ભાગ :- ૪
આપણે ત્રીજા ભાગમાં જોયુ કે અનુપના હાથમાં ચિઠ્ઠી આવ્યા પછી અનુરાધાના શું હાલ હવાલ થાય છે. સૃષ્ટિ કેવી રીતે અને શા કારણથી રાકેશ તરફની પોતાની લાગણી છૂપાવી દે છે અને રાકેશને ચિઠ્ઠીનો સમજદારી ભર્યો જવાબ આપીને ટાળી દે છે. તો બીજી તરફ રાકેશ પણ સામે એવીજ સમજદારી દાખવીને એ વાતને કાયમ માટે મનમાં જ દફનાવી દે છે. એ પછી શરૂ થાય છે અનુ અને સૃષ્ટિનું કોલેજનું ભણતર, અનુના જીવનમાં આવેલો શ્યામ નામનો વ્યક્તિ, સૃષ્ટિના લગ્ન થયા પછી એના અરમાનો ને સપનાઓનું વાસ્તવિકતાની દુનિયામાં નિરવ દ્વારા દહન. હવે આગળ..
*****
અનુરાધાનું હૃદય સૃષ્ટિની વાતો સાંભળીને દ્રવી ઉઠે છે અને મનોમન એ પોતાના જીવન વિશે પણ વિચારે છે. સમર્થ, એનાથી ૬ વર્ષ મોટો એનો પતિ ક્યારેય એને સમજી શક્યો નહતો. અનુ માટે ઉંમર ક્યારેય મહત્વની નહતી અને એણે એવા કોઈ મોટા સ્વપ્ન પણ નહતા જોઈ રાખ્યા. એને બસ એક સાદી સીધી જિંદગી જોઇતી હતી જેમાં ખરું સહજીવન હોય અને એ વાત જ ક્યાંક ચૂકાઈ જતી હતી.! સમર્થ તરફથી ક્યારેય કોઈ વાતમાં એની કદર કરવામાં નહતી આવી. અને એને તીવ્રતાથી શ્યામની યાદ આવી જાય છે. શ્યામ એના જીવનનો પહેલો અને છેલ્લો પુરુષ હતો જે અનુરાધાને સમજી શક્યો હતો, એના હૃદયને સ્પર્શ્યો હતો.! પણ અનુએ કાન્હામાં જ એને જોયો હતો એટલે હવે એને બીજી કોઈ ઈચ્છાઓ નહોતી બચી. આજે જ્યારે એણે સૃષ્ટિની વાતો સાંભળી એના મનમાં અનાયાસે જ પોતાના જીવનની કમી આવી ગઈ અને સાથે સાથે શ્યામની યાદો તાજી થઈ ગઈ.
સૃષ્ટિના જીવનમાં એક નવા અધ્યાયની શરુવાત થઈ. પૂરા નવ મહિને એના ઘરે દીકરી મનસ્વીનો જન્મ થયો. સૃષ્ટિને એવું હતું કે મનસ્વીના આવ્યા પછી બધુંજ સારું થઈ જશે ને થોડા અંશે એવું લાગ્યું પણ ખરું. નિરવ દેસાઈએ દીકરીના ઘરે આવ્યા બાદ એક મોટી પાર્ટીનું આયોજન કર્યું. ખુબજ જાહોજલાલી અને હર્ષ ઉલ્લાસ સાથે આ પાર્ટી યોજાઈ. અનુરાધા અને એના પરિવારને પણ એમાં આમંત્રણ આપવામાં આવ્યું. નિરવ દેસાઈએ અનુરાધા અને એના પરિવાર સાથે ખુબજ સારી રીતે વાત કરી. સૃષ્ટિ પણ ખુશ હતી, એને એવું લાગી રહ્યું હતું કે, હાશ.! હવે એના પતિમાં આ દીકરીના આગમનથી કાંઈક ફેરફાર આવશે અને નવો સૂર્યોદય નવી આશાઓ જન્માવશે.
સમય સાથે દીકરી મનસ્વી મોટી થતી ગઈ અને સૃષ્ટિનો મોટાભાગનો સમય કામ અને દીકરી પાછળ વ્યતીત થવા લાગ્યો. હવે એણે પણ સ્વીકારી લીધું હતું કે, "આ જ છે મારી જિંદગી." અને મનોમન નિર્ધાર કરી લીધો હતો કે એને હવે બીજું બાળક નથી જોઈતું. જોકે નિરવને સૃષ્ટિની પસંદ - નાપસંદની એવી કોઈ પડી નહતી પણ મીઠડી મનસ્વીએ જન્મતા જ નિરવના દિલ દિમાગ પર કબજો લઈ લીધો હતો. મનસ્વી હંમેશા નિરવ જોડે પોતાનું ધાર્યું કરાવતી હતી, એને કાંઈપણ કહી શકતી હતી પણ સૃષ્ટિ અને નિરવ વચ્ચેનું અંતર હજુપણ અક્બંધ હતું.
થોડાજ વર્ષોના અંતરાલ પછી સૃષ્ટિને એક મોટો આંચકો લાગ્યો. સુખ દુખમાં જેનાં આલિંગનમા ભળીને એ બધું વીસરી જતી હતી એમની એટલે કે સૃષ્ટિના પિતા સુરેશ દેસાઈની છત્રછાયા પણ એના ઉપરથી દૂર થઈ ગઈ. જીવન સાથે લડી લેવાની વૃત્તિ ધરાવતી સૃષ્ટિ કદાચ માનસિક રીતે નબળી પડી રહી હતી, અને એટલે જ એના પપ્પાને આવેલા એ હાર્ટ એટેકમાં એને એનું જીવન છીનવાઈ ગયું એવું લાગ્યું હતું.! પળ પળ એ એમને યાદ કરી રડે રાખતી હતી અને મનસ્વી એને સાંત્વના આપે રાખતી હતી. હવે સૃષ્ટિ નાનકડી મનસ્વીમાં પોતાનું હેત, પોતાનું પ્રેમ, પોતાનું સર્વસ્વ જોઈ રહી હતી. આમને આમ સમય વીતતો ગયો અને મનસ્વી અને સૃષ્ટિ વચ્ચે સંબંધ મજબૂત બનતો ગયો. ઘરની પરિસ્થિતિ જોઇને નાની ઉંમરમાં જ મનસ્વીમાં વધુ સમજણ આવી ગઈ હતી. એમનો સંબંધ હવે ફક્ત મા દીકરીનો જ ના રહેતા મિત્રતા તરફ વળતો જતો હતો.
"લાગણીઓનો આ સંબંધ મિત્રતામાં હવે જીવવો છે,
હેત ને મિત્રતાનો સંગમ રચી સંગ સંગ એને શ્વસ્વો છે."
આજે, મનસ્વીનો ૧૪ મો જન્મ દિવસ હતો, પરંતુ નિરવ અને સૃષ્ટિ વચ્ચે અંતર એવુંજ અક્બંધ હતું. નિરવ એવું જ માનતો હતો કે પૈસા જ સર્વસ્વ છે એટલે એ હમેશાં પૈસા દ્વારા મળતી સુખાકારી વધારવા દોડે રાખતો હતો. સૃષ્ટિને જોઈતી હૂંફ અને લાગણીઓ હજુ પણ એના માટે યોજનો દૂર હતી. નિરવ હંમેશા બધા આગળ બડાઈ મારતો કે એ આ બધું સૃષ્ટિ અને મનસ્વી માટે જ કરી રહ્યો છે, અને એનો આ જ અહમ્ મનસ્વીની પાર્ટીમાં છલકાઈ આવતો હતો. ખાસ તો અનુરાધા અને સૃષ્ટિના બીજા સગા આગળ એ પોતાની મહાનતાનાના ગુણગાન ગાયા કરતો. ભલે ધામધૂમથી મનસ્વીનો ૧૪ મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો પણ દીકરીની ખુશી માટે બધાની સામે સતત સુખનું મહોરું પહેરીને ફરતી સૃષ્ટિ નિરવના આવા વર્તનથી ખૂબ જ દુઃખી હતી. મનસ્વી એ વખતે તો કંઈ ના બોલી, પણ એ હવે મમ્મી માટે પપ્પા સાથે થોડું લડી ઝગડી લેતી હતી. તોય નિરવ કાયમ જ એની આ વાત હળવાશમાં લઈ પોતાનું ધાર્યું જ કરવામાં માનતો..
સૃષ્ટિએ પોતાની એકલતા દૂર કરવા બીજા રસ્તા શોધી નાખ્યા હતા. એ સોશીયલ મીડિયા અને અન્ય સ્ત્રોતો દ્વારા બીજા લોકો સાથે જોડાતી ગઈ તેમ છતાં અનુરાધા સાથેના સંબંધો એણે હજુપણ એવા જ જાળવી રાખ્યા હતા.! આ અરસા દરમિયાન સૃષ્ટિએ પોતાનું ધ્યાન ખોટું દોરવાય નહીં અને ખોટા વિચારો ના આવે એ માટે એક ઈનકમ ટેક્સ પ્રેક્ટિસનર ની ઓફિસમાં એકાઉન્ટ લખવાનું કામ કરવાનું શરૂ કર્યું હતું. પહેલા નિરવે આ વાતનો ખૂબ જ વિરોધ દર્શાવ્યો હતો, કારણ કે એને આ વાત એના અહમ્ પર કરાયેલા પ્રહાર જેવી લાગી હતી. ઘરમાં પણ દિવસો સુધી વાતાવરણ તંગ રહ્યું હતું, પણ મનસ્વીએ આ વખતે લડી જ લેવાનું નક્કી કર્યું હોય એમ એ નિરવની સામે થઈ ગઈ હતી, અને આખરે અમુક શરતો સાથે સૃષ્ટિને જોબ કરવાની છૂટ મળી હતી. સૃષ્ટિ માટે તો એ પણ બહુ મોટી વાત હતી. વર્ષોથી ગુંગળાતી સૃષ્ટિને થોડી ખુલ્લી હવા મળી હતી. ધીમે ધીમે એ બહારના વાતાવરણમાં ખુલતી જતી હતી. થોડા નવા મિત્રો પણ બન્યા હતા, જે વારેવારે સમય સાથે બદલાતા હતા.
સૃષ્ટિ એક વાતનું ખાસ ધ્યાન રાખતી કે પોતાની પર્સનલ લાઇફ એ કોઈની પણ સાથે શેર ના કરતી, પણ આમા પાયલની વાત અલગ હતી. સાથે ઓફિસમાં કામ કરતી પાયલ સાથે એનું મન મળી ગયું હતું. પાયલ ભલે ઉમરમાં સૃષ્ટિ કરતા નાની હતી પરંતુ મુંબઈમાં એનુ બાળપણ વીત્યું હોવાથી એક્દમ બોલ્ડ વિચારો ધરાવતી અને એક્દમ સ્વતંત્ર અલ્લડ છોકરી હતી. એ ત્યાં સુધી પોતાની સ્વતંત્રતા જાળવી રાખતી હતી કે પોતાના મોબાઇલને પણ એના પતિને જોવાની છૂટછાટ આપી નહોતી. જીવન જીવવાનો એક્દમ અલગ અંદાજ અને અનોખા વિચારો ધરાવતી હતી. પાયલનું માનવું હતું કે પતિ પત્નીનો સંબંધ એક પવિત્ર વિશ્વાસ ઉપર ટકેલો છે, આથી પતિએ નક્કી કરવું કે એને પત્ની ઉપર વિશ્વાસ છે કે મોબાઇલ જોઈને એ વિશ્વાસ નક્કી કરશે.! એનો પતિ પણ એની આ વાતનું માન રાખતો. એક્દમ સીધું સપાટ કહેવાની એની આ જ અદા ઉપર તો મોહીને એણે લગ્ન કર્યા હતા. જો કોઈ પાયલ કે સૃષ્ટિને ઓફિસમાં કે ક્યાંય હેરાન કરે તો પાયલ એને મુંબઈની ભાષામાં ગાળ સંભળાવી દેતી. સૃષ્ટિ રોકતી રહેતી અને પાયલ ઝગડા કરતી રહેતી.
પાયલ એ હદે સૃષ્ટિની જિંદગીનો ભાગ બની ગઈ હતી કે હવે અનુરાધા, પાયલ અને સૃષ્ટિનું એક મિત્ર મંડળ બની ગયું હતું. ત્રણે એકબીજા સાથે પોતાની વાતો શેર કરી મન હળવું કરી લેતી. એમાં એક કડી બીજી જોડાઈ હતી જ્યાં પાયલનો એક મિત્ર અનુજ પણ સૃષ્ટિ અને અનુરાધાનો મિત્ર બની ગયો હતો અને આમ સૃષ્ટિની જિંદગીમાં એક નવો અધ્યાય ઉમેરાયો હતો. જૂના મિત્રોમાંથી રાકેશ હજુ પણ કોઈકોઈવાર સૃષ્ટિને ફોન કરી ખબર પૂછી લેતો હતો. અત્યારે રાકેશ એક સફળ બિઝનેસમેન બની ગયો હતો. આ તરફ નિરવ દેસાઈએ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં પગપેસારો કર્યો હતો એટલે સૃષ્ટિને દરેક વાતમાં નીચું પાડવા એની જોડે પહેલા જેવો સમય નહોતો. પોતાના ધંધા માટે એ દિવસો સુધી બહાર રહેતો હતો. આથી અત્યારના સમયમાં સૃષ્ટિ માટે અનુરાધા, પાયલ, અનુજ અને દીકરી મનસ્વી જ દુનિયા થઈ ગયા હતા.
અનુજ સાથે સૃષ્ટિ ખુબજ ભળી ગઈ હતી, કલાકો સુધી એ લોકો વાતો કરી શકતા. એમાં પણ અનુજ એક પુરુષ હતો આથી સૃષ્ટિને એક પુરુષની દ્રષ્ટિએ અનુજ જે કાંઈપણ કહેતો એ ગમતું હતું. પોતાની પ્રશંસા હોય કે બીજી કોઈ સ્ત્રી પુરુષના સંબંધને લગતી વાત હોય, સૃષ્ટિ બેધડક બધું જ અનુજ સાથે શેર કરી શકતી હતી. આમ આ વ્યક્તિ એક ખાસ વ્યક્તિત્વ તરીકે સૃષ્ટિના જીવન ફલક ઉપર ઉપસી આવ્યો હતો. એવી કોઈ ખાસ પર્સનાલિટી અનુજમાં નહોતી, પણ એની વાતો હમેશાં સૃષ્ટિ માટે ખાસ હતી. એની લાગણી અને એનો સ્વભાવ એને ગમતો હતો અને આજ વાત અનુજને એની જિંદગીમાં ખાસ મિત્ર તરીકે સ્થાન અપાવતી હતી.
અનુજ ઉમરમાં સૃષ્ટિ કરતા ૧૨ વર્ષ નાનો હતો, પણ મનોમન એ સૃષ્ટિને ચાહવા લાગ્યો હતો. એના મનમાં એક પ્રેમિકા બની સૃષ્ટિ વસવા લાગી હતી. આખરે એણે એક દિવસ વાતવાતમાં સૃષ્ટિને પોતાના દિલની આ વાત કહી ત્યારે સૃષ્ટિએ માત્ર એટલુંજ કહ્યું હતું કે, "હું તારા પ્રેમનું સન્માન કરું છું, તારી લાગણીઓનું માન કરું છું, પણ મારા મનમાં તારા વિશે આવી કોઈજ લાગણીઓ નથી. તું મારા જીવનનું એક ખાસ પાત્ર છે પણ એક પ્રેમી તરીકે તું સ્વીકાર્ય નથી. ખાસ મિત્ર તરીકે હમેશાં મારા દિલમાં તારું ચોકકસ સ્થાન છે અને રહેશે પણ એથી વધુ હું તને કંઈ જ નહીં આપી શકું.!" સૃષ્ટિ હવે પહેલા જેવી જ બેધડક બની રહી હતી, એનો પહેલાનો મૂળ અલ્લડ સ્વભાવ બહાર આવી રહ્યો હતો.
ઓફિસમાં પણ પાયલ સાથે રહીને સૃષ્ટિ ખીલી રહી હતી. પહેલાની એની ઉદાસી ગાયબ થઈ રહી હતી. પણ, હા.. ઘરે જેવો નિરવ આવતો એ ગરીબ ગાય થઈ જતી અને નિરવ દોરે એમ દોરવાઈ જતી.
*****
એમ આજે પણ જેવી નિરવની ઇચ્છા સંતુષ્ટ થઈ એ સૃષ્ટિથી અલગ થઈને બીજી બાજુ પડખું ફરી ગયો, જાણે બીજી કાંઈજ પડી ના હોય. પોતે પોતાનું ભોગવ્યુ ને આનંદ લૂંટયો એ અહેસાસ સાથે એના ચહેરા પર ચમક છવાયેલી હતી. થોડી વારમાં નિરવ એટલેકે સૃષ્ટિનો પતિ હમેશાંની જેમ સૃષ્ટિને ભોગવી મીઠી નિંદર માણી રહ્યો હતો. એને સૃષ્ટિની ઈચ્છાઓ કે એની વાતની કોઈજ પરવા કે ફિકર નહોતી, બસ એની ઈચ્છાઓ સતોષાવી જોઈએ.!
સૃષ્ટિના મનમાં હજુ પણ આ જ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો કે, "શું આ જ મારી જિંદગી છે.!? આ આખા ૧૫ વર્ષ મારી જિંદગીના પતિ માટે આપ્યા બસ આ જ મેળવવા..!?" આજે ફરી ઘણા બધા સવાલોએ મનને ઝંઝોળી નાખ્યું હતું.! કોલેજની એક અલ્લડ, હોશિયાર અને પ્રભાવશાળી યુવતિ સૃષ્ટિ દેસાઈ આજે આ કયા ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે.? ક્યારેય, ક્યાંય પાછી ના પડતી અને બધાને જીવનના પાઠ શીખવી સાથ આપતી સૃષ્ટિ આજે કેમ નિ:સહાય બની ગઈ છે.? આવીજ રીતે એ ક્યારેક ક્યારેક વિચારોમાં જ આખી રાતોની રાતો કાઢી નાખતી.
ભૂતકાળમાં જીવીને આવ્યા પછી સૃષ્ટિ સ્વસ્થ થઈને સૂઈ ગઈ, જાણે આજે મનમાં કોઈ નિર્ધાર કર્યો હોય એવી સ્વસ્થ. મનમાં કોઈ સંકલ્પ કે જે થવું હોંય એ થાય પણ હવે નિરવને એની ઈચ્છા સંતોષવા અને ભોગ વિલાસનું સાધન નથી બનવા દેવું. આવતીકાલથી મારે મારા માટે જીવવું છે. એક નવા સૂર્યોદય સાથે નવી શરુવાત કરવી છે.
*****
શું સૃષ્ટિ નવા સંકલ્પ સાથે જીવી શકશે?
કે પછી એના રસ્તામાં અવરોધો આવશે?
આ સંકલ્પ એના જીવનને ક્યાં દોરી જશે?
આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk
મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...