To irfankhan mechanic banyo hot in Gujarati Biography by Aashu Patel books and stories PDF | ..તો ઈરફાન ખાન મિકેનિક બન્યો હોત!

Featured Books
Categories
Share

..તો ઈરફાન ખાન મિકેનિક બન્યો હોત!

..તો ઈરફાન ખાન મિકેનિક બન્યો હોત!

ઈરફાન ખાન ટીનૅજર હતો ત્યારે તેના પિતાના ગેરેજમાં આખો દિવસ વાહનોમાં હવા ભરવાનું કામ કરતો હતો!

લાઈફ ડૉટ કોમ

આશુ પટેલ

જર્નાલિસ્ટ ફ્રેન્ડ નિશાંત ભૂસે પાસેથી પોપ્યુલર ઍક્ટર ઈરફાન ખાનના મ્રુત્યુના ન્યુઝ મળ્યા એ સાથે દિલમાં એક ટીસ ઊઠી. ઈરફાન ખાનને વ્યક્તિગત રીતે મળવાનું થયું હતું. અને તેની અદ્ભુત ઍક્ટિંગનો હું ચાહક રહ્યો છું. ઈરફાન સાથે ક્યારેક પત્રકાર તરીકે મળવા સિવાય મારે સીધો કોઈ સંબંધ નહોતો, પણ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા અમારા કોમન ફ્રેન્ડ. અને બીજી એક વાત એ કે તિગ્માંશુએ ઈરફાન ખાનને બૉલીવુડમાં મૅજર બ્રેક આપ્યો હતો અને મને પણ તિગ્માંશુને કારણે બોલીવુડમાં એન્ટ્રી મળી. ઈરફાનનું જીવન અત્યંત ચડાવ-ઉતારવાળું રહ્યું હતું એટલે મેં તેના વિશે અનેક વાર લખ્યું છે. તેના મૃત્યુથી તેના કરોડો ચાહકોને આંચકો લાગ્યો છે ત્યારે તેના જીવનની થોડીક વાતો રીડર્સ સાથે શેર કરવાનું મન થાય છે.

ઈરફાન ખાન ટીનૅજર હતો ત્યારે તેના પિતાના ગેરેજમાં આખો દિવસ વાહનોમાં હવા ભરવાનું કામ કરતો હતો. એને ગેરેજ કહો કે દુકાન કહો, ત્યાં વાહનોમાં હવા ભરવાનું અને નાનામોટા રીપેરિંગનું કામ થતું હતું. એની સાથે એ નાનકડી દુકાનમાં થોડીઘણી જરૂરી ચીજો પણ વેચાતી હતી. ઇરફાન ખાનની મહત્ત્વાકાંક્ષા ના હોત તો પૂરી શક્યતા હતી કે એ મિકેનિક બની ગયો હોત!

ઈરફાન ખાનના દાદા રાજસ્થાનમાં નાનકડા રાજ્યના નવાબ હતા પણ પછી સમય બદલાયો અને તેના કુટુંબે ગરીબીમાં જીવવાનો વારો આવ્યો. ઈરફાન ના પિતા ગરીબ હતા. તેમની પાસે માત્ર રૉયલ ફેમિલીના વંશજ હોવાનું ગૌરવ લેવા સિવાય બીજું કંઈ નહોતું. ગુજરાન ચલાવવા માટે તેમણે દુકાન શરૂ કરી હતી અને ઈરફાન પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારથી પિતાની દુકાનમાં મદદ કરવા જવા લાગ્યો હતો. તેના પિતાએ સારો સમય પણ જોયો હતો અને ઇરફાન ની માતા પણ એક સમૃદ્ધ હકીમ કુટુંબમાંથી હતી પણ ઇરફાન સમજણો થયો ત્યારે તેના કુટુંબની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી. જોકે નવાબ ખાનદાનમાંથી આવતા હોવાને કારણે તેના પિતા સંતાનોને ફિલ્મો જોવા દેતા નહોતા. ફિલ્મ જોવી એ હલકા લોકોની પ્રવૃત્તિ છે એવું તેઓ માનતા હતા. એના કારણે ઇરફાનને બાળપણમાં અને કિશોરાવસ્થામાં ફિલ્મો જોવાની તક મળી નહોતી. જયપુરથી 100 કિલોમીટર દૂર તેના વતન ટોંકમાં ‘રાજ’ ટોકિઝ હતી એની બહાર ઇરફાન પોતાના મિત્રો સાથે ઊભો રહેતો અને ફિલ્મ ચાલુ હોય એ દરમિયાન થિયેટરનો દરવાજો ખૂલતો તો તેને ફિલ્મની એક ઝલક થોડી સેકન્ડ માટે જોવા મળી જતી.

ઇરફાન છેક દસમા ધોરણમાં આવ્યો ત્યારે તેને પહેલી વાર થિયટરમાં ફિલ્મ જોવાની તક મળી હતી. દુકાનેથી છટકીને ફિલ્મ જોવા જવું હોય તો ઈરફાને ઘણી માથાકૂટ કરવી પડતી હતી. ફિલ્મ જોવા માટે ત્રણ કલાક પિતાની નજરમાંથી દૂર થવું પડે અને સ્વાભાવિક રીતે એટલો સમય એ દુકાને કે ઘરમાંથી આઘોપાછો થઈ જાય તો તેના પિતાને શંકા ગયા વિના રહે નહીં.

આ સ્થિતિમાં દસમા ધોરણમાં ભણતી વખતે સ્કૂલમાંથી ડાંડી મારીને ઈરફાને છાનામાના ફિલ્મ જોઈ હતી. એ પછી તો તેને ફિલ્મો જોવાનો ચસકો લાગ્યો અને તે ફિલ્મ જોવાના મોકા શોધવા લાગ્યો. ફિલ્મ જોવા જવા માટે તેણે ઘરમાં ખોટું બોલીને જવું પડતું હતું. એક વાર આવી રીતે છાનામાના ફિલ્મ જોવા ગયો એ પછી તેનું જુઠાણું પકડાઈ જવાનો ડર લાગ્યો એટલે તેણે પોતાના હાથ અને પગ પર કાપા મૂક્યા અને લોહી નીકળતી હાલતમાં ઘરે ગયો એટલે તે ત્રણ કલાક ગાયબ હતો એ વાત બાજુએ રહી ગઈ અને તેના માતા-પિતા તેની ઈજાની ચિંતા કરવા લાગ્યા.

દસમાં ધોરણમાં ભણતી વખતે હિન્દી ફિલ્મ જોઈ એ પછી ઈરફાનના મનમાં અભિનેતા બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી. જે ઘરમાં ફિલ્મ જોવા પર પ્રતિબંઘ હોય એ ઘરમાં ફિલ્મ અભિનેતા બનવાની વાત કરવી એ બહુ મોટું સાહસ હતું. પોતાને અભિનેતા બનવાનો વિચાર આવ્યો એ વાત ઘરમાં તો ઠીક પોતાના બેસ્ટ ફ્રેન્ડને કહેતા પણ ઇરફાન અચકાતો હતો. તેના બેસ્ટ ફ્રેન્ડને એ વાત કહેવાની હિંમત કરવામાં ઇરફાનને દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો હતો! ઈરફાને તેના ખાસ દોસ્તને વાત કરી કે મારે ફિલ્મ અભિનેતા બનવું છે ત્યારે તેના એ ગાઢ મિત્રએ તેને પાનો ચડાવ્યો પણ તેની આંખો કહેતી હતી કે ઇરફાન ને તેના ઘરમાંથી એ માટે પરવાનગી મળશે એવી સહેજ પણ આશા તેને નહોતી.

ઇરફાનના માતા-પિતા ઇરફાન માટે જુદું જ વિચારતા હતા. ઇરફાનની માતા ઇચ્છતી હતી કે ઇરફાન ભણીગણીને સારી ડિગ્રી મેળવે એના આધારે એ સારી નોકરી મેળવી શકે તો જીવનમાં ઠરીઠામ થાય. ઇરફાનની માતાએ કારમાં ફરવાની લકઝરી ભોગવી હતી અને તેમના ઇરફાનના પિતા સાથે લગ્ન થયા એ વખતે ઇરફાનના પિતા પાસે પણ સેકન્ડહેન્ડ ખુલ્લી જીપ હતી. જોકે પછી તો ઇરફાનના પિતાનો ખરાબ સમય આવ્યો હતો અને તેમણે વાહન ચલાવવાને બદલે વાહનો રીપેર કરવાનો વારો આવ્યો હતો. ચાર ભાઈ-બહેનોમાં ઇરફાન સૌથી મોટો હતો એટલે પણ તેની માતાની તેની પાસે બહુ અપેક્ષા હતી.

જોકે ઇરફાનના પિતા એવો આગ્રહ નહોતા રાખતા કે ઇરફાન ભણીગણી સારી નોકરી મેળવે. તેઓ ઇચ્છતા હતા કે ઇરફાન કોઈ નાનોમોટો ધંધો શીખી લે અને સરખું કમાતો થઈ જાય તો બહુ છે. આ દરમિયાન ઇરફાનની અભિનેતા બનવાની મહત્ત્વાકાંક્ષા પ્રબળ બની રહી હતી. જોકે એની પિતા સામે એ વિશે વાત કરવાની હિંમત ચાલતી નહોતી. ઇરફાન એના પિતાની પરવાનગી માગીને દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)માં ભણવા જવાનું વિચારતો હતો એ દરમિયાન જ અચાનક તેના પિતા મૃત્યુ પામ્યા.

પિતાના મૃત્યુને પગલે ઇરફાન પર આખા ઘરની જવાબદારી આવી પડી. એક બાજુ ઇરફાન પર ઘર ચલાવવાની જવાબદારી હતી અને બીજી બાજુ તેની ફિલ્મ અભિનેતા બનવાની મહત્ત્વાકાંક્ષા હતી. પિતા મૃત્યુ પામ્યા એ અગાઉ છાનામાના તેણે એનએસડીમાં પ્રવેશ મેળવવાની કોશિશ શરૂ કરી દીધી હતી. ઇરફાનને એનએસડીમાં પ્રવેશ મળ્યો એ વખતે એ પિતાનું છત્ર ગુમાવી ચૂક્યો હતો અને તેની પાસે ફૂટી કોડી પણ નહોતી. ઈરફાને એનએસડીમાં પ્રવેશ મેળવવા માટે 300 રૂપિયા ફી ભરવાની હતી, પણ તેની પાસે પૈસા આપનારું કોઈ નહોતું!

આ માટે ઈરફાને મિત્રો પાસે મદદ માગી પણ એ વખતે એ જેને અંગત મિત્રો માનતો હતો એમાંથી એક પણ મિત્ર એને કામ ન લાગ્યો. (‘બિલ્લુ બાર્બર’ ફિલ્મના શૂટિંગ વખતે ઇરફાનને એ દિવસો યાદ આવી ગયા હતા. એ ફિલ્મમાં ઇરફાન ખાનના ગામમાં શાહરૂખ ખાનનું પાત્ર સુપરસ્ટાર તરીકે ફિલ્મના શૂટિંગ માટે જાય છે ત્યારે એક શાળાના સમારંભમાં કહે છે કે મારી પાસે આગળ ભણવાના પૈસા નહોતા ત્યારે મારો બાળપણનો દોસ્ત બિલ્લુ મને મદદ કરતો રહ્યો હતો!)

એ વખતે મિત્રોએ તો હાથ ઊંચા કરી દીધા, પણ ઇરફાનની નાની બહેન ઇરફાનની મદદે આવી. ઈરફાને બહેન પાસે પૈસા ઉછીના માગ્યા. તેની બહેને તેને પૈસા આપી પણ દીધા. જોકે ઇરફાનની માતાને એ ન ગમ્યું. તે ઇરફાન દિલ્હી ભણવા જાય એની વિરુધ્ધ હતી. તેણે પૂછ્યું કે ‘દિલ્હીમાં તું જે ભણવા જાય છે એ ભણીને શું ફાયદો?’ ઇરફાન પહેલી વાર અને છેલ્લી વાર એની માતા સામે ખોટું બોલ્યો કે દિલ્હીમાં હું ભણી લઉં પછી પાછો આવી જઈશ અને જયપુરમાં મને થિયેટર પ્રોફેસર તરીકે નોકરી મળી જશે! ઇરફાને એવું કહ્યું ત્યારે એ સ્પષ્ટ હતો કે તેને માત્ર અને માત્ર ફિલ્મોમાં અભિનય જ કરવો છે.

અને ઇરફાન એનએસડી (નૅશનલ સ્કૂલ ઓફ ડ્રામા)માં અભ્યાસ માટે દિલ્હી ગયો. ત્યાં જઈને તેને મોકળાશનો અને ફ્રીડમનો અનુભવ થયો. ત્યાં એના પર કોઈ પ્રતિબંધ નહોતો. એનએસડીના અભ્યાસના કલાકો બાદ કરતા એ ક્યાં ગયો, એણે શું કર્યું એવા સવાલો પૂછવાવાળું પણ કોઈ નહોતું. કોઈ સવાલ પૂછનારું નહીં એટલે જવાબ આપવાની, ખોટું બોલવાની કે ખુલાસા કરવાની પણ જરૂર નહીં. જોકે એ વખતે તેના મનમાં એક સવાલ જરૂર ઉઠતો હતો કે એનએસડીમાં બધું ભણાવાતું હતું પણ અભિનય કરતી વખતે લાગણી દર્શાવવાનું કોઈ કઈ રીતે શીખવી શકે? એ વખતથી તે માનતો થઈ ગયો હતો કે સારી અથવા વાસ્તવિક અભિનયશક્તિ તો જ ખીલવી શકાય જો એક્ટર પાત્ર સાથે લાગણીથી જોડાઈ શકે.

એનએસડીમાં તાલીમ લીધા પછી પોતાને માટે બૉલીવુડના દરવાજા ખૂલી જશે એવું માનતા ઇરફાનને જોકે કલ્પનાતીત સંઘર્ષ કરવો પડ્યો હતો. એને જોકે તેની પહેલી ફિલ્મમાં અભિનય કરવાની તક તો 1988માં એ એનએસડીમાં છેલ્લા વર્ષમાં ભણતો હતો ત્યારે જ મળી ગઈ હતી. મીરા નાયર ‘સલામ બોમ્બે’ ફિલ્મ બનાવવાના હતા ત્યારે તેઓ એનએસડીમાં ગયા હતા અને તેમણે ઇરફાનને સાઈન કર્યો હતો. ઇરફાને ‘સલામ બોમ્બે’માં અભિનય કર્યો હતો પણ ત્યારે એ દિલ્હી જ રહેતો હતો. ફિલ્મસર્જક ગોવિંદ નિહલાનીએ તેને નાટકોમાં અભિનય કરવા માટે મુંબઈ બોલાવ્યો ત્યારે તે મુંબઈ રહેવા આવ્યો હતો.

‘સલામ બોમ્બે’ ફિલ્મમાં અભિનય અને થોડા નાટકો કર્યા પછી ઇરફાને હિન્દી ફિલ્મોમાં રોલ મેળવવા માટે કોશિશ શરૂ કરી પણ એને તક મળી નહીં.

સંઘર્ષના એ દિવસોમાં ઇરફાનને ટીવી સિરિયલોમાં અભિનયની તક મળી એ તેણે આંખ મીચીને ઝડપી લીધી. ‘બનેગી અપની બાત’ અને ‘ચંદ્રકાંતા’ જેવી લોકપ્રિય બનેલી ટીવી સિરિયલમાં અભિનય કરવાને કારણે તેનો ચહેરો જાણીતો બની ગયો. તિગ્માંશુ ધુલિયાએ વિખ્યાત ગુજરાતી લેખક ચંદ્રકાંત બક્ષીની વાર્તા પરથી સ્ટાર બેસ્ટસેલર માટે ‘એક શામ કી મુલાકાત’ શોર્ટ ફિલ્મ બનાવી હતી એનો હીરો પણ ઈરફાન ખાન હતો. એ ફિલ્મના પ્રોડ્યુસર ગુજરાતી સુનીલ દોશી હતા. જોકે હિન્દી ફિલ્મોમાં અભિનય કરવાની તેની ઇચ્છા તો ફળીભૂત થતી નહોતી. એ વખતે તેને ફિલ્મ ડિરેક્ટર આસિફ કાપડિયાએ તેમની અંગ્રેજી ફિલ્મ ‘ધ વોરિયર’માં અભિનય કરવા માટે બોલાવ્યો. એ વખતે ઇરફાન કંઈ પણ કામ કરવા માટે તૈયાર હતો એટલે એ ફિલ્મ તેણે સ્વીકારી લીધી. જોકે એ ફિલ્મ બન્યા પછી એનો પ્રીમિયર શો ન્યુ યોર્કમાં યોજાયો ત્યારે ઇરફાનને ખબર પડી કે એ ફિલ્મની એની કરીઅરમાં શું અસર પડશે. એ ફિલ્મ જોઈને પ્રેક્ષકો અને મીડિયા બંનેએ ઇરફાનના વખાણ કર્યા અને વિવેચકોએ પણ ઇરફાનને બિરદાવ્યો.

જોકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો એ હજી સ્ટ્રગલર જ હતો. એ વખતે એક ડિરેક્ટર ફ્રેન્ડ તેની વહારે આવ્યો. ઇરફાન જ્યારે એનએસડીમાં ભણતો હતો ત્યારે તેની સાથે ભણતા વિદ્યાર્થીઓમાં એક તિગ્માંશુ ધુલિયા પણ હતો. ઇરફાન અને તિગ્માંશુ દિલ્હીમાં દોસ્ત બની ગયા હતા અને તિગ્માંશુ ઇરફાનની અભિનયકળાથી પ્રભાવિત હતા. તિગ્માંશુએ ઇરફાનને દિલ્હીમાં ભણતી વખતે અને મુંબઈમાં સંઘર્ષ કરતી વખતે અનેક વાર કહ્યું હતું કે હું ફિલ્મ બનાવીશ ત્યારે તને ધમાકેદાર રોલ આપીશ. પણ તિગ્માંશુનો પોતાનો સંઘર્ષ ચાલુ હતો. તિગ્માંશુને દોઢ દાયકા જેટલા સંઘર્ષ પછી પહેલી ફિલ્મ ડિરેક્ટ કરવાની તક મળી ત્યારે તેણે ઇરફાનને સાઇન કર્યો. 2003માં ‘હાસિલ’ ફિલ્મ રિલીઝ થઈ એ સાથે તિગ્માંશુ અને ઇરફાન બન્નેનું નામ બૉલીવુડમાં અને પ્રેક્ષકોમાં જાણીતું બની ગયું.

‘હાસિલ’માં ઇરફાને વિલનનો રોલ કર્યો હતો પણ તેના અભિનયથી તે છવાઈ ગયો. તેને ઘણા એવોર્ડસ મળ્યા અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે તેની આગવી ઓળખ ઊભી થઈ ગઈ. જોકે એ ફિલ્મથી ઇરફાનને પ્રશંસા મળી પણ બીજી ફિલ્મોમાં રોલ ન મળ્યા. ઇરફાનને હતું કે આ ફિલ્મથી આટલા એવોર્ડસ અને આટલી શાબાશી મળ્યા પછી તો હવે બૉલીવુડના ડિરેકટર્સ મને સામે ચાલીને કામ આપશે. પણ એવું કંઈ જ ન થયું. એ સમય દરમિયાન ઇરફાન નવી ફિલ્મોમાં રોલ મેળવવા રીતસર વલખા મારતો હતો. તે કોઈ હિન્દી ફિલ્મમાં વિલનના સાથીદાર તરીકેનો રોલ પણ કરવા તૈયાર હતો! એ વખતે ઇરફાન શરમાળ હતો અને સામે ચાલીને કામ માગવા જવાનું તેને અપમાનજનક લાગતું હતું.

એ પછી વળી તિગ્માંશુ ધુલિયાએ તેને ‘ચરસ’ ફિલ્મમાં વિલનનો રોલ આપ્યો. એ ફિલ્મ જોકે ચાલી નહીં, પણ ઇરફાનના વધુ એક વાર અભિનય માટે વખાણ થયા. જોકે એ પછી ધીમે-ધીમે તેને ફિલ્મો મળતી ગઈ. આસિફ કાપડિયાની અંગ્રેજી ફિલ્મ ‘ધ વૉરિયર’માં અભિનય કરવાને કારણે તેને વર્ષો પછી માઇકલ વિન્ટરબોટમની ‘અ માઇટી હાર્ટ’ ફિલ્મમાં બ્રેડ પિટ અને એન્જેલિના જોલી જેવા, હૉલીવુડના ટોચના સ્ટાર્સ સાથે અભિનય કરવાની તક મળી. 2006માં તેણે મીરાં નાયરની ‘ધ નેમસેક’ ફિલ્મમાં પણ અભિનય કર્યો અને એ પછી ડેની બોયગલની ‘સ્લમડોગ મિલિયનેર’ ફિલ્મ પણ તેને મળી અને 2012માં એંગ લીની ફિલ્મ ‘લાઇફ ઓફ પાઇ’ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ખ્યાતિ વધી.

આ દરમિયાન તેને બૉલીવુડની ‘મકબૂલ’, ‘સાત ખૂન માફ’, ‘બિલ્લુ બાર્બર’, ‘મુંબઈ મેરી જાન’, અને ‘રોગ’, સહિત ઘણી ફિલ્મો મળી અને 2012માં ‘પાનસિંઘ તોમર’ ફિલ્મ સુપરહોટ સાબિત થઈ અએન એ ફિલ્મને નૅશનલ એવોર્ડ પણ મળ્યો. એ ફિલ્મને આટલી સફળતા મેળવશે એવી ખુદ ઇરફાનને પણ કલ્પના નહોતી. એ ફિલ્મમાં જોકે તિગ્માંશુને અને ઇરફાનને શ્રદ્ધા હતી અને ફિલ્મના યુનિટના સભ્યો પણ એની સફળતા ઇચ્છતા હતા પણ એમને બાદ કરતા કોઈને ભરોસો નહોતો કે એ ફિલ્મ સુપરહિટ સાબિત થશે. હિટ થવાની વાત તો છોડો, એ ફિલ્મ ચાલશે એવી ખુદ એ ફિલ્મના પ્રોડ્યુસરને પણ કલ્પના નહોતી. એટલે એ ફિલ્મ ચાર વર્ષ સુધી ડબ્બામાં પડી રહી હતી!

ઇરફાનની ‘પાનસિંઘ તોમર’ જેમ જ ‘સ્લમડોગ મિલિયનેર’ ફિલ્મમાં પણ એના ઓરિજિનલ સ્ટુડિયોને દમ નહોતો લાગ્યો એટલે એ ફિલ્મને ડીવીડી દ્વારા જ માર્કેટમાં મૂકવાનો નિર્ણય એ સ્ટુડિયો દ્વારા થયો હતો. એથી દિગ્દર્શક ડેની બોયલ ઘાંઘાવાંઘા થઈ ગયા અને તેમણે એ ફિલ્મ ટૉરન્ટોમાં જઇને ફોક્સ સર્ચલાઇન સ્ટુડિયોના 200 માણસને બતાવી. તે લોકોએ એ ફિલ્મ જોઈ અને તેમણે એ ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી દર્શાવી. જોકે એ સ્ટુડિયોએ પણ એ ફિલ્મ માત્ર ન્યુ યોર્કના એક જ થિયેટરમાં દર્શાવી. પણ એ ફિલ્મ ઇરફાનની કરિયરની જેમ પાછળથી ઊંચકાઈ અને એ ફિલ્મે દુનિયાભરમાંથી રૂપિયા 1600 કરોડનો વકરો કર્યો હતો!

ઈરફાનનું શરીર આ દુનિયા છોડી ગયું છે, પણ તેણે કરેલા પાત્રો થકી તે લોકોના હ્રદયમાં પોતાનું આગવું સ્થાન બનાવી ગયો છે. તેની ફિલ્મ્સ થકી તેનું નામ લોકોની યાદોમાં સચવાયેલું રહેશે.

*****