રાઈટ એંગલ
પ્રકરણ–૧૨
‘ મારી વાત તું સમજી નહીં શકે ભાઇ, એટલે બહેતર છે કે આપણે એ વિશે કોર્ટમાં વાત કરીએ.‘ કશિશ આટલું બોલીને ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈ ગઇ એટલે ઉદયભાઈ લાચાર થઇને એમને તાકી રહ્યાં. પણ તરત પાછા પોતાના સ્વભાવ પર આવી ગયા. હવે એ નાસીપાસ થઈ ગયા એટલે ગમે તેમ બોલવા લાગ્યા,
‘તું પાગલ થઇ ગઇ છે, એમ કહે ને કે તને પપ્પાના વારસામાં ભાગ જોઈએ છે, એટલે આવા નાટક કરે છે, ભગવાને આટલું આપ્યું છે તો તો ય તને સંતોષ નથી...! બોલ કેટલાં પૈસા જોઇએ છે? દસ લાખ–વીસ લાખ? એક કરોડ કે પાંચ કરોડ?‘
કશિશ કશું રિએકશન આપે તે પહેલાં તો ઉદયભાઈ ખિસ્સામાંથી પાકીટ કાઢીને એમાંથી હતી તેટલી પૈસાની નોટો એની તરફ ઉડાડવા લાગ્યા. કશિશ હતપ્રભ થઇને એમને જોઈ રહી. ઉદયભાઇનું વર્તન જોઇને એ ડઘાય ગઇ. એણે કદી કલ્પના કરી ન હતી કે ઉદયભાઇ આમ વર્તશે. એકબાજુ કૌશલની નારાજગી. બીજીબાજુ ઉદયભાઇનો ક્રોધ અને આક્ષેપ! પોતે કેસ કરીને ન્યાય મેળવવાના બદલે બધું ગુમાવી જ રહી છે કે શું? કશિશ પોતાના વિચારથી જ ખળભળી ગઇ. ઉદયભાઇના વર્તને એને હચમચાવી દીધી.
‘ભાઇ, તને જે લાગે તે તું વિચારી શકે છે. હું બધી વાતના જવાબ કોર્ટમાં આપીશ. તું જઇ શકે છે.‘ કશિશને બીજુ કશું સુઝયું નહી. હા, પોતે ધાર્યું ન હતું કે ઉદય આમ છેક છેલ્લે પાટલે બેસી જશે. એટલે એણે ફરી એકવાર કોર્ટનું ઉચ્ચારણ કરી નાંખ્યું.
‘હા...તું જા કોર્ટે...મને ખબર છે ધ્યેય તને ચડાવી રહ્યોં છે. પણ યાદ રાખજે પેટ ભરીને પસ્તાશે! હું ધ્યેયને ય નહીં છોડું. તને ઉશ્કેરવા માટે હું એની સામે કેસ ઠોકીશ! ‘ ઉદયભાઈ બોલતા બોલતાં પગ પછડાતા જતાં રહ્યાં.
વાવાઝોડું આવે અને ક્ષણભરમાં બધું હતું ન હતું થઈ જાય એમ ઉદયના આવવાથી અને જવાથી ઘરમાં તોફાન પછી બધુ તહસનહસ થઇ જાયને શાંતિ છવાય તેવી શાંતિ છવાઇ ગઇ. એમણે કરેલો ગુસ્સો, પૈસાનો આરોપ બધું કશિશને ડંખવા લાગ્યું. આ તો એવું થયું કે ગુનો કોઈક કરે અને એની સજા કોઈક ભોગવે. અને છતાં ગુનેગાર નિર્દોષને જ દોષી માને. કશિશને થયું કે પોતે આ બધાં આરોપમાં પોતાની જાતને ગુમાવી દેશે. એ દોડીને બહાર વરંડામાં આવી. તાજી હવાની લહેરખી આવે અને માણસને રાહતનો અહેસાસ થયા તેમ એને બહાર આવીને શાંતિ લાગી. ત્યાં કૌશલને હીંચકા પર બેઠેલો જોઈને એણે વધુ રાહત અનુભવી. એ ચુપચાપ એની બાજુમાં બેસી ગઇ. કૌશલ મોબાઈલમાં કશું કરી રહ્યો હતો. ભલે કૌશલ બિઝિ હોય પણ બાજુમાં હોય તો ય કેટલું સુખ લાગે છે! કશિશ વિચારી રહી. રાતરાણીની મદહોશ સુવાસ એને ગમી. એ રાહ જોઈ રહી કે કૌશલ ક્યારે ફ્રી થાય છે. બસ મનની અંદરની અકળામણ બહાર કાઢવી છે.
ત્યાં કૌશલે મોબાઇલ સાઈડમાં મૂકી દીધો. એટલે કશિશે કહ્યું,
‘તું ભલે આ બાબતમાં ન પડે, મને સાથે ન આપે પણ ઉદય આવ્યા હતા તો તારે એમની સાથે વિવેક માટે પણ બેસવું જોઈએ.‘ કૌશલે એની વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો. અને પછી એણે કશિશ સામે જોયુ,
‘લુક, તારી એકશનના રિએક્શન સામે એ રિસ્પોન્સ આપવા આવ્યાં હતા. એટલે મારે કોઈ વિવેક કરવાની જરુર ન હતી.‘
કશિશને હતું કે આ વાત પર કૌશલ પોઝિટિવ રિએક્શન આપશે પણ એની આશા ઠગારી નીવડી. કશિશ કશું કહે તે પહેલાં તો કૌશલ ઊભો થઇ ગયો,
‘એક્ઝક્યુઝ મી!‘
કશિશ એને જતો જોઇ રહી. થોડીવાર પહેલાં જે રાતરાણીની સુગંધ એને શાંતિ આપતી હતી તે સુગંધ હવે સહેવાતી ન હોય એમ એ ત્યાંથી ઊભી થઇ ગઇ. મન પરનો ભાર હળવો કરવા માટે કોઈક સાથે વાત કરવી હતી. પણ કૌશલ તો વાત કરવા જ નથી ઇચ્છતો. આમ કયાં સુધી એ રિસાયેલો રહેશે?
શું કરવું? કોને ફોન કરું? કોઈક સાથે વાત તો કરવી જ પડશે. નહીં તો સમદંરમાં અથડાતી એકલ નાવની જેમ મનમાં ઊઠતાં તોફાનથી એની નાવ પણ કિનારે આવ્યા પહેલાં ડૂબી જશે. કશિશને પપ્પા સાથે વાત કરવાનું મન થઇ આવ્યું. શું કહીશ એ પૂછશે કે કેમ મારી સામે કેસ કર્યો? બસ આ વિચાર સાથે જ એમને ફોન કરવાની વાત ફસકી ગઇ. સાસુ–સસરા સાથે સંબંધો સારા છે પણ અંગત વાત કહી શકાય તેવા તો કદી બન્યા નથી. કોની પાસે પોતાનું હ્રદય ઠાલવવું?
યસ વન એન્ડ ઓન્લી ધ્યેય! નાનપણથી આજસુધી સુખદુ:ખનો એનો એકમાત્ર સાથી! એણે ધ્યેયને ફોન લગાવ્યો સામેથી પહેલી રીંગ પર જ ફોન પિક થયો,
‘જી, બોલો! આપને માટે શું સેવા કરુ?‘ ધ્યેયની વાત કરવાની સ્ટાઇલ પરથી કશિશને ખ્યાલ આવી ગયો કે એ સારા મૂડમાં છે.
‘બસ, એમ જ ફોન કર્યો હતો. ઉદય આવ્યો હતો.‘
એ સાંભળીને ધ્યેય બોલ્યો, ‘યે તો હોના હી થા!‘
‘બહુ ગમે તેમ બોલ્યો. આક્ષેપ કર્યા કે હું પપ્પાની મિલકતમાં મારે ભાગ જોઈએ છીએ એટલે કરું છું. ધી, હું એવી છું કે પૈસા માટે મારા ભાઇ અને પપ્પા પર કેસ કરું?‘ આટલું બોલતાં બોલતાં તો કશિશના અવાજમાં ભીનાશ આવી ગઇ.
ઉદય સાથે જે વાતચીત થઇ હતી તે બધી એણે ધ્યેયને કહી. કશિશની વાત સાંળભીને ધ્યેય સમજી ગયો કે હવે એ ઇમોશનલ થઇ ગઇ છે. અમુક નાજુક ઘડીએ માણસને સંભાળી લેવા જરૂરી હોય છે નહીં તો એનો આત્મ વિશ્વાસ ભાંગીને ભૂકકો થઇ જતા વાર નથી લાગતી. ભલે કશિશ કેસ જીતે કે હારે પણ એને માનસિક રીતે પડી ભાંગતી એ ન જોઈ શકે. એક મિત્ર તરીકેની ફરજ બજાવવાનો સમય આવી ગયો છે. હવે કશિશને સમજાવવી અને સંભાળવી પડશે.
‘જો ડિયર મેં પહેલાં જ કહ્યું હતું કે આવું થશે. અને મને એમ કે કોઈ તારા ઉપર પણ આવો કેસ કરે તો તું ચૂપ બેસી રહે?‘
સામેથી કશો અવાજ ન આવ્યો એટલે ધ્યેયએ પૂછયું,
‘સાંભળે છે?‘
‘બહેરી નથી.‘ કશિશનો જવાબ સાંભળીને ધ્યેયના ચહેરા પર સ્માઇલ આવ્યું. મેડમ ધીરે ધીરે બધી વાત સમજશે.
‘જો કિશુ, તું માનતી હોય કે તું જે કરી રહી છે તે યોગ્ય છે અને સત્ય તારા પક્ષે છે તો પછી તારે તારી જાતમાં વિશ્વાસ રાખવો પડે. અને બીજીવાત તું આમ આટલી વાત પર રોતી રહીશ તો પછી હવે રોજ રડવું પડશે.‘
ધ્યેય જાણી ગયો કે એ રડી રહી છે તે વાત કશિશને ન ગમી.
‘હું રડતી નથી. ઓ.કે.!‘
ધ્યેયને હસવું આવ્યું પણ એ હસ્યો નહીં. નાહક કશિશને ઉશ્કેરવા ઇચ્છતો ન હતો.
‘એકવાત બહુ ક્લિયર તને પહેલાં પણ હું કહી ચૂકયો છું. તે જે પગલુ ભર્યું છે તેમાં ઘણું સહન કરવાનું આવશે. એટલે જાત પર શ્રધ્ધા રાખવી અને બીજા કોઈ આડા અવળા લાગણીવેડાથી દૂર રહેવું. અર્જુનની જેમ પક્ષીની આંખ પર જ ધ્યાન કેન્દ્રિત કર! ન્યાય આંધળો નથી પણ અઘરો જરુર છે.‘
ધ્યયનેના આ નાનકડાં લેક્ચરે કશિશના મનની ઘણી અકળામણ દૂર કરી અને માનસિક મજૂબત બનાવી.
‘તારે છે ને વકીલ બનવાના બદલે સાઇકોથેરપિસ્ટ બનવું જોઈએ. સારી પ્રેકટિસ ચાલશે!‘ કશિશ બોલી કે તરત ધ્યેય હસી પડ્યો,
‘મેડમ, વકીલ અડધાં સાયકોથેરપિસ્ટ જ હોય છે. રોજ જાત જાતના ગુના અને ગુનેગારો સાથે કામ પાર પાડવાનું હોય છે.. એટલે સાયકોથેરપિસ્ટ બનવું જ પડે. નહીં તો વકીલને તમારા જેવા લોકો પાગલ કરી મૂકે. આ જુવો ને તું ય અડધી મેડ જ છે ને!‘ ધ્યેય બોલ્યોએ સાથે જ કશિશ બોલી પડી,
‘જા..જા....નક્કામા...હું કંઈ પાગલ નથી. તું પાગલ અને તારું ખાનદાન પાગલ!‘
કશિશ આવું બોલી એટલે ધ્યેય હસી પડ્યો. ચાલો એ ફરી નોર્મલ થઇ ગઇ. કશિશ નોર્મલ રહેશે તો જ એ જ કરવા બેઠી છે તે કરી શકશે.
‘જા..જા...તું અડધી નહીં આખી પાગલ છે!‘ ધ્યેય સામેથી બોલ્યો અને કશિશના ચહેરા પર સ્માઇલ આવ્યું. અને એ હસી પડી.
‘જો હું તો જેવી છું તેવી છું, ને બાય ધ વે પાગલના ફ્રેન્ડ પાગલ જ હોય સમજ્યો!‘
‘હવે તારી વાત પતી હોય તો હું કામ કરુ? નહીં તો મારો જુનિયર પચ્ચીસ એપ્રિલે તારો કેસ ચાલુ થાય તે પહેલાં જ હારી જશે.‘
‘ઓ.કે. ગુડ નાઇટ!‘ કશિશે કહ્યું અને ફોન મૂકી દીધો.
કશિશ માસ્ટર બેડરુમમાં આવી તો કૌશલ સુઇ ગયો હતો. એને રોજની જેમ કૌશલના હાથ પર કિસ કરવાનું મન થયું. પણ એણે તેમ ન કર્યુ. કૌશલ આટલું બધું થયા પછી પણ શાંતિથી ઉંઘતો હતો તે કશિશને કઠયું. જેમ જેમ એને હું મનાવવાની કોશિશ કરું છું તેમ તેમ મારાથી દૂર થતો જાય છે. મને સાંત્વના આપવાનું કામ કૌશલે કરવું જોઈએ એના બદલે ધ્યેય કરી રહ્યોં છે. કૌશલને સ્પર્શ ન થાય તેમ એમ એ બેડ પર લાંબી થઇ ગઇ.
‘બસ હવે એ પચીસ એપ્રિલનો સામનો કરવા હું તૈયાર છું.‘ મનોમન શાંતિ થઇ ગઇ એટલે કશિશ થોડીવારમાં ઊંઘી ગઇ. એ સુઇ ગઇ એટલે ઊંઘવાનો ડોળ કરતો કૌશલે પડખું એની તરફ ફેરવ્યું. કશિશને ઊંઘતા જોઈ રહ્યો. અને એના મનમાં વિચાર આવ્યો,
‘આજે કશિશે મન કિસ ન કરી.‘
********
‘આજે કોર્ટમાં શું થશે? પપ્પા કેવું વર્તન કરશે? કૌશલને કોર્ટમાં આવવા કહું?‘
પચીસ તારીખે સવારે કશિશ ઊઠી ત્યારે એના મનમાં અનેક સવાલ હતા. આમ તો ધ્યેયના જુનિયર રાહુલ સાથે બધી વિગતની વિગતવાર ચર્ચા થઇ ચૂકી હતી. છતાં માણસ દરેક સવાલના જવાબ પોતે ઇચ્છતો હોય તેવી આશા રાખતો હોય છે એટલે સવાલના જવાબ ભાવિ પર છોડવા પડતાં હોય છે.
આટલાં દિવસમાં કૌશલના વર્તનમાં સુધારો ન હતો થયો. બન્ને એક જ બેડરુમમાં, એક જ બેડમાં સુતા હતા છતાં અજાણની જેમ રહેતાં. સમય અને સંજોંગોએ એકબીજા પર શ્રધ્ધા કરતાં પતિ–પત્નીને એકબીજા પ્રત્યે આશંક બનાવી દીધા હતા.
કશિશને થયું એક વાર છેલ્લો પ્રયત્ન કરી લેવો. આજે કૌશલને પૂછી લેવું. એ કોર્ટ આવે છે કે નહીં? આખરે સાત વર્ષનો સંબંધ છે, આવી રીતે અધવચ્ચે એ વિખરાઇ જાય તેવું તો ન જ થવું જોઈએ. ભલે એ ન પાડે પણ એ બહાને વાતચીત થાય અને જે સંબંધ સ્થગિત થઇ ગયા છે તે થોડા પ્રવાહી બને તો ઘણું. એ પોતાના રુમમાંથી બહાર લોબીમાં આવી તો એણે કૌશલને જીમમાંથી નીચે આવતો જોયો, એથી ઊભી રહી,
‘એક મિનિટ તને મોડું ન થતું હોય તો મારે વાત કરવી છે!‘ કશિશ બોલી. કૌશલ એની સામે સહેજ તાજુબીથી જોઇ રહ્યોં. આજે કેટલાં દિવસ પછી બન્ને વચ્ચે કોઈ વાતચીતની શરૂઆત થઇ હતી તો પોતે પોઝિટિવ રિસ્પોન્સ આપવો જોઇએ તેવું કૌશલે વિચારીને બોલ્યો,
‘હા, બોલ ને!‘ કૌશલ બહુ સ્વાભાવિક ટોનમાં બોલ્યો એટલે કશિશને આશા બંધાઇ,
‘આજે કોર્ટમાં પપ્પા અને ભાઇને હાજર રહેવાનું છે. મને તારી જરુર છે, તું મારી સાથે આવીશ?‘ કશિશ એના હાવભાવ ધ્યાનથી જોઇ રહી. કૌશલને એમ હતું કે આટલા દિવસ પછી કશિશ વાત કરે છે તો બન્ને વચ્ચેની વાત થશે જેથી સંબંધોમાં જે જડતા આવી ગઇ છે તે સંબંધમાં ઉષ્મા આવશે. પણ એના બદલે ફરી કિશશે કોર્ટની વાત ઉચ્ચારી અને કૌશલે પોતાનું મગજ ગુમાવ્યું,
‘તને કોર્ટ સિવાય બીજું કંઇ યાદ છે? તારો વર, તારું ઘર, એ બધું મૂકીને પાગલની માફક એક જ વાત પર અટકી ગઇ છે. શું કામ સુખી સંસારમાં આગ લગાવે છે?‘
કશિશ આ આરોપથી સ્તબ્ધ થઈ ગઈ.
(ક્રમશ:)
કામિની સંઘવી