Mount abuna pravase - 3 in Gujarati Travel stories by Sachin Patel books and stories PDF | માઉન્ટ આબુના પ્રવાસે - 3

Featured Books
Categories
Share

માઉન્ટ આબુના પ્રવાસે - 3

આગળના ભાગમાં જોયું કે મિત્રો વચ્ચે ઓચિંતિ માઉન્ટ આબુ ટ્રીપ પ્લાન થાય છે અને બોપોરે ત્રણ વાગે અમે માઉન્ટ આબુ પહોંચીએ છીએ.સાંજ સુધીમાં મોજમસ્તી સાથે થોડી શોપિંગ કરીને દિવસ પસાર થાય છે.બીજે દિવસે ગુરુશીખરથી મુસાફરીનો આરંભ થાય છે.હવે આગળ...

રાતે બધા પોતપોતાનો ખૂણો પકડીને ઊંઘી ગયા હતા.દિવસભર થાક જ એટલો બધો લાગ્યો હતો કે સીધી સુતા ભેગી સવાર થઈ ગઈ.અક્ષયની સવાર થોડી વહેલી થઈ ગઈ કારણ કે એણે રાત્રે સરખો ખૂણો નહોતો મળ્યો સુવા માટે.એટલે એ તૈયાર થઈ ગયો અને આઠ સાડા આઠ આસપાસ અમને બધાને ઉઠાડ્યા.ઠંડી જ એટલી હતી નહાવાનો તો સવાલ જ નહોતો.બ્રશ કરીને સીધુ મોઢું ધોયું.બધા બબ્બે સ્વેટર,માથે એક ટોપી અને મોઢે રૂમાલ બાંધીને તૈયાર.ચાર એક્ટિવામાં બબ્બેની જોડી,હું અને અક્ષય,વાસુ અને જય,નીલ અને હિત,પ્રિન્સ અને ચેતન.સૌથી આગળ વાસુ અને જય...અમે બધા લાઈનસર તેઓની પાછળ પાછળ એક્ટિવા પર આબુની સાંકડી ગલીઓ તથા ફૂલ ગુલાબી ઠંડીનો આનંદ માણતા હતા.ત્યાં આચનક એક ટ્રાવેલ્સને લીધે ટ્રાફિક થઈ ગયો.એક્ટિવા રોકવી પડી.એટલામાં મને કંઈક મસ્ત સુગંધ આવી અને સાથે અવાજ પણ "આઈએ ગરમા-ગરમ નાસ્તા કીજીએ ફીર ઘૂમીએ પુરા આબુ...ઇન્દોરી પોહે,આલુ દે પરાઠે ઔર સાથમેં
મસાલેદાર ચાઈ" બ્રેકફાસ્ટનો જ ટાઇમ હતો એટલે એક્ટિવા સાઈડમાં કરીને અમે બહાર રોડ ઉપર જ ખુરશીમાં ગોઠવાઇ ગયા નાસ્તા માટે.આબુ પર્વત ઉપર બધા નાસ્તા વાળની એક જ સિસ્ટમ,ખુરશી ટેબલ તો લગભગ બહાર રોડ ઉપર જ હોય.અખતરો કરવા માટે અમે બે પ્લેટ પોહા મગાવ્યા,અગાઉ કરતા ટેસ્ટ સારો લાગ્યો એટલે બીજા બે પોહા અને બે આલુ પરોઠા મગાવ્યા.આલુ પરોઠા થોડાક લેટ આવ્યા પણ સાથે કંઈક અડધા પકવેલા ટામેટાની ગ્રેવી જેવું આપ્યું"સર એકબાર ઇસે ટ્રાય કીજીએ મજા આયેગા" સાંજના ડિનર કરતા તો આલુ પરોઠા સારા જ હતા,ને ચા તો કાઠિયાવાડીને બીજે ક્યાંય મજા જ ના આવે.ટોટલ ચાર પોહા, બે આલુ પરોઠા અને આઠ ચા અમને જમણવાર કરતા પણ મોંઘી પડી.પણ બપોર સુધી ભૂખનું નામ જીભ સુધી આવે એમ નહોતું એટલે ચાલે બીજું શું !

હવે અમારી સવારી નીકળી ગુરુશિખર બાજુ.વાસુ થોડા દિવસ પહેલા જ આવી ગયેલો એટલે અમે એની પાછળ-પાછળ જતા હતા.આગળથી બે રસ્તા પડતા હતા,વાસુ ભારે ઉતાવળો એ અગાઉથી જ ડાબી તરફના રસ્તે ચાલ્યો ગયો અને અમે બધા જમણી બાજુના રસ્તે.થોડીવાર પછી પાછળ નજર મારી હશે કોઈ દેખાણું નહિ હોય એટલે એમને કોલ કર્યો "યાર તમે ખોટા રસ્તે નીકળી ગયા,પાછા વળી જાઉં અને જ્યાં બે રસ્તા અલગ પડતા હતા ત્યાં આવો "અમે પણ પાછા વળી ગયા અને વાસુ વાળા રસ્તે ગયા.થોડાક આગળ ગયા એટલામાં જેસીબીની ખુદાઈ ચાલતી હતી.સાઈડમાં માંડ સાઇકલ નીકળે એટલો રસ્તો,તેમાંથી માંડ કરીને આગળ નીકળ્યા ત્યાં અમે જ્યાંથી પાછા વળ્યા એ જ રસ્તો ભેગો થઈ ગયો.પછી શું!...સવારના પહોરમાં વાસુએ બધાના મોઢની ગાળો ખાધી(નાસ્તા પછી).ગુરુ શિખર વીસેક કિલોમીટર દૂર હતું.રસ્તો બધો જ ઘાટ વાળો.પાછળથી હોર્ન વગાડતા ત્યાંના લોકલ જીપ્સી વાળા અને હજી માંડ એક્ટિવાએ સ્પીડ પકડી હોય ત્યાં વણાક આવી જાય.આવું કરતા-કરતા થોડીક ઊચાઈ પર પહોંચીને એક મસ્ત ફોટા પડાવા લાયક જગ્યા પર બ્રેક લીધો.બે-ચાર સેલ્ફી અને થોડાક ગ્રુપ ફોટોઝ પડાવ્યા.પહાડોના નયનરમ્ય દશ્યો, મન પ્રફુલ્લિત કરી નાખે તેવું વાતાવરણ અને શરીર કંપાવતી ઠંડી વચ્ચે પ્રકૃતિના ગજબ સૌંદર્યનો ઘડીકવાર આનંદ લીધો અને ફરી પાછા ગુરુશિખર જવા નીકળ્યા.

ગુરુ શીખરથી થોડે આગળ એક્ટિવા પાર્ક કરી.બધા ફોટા પડાવવાના શોખીન એટલે સ્વેટર કાઢીને એક્ટિવાની ડેકીમાં મૂકી દીધા.હજી પગપાળા બસો-ત્રણસો પગથિયાં ચડવાના હતા.ઊંચાઈ ઉપર હવા પાતળી થઈ જાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે.એવામાં ત્રણ-ચાર વાર થાક ખાઈને અમે ફાઈનલી ગુરુશીખર ઉપર પહોંચ્યા.

ગુરુશીખર ઉપર ટોચની ગુફાને મંદિરમાં ફેરવામાં આવી છે.ગુરુશીખરનું નામ ગુરુ દત્તાત્રેયના નામ પરથી પાડવામાં આવ્યું છે.સાધુ તરીકેના સમયમાં તે આ શિખર પર રહ્યા હતા.

ગુરુશિખર અરવલ્લીની પર્વતમાળાઓનું સૌથી ઊંચું શિખર છે.તેની ઊંચાઈ દરિયાઈ સપાટીથી લગભગ 1722 મીટર છે.મંદિરથી થોડે ઉપર શિખરની ટોચ પર એક જૂનો ઘંટ આવેલો છે.પહાડ ચડ્યા પછી ઘંટ વગાડીને પ્રાપ્ત કરેલ સિદ્ધિની ઘોષણા કરવા જેવું છે.ઘંટનો અવાજ હવામાં બહુ દૂર સુધી ફેલાય છે.

હાડ કંપાવતી ઠંડી અને જોરદાર ફૂંકાતા પવન વચ્ચે કુદરતના વિખરાયેલ સૌંદર્યનો બધા મુસાફરો આનંદ માણી રહ્યા હતા.ઘણા કપલ્સ એક બીજાના હાથમાં હાથ નાખીને ગુફ્તગુ કરી રહ્યા હતા.જાણે પ્રકૃતિની સાક્ષીએ એકમેકના બંધનમાં બંધાવા જઈ રહ્યા હોઈ તેવું લાગતું હતું.એક ગ્રુપ ટાબરીયાઓ ને કાખમાં લઈને સેલ્ફી પડાવી રહ્યું હતું.એક ગુજરાતી ફેમેલી ગોળ ઘેરો બનાવીને થેપલાની મોજ માણી રહ્યું હતું.અમે બધા સ્વેટર વગર પેન્ટના ખિસ્સામાં બંને હાથ નાખીને ઠુઠવાતા-ઠુઠવાતા પ્રકૃતિનો આ નયનરમ્ય નજારો જોઈ રહ્યા હતા.થોડીવાર પછી ફોટોસેશન શરૂ કર્યું.શિખર ફરતે આવેલ આવેલ રેલિંગને ટેકો આપીને બધાએ વારાફરતી
ફોટો પડાવ્યા,થોડીક સેલ્ફીઓ અને ગ્રુપ ફોટાઓ સહિત લગભગ એકાદ કલાકે ફોટોસેશન પુરુ કર્યું અને ફાઈનલી પગથિયાં ઉતરીને બાઇક સુધી પહોંચ્યા.બધાએ ફરી પાછા ગાડીની ડેકીમાંથી સ્વેટર કાઢીને પહેરી લીધા.
********************************************
વધુ આગળના ભાગમાં...




Hope you guys enjoying!
પ્રિય વાંચકમિત્રો,માઉન્ટ આબુની ધડકન ગણાતું નખી તળાવ અને દેલવાળાના દેરા જોવાના તો હજી બાકી જ છે...!
તો તૈયાર છો કે નહીં?

-સચિન