મિત્રતા એ કોઈપણ વ્યક્તિનાં જીવનમાં ખૂબજ અદ્ભૂત ભાગ ભજવે છે. એવાજ બે મિત્રો કે પછી એમ કહું કે સખીઓની વાત તમને કહેવા માગું છું. બંને ખૂબજ ચંચળ અને ખૂબજ સુંદર પણ. બંને લગભગ ૧૦ વર્ષના હતા ત્યારે પહેલીવાર એકબીજાને મળ્યાં હતા. પીન્કી નો નવી સ્કૂલમાં પહેલો દિવસ હતો એટલે તે સાવ ચૂપચાપ અને ઉદાસ હતી. પણ તેને નહોતી ખબર કે તેની જેમજ બીજું કોઈ પણ એ સ્કૂલમાં નવું જ આવ્યું હતું. બધા રીસેસમાં પોતપોતાની બહેનપણીઓ સાથે નાસ્તો કરતા હતા, પણ પીન્કી ની કોઈ જ મિત્ર નહોતી એટલે તે પોતાનો લંચ બોક્ષ કાઢતી જ નથી. છેલ્લી બેન્ચ ઉપર બેઠેલી એક છોકરી આ બધું જોઇ રહી હતી. તેની સાથે પણ નાસ્તો કરવા માટે કોઈ બહેનપણી નહોતી. ભૂખ તો બહુ લાગી હતી એટલે શરમ છોડી સામે ચાલીને તે પીન્કી પાસે ગઈ અને તેને કહે છે, મારૂં નામ પીનલ છે. હું પણ આ સ્કૂલમાં નવી જ આવી છું. મારે કોઈ જ બહેનપણી નથી. તો તું મારી બહેનપણી બનીશ? પીન્કી નો ચહેરો ખુશીથી ખીલી ઊઠે છે અને બસ તે દિવસથી આજ સુધી એટલે કે ૨૫ વર્ષો વીતવા છતાં તેમની મિત્રતા માં કોઈ ફરક નથી પડ્યો. પણ હા બંને પોતપોતાના જીવનમાં પોતપોતાના પરીવારને સંભાળવામાં વ્યસ્ત થઈ ગયા અને અલગ શહેરોમાં રહેતા હોવાથી માત્ર ક્યારેક ફોન ઉપર વાત કરી લે છે. પણ હા બંને એકબીજાના જન્મદિવસ ઉપર રાત્રે બરાબર ૧૨ વાગે ફોન કરવાનું નાં ભૂલે. ઘણા વર્ષોથી મળ્યા ન હોવાના કારણે બંને બહેનપણીઓ મનમાં ને મનમાં જ એકબીજાને મળવા માટે ખુબ જ આતુર હતી પણ જવાબદારીઓ આગળ કોઈનું શું ચાલે. પણ બંનેને એક દીકરી હતી અને એક દિકરીથી વિશેષ માં નું દર્દ કોણ સમજી શકે? પિંકી નો જન્મ દિવસ આવી રહ્યો હતો તેથી તેની દીકરી વિચારે છે કે મારી માને તેની બાળપણની મિત્ર સાથે મળવાથી વધારે વિશેષ ભેટ તો કોઇ હોઇ જ ન શકે. તેથી તે પિનલને ફોન કરે છે અને કહે છે માસી ઘણા વર્ષો થઈ ગયા તમને અને મારા મમ્મીને મળ્યાને. ક્યાં સુધી તમે બંને આમ જવાબદારીઓ નિભાવવા ખાતે એકબીજાને મળવાનું ટાળશો? મમ્મી નો જન્મદિવસ આવે છે તો મારી ઈચ્છા છે કે મમ્મીને સરપ્રાઈઝ આપવા માટે રાત્રે 12:00 વાગે તમને બંનેને મેળવવા. તમે અહી આવી શકશો માસી? પિનલને પણ ઘણા વર્ષોથી પોતાની મિત્રને મળવાની ઈચ્છા તો હતી જ તેથી વિચાર્યા વગર તે ઝડપથી હા પાડી દે છે. પિનલની દીકરી પણ પીનલની સાથે જવા માટે તૈયાર થઈ જાય છે, કારણ કે તે પણ પોતાની મંમ્મીની એ ખાસ બહેનપણીને મળવા માંગતી હોય છે. ૨૫ વર્ષો પછી પોતાની બાળપણની મિત્ર ને મલવાનું હોવાથી પીનલના મનમાં અનેક યાદોનાં મોજાઓ ઉમળતા હોય છે. વળી પિંકીના જન્મદિવસ ઉપર જવાનું હોવાથી તેને કંઇક ખાસ ભેટ પણ આપવા માંગતી હોય છે. જેથી તે બાળપણમાં પિન્કીને સ્કૂલની બહાર ઊભી રહેતી લારીમાંથી જે જે વસ્તુઓ ભાવતી હતી તે બધી વસ્તુઓ એક મહિના સુધી ચાલે એટલી બધી લઈને જાય છે. રાત્રે બાર વાગે છે અને પીન્કી પોતાના મોબાઈલ તરફ જુએ છે પણ પિનલ નો ફોન આવ્યો નહીં. પિનલ ની તબિયત તો બરાબર હશે ને એવું વિચારતી હતી ત્યાં જ તેના ઘરની બેલ વાગે છે. ઘરના બાકીના સભ્યો જાગતા હોવા છતાં કોઈ જ દરવાજો ખોલવા માટે ઊભા થતાં નથી. તેથી પિંકી વિચારે છે કે બધા કદાચ સુઈ ગયા હશે એટલે એ પોતે જ દરવાજો ખોલવા જાય છે. દરવાજો ખોલતાની સાથે જ પિંકી સ્તબ્ધ થઈ જાય છે. અચાનક આટલા વર્ષો પછી પીનલને પોતાની નજરો સામે જોઈને પિંકી એકદમ અવાચક બની જાય છે અને તેની લાગણી તેની આંખોમાંથી આંસુ બનીને સરવા લાગે છે. પિનલ પણ એટલી જ ભાવવિભોર થઈ જાય છે અને પિન્કીને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે પણ તે કંઈ બોલી શકતી નથી અને ફટાફટ પોતાની મિત્રને ગળે લગાવીને હરખથી રડવા લાગે છે. પછી ઘરના બધા સભ્યો પણ બહાર આવે છે અને પિન્કીને જન્મદિવસની શુભકામનાઓ આપે છે અને પીનલ અને તેની દીકરીને બધા આવકારો આપીને ઘરમાં બેસાડે છે. પિંકી અને પિનલ હજુ સુધી ખુશીના એ ઘૂંટડા ઉતારી શક્યા નહોતા અને એમની આંખો હરખથી માત્ર એક બીજા ને જોઈ રહી હતી અને બંનેના ચહેરાઓ ખુશીથી એકદમ લાલ થઈ ગય હતા. પછી પિનલ ફટાફટ પિંકી માટે પોતે ગિફ્ટ લાવી હતી તે કાઢીને તેને આપે છે. ગિફ્ટ ખોલતાની સાથે જ પિંકીના મનમાં તેની અને પિનલ ની બાળપણ ની યાદો નજર સામે તાજા થઇ જાય છે. એ બધી યાદોને પિનલ સાથે વાતચીત કરીને ફરીથી માણવા માંગતી હોય છે,પણ તેની લાગણીઓ અને અતિશય હરખ પાસે તેનું કંઈ જ ચાલતું નથી અને બંને સખીઓએ ભીની આંખોથી કંઈ જ બોલ્યા વગર એકબીજા સાથે જાણે કેટલીયે વાતો કરી લીધી હોય તેવું લાગતું હતું. સ્કૂલમાં છેલ્લી બેન્ચ પર બેસીને ખાધેલા કચુકા, સ્કૂલનાં હિંચકા ઉપર બેસીને લીધેલા ખાટ્ટી આમલી નાં ચટકારા, રીસેસમાં ખાધેલા એકબીજાના સેવમમરા, દસમા ધોરણની તૈયારીઓ, પરીક્ષા ની બીક, રીઝલ્ટ ની રાહ, બંનેનું સાથે જ કોમર્સમાં એડમિશન, પહેલો ક્રશ, પહેલું હાર્ટબ્રેક, પાણીપુરીની લારી, કેન્ટીનના સમોસા, કોલેજની ગર્લ્સ ગેંગ, પહેલો ઓફર લેટર, રિજેક્ટેડ છોકરાઓ અને આવી જ ઘણી બધી યાદ પિંકી અને પીનલ ના મનમાં આવી રહી હતી. એ રાત્રે પિંકી અને પીનલે જાણે એકવાર ફરીથી તેમની જિંદગી એ થોડા જ પળોમાં જીવી લીધી હતી. પછી બીજે દિવસે સવારે જ્યારે પિંકી અને પીનલ થોડું હળવું અનુભવે છે ત્યારે બંને એકબીજાને ગળે મળે છે અને પિનલ પિન્કીને જન્મદિવસ માટે શુભકામનાઓ આપે છે. અને પછી ચાલુ થાય છે એક અનસ્ટોપેબલ વાતચીત. તું કેમ છે? આટલી દુબળી કેમ થઈ ગઈ છે? હવે કોને માટે ડાયટિંગ કરે છે? તારો પેલો એક્સ તો હજુ પણ કુંવારો જ ફરે છે. બચી ગઇ તું તો. બાય ધ વે તું તો હજુ પણ એકદમ હોટ દેખાય છે. સ્પામાં જતી લાગે છે. વેક્સિંગ કરાવે છે કે હજુ પણ પહેલાંની જેમ જ વેક્સિંગ ના નામ પર બૂમો પાડે છે? જાતે જ બધી રસોઈ બનાવતા શીખી ગઈ કે પછી તારા હસબંડ બનાવી આપે છે? કામવાળી આવે છે કે બધું કામ જાતે જ કરે છે? જ્યારે બે મિત્રો મળે અને એમાંય સ્ત્રીઓ હોય ત્યારે તો આવી બધી વાતો તો સ્વાભાવિક છે. પિંકી અને પિનલ બંન્ને ની દીકરીઓ પોતાની માતાઓને આટલી ખુશ પહેલી વખત જુએ છે અને તેઓ બંને પોતાની માતાઓને કહે છે કે અમને તમારી બાળપણ ની બધી વાત કહો ને. અમારે પણ જાણવું છે કે તમે લોકો તમારા બાળપણ માં શું શું કરતા હતા. પિંકી અને પિનલને તો જાણે ફરીથી એક મોકો મળી ગયો બાળપણ ની યાદો તાજી કરવાનો. અને બંને મળીને બેય છોકરીઓને એ બધી વાતો હરખથી કહેવા બેસી જાય છે. બપોરથી રાતના આઠ વાગવા આવ્યા તેમ છતાં તેમની વાતો પૂરી ના થઈ. અને છોકરીઓ પણ એટલી જ ઉત્સાહી હતી કે તેઓ પણ ત્યાંથી ઊભા થઇને ગયા નહીં જયાં સુધી તેમણે આખી સ્ટોરી સાંભળી ના લીધી. આટલા વર્ષો પછી ત્રણ દિવસ માટે સાથે રહીને પિંકી અને પિનલ એ તેમના જીવનની જે ડાળીઓ બધી મુરઝાઈ ગઈ હતી તેને જાણે પ્રેમથી ખાતર નાખીને ફરીથી થોડા વર્ષો માટે સજીવન કરી દીધી. અને ત્યારબાદ આ તેમની કાયમની એક ટેવ બની ગઈ કે બંને એકબીજાને તેમના જન્મદિવસ ઉપર તેમના ઘરે જઈને રૂબરૂ જ શુભકામનાઓ આપે. બંનેના પરિવાર વાળા પણ તેમનો પૂરો સાથ આપતા હતા. વરસમાં થોડા દિવસ એકબીજા સાથે વિતાવવા મળે અને બાકીનો સમય ફોન ઉપર વાતો કરવા મળે, આનાથી વિશેષ મિત્રોને બીજું શું જોઈએ?
✍🏻 પૂર્વી 🧚🏻♀️