લોસ્ટેડ-7
રિંકલ ચૌહાણ
"કાકા હું બહું ખાસ કામ થી જઉં છું. આર્શિવાદ આપજો કે એ પુરું થઈ જાય. તમે સમયસર તમારી દવા લેતા રહેજો અને ચિંતા ના કરજો. હું છું ને, હું બધું ઠીક કરીને જ આવીશ." આધ્વીકા વિરાજભાઈ ના ખોળામાં માથું રાખી બોલી રહી હતી. વિરાજભાઈ ની આંખો ભીની થઈ ગઈ'તી, વર્ષો પહેલાં બધુંજ ગુમાવ્યાનો ડર આજે ફરી લાગ્યો હોય એમ એ ચોધાર આંસું એ રડી રહ્યા હતા. કે કદાચ પોતાની લાચારી પર રડી પડ્યાં. કદાચ હાલ એ સહીસલામત હોત તો એમનું દુખ, ભાવનાઓ, ખુશી બધું જ બોલીને બતાવી ચુક્યા હોત. આધ્વીકા એનું લગેજ લઇ પાર્કિંગમાં જવા નીકળે છે.
"જિજ્ઞા તું તો સમજ, મારું જવું જરૂરી છે. જો હું આજે નઈ જઉં તો આપણો પરિવાર હમેશાં માટે બરબાદ થઈ જશે. મોન્ટી નું ધ્યાન રાખજે અને મોન્ટી એના કયા દોસ્તો જોડે ગ્યો હતો, એ પણ ખબર કાઢી મને ફોન કરજે." આધ્વીકા જીજ્ઞાને એકલામાં આ બધું સમજાવી બાલારામ જવા નીકળે છે. બધાએ કોચવાતા મને એને વિદાય આપી, કારણ કે બધા જાણતા હતા કે આધ્વીકા એ લીધેલો નિર્ણય કોઈ કાળે નઈ બદલાય.
"પેલા જીગર અને હવે આધ્વીકા, મારું તો કોઈ સાંભળતું જ નથી. જેને જ્યાં જવું હોય જાય." આરાધનાબેન આંસુ સારતાં પોતાના રૂમમાં જતાં રહ્યાં.
***
પાલનપુર સિવિલ હોસ્પિટલ માં દોડધામ મચી ગઈ હતી. ચિત્રાસણી ગામ માં બેભાન હાલતમાં એક યુવાન અને ક્રુરતાથી હત્યા કરેલી એક યુવાનની લાશ મળી આવી હતી. બનાવની ગંભીરતા ને જોતાં ગામવાળાએ પાલનપુર હોસ્પિટલ જવાનું જ નક્કી કર્યું.
"આ લાશ સૌથી પેલાં કોણે જોઈ હતી?" ઇંસ્પેક્ટર રાહુલ ચૌધરીએ પુછ્યું. "સાયેબ મે અને હરખા એ, અમે છેતરે જાવા નેકળ્યા તઈ રસ્તા માં એક ભઈ ભોન વિનાના પડ્યા'તા ને એક મડદું. સાયેબ મે આવું કોય પેલાં નઈ દેખ્યું, ચેટલી ભયાનક લાશ હતી સાયેબ." લક્ષમણ નામનો એક ગામ વાળો બોલતી વખતે હજીય ધ્રુજતો હતો. "હા સાયેબ અમે પણ છેતરે જતા'તા, આ બેયને અચાનક ઉભા રયેલા દેખ્યા તો અમે ઇ બાજુ ગ્યા તો અમે પણ એક મડદું ને બેભોન છોકરો દેખ્યો." બીજા ગામવાળા પણ ડરેલા હતા.
ઈ. રાહુલ આગળ કંઈક પુછવા માંગતા હતા પણ ડોં. વિક્રમ મહેતા આઇ.સી.યુ.માંથી આવી એમને પોતાના કેબીનમાં આવવાનું કહે છે. કોન્સ્ટેબલ રાશિદ ખાનને ગામલોકોનું સ્ટેટમેન્ટ લેવાનું કહી ઈ. રાહુલ ડૉં. મહેતાની કેબિન તરફ જાય છે.
"ઇ. સાહેબ બેભાન અવસ્થામાં જે યુવક હતો એ કોમા માં જતો રહ્યો છે. એની તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે. એના પરિવારને જલ્દી બોલાવવો જરૂરી છે. અને મૃત યુવકના પરિવારને પણ..." ડૉ.મહેતા કેબીન બહાર નીકળી જાય છે. ઇ.રાહુલ કોન્સ્ટેબલ ખાન જોડે જાય છે.
"સર આ બન્ને છોકરાઓ જોડેથી મળેલી વસ્તુઓ. મૃત યુવક નું નામ સમિર અગ્રવાલ છે અને પેલા યુવકનું નામ સાહિલ ખાન છે. મોબાઈલ ફોન બન્નેના બંધ છે. સમિરની ડાયરી માંથી એના ઘરનો કોન્ટેક્ટ નંબર મળ્યો છે." કોન્સ્ટેબલ ખાન એમની વાત પુરી કરે એના પહેલાં વચ્ચે જ ઇ.રાહુલ બોલી ઉઠ્યાં," એમને બોલાવી લો અહીં ને અને સાહિલના પરિવારનો કોન્ટેક્ટ કરો. આ ગામવાળાને પણ જરૂરી સુચના આપી જવા દો. અને પોસ્ટમોટમ રિપોર્ટ આવે કે તરત મને જાણ કરો."
***
"આધી બસ ને? કીધા વગર જતું રહેવાનું ને. જાય તો જાય ઇન્ફોર્મ પણ નથી કરતી કે ક્યાં છે." રયાન ફોન પર ગુસ્સામાં બોલી રહ્યો હતો. "અરે બહું જરૂરી કામ હતું એટલે જવું પડ્યું. કાલે મળીએ?" આધ્વીકા એ ફોન મુકવાના આશય થી કીધું. "હું તારી રાહ જોઇને બેઠો છું ને તું જતી રહી. તું આવું જ કરે છે. જો તું હું પણ એક દિવસ આમ જ કીધા વગર જતો રહીશ ને તું શોધતી જ રહી જઈશ." રયાન ગુસ્સામાં ફોન કાપી નાખે છે. અને યાદોમાંથી આધ્વીકા વર્તમાનમાં પાછી ફરે છે.
"સાચે જતો રહ્યો તું અને હું હજુ સુધી તને શોધી જ રહી છું. શું પ્રેમમાં બદલો હોય? અને હોય તો પણ આવો હોય?" આધ્વીકા ફરી રયાનના વિચારોના રસ્તા પર ચડી ગઈ હતી. જ્યારે એની ગાડી પાલનપુર તરફ પુરપાટ આગળ વધી રહી હતી.
જ્યારે આધ્વીકા પોતાના કાકા વિરાજભાઈ જોડે વાત કરતી હતી એ સમયે સમિર અને સાહિલને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવી ચુક્યા હતા ને એમના પરિવારને એમના વિશે જાણ પણ કરી દેવાઈ હતી. અને આધ્વીકાની સાથે સમિર, સાહિલ, પ્રથમ અને રોશન નો પરિવાર પણ પાલનપુર જવા નીકળી ચુક્યા હતા. અલબત બધા અલગ અલગ જઈ રહ્યા હતા, પણ બધાની મંજિલ એક જ હતી.
"મામી મે કેટલા ફોન કર્યા પણ સોનું નો ફોન અનરિચેબલ આવે છે. હવે શું કરીશું?" જીજ્ઞાસા વારંવાર આધ્વીકાને ફોન લગાવે છે. "મારું મન પણ નહોતું માનતુ એને મોકલવામાં અને હમણાં બનેલી ઘટના પછી તો કોઈ પણ ભોગે સોનું ને બાલારામ જતાં રોકવી પડશે." આરાધના બેન સતત રડી રહ્યાં હતાં. "હું બાલારામ જઉં છું." જિજ્ઞાસા ફોન મૂકતાં મક્કમતાથી બોલી, આરાધના બેન કંઈક કહેવા જતાં હતાં, પણ એ ફરી થી બોલી,"હું હાલ જ નીકળું છું, હું કોઈપણ ભોગે આધ્વીકા ને પાછી લઈ આવીશ. હુ એને સામે ચાલીને મરવા ના જવા દઈ શકું. અને આ વાત જાણ્યા પછી તો બિલકુલ જ નઈ." જિજ્ઞા ગાડીની ચાવી લઈ બાર નીકળે છે ત્યારે એ ન્હોતી જાણતી કે એ એકલી નથી જઈ રહી એની સાથે કોઈ બીજું પણ જઈ રહ્યું છે. અને એ પોતાની નહીં એની મરજીથી બાલારામ જઈ રહી છે.
ક્રમશ:
____________________________________
આ નવલકથા પર તમારા મંતવ્ય તમે મને rinkalchauhan759@gmail.com પર અથવા instagram પર મારા અકાઉંટ @r1nkalchauhan પર ડીએમ કરીને જણાવી શકો છે.