Regional Comprehensive Economic Partnership - 1 in Gujarati Magazine by Uday Bhayani books and stories PDF | રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ) - 1

Featured Books
Categories
Share

રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસેપ) - 1

લગભગ છેલ્લા સાતેક વર્ષથી જે મુક્ત વેપાર સમજૂતી (Free Trade Agreement - FTA) અંતર્ગત આપણે વાટાઘાટ કરતા હતા અને તાજેતરમાં તેમાંથી થોડી પીછેહઠ કરવામાં આવી, તેવા RCEP (આરસેપ)નું આખું નામ Regional Comprehensive Economic Partnership – રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એટલે કે પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી છે. આરસેપ વિશે વધુ સમજતા પહેલા આપણે તેની થોડી પૂર્વભૂમિકા સમજીએ.

ભારતના પરિપેક્ષ્યમાં આરસેપની પૂર્વભૂમિકા

1991ની નવી આર્થિક નીતિની સાથે-સાથે આર્થિક ક્ષેત્રે વિકાસના પરિપેક્ષ્યમાં તત્કાલીન સરકાર દ્વારા પૂર્વના દેશો જોડે વ્યાપારી સંબંધો વિકસાવવા ઉપર ભાર મૂકવા “લૂક ઇસ્ટ પોલિસી (Look East Policy - LEP)” અપનાવી હતી, જે આગળ જતાં ભારતની વિદેશ નીતિનો એક મુખ્ય સ્તંભ બની ગઇ. આ નીતિ સાઉથ-ઇસ્ટ એશિયાના દેશો અને આર્થિક હિતો પૂરતી મર્યાદિત હતી. 2014માં હાલની સરકાર સત્તા ઉપર આવ્યા બાદ આ નીતિમાં સુધારો કરી “એક્ટ ઇસ્ટ પોલિસી (Act East Policy - AEP)” અપનાવવામાં આવી. આ નીતિમાં આર્થિક હિતો ઉપરાંત સાંસ્કૃતિક સંબંધો, દેશની સુરક્ષા અને સલામતી, તેમજ સર્વગ્રાહી અને ટકાઉ વિકાસ માટે વ્યૂહાત્મક સંબંધો (Strategic Relationship) વિકસાવવાનો સમાવેશ થાય છે. વધુમાં, એક્ટ ઇસ્ટ પોલિસીમાં સાઉથ-ઇસ્ટ દેશો ઉપરાંત પેસિફિક પ્રદેશોનો સમાવેશ કરી, એશિયા-પેસિફિકના દેશો સાથે સંબંધો વિકસાવવાનો સમાવેશ થાય છે. ટૂંકમાં, હાલની સરકારની એક્ટ ઇસ્ટ પોલિસીના ભાગરૂપે ભારત આરસેપનું ભાગ બન્યું છે.

આરસેપ શું છે?

આરસેપ વિશ્વના વિવિધ દેશો વચ્ચે થતાં દ્વિપક્ષીય અને બહુપક્ષી મુક્ત વેપાર સમજૂતીઓની જેમ આસિયાન (ASEAN – Association of South East Asian Nations) સંગઠનના દેશો અને અન્ય છ સંવાદ ભાગીદાર દેશો મળી કૂલ 16 દેશો વચ્ચે થનાર સંભવિત મુક્ત વેપાર સમજૂતી છે. મુક્ત વેપાર સમજૂતી એટલે બે કે તેથી વધુ દેશો વચ્ચે તેઓના વેપારને સરળ કરવા માટે એવી સંધિ કે જેમાં સમજૂતીમાં જોડાયેલા દેશો પરસ્પર વેપાર માટે તેઓના દેશનું બજાર ખુલ્લું મૂકે છે, કરમાં રાહતો આપે છે, આયાત અને નિકાસમાં સુગમતા વધારે છે અને એકબીજા સાથે વેપાર માટે સાનુકૂળ માહોલ ઉભો કરવામાં આવે છે. આસિયાન દેશોમાં બ્રુનેઇ, કમ્બોડિયા, ઈન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેટનામ આ દસ દેશોનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય છ સંવાદ ભાગીદાર દેશોમાં ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા તથા ચીનનો સમાવેશ થાય છે. આરસેપનો મુખ્ય હેતુ આ 16 દેશો વચ્ચે સર્વગ્રાહી, ઉચ્ચ ગુણવત્તાવાળી, આધુનિક અને પરસ્પર આર્થિક ફાયદાકારક ભાગીદારી ઉભી કરવાનો છે. જેમાં માલનો વેપાર, સેવાનો વેપાર, રોકાણો, આર્થિક અને તાંત્રિક સહકાર, બૌદ્ધિક મિલકત (Intellectual Property), હરીફાઇ, વિવાદ નિવારણ તથા અન્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે. આસિયાનના તા. 14-19 નવેમ્બર, 2011ના રોજ બાલી, ઈન્ડોનેશિયા ખાતે મળેલ સંમેલન વખતે આરસેપની રજૂઆત કરવામાં આવી હતી અને આરસેપની વાટાઘાટ 18-20 નવેમ્બર, 2012ના રોજ કમ્બોડિયા ખાતે મળેલ બેઠકથી શરુ થયેલ હતી.

આરસેપ કેમ મહત્વનું છે અને તેમાં અત્યાર સુધી શું પ્રગતિ થઇ છે?

આરસેપ મુક્ત વેપાર સમજૂતી ઘણી બધી રીતે ખૂબ જ મહત્વની છે. આરસેપના 16 દેશો મળી વિશ્વની કૂલ વસ્તીના 45%થી વધુ વસ્તી ધરાવે છે અને વિશ્વની જીડીપીના 33% આવરી લે છે. આરસેપના 16 દેશો મળી વિશ્વના કૂલ વેપારના 28% વેપાર અહીં થાય છે તથા વિશ્વના કૂલ વિદેશી રોકાણો પૈકી 30% આ દેશોમાં થાય છે. 2012માં શરૂ થયેલા આરસેપના વાટાઘાટ 2015ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હતું, જેની સમયાવધિ વધતા-વધતા છેલ્લે 2019ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું નક્કી થયેલ હતું. આરસેપ અંતર્ગત વિવિધ કરારો બધા જ 16 દેશોની સહમતી સાધી આખરી કરવા 2012 થી જુલાઇ – 2019 સુધીમાં 27મી વાટાઘાટ માટે બેઠક યોજાયેલ. આરસેપ અંતર્ગત 225 પૈકી લગભગ 200 જેટલા કરાર અને 25 ચેપ્ટરો પૈકી લગભગ 20 ચેપ્ટરો આખરી થઇ ગયેલ છે. છેલ્લે 4થી નવેમ્બર, 2019ના રોજ બેંગકોક, થાઇલેન્ડમાં મળેલ 3જી આરસેપ સમિટમાં, ભારતના હિતો અને રજૂઆતો પ્રત્યે પુરતું ધ્યાન રાખવામાં આવેલ ન હોય, વડાપ્રધાનશ્રી દ્વારા ગાંધીજીના સિધ્ધાંતો અને મારો અંતરાત્મા આ મુક્ત વેપાર સમજૂતીમાં સામેલ થવાની પરવાનગી આપતો નથી તેવું કહી ભારત તેમાંથી ખસી ગયું છે.

ભારતના પરિપેક્ષ્યમાં આરસેપનું વિશ્લેષણ

જ્યારે કોઇપણ બે કે વધુ દેશો એકબીજા સાથે મુક્ત વેપાર માટે સંધિ કરે ત્યારે તો પોત-પોતાનું બજાર એકબીજા માટે ખુલ્લું મૂકે છે, આયાત-નિકાસ ઉપર કર ઓછા કરે છે, માળખાકીય અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેના પરીણામે જે-તે દેશના આંતરિક અર્થતંત્ર અને તેના ઉદ્યોગો ઉપર મોટા પ્રમાણમાં અસર જોવા મળે છે. આરસેપ સિવાય ભારત વિવિધ દેશો અને સમૂહો સાથે મુક્ત વેપાર સંધિઓમાં જોડાયેલું છે જ. આવી સમજૂતીઓ, ક્ષેત્રવાર વિગતો અને હાલની પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ તો –

1) 2011થી અમલમાં તેવા ઇન્ડિયા-જાપાન કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ બાદ જાપાન સાથે કૂલ વેપાર લગભગ 66% જેટલો વધ્યો છે, જેમાં આયાત 72% જેટલી વધી છે અને નિકાસ 48.5% જેટલી વધી સરવાળે વ્યાપાર ખાધ 95% જેટલી વધી ગઇ છે.

2) 2010માં કરવામાં આવેલ ઇન્ડિયા-આસિયાન ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટ બાદ આસિયાન દેશો જોડે કૂલ વેપાર 85% વધ્યો છે, જેમાં આયાત 82.7% જેટલી વધી છે તો નિકાસ 89% જેટલી વધી છે. આમ, વ્યાપાર ખાધ 68% જેટલી વધવા પામેલ છે.

3) હાલ ભારતનો આરસેપના જ અન્ય 15 દેશો સાથે ઘણો મોટો વેપાર છે. જેમાં ભારતની કૂલ આયાતના 35% આ દેશોમાંથી થાય છે, જ્યારે ભારતની કૂલ નિકાસના 20% આ દેશોમાં થાય છે. આ 15 દેશો પૈકી 11 દેશો સાથે આપણે વેપારી ખાધ છે. 2013-14માં આ ખાધ લગભગ 54 બિલિયન ડોલર હતી જે 2018-19 સુધીમાં 105 બિલિયન ડોલર થવા પામેલ છે એટલે કે છેલ્લા પાંચ-છ વર્ષમાં બમણી થઇ ગઇ છે. જેમાં પણ 105 બિલિયન ડોલર પૈકી 53 બિલિયન ડોલરની વ્યાપારી ખાધ એકલા ચીન સાથે છે અને આ આરસેપના આખા કર્તા-હર્તા-સંચાલનકર્તા ચીન છે જે આપણે જાણીએ છીએ. જો આ સંધિમાં ભારતના હિતોનું ધ્યાન રાખ્યા વગર સામેલ થવામાં આવે તો જ્યારે દેશ વૈશ્વિક મંદીનો સામનો કરી રહ્યો હોય ત્યારે પરિસ્થિતિ વધુ વણસી શકે અને દેશનું વિદેશી હૂંડિયામણ ખાલી થઇ જાય.

4) ભારતમાં ઉત્પાદન, સેવા કે અન્ય કોઇપણ ક્ષેત્રના વિકાસના આંકડા જોઇએ તો હાલ ખૂબ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. આ સમયમાં ભારતનું બજાર બીજા દેશો માટે ખુલ્લું મૂકવામાં આવે તો ઘરેલું ઉદ્યોગોને વિપરીત અસર પડે અને પડી ભાંગે. તેમાં પણ ચીન પુરા વિશ્વમાં સસ્તી વસ્તુના ડમ્પિંગ માટે જાણીતું છે. એક ઉદાહરણ જોઇએ તો, 2010માં થયેલ આસિયાન – ચીન મુક્ત વેપાર સંધિ બાદ આસિયાન – 6 એટલે કે ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેટનામ દેશોની 2010માં ચીન સાથે 53 બિલિયન ડોલરની પુરાંત હતી, જે આ દેશોએ ચીન માટે તેઓનું બજાર ખુલ્લું મુકવાની સાથે 2016 સુધીમાં 54 બિલિયન ડોલરની ખાધમાં પરિણમી ગઇ. આમ ચીન માટે ભારતીય બજાર “ઓટો ટ્રિગર મિકેનિઝમ” વગર ખુલ્લું મૂકવું ખરેખર જોખમી સાબિત થઇ શકે છે.

5) જો ભારત તેના હિતો તરફ સચેત નહીં રહે, તો આરસેપના સાથી દેશો પૈકી દરેક પાસે કોઇ ને કોઇ સબળ પાસું છે, જે ભારતના ઘરેલું ઉદ્યોગોને ભારે નુકશાન કરી શકે, દા.ત. 1) ચીન કાપડ અને સ્ટીલ ક્ષેત્રમાં તેના ઉત્પાદનોનો ધોધ વહેવડાવી દેશના આ ઉદ્યોગોની કમર ભાંગી શકે, 2) ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો ડેરી ઉદ્યોગ ભારતના ડેરી ઉદ્યોગ અને ખેડૂતોને પાયમાલ કરી શકે, 3) શ્રીલંકા મસાલાઓનું બજાર મેળવી મોટા પાયે નિકાસ કરવા તૈયાર જ બેઠું છે. 4) વિયેટનામ અને ઈન્ડોનેશિયા પાસે રબરનું ઉત્પાદન પુષ્કળ હોય, સસ્તાં રબરની નિકાસનો મારો બોલાવશે.

મિત્રો, હવે પછીના આ વિષય પરના લેખમાં આરસેપના અંતર્ગત મુશ્કેલીઓ અને શું ખરેખર ભારતે આરસેપમાંથી કાયમી ધોરણે ખસી જવું જોઇએ? તે બાબતે વિગતે ચર્ચા કરીશું. આજે બસ આટલું જ...