ગત અંકથી ચાલુ
હવે જોઈએ રામગર સ્વામી બાપાએ ફકડાનાથ બાપા ને આશ્રમ માથીઅલગ બીજી જગ્યાએ જય અને ભક્તિનો પ્રસાર-પ્રચાર કરવાનો આદેશ આપ્યો.
ત્યારે એ સદારામ માથી પૂજ્ય સિધ્ધ સંત શ્રી ફકડાનાથ બાપા કઈ રીતે બન્યા એ કથા હવે આપણે જોઈએ.
ગુરુએ આપેલા મંત્રનુ રટણ કરતા કરતા બન્ને ભાઈઓ ત્યાંથી ચાલ્યા છે અને બરવાળા થોડોક આરામ કરી અને ચાલતા ચાલતા જમરાળા ગામની નજીક આવે છે.
ત્યાં બન્ને ભાઈઓ આવ્યા અને જેવા જ નદી ઉતરવા જાય છે ત્યાં નદી ને અધવચ્ચે આવતા જ શ્રી સુર્યનારાયણ ને અસ્તાચલ પર બિરાજેલા જોયા, એટલે કે સૂર્યાસ્ત થવા આવ્યો હતો અને પશ્ચિમ દિશામાં સૂર્યદેવ અદ્રશ્ય થતા હતા ,
જેવો દિવસ આથમ્યો તે જ સમયે બંને ભાઈઓ એકબીજાની સામે જોવા લાગ્યા, થોડી વાર ઊભા રહી ત્યા ચીપિયો ખોડી નીચે બેસી ગયા .
પોતાનુ આસન નદીની વચમાં લગાવી દીધું !!
ગુરુ મહારાજની આજ્ઞા હતી કે જ્યા દિવસ આથમે ત્યાં બેસી જવું, શરીર ભલે પડી જાય પણ આ જ્ઞાની અવગણના કેમ કરી શકાય!!
સંવત 1880 ની સાલમાં પૂર્ણિમાનો દિવસ હતો સૂર્યનારાયણ ડૂબતા સૂર્યાસ્ત થઈ ગયો ગુરુજીની આજ્ઞા મુજબ ત્યાં જ નદીના પટમાં આસન જમાવ્યું .
નદીમાં આવતા પૂરની પેઠે અંગેઅંગમાં જવાની અને તપના આકરા બંધ થી ફકડાનાથ ના ભવ્ય લલાટ ની તેજરેખાએ અનેક ભાવિકો ભક્તો ને આકર્ષ્યા.
ફકડાનાથ બાપુ ની સેવા ભક્તિની સુવાસ ચારે બાજુ ફેલાવા માંડી .
ગુરુના આશીર્વાદથી અને ભક્તિની શક્તિ થી ફકડાનાથ બાપા " વચન સિદ્ધ યોગી " બની ગયા. ગામલોકોએ સંતની શક્તિ અને ભક્તિ જોઈ એ ગામના પાદરમાં જ્યાં તેમણે ચિપિયો ખોડી અને આસન જમાવ્યુ હતુ ત્યાં નાની સરસ મજાની પર્ણ કુટીર બનાવી દીધી.
જમરાળા ની બાજુના ગામમાં એક ખેડૂત ને લગ્ન થયાને ઘણાં વર્ષો થયા છતાં સંતાન ન હતું. બીજા માણસો મારફતે સંત શ્રી ફકડાનાથ બાપા ની વાતો સાંભળી અને પોતે મનથી માનતા રાખેલી કે' જો મારે ઘેર પુત્રનો જન્મ થાય તો પાંચ શેર તેલ બાપાને ચડાવીશ ' . અને સમય જતાં તે ખેડૂતના ઘરે પુત્રનો જન્મ થયો, ખેડૂત માનતા પુરી કરવા તેલ ચડાવવા જમરાળા આવ્યા. પણ ફકડાનાથ બાપા ને પાસે આવી અને મૂંઝવણ અનુભવવા લાગ્યો!! ફકડાનાથ બાપુ એની મૂંઝવણ જાણી ગયા અને કહેવા લાગ્યા તારે તેલ ચડાવવુ છેને ? તો રેડીદે મારા માથે અને કર તારી માનતા પુરી!!
ખેડૂતે ફકડાનાથ બાપા ઉપર પાંચ શેર તેલ નું પાત્ર ઢોળયુ અને માનતા પુરી કરી .
ફકડાનાથ બાપા એ ખેડૂતને કહ્યું 'હવે તારું પાત્ર અહીંયા મુક' , અને બાપાએ જમણો હાથ લંબાવી પાંચ શેર તેલ એ જમણા હાથથી કાઢી ખેડૂત ના પાત્ર માં પાછુ ભરી દીધું !!.
ખેડૂત આ દ્રશ્યને ચકિત થઈને ફાટી આંખે જોઈ જ રહ્યો હતો .
"ચડે છે તેલ અંગો પર,
નહીં નજરે પડે પાછું.
કહ્યું દેવશંકરે સાચું ,
આકળ છે પીર ના પરચા."
આવું જ એક શ્રદ્ધાળુ ભાવિક બાઇને થયેલું, તેમણે ફકડાનાથ બાપા માથે શ્રીફળ વધેરવાની માનતા રાખેલી ,
એ સમયમાં કોઈ ભવ્ય આરસની મૂર્તિ કે પ્રતિમા એવું કંઈ જ હતું નહીં, દેવી-દેવતાની સ્થાપના પથ્થર ને સિંદૂર ચડાવીને મૂર્તિ ના સ્થાને મૂકવામાં આવતાં. તેથી આ બેન ને એમ કે ત્યાં આવી કોઈ પથ્થરની મૂર્તિ હશે! એટલે એમણે મનોમન શ્રીફળ માથા પર વધેરવાની માનતા રાખેલી,
અને એમાં ધારેલું કામ હતું એ માનતા પૂરી થઈ તેથી એ માનતા પુરી કરવા જમરાળા આવ્યા, સત્ય હકીકત જાણી કે ફકડાનાથ બાપા માથે હવે શ્રીફળ કેમ વધેરવું?
બાપાતો જીવતા જાગતા મહાત્મા છે, તેમની માથે શ્રીફળ કેમ વધેરવું?
એ બેન મૂંઝવણમાં પડી ગયા, પછી ફકડાનાથ બાપા એ કહ્યું કે 'તું તારી માનતા પૂરી કર' . હું તને કહું છું કે તું રામનામ લે અને શ્રીફળ નો ઘા કરી તારી માનતા પૂરી કર , અને એ બાઈ એ ફકડાનાથ બાપા ની સામે રામનામ લઈ બાપા ના માથા સામે શ્રીફળ નો ઘા કર્યો અને શ્રીફળના બે ભાગ થઈ ગયા!!.
આ વાતની ગામમાં તથા આજુબાજુના ગામમાં ખૂબ ચર્ચાઓ થઈ .
ખૂબ વાત ફેલાઈ ફકડાનાથ બાપા એ મનમાં સંકલ્પ કર્યો કે આવા ચમત્કાર બતાવવા એ ઠીક નથી.
તેથી ગામલોકોને બોલાવી બાપા એ વાત કરી કે અહી લોકો તેલ ચડાવવા શ્રીફળ વધેરવાની અને સિંદૂર ચઢાવવા આવી અનેક માનતા ઓ લઈને આવે છે, તો આપણે આ સ્થાન પર એક હનુમાનજીની મૂર્તિ અને બે ઓરડા વાળી જગ્યા બાંધવી છે .
ગામલોકોને ઉત્સાહ તો હતોજ એમાં સંતોની આજ્ઞા મળતાં સૌ ગામલોકો તરત ગામમાં જાહેર કરી ગાડા જોડી અને સવંત ૧૮૮૫માં બે ઓરડા વાળી જગ્યા બાંધી દીધી. અને હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી . હજુ આજ પણ ફકડાનાથ બાપા એ પધરાવેલી એ મૂર્તિ બિરાજમાન છે . જ્યારે એ જગ્યા બનાવવાનું કામ ચાલતું હતું અને પથ્થર તથા ચૂનો લાવવા માટે ગામલોકો ગાડા જોડતા હતા તેમાં એક હઠી ભાઈ ગોહિલ કરીને એક ખેડૂત હતા , તેને આ મોસમમાં જગ્યાના કામમાં ગાડુ રોકવાનું ગમ્યું નહીં . મનમાં મનમાં વિચારવા લાગ્યા કે 'આ બાવા સાધુ ને સમયની કિંમત હોતી નથી, અત્યારે આવી સિઝનમાં ઘરનું કામ ખોટી કરી અને જગ્યા નું કામ કરવા જવાય નહીં'. ગાડા ઉપર બેઠા બેઠા હઠી ભાઈ આવા વિચાર કરેછે ત્યાં ગાડા ઉપર થી તે ગબડી પડ્યા , પાછળ તો ગાડા ની લાઈન લાગેલી હતી, બધા જ ગાડા ઉપરથી જતા રહ્યા, પણ હઠી ભાઇ ને કોઈ મહાત્માએ બચાવી લીધા!! જેમ કોઈ બાવડુ પકડી ખેંચી લે તેમ ખેંચી લઈ અને બચાવી લીધા.
હઠી ભાઈ પોતે કરેલા વિચાર થી પસ્તાણા અને મનોમન બાપા નો ઊપકાર માનવા લાગ્યા. જમરાળા આવી ફકડાનાથ બાપા ના પગમાં પડી ગયા . અને પછી આખી જિંદગી ફકડાનાથ બાપા ના અનન્ય સેવક બની અને રહ્યા.
" હઠી ગોહિલ હઠીલો તે,
પડ્યો ગાડા તળે જ્યારે
બચાવ્યો પ્રેમથી ત્યારે ,
અકળ છે પીર ના પરચા".
આમ ઘણાં જ પર્ચાઓ અને જીવન ચરિત્ર ને આપણે જોઇશું આગળના ભાગમાં.
ક્રમશઃ
(પુરણ સાધુ)
( માલપરા ભાલ)