Lockdown ma vanchvalayak pustako - 2 in Gujarati Book Reviews by Jatin.R.patel books and stories PDF | લોકડાઉનમાં વાંચવાલાયક પુસ્તકો ભાગ 2

Featured Books
Categories
Share

લોકડાઉનમાં વાંચવાલાયક પુસ્તકો ભાગ 2

લોકડાઉનમાં વાંચવા લાયક પુસ્તકો ભાગ 2

આ સિરીઝનાં પ્રથમ ભાગમાં માયથોલોજીકલ ફિકશન વિશે વાત કર્યાં બાદ આ સિરીઝમાં હું તમારી માટે એવી ત્રણ પુસ્તકો લઈને આવ્યો છું જેનું જોનર સસ્પેન્સ છે. પળે-પળે રોમાંચની અનુભૂતિ કરાવતી અને ટર્ન એન્ડ ટ્વીસ્ટ ધરાવતી આ પુસ્તકો અચૂક તમને વાંચવી ગમશે એવી આશા રાખું છું.

લોકડાઉનમાં વાંચવા લાયક પુસ્તકોની પ્રથમ સિરીઝને જે હદે પ્રેમ પ્રાપ્ત થયો હતો એને મને વાચકો માટે આ સિરિઝને આગળ ધપાવવાની પ્રેરણા આપી.

(1)કારસો:-
લેખક:- હાર્દિક કનેરીયા

લેખક મિત્ર હાર્દિક કનેરીયાની આ સસ્પેન્સ રચના ગામઠી પૃષ્ઠભૂમિ પર તૈયાર કરવામાં આવી છે. એક ગામમાં રહેતો એક સામાન્ય ખેડૂત અને એની પડોશમાં રહેતા એક ડોકટર મિત્રની જિંદગીમાં એક તોફાની રાતે એક એવી ઘટના બને છે જેનાં લીધે એમની સાથે એમનાં પરિવારનો જીવ પણ સકંજામાં આવી જાય છે.
અચાનક આ નવલકથામાં એક મંદિરનાં પૂજારી અને પોલીસની એન્ટ્રી થાય છે અને નવલકથા એની ફૂલ સ્પીડમાં પહોંચી જાય છે. જ્યાંથી એવી ઘટનાઓ સામે આવે છે જે અચંબામાં મુકનારી સાબિત થાય છે.

પ્રથમ ત્રણ-ચાર ભાગ પછી એક એવું ગજબનું સસ્પેન્સ ઊભું થાય છે કે તમારે એક જ બેઠકે આ પુસ્તક વાંચવી જરૂરી બની જાય છે. નવલકથામાં ચોરી, બદલો, લવસ્ટોરી, જાસૂસ, પોલીસ બધું જ મળી રહેશે જે સ્ટોરીને વધુ ને વધુ મનોરંજક બનાવે છે. સ્ટોરીટેલિંગ પણ ખૂબ જ સુંદર છે. સમય મળે તો એકવાર અચૂક આ બુક વાંચો.

(2) ગર્લ ઇન રૂમ 105
લેખક:- ચેતન ભગત

ભારતમાં જો સૌથી વધુ જાણીતાં લેખકનું નામ લઈએ તો એમાં ચેતન ભગત ઉચ્ચત્તમ સ્થાને બિરાજે છે. 2 સ્ટેટ, ફાઈવ પોઈન્ટ સમવન, હાફ ગર્લફ્રેન્ડ, થ્રી મિસ્ટેક ઓફ માય લાઈફ, નાઈટ એટ કોલ સેન્ટર જેવી ચેતન ભગતની બુક પરથી સુપરહીટ ફિલ્મો બની ચુકી છે જે એમની લોકપ્રિયતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. આમ છતાં અત્યાર સુધી મને ચેતન ભગતની કોઈ પણ નવલકથા વાંચવી પસંદ નહોતી આવી. એનું કારણ ખબર નહીં શું હતું?

પણ હું મારાં દરેક મિત્રોને ચેતન ભગતની ગર્લ ઇન રૂમ 105 વાંચવાનું અવશ્ય કહીશ. એક હૃદયભગ્ન આશિક, એક વફાદાર મિત્ર અને બેવફા પ્રેમિકા આ ત્રણેયને કેન્દ્રસ્થાને રાખીને એક એવી સુંદર મજાની સસ્પેન્સ રચવામાં આવી છે જે તમને અંત સુધી જકડી રાખશે.

અચાનક થયેલું એક એક મર્ડર, પોલીસ તપાસ, પોલિટિક્સ, કાશ્મીર, આતંકવાદ, ધર્મ જેવી બાબતોને સાંકળીને રચવામાં આવેલી આ નોવેલનો ક્લાઈમેક્સ ખૂબ જ ગજબ છે. વારંવાર બદલાતા જતાં સસ્પેકટ તમારાં મગજને માફકસરની કસરત આપવાનું કાર્ય કરશે. બે મિત્રો વચ્ચે અમુક ફની ડાયલોગ પણ છે જે સમજાય તો હસવાનું રોકી નહીં શકાય. બાકી બીજું તો શું કહું? જો ફ્રી હોય તો વાંચી લો.

(3) ગોડ ઈઝ ગેમર
લેખક: રવિ સુબ્રમનીયમ

રવિ સુબ્રમનીયમ લિખિત આ પુસ્તક ગુજરાતીમાં ઉપલબ્ધ છે કે નહીં એની મને ખબર નથી છતાં અંગેજી કે હિન્દીમાં મળી જાય તો પણ એકવાર વાંચી લેજો એવો અનુરોધ.

એક અમેરિકી સાંસદની હત્યા સાથે શરૂ થતી આ નવલકથા ધીરે-ધીરે એક એવી માયાજાળ રચે છે જેમાંથી નીકળવા નવલકથા આખી વાંચવી જ રહી. શિકાગોનાં વ્હાઈટ હાઉસ, એફ.બી.આઈ હેડ કવાટર્સથી લઈને મુંબઈની સફર તમને આ નવલકથામાં જોવા મળશે.
એટીએમ રોબરી, ઓનલાઈન ગેમિંગ, બીટકોઈન અને સાયબર ક્રાઈમ અંગેની અપ ટુ માર્ક માહિતી આ નવલકથા આપે છે. જોડે-જોડે બિઝનેસ પોલિટિક્સ વિશે પણ તમને જાણવા મળશે. સામાન્ય વાચકો માટે વધારે પડતી ભારે પડી જશે પણ જે વાચકો અવનવું વાંચવાની ઈચ્છા રાખતા હોય એનાં માટે આ પુસ્તક ખૂબ જ સુંદર છે.

આ બધી જ નવલકથા ક્યાંય ફ્રીમાં ઉપલબ્ધ નથી એટલે એની ફ્રી pdf માટે મેસેજ ના કરો. આ સિરીઝમાં જેટલી પણ બુકો મુકીશ એ પેઈડ હશે એનું ધ્યાન રાખવું.

જો સસ્પેન્સ નવલકથા વાંચવી પસંદ હોય તો મારી લખેલી ચેક એન્ડ મેટ, હવસ, મર્ડર એટ રિવરફ્રન્ટ અને ધ રિંગ વાંચી શકો છો. આ ચારેય નવલકથા માતૃભારતી પર ઉપલબ્ધ છે.