અંશ પોતાના ઘરમાં પગ મુકતાની સાથે જ એની મમ્મી એ ભાષણ ચાલુ કરી નાખ્યું, "તને સમયનું કઈ ભાન છે કે નહીં, જ્યારે જુવો ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં રખડતો જ હોઈ છે."
અંશ: મમ્મી હું રખડતો નથી રિસર્ચ કરું છું, જે રિસર્ચ ભવિષ્યમાં ગરીબ અને શ્રીમંત વચ્ચેનો ફાસલો ઓછો કરવામાં કામ આવશે. જે થિયરી હું સાબિત કરીશ એ થિયરી પર આવનાર સરકારને કામ કરવું પડશે જોજે તું તારો આ દીકરો પરિવારનું નામ ઉજ્જવળ કરવાનો છે.
મમ્મી: હા ભાઈ હા, તું તો બીજાનું જ ધ્યાન રાખજે, ઘરે પોતાની મા એકલી હોઈ એનું કશું વિચારવાનું જ નહીં. અને મેં તને કેટલા ફોન કર્યા એ જો તો પહેલા, એકપણ ફોન ન ઉપાડ્યો, ક્યાં વિસ્તારમાં હતો આજ એ મને કહીશ..?
અંશ થોડો મૂંઝવણમાં આવી ગયો જો સાચું કહ્યું તો મમ્મી કઈક અલગ વિચારી મારુ બધું કામ અટકાવી દેશે અને મમ્મીની નજરમાં પડી જઈશ ક્યારેય એમની જોડે આટલી પ્રેમથી વાત પણ નહીં કરી શકું. હવે મારે જવાબ શુ આપવો? થોડું વિચારી અંશ બોલ્યો,
"મારો મિત્ર ભરત છે ને એના કાકા ગામડે છે અહીંથી માત્ર પાંચ કિમિ થાય છે ત્યારે પણ હવે શહેરની ઘણી અસર થવા લાગી, હવે તો એ ગામ અને આપણા સીટી વચ્ચે માત્ર એક નદીનું અંતર જ રહ્યું છે. હું અને ભરત ત્યાં ગયા હતા. એના કાકાને મળ્યા ત્યાં નાસ્તો કર્યો અને મમ્મી ખૂબ મજા પણ આવી. પણ મમ્મી હવે આ શહેરો કેટલા આગળ વધતા જાય! થોડા વર્ષ પહેલાં જ્યાં બાવરા જ હતા ત્યારે મોટી મોટી ઇમારતો ઉભી થઈ ગઈ છે. શહેર ગામડા તરફ દોટ મૂકે છે કે ગામડાને પોતાનો કોળિયો બનાવવા ઉતાવળું છે એતો આવનાર સમય જ કહેશે. ત્યાં મમ્મી ગામડા જેવું કશું રહ્યું જ નથી. ખાલી પંચાયત છે એટલે ગામ કહેવાય. મમ્મી મને એવું લાગે છે કે આ વીઆઇપી અને આધુનિકતાની હરીફાઈમાં ગામડું એ ગામડું નહિ રહે. રોટલાની જગ્યા પીઝા લઈ લેશે. છાસ ની જગ્યા પર કોલડ્રિન્ક આવી જશે."
અંશ પોતાનું જ્ઞાન અને વિચારો એની મમ્મીને કહેવા લાગ્યો જાણે એ કોઈ મોટી સભામાં હજારો લોકોને ભાષણ આપતો હોય. એની મમ્મી પણ મંદ સ્મિત સાથે એને સાંભળતી રહી. અંશ અટક્યો એટલે તરત જ કહ્યું,
"બેટા પહેલા નાહી લે, જમી લે પછી તારું ભાષણ મારી જેવી ભોળી પ્રજાને આપજે."
એ થોડો શરમાઈને કહે,"મમ્મી તું પણ હવે, સારું ચાલ હું નાહી લવું છું, આજ જમવામાં શુ છે એ તો કહે આટલી ખુશ દેખાય છે?"
"તું પહેલા નાહી આવ હું ટેબલ પર રાખું છું જમવાનું જા ફટાફટ નહિતર ઠંડુ થઈ જશે અને તું ગરમ થઇ જઈશ."
બન્ને મા-દીકરો હસવા લાગ્યા. અંશ નાહવા માટે બાથરૂમમાં ગયો. એની મમ્મી ડાઇનિંગ ટેબલ ની ખુરશી પર બેસી વિચારવા લાગી. 'શુ થશે આ છોકરાનું? જ્યારે હોઈ ત્યારે સમાજની જ વાતો કરતો હોય છે. એને ક્યાં ખબર છે ગરીબ અને મધ્યમવર્ગના લોકોનો અવાજ અહીંયા દબાવી દેવામાં આવે છે. કોણ સાંભળે છે અહીંયા આપણી વેદના અને આપણી સમસ્યા, બસ નેતાઓ પોતાના સ્વાર્થ ખાતર જેતે યોજનાઓ જાહેર કરી એ બધા પૈસા સરખે ભાગે વહેંચી મોજ જ કરતા હોય છે. અંશમાં હજુ ચડતું લોહી છે એને ક્યાં ખબર છે અહીંયા એક નાના સરકારી કર્મચારીથી લઈ ઉપર સુધી પૈસા આપો તો જ કામ થાય છે અને આ સમાજનો અભ્યાસ કરી થિયરી લખી સમાજ સુધારવાના સપના જોઈ રહ્યો છે. આ દેશમાં આવી અનેક થિયરી પસ્તીઓમાં વહેંચાય છે. એ બાબતથી આ અજાણ છે." ત્યાં અંશ નાહીને આવી ગયો.
"ચાલ મમ્મી હવે ફટાફટ જમવા આપી દે." અંશે કહ્યું પણ એની મમ્મીની નજર દરવાજા તરફ હતી એ એકધારી ત્યાં જ જોઈ રહી હતી. ફરી અંશે કહ્યું,"મમ્મી જમવા આપ." ત્યારે એની મમ્મી તંદ્રામાંથી ઉઠી હોઈ એમ લાગ્યું.બન્ને મા દીકરો એકબીજા સામે હળવું સ્મિત કર્યું. જમવામાં ઢોસા હતા. અંશને ગમતા ભોજનનું આ એક વ્યંજન હતું. ઢોસા જોઈને જ અંશ બોલી ઉઠ્યો,
"વાહ મમ્મી આજે તો ખરેખર મજા આવી જશે, આમ પણ ભૂખ ખૂબ જ લાગી છે. મમ્મી સંભાર આપતો જરા."
ખુશ થયેલો અંશ બકાસુરની જેમ ઢોસા પર ટૂટી પડ્યો. બે ઢોસા ખાઈ ગયા પછી એની મમ્મી ને કહ્યું કે હવે થોડીવાર ટીવી જોવું પછી થોડું વાંચી અને દિવસ ભરનું થોડું લખી હું સુઈ જઈશ. મારે સવારે વહેલું ભરત સાથે જવાનું છે એટલે મમ્મી વહેલો જગાડજે. આટલું કહી એ ઉભો થયો અમે ડ્રોઈંગ રૂમમાં ટીવી જોવા લાગ્યો. એની મમ્મી પણ વાસણ સાફ કરવા લાગી. રાતના 9.30 જેટલો સમય થયો હતો. એની મમ્મી બધું કામ કરી ગીતાજી વાંચવા બેસી ગયા. અંશ ટીવીમાં મશગૂલ હતો.
(ક્રમશઃ)