Preet ek padchaya ni - 55 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૫૫

Featured Books
Categories
Share

પ્રિત એક પડછાયાની - ૫૫

જેક્વેલિનને સૌમ્યા અને રાશિનાં દુઃખદ સમાચાર મળ્યાં.એ બહું દુઃખી થઈ ગઈ. પોતાનાં પતિનાં મૃત્યુ બાદ પોતાનાં કહી શકાય એવાં સૌમ્યા અને તેનો પરિવાર જ હતો. તે વિરાજ અને નિયતિને મળવાં આવી. એ દરમિયાન શિવાનીએ ડરતાં ડરતાં જેક્વેલિનને વાત કરી કે રાશિ અને શિવાય એકબીજાંને ખૂબ પ્રેમ કરતાં હતાં. કદાચ શિવાયને આ વાતની ખબર નહીં હોય તો એને રાશિનાં દુઃખદ મૃત્યુની જાણ કરજો.

જેક્વેલિન :" શું રાશિ અને શિવાય એકબીજાંને પ્રેમ કરતાં હતાં ??" બંને એકબીજા માટે જ બન્યાં હોય એવું લાગે...પણ આ અચાનક નયન ક્યાં બધાંની જિંદગીને વેરણછેરણ કરી દીધી છે...પણ હવે હું એની જિંદગીને રાહતનો શ્વાસ નહીં લેવાં દઉં."

જેક્વેલિને ફરીથી એક પોતાનાં ઈરાદાને મજબૂત કર્યો અને બધી હકીકત સાંભળીને પછી તે ત્યાંથી સીધી જ નયનની હોસ્પિટલ પહોંચી.... ત્યાં એને નયને ત્યાંનાં મેનેજરને નયને પોતે કહેલું હોવાથી એણે જેક્વેલિનને નોકરી માટે સહર્ષ આવકારી. જેક્વેલિને નયન વિશે પૃચ્છા કરી તો ત્યાંથી ખબર પડી કે ડૉ.નયનને કંઈ અરજન્ટ કામ આવી ગયું હોવાથી તેઓ વિદેશ પાછાં જતાં રહ્યાં છે. થોડાં સમય પછી એમનું કામ પતતા એ પાછાં આવશે.

જેક્વેલિન બધું સમજી ગઈ. તેણે હવે અહીં નોકરી કરવાનો ઈરાદો પાકો કરી દીધો. તેની પાસે ડીગ્રીનું સર્ટિફિકેટ નથી પણ ઘણાં વર્ષોનાં અનુભવને કારણે એને બહું સરસ રીતે એ જલ્દીથી શીખવા લાગી. વળી નયનની ઓળખાણ હોવાથી કોઈ બહું માથાકૂટ પણ નહોતું કરતું એની સાથે.બસ તે હવે નયનનાં પાછાં ફરવાની રાહ જોવા લાગી...


***************

સિમોની થોડાં દિવસો તો ઉદાસ થતી વિરાજ એ લોકો સાથે રહી પણ આખરે એનું તો અહીં ઈન્ડિયામાં કોઈ હતું નહીં આથી તે પણ ફરી વિદેશ ચાલી ગઈ. તે પોતાનાં એ ઘરે ગઈ. પણ એને ધાર્યું પણ ન હોય એવું દ્રશ્ય એણે જોયું. કૌશલ પોતે ઘરે જ હતો...પણ એની સાથે બીજી કોઈ વિદેશી સ્ત્રી છે. સિમોની તો આમ અવાક્ થઈને જોઈ જ રહી..પોતે કૌશલ માટે હકીકત જાણ્યાં પછી પણ એનાં જીવન માટે પ્રાર્થના કરી રહી હતી. પોતે એની ઈન્ડિયામાં રાહ જોતી રહી એને ખબર પણ નહોતી કે એ જીવિત છે કે નહીં...એ અત્યારે સિમોની વિશે વિચાર પણ કર્યા વિના બીજી સ્ત્રી સાથે રંગરેલિયા મનાવી રહ્યો છે...

એને કૌશલને રંગે હાથે પકડ્યો...પણ છતાં નફ્ફટાઈની હદની પાર જ હંમેશાં જીવેલા કૌશલને ખાસ કોઈ અસર ન થઈ...એણે કૌશલની જિંદગીમાંથી હંમેશાં માટે નીકળી જવાનું નક્કી કર્યું...તે પોતાનો સામાન પેક કરીને નીકળવા લાગી ત્યાં જ કૌશલ બહારથી આવ્યો‌ ને બોલ્યો, " ઓહ મોમ, તું ક્યારે આવી ?? અને હવે ક્યાં જાય છે ?? "

સિમોની : " બસ હવે હું આ ઘર છોડીને જઈ રહી છું અને તમારી જિંદગીમાંથી પણ..."

" કેમ મોમ ?? શું થયું ??"

સિમોની :" તને તારી માતાને ત્યાં પારકી ભૂમિ પર મુકીને આવતાં વિચાર ન આવ્યો ?? જેવું તારાં પિતાએ કર્યું એવું જ તે કર્યું."

" અરે મોમ, આવું બધું તો થયાં કરે. આપણો જીવ બચાવવા ત્યાંથી ભાગી આવવું પડે. વળી તું પેલા વેવલા લોકો જોડે રહીને એવાં ક્યાં વેવલાવેડા કરવાં લાગી. સમય જતાં લોકો બધું ભુલાઈ જાય. કોઈ આપણને કંઈ ના કરી શકે...ચલ હવે ભૂલી જા હવે બધું. તે જ તો મને જીવનમાં પ્રેક્ટિકલ બનવા શીખવ્યું છે."

સિમોની : " બેટા પ્રેક્ટિકલ બનવાનું પણ જ્યાં જરૂરી હોય ત્યાં. મને ધર્મની વધારે તો નથી ખબર પડતી પણ ખુદા આપણને જુએ જ છે. આપણાં દરેક સારાં નરસાં કામો પર એમની નજર હોય છે એટલી ખબર છે. અહીંનાં કર્મો અહીં જ ભોગવીને જવાં પડે છે‌. જ્યાં મારાં હોવાં નાં હોવાથી કોઈ ફરક જ નથી પડતો ત્યાં રહીને શું કામ ??"

કૌશલ તો કદાચ હવે સિમોનીનાં સાથને ભૂલી ગયો. તેને રોકવા માટે કંઈ જ કર્યું નહીં..ને નયનનાં કહેવા છતાં સિમોની દુઃખી હૈયે એ શહેર છોડીને હંમેશા માટે બીજાં શહેરમાં જતી રહી ને પોતાની નવી જિંદગી શરૂં કરી દીધી....!!

*************

સૌમ્યા અને રાશિનાં મૃત્યુ બાદ વિરાજ નિયતિ અને શિવાની સાથે જ રહે છે પણ એની આખી જિંદગી બદલાઈ ગઈ છે. એ બહું જ ઉદાસ રહેવા લાગ્યો છે. રોજ સવારે હવેલી જઈને સૌમ્યા અને રાશિની જ્યાં અંતિમવિધિ કરવામાં આવી છે ત્યાં કલાકો સુધી બેસે અને જાણે ત્યાં એમની સાથે વાતો કર્યાં કરતો. લોકો તો ધીમેધીમે ત્યાંથી પોતાનાં ઘર ખાલી કરીને બહાર જતાં રહેવા લાગ્યાં છે. ધીમેધીમે મોટાંભાગનું નગર ખાલી થવાં લાગ્યું છે ભય અને ડરથી...એક વખતનું એ હાસ્ય અને સમૃદ્ધિનો પર્યાય એવું એ નગર આજે ઉજ્જડ બની ગયું. પણ વિરાજ હંમેશાં ડર્યા વિના ગમે તે સમયે જતો.

એક દિવસ તે હવેલીમાં સવારથી ગયો. સાંજ થવાં આવી પણ તે પાછો ન આવ્યો. નિયતિ અને શિવાની ગભરાયા. ફરી એક અનહોની તો નહીં બની હોય ને ?? હવે તો હવેલીએથી દૂર દૂર સુધી પણ કોઈ રહેતું નથી કે રાતનાં સમયે ત્યાં જવું પણ એક જોખમથી જરાં પણ ઓછું નથી...આખરે નંદિનીએ શિવાનીનો વિચાર કરતાં તેણે સવાર પડતાં પોતે ત્યાં જઈને તપાસ કરવાનું નક્કી કર્યું...ને મનમાં એક ગભરાહટ અને અનહોનીનાં એંધાણ સાથે નિયતિ આખરી રાત જાગતી રહી...!!

****************

ઘણાં સમય બાદ શિવાય પોતાનાં ધંધા માટે દૂર દૂર દેશમાં જઈ આવ્યો. એનાં પરિવારજનોને પહેલેથી જેક્વેલિનનાં પરિવાર સાથે સારાં સંબંધો છે. પણ શિવાય બહું કામ પુરતું કોઈનાં ઘરે જતો. પહેલેથી જ શાંત પણ બહું ડાહ્યો‌. આજે આવ્યાં પછી કોણ જાણે કેમ એ બહું ખુશ થતો વહેલી સવારે જ જેક્વેલિનનાં ઘરે આવ્યો એક થેલો લઈને.

જેક્વેલિન શિવાયને જોતાં જ ચિંતામાં આવી ગઈ. આજ સુધી રાશિ કે શિવાય બંનેમાંથી કોઈએ એને પોતાનાં પ્રેમસંબંધોની જાણ નહોતી કરી. છતાંય તેને એક ડર બતાવી રહ્યો છે કે શું જવાબ આપશે...એ અજ્ઞાત ડર સાચો પડતો હોય એમ શિવાય બોલ્યો , "ચાચી આ બધી વસ્તુઓ જુઓ કેવી છે ?? " એમ કહીને શનિવારે થેલો ખોલ્યોને એક મરૂન અને સફેદ રંગની બહું સુંદર સાડી કાઢી. ને બીજી એક રાણીને બ્લુ રંગની સિલ્કની સાડી કાઢી. સાથે જ બે સુંદર કિંમતી દેખાતાં હારને એક ચુંદડી...ને થોડો સાજ શણગારનો સામાન તો ખરો જ.

જેક્વેલિન હવે ખરેખર ગભરાઈ...તે બોલી, "બહું સરસ છે, પણ આ બધું કોનાં માટે છે ?? આ તો કોઈનાં લગ્ન માટે હોય એવી વસ્તુઓ લાગે છે."

શિવાય : " ચાચી એટલે જ તમારી પાસે આવ્યો છું પહેલાં. આ બધું જેનાં માટે છે એને તમે બહુ જ સારી રીતે ઓળખો છો. એટલે તમને તો એની બધી જ પસંદ ખબર હશે એટલે તમે કહો એ બરાબર. "

જેક્વેલિન થોથવાતા બોલી, " કોનાં માટે છે...??"

શિવાય : "ચાચી, રાશિને ગમશે ને ??"

જેક્વેલિનને શું કહેવું સમજાઈ નથી રહ્યું, પણ ન છૂટકે મન મજબૂત કરવા છતાં જેક્વેલિનની આંખોમાંથી આંસુ સરી પડ્યાં ને તે બોલી , "હવે એ શક્ય નથી."

શિવાય : " કેમ ??"

જેક્વેલિન ભારે હૈયે બોલી, " રાશિ હવે આ દુનિયામાં નથી."

શિવાય : " આ શું બોલો છો ચાચી?? તમે ભાનમાં તો છો ને?? એને તો મને હંમેશાં માટે એકબીજાંનાં થવાનું વચન આપ્યું હતું. એ મને છોડીને કેવી રીતે જઈ શકે ??"

શિવાય તો એકદમ ઉદાસ થઈ ગયો‌. શું થયું મને પહેલાં જણાવો વિગતે. ને જેક્વેલિને કી બધી જ સાચી વાત બતાવી...શિવાય જાણે ડઘાઈ ગયો. થોડીવાર ચૂપ રહ્યો ને પછી કંઈ જ બોલ્યાં વિના શુન્યમનસ્ક બનીને ત્યાંથી કંઈ જ કહ્યાં વિના ચાલ્યો ગયો....

થોડાં જ દિવસોમાં સમાચાર મળ્યાં કે શિવાય ઘણાં સમયથી ગાયબ હતો અને આજે એક ખાડીમાંથી એની લાશ મળી આવી છે....ને વાત સાંભળતા જ જેક્વેલિનનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ !!

*****************

સમય વીતતાં ક્યાં વાર લાગે છે એમ જ મહિનાઓ વીતવા લાગ્યાં. જેક્વેલિન પણ કામમાં એક્કો થઈ ગઈ છે‌. પણ હજું નયન પાછો ન આવ્યો હતો. એક દિવસ સવારે તે હોસ્પિટલ પહોંચીને બધાંને સમાચાર મળ્યાં કે આજે ડૉ.નયન પાછાં આવી રહ્યાં છે.

જેક્વેલિન થોડી ખુશ થઈ. ને બપોર થતાં જ નયન આવી પહોચ્યો‌. નયન તો આવ્યો પણ જરાય ન કોઈ પસ્તાવો કે ન દુઃખ. જાણે કંઈ બન્યું જ ન હોય એમ જિંદગી જીવવા લાગ્યો છે. હવે તે થોડો સમય અહીં અને થોડો સમય વિદેશમાં એમ આવતો જતો રહેશે એવાં સમાચાર મળ્યાં.

જેક્વેલિન તો નયન સાથે એવી જ વાત કરે છે જાણે એને કંઈ ખબર જ નથી‌. એણે એક દિવસ એકાંત મળતાં કહ્યું," બેટા મને બહું દુઃખ થયું કે તમે રાશિ દીકરીને બહું પ્રેમ કરતાં હતાં પણ એ કોમામાંથી બહાર જ ન આવી અને એક દિવસ તબિયત વધારે ખરાબ થતાં તે મૃત્યુ પામી.અને વળી આઘાતમાં તેની માતા સૌમ્યા પણ ઈશ્વરને પ્યારી થઈ ગઈ. મને ખબર હતી કે લોકો ગમે તે કહે પણ તમે આ દુઃખને ભુલવા માટે જ ત્યાં પાછો જતો રહ્યો હતો ને બેટા?? હું તારાં દુઃખને બહું સારી રીતે સમજું છું. તમે જેને ચાહતાં હોય એનો વિરહ કેમ સહેવાય એ મારાથી વધારે કોણ સમજી શકે ?? "

નયનને સમજાયું નહીં કે જેક્વેલિન આ શું કહી રહી છે. એને થયું કે કદાચ પોતાની દીકરીની આબરૂ ના જાય માટે એ લોકોએ બધાંને આવું કંઈ કહ્યું હશે.. હકીકત અકબંધ રાખી હોય!!

નયન ખરેખર જેક્વેલિનની વાત માની ગયો પોતાનાં નાટકનાં આગળ ધપાવતાં બોલ્યો, " હા ચાલતી મારી આ ડીગ્રી શું કામની ?? હું મારી મનગમતી વ્યક્તિને બચાવી ન શક્યો.. ઘણાં પ્રયત્નો છતાં હું નિષ્ફળ રહ્યો. મારી મમ્માએ તો એ સારી થાય એટલે તેનાં માતા-પિતાને આ માટે વાત કરવાનું વિચાર્યું હતું...પણ શું થાય ?? કુદરતને જે મંજૂર હોય તે‌..એની આગળ તો સૌ લાચાર છે" કહીને દુઃખી થઈને બનાવટી આંસુ સારવા લાગ્યો‌..

જેક્વેલીન ખરેખર આ કાચિંડાની જેમ રંગ બદલતાં એક માનવી નામે ઓળખાતાં આ દાનવને જોઈ રહી. બધું જ સત્ય જાણનારી જેક્વેલિન બોલી, " કંઈ નહીં બેટા કુદરતથી આગળ કોઈ નથી. હવે જીવનમાં આગળ તો વધવું જ પડશે ને... કદાચ તારાં નસીબમાં બીજું કોઈ લખાયું હશે..."

જેક્વેલિન એકેક શબ્દો તોલીતોલીને બોલી રહી છે અને નયનનાં ચહેરાનાં હાવભાવને જોઈને એનાં મનમાં રમાતા નવાં પાસાંને જાણવાનો પ્રયત્ન કરી રહી છે....

નયન : "હમમમ..ચાચી હવે જે થાય તે." કહીને ત્યાંથી પેશન્ટ જોવાં જવાનું છે એમ કહીને નીકળી ગયો...

****************

સવાર પડતાં જ નિયતિ હિંમત કરીને હવેલીએ જવાં નીકળી ‌. શિવાનીને સાથે લઈ જઈને એનો જીવ એ જોખમમાં મુકવા નથી ઈચ્છતી. શિવાનીને જાણે હવે તે પાછી ન ફરવાની હોય એમ ઘણી બધી સલાહોનું લિસ્ટ સમજાવી દીધું. હવે કોઈ એવું નજીકનું પણ નથી બચ્યું કે કોઈ એની સાથે જવાં પણ હા પાડે. વળી ખંડેર બની ગયેલાં એ નગરમાં ઠેરઠેર ઝાડવાંઓ જ દેખાય છે... સુનકાર બનેલાં એ વિસ્તારમાં જાણે ભેંકાર અનુભવાઈ રહ્યો છે. પણ હજું સુધી ક્યારેય તેને કોઈ ડરામણો અનુભવ નથી થયો.

ભગવાનને યાદ કરતી તે હવેલીએ પહોંચી. હવે તો હવેલી હંમેશા ખુલ્લી જ રહે છે છતાં કોઈ ત્યાં નજીક ફરકવા ની પણ હિંમત નથી કરતું. વિદેશીઓનું આવનજાવન પણ બંધ થઈ ગયું છે. કોઈ સાહસિક નગરમાં તો પ્રવેશી જાય છે પણ ઉજ્જડ અને ભયાનકતાને આંબેલા એ વિસ્તારમાં પણ પ્રવેશતાં સૌનાં રૂંવાટા ખડાં થઈ જાય છે.

નિયતિ પહોંચી તો ખરાં પણ અંદરનું દ્રશ્ય જોયું ને એ ગભરાઈ ગઈ....વિરાજ સૌમ્યાની જ્યાં અંતિમ વિધિ કરી છે ત્યાં પડેલો છે. જ્યારે રાશિનું શરીર જાણે એક તસવીરમાં કેદ થઈને એક દીવાલની પાસે દેખાય છે. તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં છે...અને એ આંસુ ભોંય પડતાં જ એ જગ્યા પર ખાડો પડીને એ ધરતીમાં સમાઈ જાય છે...પણ એ આંસુ એ લોહીથી તરબતર છે.

તે ઝડપથી વિરાજ પાસે દોડીને આવી...તેને એની નાડી તપાસી..તો એણે પણ કદાચ આ આઘાતમાં જ પોતાના પ્રાણ ગુમાવી દીધાં છે. નિયતિ પાગલની માફક બૂમો પાડવા લાગી..."મને પણ શું કામ રાખી આ દિવસ જોવાં માટે... શું કામ મારો પણ જીવ નથી લઈ લેતાં..."

પણ એક સન્નાટો છવાઈ ગયો...ને એક સુંદર અવાજ આવ્યો, " હજું તારે જીવવાનું છે તારી દીકરી માટે..પણ આ દુનિયાનાં હેવાનોથી બચાવીને રાખજે !!"

નિયતિને પોતાનાં ભાઈનો આંખો પરિવાર કે જે એનાં અને એની દીકરી માટે સર્વસ્વ હતાં એ જ જતું રહ્યું...ને પોક મુકીને ફરી એકવાર રડી પડી.....!!

શું થશે નિયતિ અને શિવાનીનું ?? નયન હવે શું કરશે ?? જેક્વેલિન નયનને કંઈ પાઠ ભણાવી શકશે ?? શું નયન અને કૌશલનું ભવિષ્ય કોઈ બગાડી શકશે ?? કેવી રીતે આત્માઓને મુક્તિ મળશે ?? જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૫૬

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે