Maa no dikra tarafno prem in Gujarati Motivational Stories by Het Bhatt Mahek books and stories PDF | મા નો દિકરા તરફનો પ્રેમ

Featured Books
Categories
Share

મા નો દિકરા તરફનો પ્રેમ

મિત્રો આ સમયમાં ક્યારે કોઈ વ્યક્તિની ક્યાં જરૂર પડી જાય તેનું કોઈ નક્કી નથી હોતું. આજે તમને એક એવી જ વાત જણાવશું જે એક માતા અને દીકરા વચ્ચેની છે. જેના વિશે જાણીને તમને પણ ખુબ જ દુઃખ થશે પરંતુ તમને તમારી માતા પ્રત્યે લાગણીઓ વધી જશે. તો મિત્રો આજે આ લેખને અંત સુધી વાંચો.

એક 80 વર્ષના ઘરડા બા ઘરમાં અસ્તવ્યસ્ત રીતે રહેતા હતા. દીકરો કુલદીપ અને દીકરાની વહુ કુંજન બંને નોકરી કરતા હતા અને દીકરાની ઘરે પણ હજુ કોઈ પારણું બંધાયું ન હતું. એટલે દીકરો અને વહુ નોકરીએ જાય ત્યાર બાદ બા ઘરમાં એકલા જ રહેતા. ઘરમાં કોઈ પણ તેને સમય આપતું ન હતું. બા ની સમસ્યાઓ અને તકલીફો પર દીકરો કે વહુ કોઈ ધ્યાન ન આપતા.

એવામાં એક દિવસ કુંજને એ તેના પતિને કુલદીપને જણાવ્યું કે આજના સમયમાં વૃદ્ધાશ્રમો પણ ખુબ જ અપડેટ થઇ ગયા છે, તમે બા ને ત્યાં મૂકી આવોને. બા હવે આપણા ઘરમાં નહિ એડજસ્ટ કરી શકે, અને આમ પણ બા ને વૃદ્ધાશ્રમમાં ઘર કરતા વધારે મજા આવશે. કુંજન ની વાત સાંભળી કુલદીપને વિચાર આવ્યો કે તારી વાત સાચી તો છે. અને બીજા દિવસે બા ને વૃદ્ધાશ્રમમાં છોડવા માટે ગયો. બા અને કુલદીપ બંને વૃદ્ધાશ્રમમાં મેનેજર સાથે વાત કરતો હતા. ત્યાં કુંજન નો ફોન આવ્યો અને કુલદીપ ખૂણામાં જઈને કુંજન સાથે વાત કરવા લાગ્યો.

કુંજન સાથે ફોનમાં વાત કરતા કરતા જોયું કે બા તો મેનેજર સાથે ખુબ જ હસીને હળવી હળવી વાતો કરે છે. ત્યાર બાદ કુલદીપે એ ફોન મુક્યો અને બા પાસે ગયો અને જણાવ્યું કે બા મેં તમારા માટે ખાસ રૂમ નક્કી કર્યો છે. જાવ તમે એ રૂમ જોઈ આવો અને જો ન ગમતો હોય તો આપણે હજુ બદલી નાખીએ. બા રૂમ જોવા જાય છે ત્યારે દીકરો મેનેજરને પૂછે છે કે બા તમારી સાથે હસીને વાતો કરી રહ્યા હતા, શું એ મારા વિશે કંઈક કહેતા હતા ?
ત્યારે મેનેજર જણાવે છે કે ના એ તમારા વિશે કંઈ કહેતા ન હતા. મારી એમની સાથે ખુબ જ જૂની ઓળખાણ નીકળી એટલે અમે વાતો કરી રહ્યા હતા. તમારા માતા અને તમારા પિતા બંનેને હું ખુબ જ સારી રીતે ઓળખું છું, પણ તમે કોણ છો ? મેનેજરે પૂછ્યું.
દીકરાએ જવાબ આપ્યો કે, “હું એમનો દીકરો છું.” કુલદીપ ત્યારે ફરી પાછુ મેનેજરે પૂછ્યું, બા ને કેટલા દીકરા છે ? દીકરાએ જવાબ આપ્યો કે, “બા નો હું એકનો એક જ દીકરો છું.” ત્યારે મેનેજર જણાવે છે કે, આજથી 25 કે 30 વર્ષ પહેલા તમારા માતા અને પિતા તમને મારા આશ્રમમાંથી જ દત્તક લઇ ગયા હતા. આ સાંભળી દીકરાને ખુબ જ દુઃખ થાય છે. પરંતુ બીજી બાજુ તેને તેની પત્નીની વાતો યાદ આવે છે. તેથી તે મેનેજરની વાત સાંભળ્યા બાદ પણ બા ને વૃદ્ધાશ્રમમાં છોડી આવે છે.
બા ને વૃદ્ધાશ્રમમાં મુક્યા બાદ દીકરો કે વહુ ક્યારેય મળવા નથી આવતા કે નથી ક્યારેય ખબર અંતર પૂછવા ફોન પણ કરતા. જ્યારે આ બાજુ બિચારા બા સતત ભગવાનને પોતાના દીકરો અને વહુ સાજા નરવા અને સુખી રહે તેવી પ્રાર્થના કરતા રહેતા. પરંતુ બા ને વૃદ્ધાશ્રમમાં છોડ્યાના ત્રણ વર્ષ બાદ દીકરાની વહુ કુંજન મૃત્યુ પામે છે અને તે પણ ની:સંતાન અને ત્યાર બાદ એક વર્ષ પછી દીકરાને પેરેલિસિસનો આંચકો આવી જાય છે. દીકરો ચાલી પણ નથી શકતો અને બોલી પણ નથી શકતો, માત્ર પાથરીને વશ થઈને સુતા રહેવા સિવાય એ કંઈ પણ કરી શકે તેવી સ્થિતિમાં ન હતો. પરંતુ આ વાતની જાણ મેનેજરને થાય છે અને બા સુધી વાત પહોંચે છે.

મેનેજર બા ને આખી વાત જણાવે છે કે, “બા તમારો દીકરો, કુલદીપ જેણે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ દિવસ તમને યાદ નથી કર્યા, તે તેના કર્મોની સજા ભોગવી રહ્યો છે, તેની પત્ની કુંજન મૃત્યુ પામી અને કુલદીપ પેરાલીસીસના કારણે અત્યારે હોસ્પીટલમાં પીડા ભોગવી રહ્યો છે, તે તેના જ કરેલા કર્મોની સજા આજે તે ભોગવી રહ્યો છે.” આ સાંભળી બા ને ખુબ જ દુઃખ થયું અને તેણે મેનેજરને કહ્યું, “ગમે તે હોય પણ એ મારો દીકરો છે, કુલદીપ મારાં કુળ નો દિપક છે. તમારાથી મારા દીકરા વિશે આ રીતે આડા અવળું ન બોલાય.” અને બા જણાવે છે કે મારે મારા દીકરાની સેવા કરવા જવું છે માટે રજા જોઈએ છે.
પરંતુ ત્યારે મેનેજરે કહ્યું કે, તમારા દીકરાની મંજુરી વગર હું રજા ન આપી શકું. ત્યાર બાદ બા અને મેનેજર બંને હોસ્પિટલમાં કુલદીપ પાસે મંજુરી લેવા માટે જાય છે. મેનેજર કુલદીપને જણાવે છે કે તમારી માતાને તમારી સેવા માટે રાજા જોઈએ છે, હું રજા આપું ?
આટલું સાંભળી કુલદીપ પેરેલિસિસના કારણે શરીરને પણ હલાવી શકે તેમ ન હતો. પરંતુ તેના મોં માંથી લાળ ટપકી ગઈ અને તેની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા અને મહા મહેનતે રડતા રડતા થોડું મોં હલાવ્યું અને બા ને રજા આપવા માટે હા પાડી. ત્યાર બાદ જતા જતા મેનેજરે બા ને પૂછ્યું કે, “જે દીકરાએ તમને પાંચ વર્ષમાં એક પણ વાર યાદ ન કર્યા, આજે તમે તેની સેવા માટે રજા લો છો ?”
ત્યારે બા એ જે જવાબ આપ્યો તે ખરેખર માતૃત્વ મહાન છે તેનો અનુભવ કરાવે તેવો છે. કોઈ પણ વ્યક્તિના હૃદયના ધબકારને વધારી નાખે તેવો જવાબ આપ્યો. , “સાહેબ, છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય.”
આ દુનિયાની કોઈ પણ માતાનું હૃદય આવું જ હોય છે. દીકરો ગમે એટલું ખરાબ વર્તન કરે પરંતુ માતાના હૈયામાં હંમેશા માટે દીકરા પ્રત્યે પ્રેમ જ જોવા મળતો હોય છે. હંમેશા માતા હૃદય માંથી આશીર્વાદ જ નીકળતા હોય છે. માતાની મમતા અને નિઃસ્વાર્થ પ્રેમ હંમેશા દીકરા સાથે જ હોય છે. એટલા માટે જ કહેવાયું છે કે “ગંગાના નીર તો વધે ઘટે, પણ માતાનો પ્રેમ તો ગમે તેવી પરિસ્થિતિઓમાં એક સરખો જ રહે છે.”
✍️ હેત ✍️