या है तुम त्याग के मारे क्या जानो
अपमान रचेता का होगा रचना को अगर ठुकराओगे
संसार से भागे....
ये पाप है क्या ये पुण्य है क्या? रीतो पर धर्म की मोहरें है
हर युग में बदलते धर्मों को कैसे आदर्श बनाओगे?
संसार से भागे....
કેટલું અદભુત ગીત છે! ભોગ પણ એક તપશ્ચર્યા જ છે. સાંસારિક ભોગ , વિલાસ, મોહ માયા માં જીવન વ્યતીત કરવું એ પણ યોગ જ છે. ઈશ્વરરચિત દુનિયાનો ત્યાગ કરીને તમે ઈશ્વરને કેમ પામી શકો? ભગવાનની રચનાઓને ઠુકરાવીને ખુદ રચયિતા નું જ અપમાન કરવું કેટલું યોગ્ય?
પાપ અને પુણ્ય ની વ્યાખ્યા ધરમૂળથી બદલતી પંક્તિને કદાચ જ અવગણી શકાય. કળિયુગમાં ધર્મની વ્યાખ્યા બદલાતી રહે છે એમ જ ધર્મ પણ બદલાતો રહે છે. આવા ટુકડાઓમાં વહેંચાયેલા ધર્મ ને આધારે પાપ અને પુણ્ય કેમ નક્કી કરી શકાય? નૃત્યાંગના ચિત્રલેખાનો પક્ષ નકારી શકાય એમ નથી.
મદ્યપાન -સોમરસ, સાંસારિક સવલતો અને રત્નો -ઘરેણાઓના ચળકાટ માં ડૂબેલી ચિત્રલેખા ઘમડમાં ચૂર થઈને એક પછી એક દિવસો વીતાવ્યે જાય છે, તો સામે ત્યાગમૂર્તિ યશોધરા ભગ્ન હૃદયે બીજગુપ્ત ના પાછા ફરવાની રાહ જોયે જાય છે. ત્યાં અચાનક એવું બને છે કે ચિત્રલેખા ધરમૂળથી હચમચી જાય છે. કહેવાય છેને કે "अति सर्वत्र वर्जयेत ". ગળાડૂબ -એકાકારની સીમા વટાવતા જ અતિનું તત્વ ઉત્પન્ન થાય છે જેમાંથી પર થવા એક નાનકડી પામર કહી શકાય એવી પણ ગૂઢ અર્થ પોતાનામાં સમાવતી ઘટના જ પર્યાપ્ત હોય છે.
કેશગૂંથણ સમયે ઘટ્ટ કાળા વાળ માંથી એક અને માત્ર એક સફેદ વાળ ચિત્રલેખાના બધાજ મોહનો ક્ષણમાં જ નાશ કરે છે. રૂપનો સૂર્યાસ્ત એકવાર તો નક્કી જ છે એવું ભાન થતા જ અને ત્યાગ યોગ-ઈશ્વર શરણ એ જ શાશ્વત છે એનું જ્ઞાન થતા જ ચિત્રલેખા બધું જ છોડીને યોગી કુમારગીરીના શરણે એની શિષ્યા બનવા ભણી પ્રયાણ કરે છે. બીજગુપ્તને પણ પોતાનો નિર્ણય જણાવે છે.
इस जीवन की चढ़ती ढलती, धुप को किसने बांधा?
रंग पे किसने पेहरे डाले, रूप को किसने बांधा?
काहे ये जतन करे?
मन रे तु काहे ना धीर धरे....
શું એક નૃત્યાંગના કે અભિસારિકા નિર્મળ કે નિશ્ચલ પ્રેમ ના કરી શકે? આપણો સમાજ એ હજુય સમજવા તૈયાર નથી. પણ આ ચલચિત્ર હું એમ નથી કેહતી કે સમાજના ધારાધોરણ થી વિપરીત છે પણ આ વાર્તા સામાજિક નીતિમત્તાના ગુણધર્મોનું એક એવું પાસું દર્શાવે છે જેના તરફ વિચારકો અને વિવેચકોનું ધ્યાન ભાગ્યેજ ગયું હોય.
બીજું એક અગત્યનું પાસું આ મૂવીનું એ છે કે કુદરતે સ્ત્રી - પુરુષ નું સર્જન જ એક ઉદ્દેશથી કર્યું છે. સુંદર, સુડોળ કાયા અને અણીદાર નેણ નક્ષ વાળી સ્ત્રી ને જોઈને કોઈપણ પુરુષનું મન મચલે તે સ્વાભાવિક છે. અને આ જ પ્રકૃતિનો નિયમ છે. આ નિયમથી વિમુખ થવાની તપસ્યા ઘણી કઠોર છે. સ્ત્રીના સાનિધ્યમાં રહી તેનાથી આકર્ષિત થવું અતિસ્વભાવિક છે. તેનાથી યોગી કુમારગીરી પણ બચી નથી શકતા. અનેકવાર ન ઇચ્છવા છતાંય શિષ્યા ચિત્રલેખા પ્રત્યે આકર્ષાય જ છે. સામે ચિત્રલેખાનું મન બધા ભોગ વિલાસથી પર થઈ ગયું છે. પણ બીજગુપ્ત પ્રત્યે નો પ્રેમ સાચો હોવાથી તે યોગી કુમારગીરી નું શિષ્યાપદ છોડી આવે છે તો બીજી બાજુ બીજગુપ્ત પોતાનુ રાજપાટ ત્યાગી ને વન તરફ આવે છે. અહીં આ બંને નો અનાયાસ મિલાપ થાય છે.
આમ આ ચલચિત્ર "ચિત્રલેખા" નો ઉદ્દેશ મહાન અને ગૂઢ છે.
મિત્રો, ત્યાગ, યોગ, સમર્પણ, ઉપાસના, તપસ્યા, સન્યાસ અને ધ્યાન આ બધું જ ધર્મ છે પણ તેની સાથે માનવજીવન કે જીવમાત્ર ના જીવનને ભરપૂર માણવા કુદરતે જે સવલતો આપી છે તેનો માપસરનો ઉપભોગ કરવો એ ધર્મથી વિપરીત નથી. આ મારી માન્યતા છે બાકી જુદા જુદા દ્રષ્ટિકોણ પ્રમાણે પ્રમાણ અલગ અલગ હોય શકે પણ ખોટા નથી.
અંત માં ચિત્રલેખાના જ એક ગીત ની કેટલીક પંક્તિઓ :
"उतना ही उपकार समझ कोई जितना साथ निभा दे,
जनम -मरण का मेल है सपना, ये सपना बिसरा दे
कोई ना सँग मरे, मन रे तु काहे ना धीर धरे...
वोह निरमोही मोह ना जाने जिनका मोह करें... "