Preet ek padchaya ni - 57 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૫૭

Featured Books
Categories
Share

પ્રિત એક પડછાયાની - ૫૭

કામાંધ બનેલો નયન પિયાની જિંદગી વેરણછેરણ કરીને પોતાની હવસને સંતોષવા માટે જેવો પિયાનો હાથ પકડીને એ પલંગ પર બેસવા ગયો કે પાછળથી એક ઝાટકાથી કંઈ એનાં પીઠ પર આવીને પડ્યું ને એકદમ એની પિયાની પકડ ઢીલી પડી ગઈ...ને એ પલંગ પરથી સફાળો નીચે ઉતરીને રૂમમાં જોવાં લાગ્યો. પિયાને તો શું કરવુ એ સમજાયું નહીં બસ એ મનોમન પોતાનાં ઈષ્ટદેવને યાદ કરવાં લાગી.

નયન આજુબાજુ જોવાં લાગ્યો પણ કંઈ દેખાયું નહીં...એક ભાગવાની કોશિશ કરતી પિયાનો હાથ ફરી એકવાર જોરથી પકડી લીધો ને બોલ્યો," ક્યાં જાય છે બકુ ?? હજું તો શરૂઆત જ નથી થઈને તું ક્યાં જઈ રહી છે. મારાં કેટલી ગોઠવણી બાદ બનાવેલી આ સરસ યોજનાને તું નિષ્ફળ બનાવવા માગે છે ?? તું તારી જાતને બહું હોશિયાર ન માનીશ. હું તો હુકમનો એક્કો છું. ભણતરની સાથે આ કામમાં તો આપણી માસ્ટરી છે...આ તો તું મારાં સકંજામાં આવેલી છઠ્ઠી વ્યક્તિ છે...એ પણ આ જ રૂમમાં.. હવે તો આ રૂમ પણ જાણે મારો હેવાયો થઈ ગયો છે " કહીને એ જોરજોરથી અટ્ટહાસ્ય કરવાં લાગ્યો. પિયા તો ભયથી ધ્રુજવા લાગી.

"આજ સુધી કોઈ મને કંઈ કરી શક્યું નથી અને કોઈને ભણક સુદ્ધાં પણ નથી લાગી..બસ ખબર નહીં સુંદર માસુમ ચહેરાઓ સામે હું મારી જાતને રોકી શકતો નથી...બસ એને પામવા પાગલ થઈ જાઉં છું...ખબર નહીં હું તને ના ગમ્યો ?? આટલો સુંદર દેખાવડો, આટલો મોટો ડૉક્ટરને હોસ્પિટલનો માલિક...ખબર નહીં બધાં કેમ મારાથી આટલાં દૂર ભાગે છે ?? આટલું ગભરાય છે ?? પેલી રાશિ તો ખબર નહીં આટલી અમથી વાત બની જતાં પોતાની જાત કુરબાન કરી દીધી. વળી બાકીનાં ચાર તો ખબર નહીં આ રૂમ કે મારામાં શું તફલીક પડી કે થોડાં દિવસો સરખી મજા પણ ન લેવાં દીધીને અડધી રાત્રે જ ગાયબ થઈ ગયાં હતાં..."

પિયા તો ફક્ત આંસુ સાથે આ બધું એક પાગલની જેમ સાંભળી જ રહી છે. અહીંથી છુટવા માટે આજુબાજુ કંઈ મળી જાય એવું શોધતી ફરી પ્રભુને પ્રાર્થના કરવા લાગી...

નયન : " ચાલ બકુડી...હવે સમય નથી બહું... બહું સરસ મજાનું વાતાવરણ છે આવી જા" કહીને એને જોરથી પોતાનાં બાહુપાશમાં લઈને એને પકડીને એનાં એ રૂક્ષ હોઠોને પિયાનાં કોમળ હોઠો પર રાખવાં ગયો ત્યાં જ એનાં પર એક અણધાર્યો હુમલો થયોને નયનથી પિયાનો હાથ છૂટી ગયો...નયન જમીન પર પડી ગયો.

એ બીજું કોઈ નહીં પણ એ હોસ્પિટલનાં સામાનની પાછળ છુપાયેલી જેક્વેલિન છે પણ એણે મોંઢા પર બાંધેલું છે એટલે પિયા નવી હોવાથી એને એકદમ ઓળખી ન શકી પણ તેનાં ચહેરાં પરથી બાંધેલું નીકળી જતાં એણે જેક્વેલિનને ઓળખી. પોતે કદાચ હવે બચી જશે એવા વિચારથી એ મનોમન ઈશ્વરનો આભાર માનવા લાગી.

જેક્વેલિન : " પિયા, આ બારી ખુલ્લી છે પાછળની અહીંથી ભાગ...અને આ કાગળ એ મુજબ અહીંથી આ વિસ્તારમાંથી દૂર જતી રહેજે...આને તો હું સંભાળીશ હવે..."

પિયા : " પણ તમને અહીં એકલાં મુકીને કેવી રીતે જાઉં ?? તમે મારી ઈજ્જત બચાવી આજે. તમને આમ મુકીને હું નહીં જાઉં. "

થોડી રકઝક બાદ નયન ઉભાં થવાની તૈયારીમાં જ છે એ જોઈને જેક્વેલિને પિયાને પોતાનાં માતાની કસમ આપીને ત્યાંથી ભાગવા મજબૂર કરી....ને પિયા ત્યાંથી બહાર નીકળી ગઈ.

પણ હવે જેમ ઘાયલ થયેલો સિંહ વધારે ખૂનખાર બંને એમ નયન લુચ્ચાઈથી શૈતાન બનીને ઉભો થયો ને જેક્વેલિનને ધક્કો માર્યો. બંને વચ્ચે ઘણી અફડાતફડી થઈ. જેક્વેલિને થોડી બૂમો પાડવાની કોશિશ કરી પણ બહું સફળ ન થઈ બંને વચ્ચે એક જીવનમરણનું યુદ્ધ ખેલાયું ને થોડી જ ક્ષણોમાં એક દરવાજો ખૂલ્યો ને કહાની આખી બદલાઈ ગઈ !!

****************

હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમની નજીકમાં બે રૂમમાં રાત્રિ દરમિયાનનો સ્ટાફ સુઈ જાય કે આરામ કરે. જ્યારે થોડી બહારની બાજુએ જનરલ રૂમને હતાં.રાત્રિનાં સ્ટાફનો એક છોકરાંને જગ્યાફેરને લીધે ઉંધ ન આવતી હોવાથી તે બહાર આંટો મારવાં આવ્યો. એ દરમિયાન એને એ શાંત વાતાવરણમાં કોઈની ચડભડ સંભળાઈ ને એ રૂમ નંબર સોળ તરફ આવ્યો. ને દરવાજો ખટખટાવા ગયાં તો દરવાજો ખુલ્લો જ હોય છે ફક્ત આડો કરેલો. સામે જ જમીન પર પડેલી જેક્વેલિન દેખાઈ. ને બાજુમાં બેસીને વિલાપ કરતો નયન‌...

નયને બધું જ બદલતાં કહ્યું કે," મને શું ખબર ચાચીને આટલી મુશ્કેલી હશે ?? હું એમને બચાવી ન શક્યો. મને લાગે છે એમણે આખરે જીવન ટુકાવાનું નક્કી જ કર્યું હશે કે એમણે પિયા સિસ્ટરને આપેલી ડ્યુટી પરાણે એમણે લીધી. ખબર નહીં આ બંદૂક ક્યાંથી લાવ્યાં હશે. આ તો મારે રાત્રે થોડું કામ હોવાથી અહીં મારી કેબિનમાં રોકાવું પડ્યું. પણ મને ઉંઘ ન આવતાં હું અહીં આંટો મારવાં આવ્યો કે ચીસ સંભળાઈ. હું ઝડપથી ભાગ્યો પણ એમને બચાવી ન શક્યો...."કહીને જોરજોરથી રડવા લાગ્યો.

સ્ટાફનાં બધાંને બાહ્ય દેખાવ મુજબ ખબર હતી કે નયને જ તેમને નોકરી અપાવી હતી ને એને સારું રાખતાં ને મદદ કરતાં આથી કોઈએ એનાં પર શક કરવાનું વિચાર્યું જ નહીં. આત્મહત્યાની વાત હોવાથી ને વળી એને આગળ પાછળ પણ કોઈ ન હોવાથી રાતોરાત કોઈને બહું ખબર ન પડે એમ બધી વિધિ પતાવી દીધી...ને જેક્વેલિન નામની અડચણને નયને ફક્ત એક બંદૂકથી દૂર કરી દીધી ને આખી બાજી પોતાનાં હાથમાં લઈ લીધી......!!


*****************

નયને રાતનાં ત્રણેય જેન્ટસ સ્ટાફને સમજાવીને બધું પોતાનાં પક્ષમાં લઈને બધું ઠારે પાડી દીધું. દર્દીઓને કે બીજાં કર્મચારીઓને ગંધ પણ ન આવી. ને સવાર પડતાં જ જાણે કંઈ જ બન્યું ન હોય એમ સોળ નંબરનાં એ રૂમને કાયમ માટે બંધ કરવાનો હુકમ કરી દેવાયો અને રાતનો સ્ટાફ પણ સવારે આવેલાં સ્ટાફને સમજાવીને જતો રહ્યો..બાકી કંઈ પણ રાતની ઘટનાની જાણ કર્યાં વિના...ડૉ. કેવલ સાથે નયનની મમ્મીની ખરાબ તબિયતની વાત કરીને તત્કાલીન વિદેશ પહોંચી ગયો....

સુનંદા સિસ્ટરે એક બે વાર પૂછ્યું પણ ખરાં કે જેક્વેલિન સિસ્ટર કેમ નથી આવતાં તબિયત સારી નથી કે શું ?? પણ કોઈને કંઈ ખબર ન પડી. ને અચાનક થોડાં જ દિવસોમાં જેક્વેલિન સિસ્ટર સવારની તેમની ડ્યુટી પર આવ્યાં એ જોઈને એ દિવસનો રાતનો એક સ્ટાફ એકદમ ગભરાઈ ગયો. ને ચાલું ડ્યુટીએ કંઈ પણ કોઈને કહ્યાં વિના ભાગી ગયોને કાયમ માટે નોકરી છોડી દીધી....

***************

સમય સાથે દિવસોને વર્ષો વીતવા લાગ્યાં...નયને એક ભારતીય છોકરી સાથે લગ્ન કરી લીધાં... જેક્વેલિન નહીં પણ એની આત્મા રોજ એના નિત્યક્રમ મુજબ હોસ્પિટલ આવે છે. પોતાનું કામ કરે છે સામાન્ય રીતે. નયન સાથે ક્યારેય હજું એનો ભેટો નથી થયો પણ ત્યાંનાં કોઈ વ્યક્તિને ખબર નથી કે જેક્વેલિન જીવિત નથી...તે સાંજ પડતાં ઘરે પણ જાય છે.

***************

અપુર્વ : "તો આ આત્મા કોની ફરી રહી હશે હજું સુધી ?? એ કોઈ એકની તો નથી પણ એક કરતાં વધારે આત્માઓ હજું પણ ભટકી રહી છે એ પણ કોઈ એક જગ્યામાં નહીં પણ જુદીજુદી જગ્યાએ."

અન્વય : " એનો મતલબ કે એ દિવસે જેને મેં જોયાં હતાં એ જેક્વેલિન સિસ્ટર પોતે નહીં પણ એ એમની આત્મા હતી...પણ એ શું ઈચ્છી રહી હશે ?? નયનનું મૃત્યુ ?? "

અપુર્વ : " તો આપણને મળેલ એ ડ્રાઇવર ને વળી જેક્વેલિન નાં ઘરની બાજુનાં ઘરમાં રહેલ એ વ્યક્તિ કોણ હોઈ શકે ?? જીવિત વ્યક્તિ કે કોઈની આત્મા ?? "

અન્વય અને લીપી સાથે બોલ્યાં , " શિવાય ?? "

અપુર્વ : "હમમમ.."

"પણ હવે અત્યારે નયન અને કૌશલ ક્યાં, શું કરી રહ્યાં છે ?? એ બધું જાણીને ત્યાં પહોંચવું પડશે એમને...."

લીપી : "હમમ... આગળ વધ અનુ" ને અન્વયે ઝડપથી પુસ્તકમાં આગળ વધવા વાંચવાનું ચાલુ કર્યું..."

***************

નયને આટલાં લોકોની જિંદગી ખરાબ કરી દીધી. પોતાનાં લગ્નજીવનમાં સ્થિર તો થયો પણ હજું તેની નીતિ તો એવી ને એવી જ છે. મોકો મળ્યે તે પોતાનો હાથ તો મારી જ દેતો. એક દિવસ એને રજિસ્ટર તપાસતાં ખબર પડી કે હજુંયે જેક્વેલિનનું નામ ચાલી રહ્યું છે...એને ઝાટકો લાગ્યો. જેક્વેલિનનાં મૃત્યુની ઘટનાં બાદ નયન થોડો તો હચમચી ગયો જ છે‌. એ કોઈને પોતાનો ભય બતાવીને એ વાત કોઈ સામે થતી કરવાં નથી ઈચ્છતો. કાયમ માટે રૂમ નંબર સોળ બંધ કરી દેવામાં આવ્યો‌. તે હોસ્પિટલમાં કોઈ સાથે ક્યારે કંઈ પણ આડુંઅવળું કરવાનું બંધ કરી દીધું.

ડૉ. કેવલને પણ નયનની અમૂક વાતો ધ્યાનમાં આવવાં લાગી પણ તે બધું નજર અંદાજ કરી લે છે‌. પણ એક એમનું નસીબ કે દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જતી. અમૂક સમયે તો હોસ્પિટલ નાની હોય એમ લાગવા લાગ્યું. સાથે જ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પણ આવવાં લાગ્યાં. ને વધુમાં વધુ નવાં અધતન સાધનો આવવાં લાગ્યાં ને એ વિસ્તારની નંબર વન હોસ્પિટલ બની ગઈ.

*****************

જેક્વેલિન અને શિવાયનાં જ્યાં ઘર છે એ ટેકરીની પાછળથી એક રસ્તો નીકળે છે ત્યાંથી માથેરાન બહું ટુંકા રસ્તે પહોચાતું. ને ત્યાંની એ સુંદર ટેકરીઓમાંથી પહોંચીને સીધાં જ એક ગુફાની ટોચ પર પહોંચાય છે. આ જગ્યાએ રાશિ અને શિવાયનાં પ્રણયની શરૂઆત થઈ પછી બે-ત્રણ વખત જેક્વેલિનની ગેરહાજરીમાં ગયાં હતાં.

એ ગુફા જાણે એમનાં પ્રેમની સાક્ષી બની ગઈ હતી... ત્યાં બંને ઘણો સમય એકબીજાં સાથે વીતાવતા. પણ કોઈ જ પ્રેમમાં સ્વાર્થ કે કોઈ પામવાની આકાંક્ષા વિના બંને એકબીજાને નિઃસ્વાર્થ પ્રેમ કરતાં અને એકબીજામાં તરબોળ થઈ જતાં...અને બસ એક ટેકરીનો નીચે ઉતરતી વેળાનો ખાડીની બાજુએ ઢોળાવવાળી જગ્યા છે એ રાશિને બહું જ પસંદ હતી પણ એ માટે શિવાય હંમેશાં રાશિ તેની નજીક પણ જાય કે તે બહું જ ગભરાતો. એક વાર પોતાની માળા બચાવવાં જતાં રાશિ ત્યાંથી પડતાં પડતાં માંડ બચી હતી...એ પછીથી શિવાયે બીજીવાર તેને આ છેડે નહીં લઈ આવે એવું સ્પષ્ટપણે પણ પ્રેમથી કહ્યું હતું....

બસ એમની પહેલી મુલાકાતનો અહીંનો દિવસ. એક સુંદર નાનું ઝરણું જ્યાં સદા વહેતું રહે છે એ જગ્યાએ ખૂબ જ શાંત એમણે એકબીજાને અહીં વચન આપ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં આપણે આજીવન આપણે આ મહા સુદ પાંચમનાં આ દિવસે કાયમી માટે આ જગ્યા પર મળીશું....


**************

અન્વય : મહા સુદ પાંચમ એટલે તો કદાચ એ દિવસ જ જ્યારે આપણે હનીમૂન માટે માથેરાન પહોંચ્યાં હતાં ,બરાબર ને લીપી ?? "

લીપી : " અને હા આપણે એ ગુફાની નજીક શાંત ઝરણાં પાસે પણ બેઠા હતાં...એ જ વખતે મેં કહ્યું હતું કે એ કેમેરામાં આપણાં બે સિવાય પણ કોઈ દેખાઈ રહ્યું હતું..પણ તું ના કહેતો હતો કે એવું કંઈ ના હોય..."

અપુર્વ : " તો એ છોકરો કે છોકરી હતી ?? "

લીપી : " સ્પષ્ટ નહોતું દેખાતું પણ કદાચ ચિત્ર મુજબ છોકરો હોય એવું મને લાગ્યું હતું..."

અન્વય : "તો હવે લીપીમાં પ્રવેશેલી આત્મા રાશિની હોઈ શકે ?? "

ભાઈ ફટાફટ આગળ વધીએ હવે તો જોડાણો એકબીજાં સાથે બહું જલ્દીથી મળી જશે એવું લાગી રહ્યું છે....

અન્વયે જલ્દીથી આગળ વાંચવાની શરૂઆત કરી......

**************

રાશિ અને શિવાય બંનેએ પોતાનું જીવન એકબીજાનાં વિરહમાં અને રાશિએ પોતાનાં પર લાગેલા કલંકને સહન ન કરી શકતાં બંનેએ પોતાના જીવ ગુમાવ્યા છે...પણ રાશિની લાશને પરિવારજનો કેમેય કરતાં બાળી ન શક્યા હતાં આથી એ હજુયે કોઈએ પણ ના શરીરમાં પ્રવેશી શકવા સમર્થ છે...શિવાયની પણ રાશિ સાથે લગ્ન કરી ન શકવાનાં અરમાનો અધૂરાં રહેતાં તેણે પોતાનો જિંદગીને આપમેળે કુરબાન કરી દીધી છે. એનું શબ તો મળ્યું પણ એમનાં સમાજની રીતિરિવાજો મુજબ લાશને દાટી દેવામાં આવતી...આથી એની આત્મા પણ હજું અતૃપ્તરૂપે ભટકી રહી છે..

હજુયે બંને મહાસુદ પાંચમના દિવસે બપોરનાં સમયે માથેરાનની એ ગુફાની નજીક શાંત વહેતાં ઝરણાંની પાસે એ આત્માનું મિલન થાય છે...પણ એ જ દિવસે એ આત્માઓની શક્તિ અકલ્પનીય બધી જાય છે...કે એ કોઈ પણ નવપરિણીત સુંદર યુગલને એ દિવસે સાથે પ્રેમાલાપ કરતાં જુએ છે કે એ આત્માઓ એ વ્યક્તિનાં શરીરમાં પ્રવેશી જાય છે. પણ રાશિની એ આત્મામાં કોઈ એવી શક્તિ છે જે બીજાનાં શરીરમાં પ્રવેશીને એ આત્મા પાસે ધાર્યું કરાવી શકે છે....પણ શિવાય ત્યાં જ ફરી શકે છે પણ કોઈનાં શરીરમાં નથી પ્રવેશ કરી શકતો.....બંને દર વર્ષે આ દિવસની રાહ જોઈ રહ્યાં છે ને ફરી એકવાર બંને મળશે એવી આશામાં વહેલી સવારથી પહોંચી જાય છે.....

અપુર્વમાં આવેલી આત્મા કોઈની હશે ?? લીપીમાં રહેલી આત્મા રાશિની જ હશે ?? શિવાયની આત્મા પણ કંઈક ઈચ્છી રહી છે કે શું ?? નયનને હવે તેનાં કર્મોની સજા કેવી રીતે મળશે ?? આ બધાંનો પ્રારંભ કરનાર કૌશલ અત્યારે જીવિત હશે કે નહીં ?? શું સ્થિતિમાં હશે ??

જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૫૮
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....