*એ નિર્દોષ દોસ્તી* વાર્તા.. ૧૬-૧-૨૦૨૦
આસાન છે દોસ્તી કરવી પણ અઘરું બહું છે કાયમ દોસ્ત બની સાથ આપવો.. જ્યાં મારુ અને તારુ છે ત્યાં દોસ્તી નથી ટકતી... નિર્દોષ દોસ્તી તો ત્યાં જ રહે છે જ્યાં માફી અને આભાર ની વિધી નથી અને કોઈ જ ફોર્માલિટી ની જરૂર નથી ત્યાં જ એ નિર્દોષ દોસ્તી કાયમ રહે છે... એટલે જ મિત્રો સાથે મોટા થવાય પણ મિત્રો સામે મોટા ના થવાય...
આ વાત છે પાંત્રીસ વર્ષ પહેલાં ની....
આણંદ પાસેનું નાનું એક ગામ ગામડી.... ગામમાં સાત ધોરણ સુધી જ સ્કૂલ હતી પછી આગળ અભ્યાસ કરવા આણંદ જવું પડે...
ગામડી ગામમાં બધી જ નાતની વસ્તી હતી...
બ્રાહ્મપોળમાં રહેતી રવિના અને બિન્દુ એકદમ ખાસ જીગરજાન બહેનપણીઓ હતી....
ફળિયામાં બીજી પણ ઘણી બહેનપણીઓ હતી.... આરતી, પલ્લવી, સોનલ, રીટા, રેશમા, પ્રતિક્ષા,હીના, હેમલતા, પ્રતિષ્ઠા, કિન્નરી, વર્ષા, આમ આખી લેડીઝ ક્રિકેટ ટીમ હતી...
ભણવાનું અને રમવાનું અને એકદમ મસ્ત મજાની જિંદગી માણતાં હતાં બધાં ભેગાં થઈને...
કોઈ પણ તહેવાર હોય દિવાળી, ઉતરાયણ, હોળી , ધૂળેટી હોય કે નવરાત્રિ એક અલગ જ મોજ મસ્તી નો માહોલ હોય અને એકબીજા ને મદદરૂપ બનતાં અને એકબીજા ને સાથ સહકાર આપતા...
એ વખતે એવું ક્યાં હતું કે આની જોડે ના રમાય અને આની જોડે ના બોલાય...
સાંજે સતોડીયુ રમીએ ત્યારે અજય,પિનલ, સર્વેશ, ચેતન,પ્રકાશ,દિપક, રાજેશ અને બધી જ બહેનપણીઓ સતોડીયુ રમવાની જે મજા માણતા એ હાલ ક્યાં છે...
એક દિવસ ભારતી દિદી ના ચૂલામાં પાપડી શેકતા રવિનાએ બિન્દુ ને મજાકમાં એવી હેરાન કરી કે એ લોખંડ ની કાંસ લઈને મારવા પાછળ પડી.... રવિના આગળ દોડતી જાય પાછળ બિન્દુ ઉભી રહે આજે તને નહીં છોડુ...
રવિના એ આખું ગામડી ગામ દોડાવ્યું બિન્દુ ને અને પછી એનાં જ ઘરમાં જઈને એનાં મમ્મી ભારતી દિદી પાછળ સંતાઈ ગઈ રવિના.... અને જેવી બિન્દુ આવી એને ભેટી પડી...
બિન્દુ નો ગુસ્સો ઉતરી ગયો...
બિન્દુ સાયન્સમાં ભણે અને રવિના આર્ટસ માં ભણતી...
બિન્દુ ને પ્રેકટીકલ કરવા ના હોય એટલે રવિના ગામના તળાવમાંથી એકદમ મોટા દેડકા પકડી લાવે અને બિન્દુ પ્રેકટીકલ કરે આમ એકબીજા ની દોસ્તી એકદમ નિર્દોષ અને નિખાલસ હતી...
ગૌરીવ્રત હતું તો બધાં ગામની ભાગોળે રમવા જતાં... અને ખૂબ જ ધમાલ મસ્તી કરતાં...
જાગરણના દિવસે આ વખતે નાટક ભજવવાનું નક્કી કર્યું અને લગ્ન પણ કરાવાના એવું નક્કી થયું અને એની તૈયારી માં બધાં લાગી ગયા....
ફળિયાનાં વડીલો પણ સાથ સહકાર આપવા લાગ્યા...
ફળિયામાં એક સ્ટેજ બનાવવામાં આવ્યો....
નાટક માં તો બધાં ભાગ લેવા તૈયાર થઈ ગયા...
પણ
લગ્ન કરવા કોઈ તૈયાર નાં થતાં..
બિન્દુ અને રવિના એ લગ્ન કરવા તૌયારી દર્શાવી....
અને આમ...
બિન્દુ પુરુષ બની..
અને ...
રવિના પત્ની બને...
એવું નક્કી થયું..
અને જાગરણની રાતે નાટક પત્યા પછી....બિન્દુ અને રવિના ના લગ્ન... રેશમા ગોર મહારાજ બનીને કરાવે છે
આખી રાત આમ જ પસાર ક્યાં થઈ એ કોઈ ને ખબર જ ના પડી...
બિન્દુ અને રવિના બધાં ને પગે લાગ્યા ...
બધાં એ આશિર્વાદ અને રૂપિયા આપ્યા...
કોઈ એ બે રૂપિયા તો કોઈ એ પાંચ રૂપિયા આપ્યા...
બીજા દિવસે આખી નાટક મંડળી આણંદ જઈને પિક્ચર જોઈ આવે છે.... અને નિર્દોષ ધમાલ કરતાં ઘરે પાછા આવે છે....
આમ જ એ ધમાલમસ્તી કરતાં ભણીગણીને પરણીને બધાં જ ઠરીઠામ થઈ ગયા...
પણ આજેય એ નિર્દોષ દોસ્તી અણનમ છે...
આજે પણ બિન્દુ ફોન કરે એટલે રવિના ને કહે હું તારો વર બોલું છું...
આજે પણ રવિના અને બિન્દુ માં એ જ નિર્દોષ અને નિખાલસ દોસ્તી છે...
જ્યાં કોઈ જ ફોર્મલીટી ની જરૂર નથી...
એકબીજાને મળવા કોઈ પરમિશન ની જરૂર નથી...
આવી નિર્મળ દોસ્તી હવે ક્યાં જોવા મળે છે....
ભાવના ભટ્ટ અમદાવાદ......