ફિલ્મ રિવ્યૂ:- મોન્ટુની બિટ્ટુ
લેખક:- કમલેશ જોષી
મોન્ટુની બિટ્ટુ જે ગુજરાતીએ નથી જોઈ એને મારી પર્સનલ રિક્વેસ્ટ છે: આજે જોઈ જ લેજો. કારણ કે ગઈકાલે મોડી રાત્રે થાકીને પથારીમાં પડ્યો ત્યારે માત્ર અર્ધી કલાક કે કલાક પૂરતો ટાઈમપાસ કરવા આ ફિલ્મ જોવાની શરુ કરી હતી. થાકી ગયો હતો, સુઈ જવું હતું પણ ના.. એક એક દ્રશ્યે આ ફિલ્મે ગજબની પકડ જમાવવા માંડી, મોં ઉઘાડું રહી ગયું, આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, હૃદયમાં હાસ્યના ઠહાકાથી શરુ કરી મીઠા ગલગલીયાની ભેળસેળ સાથે રહસ્ય અને ઉત્તેજનાની એવી તો જમાવટ થઈ કે જેની અમને કલ્પના ન હતી.
અમદાવાદની પોળના રખડું અને ટપોરી જેવા પાત્ર ‘દડી’થી શરુ કરી ગંભીર, અંતર્મુખી અને ધનાઢ્ય ‘અભિનવ’ સુધી, મધ્યમવર્ગીય હીરોનું આબેહુબ પાત્ર ભજવનાર ‘મોન્ટુ’થી શરુ કરી, મધ્યમવર્ગીય મીઠડી મધુર અને આકર્ષક હિરોઈન ‘બિટ્ટુ’ સુધી, એ માધુરી દીક્ષિત જેવું મુસ્કુરાતી બિટ્ટુની મમ્મી મોહિની, ગુણિયલ-સુશીલ-સંસ્કારી સૌભાગ્યલક્ષ્મી, એ જમનામાસી, એ મધ્યમ વર્ગનો રિપ્રેઝન્ટેટિવ ઓફિસ મિત્ર રોહિત.. એક પણ પાત્ર ભૂલ્યું ભૂલાય એમ નથી. લખનારે જબ્બરદસ્ત આલેખન કર્યું છે અને ભજવનારે સાચ્ચે જ ‘જીવી’ બતાવ્યું છે.
ફિલ્મમાં ઘણા દૃશ્યોનું ફિલ્માંકન છેક ભીતર સુધી સ્પર્શી ગયું: પથારીવશ માતાનો એ હાથ હજુયે ભીતરે કરુણા જગાવી રહ્યો છે તો આઈ એમ એબ્સર્ડનું બિટ્ટુનું રટણ હજુયે સોલિડ અસર જન્માવી રહ્યું છે, રંગોળી પર ઉથલી પડતા દામજી ગોરનો અભિનય, અભિનય હતો કે સાચું એ હજુયે નક્કી કરી શકાયું નથી અને ‘માતા મનથી બનવાનું હોય’ એ ડાયલોગ જિંદગીમાં પહેલીવાર આટલો બધો હૃદયની નજીક પહોંચી ગયો એ અનુભવ કદી નહીં ભૂલી શકાય.
ના.. ફિલ્મ કરુણ નથી હોં, હાસ્યના ઠહાકાનો પાર નથી આ ફિલ્મમાં.
ના.. ફિલ્મ કોમેડી નથી હોં, જબ્બર દસ્ત પ્રેમ પ્રસંગો એમાં ડગલેને પગલે જોવા મળે છે.
ના.. ફિલ્મ લવસ્ટોરી નથી હોં, ફેમિલીના પૂરેપૂરા માન સન્માન અને સંવેદનાઓ એમાં સચવાયેલા છે.
ના...ફિલ્મ ફેમિલી ડ્રામા નથી હોં, સસ્પેન્સ અને લાગણીઓના મિસ-અન્ડરસ્ટેન્ડિંગની જબરી ગૂંથણી છે એમાં.
ના.. ફિલ્મમા મિસ અન્ડરસ્ટેન્ડિંગ કરતા અન્ડરસ્ટેન્ડિંગ વધુ છે, પ્રેમ વધુ છે, ફેમિલી વધુ છે.
ફિલ્મના ડાયલોગ સહજ હોવા છતાં, ચોટદાર, સ્પષ્ટ અને અસરકારક છે. રામ મોરીને દિલથી અભિનંદન. સૌથી મોટી વાત ડાયલોગ લખનારે પોળના કલ્ચરની મર્યાદિત-રફ ભાષાનો પણ જે ઉપયોગ કર્યો છે એ કાબિલેદાદ છે. બબ્બે પાત્રો દ્વારા એક સાથે બોલાતા એક સરખા સંવાદો, પાત્રોના સ્વભાવમાં-શક્તિમાં છેક સુધી જળવાઈ રહેલી એકસૂત્રતા પાછળની મહેનત ઉડીને આંખે વળગે એવી છે.
હેલ્લારો ફિલ્મ વખતેનો મૌલિક નાઈક મોન્ટુના પાત્રમાં વધુ ખીલ્યો છે, ‘દડી’નું પાત્ર હેમાંગ શાહે વધુ જીવંત કરી બતાવ્યું છે, હેપ્પી ભાવસારે મોહિનીના પાત્ર દ્વારા ખરેખર પ્રેક્ષકોના મન મોહી લેવામાં સફળતા મેળવી છે, મેહુલ સોલંકી અભિનવના પાત્રમાં સિમ્પલી ગ્રેટ લાગે છે. ડાયરેક્ટર વિજયગીરી બાવાની મહેનત ઉડીને આંખે વળગે છે. જમના માસી તરીકે પિંકી પરીખ, સૌભાગ્યલક્ષ્મી તરીકે કૌશામ્બી ભટ્ટ, દામજી ગોર તરીકે કિરણ જોષી, ઓફિસ મિત્ર રોહિત તરીકે વિશાલ વૈશ્ય, એ ગુલાબી સ્કૂટર અને દિલીપ દવેના દરેક ગીતો ઓહોહો..
અને.. આરોહી..
શું કહેવું... આરોહી પટેલનું... એક પછી એક સુપરહીટ ફિલ્મો આપવા છતાં એનો અભિનય હજુ એટલો જ સાહજિક, રોમાંચક અને સુપરડુપર રહ્યો છે. આખી ફિલ્મનો ભાર ઉપાડી લેવાની તાકાત આરોહી પટેલમાં છે એ કહેવામાં મને તો જરાય અતિશયોક્તિ લાગતી નથી. ખૂબ ખૂબ અભિનંદન ટીમ મોન્ટુની બિટ્ટુ
જે ગુજરાતીએ આ ફિલ્મ જોઈ નથી.. એણે ઘણું બધું ગુમાવ્યું છે... એવું ચોક્કસ કહીશ.
(મેં તો આ ફિલ્મની ટીમ દ્વારા બનનારી નેક્સ્ટ ફિલ્મ જોવાનું મનમાં જ એડવાન્સ બુકિંગ કરી લીધું છે..)