A Living Chattel - 4 in Gujarati Classic Stories by Siddharth Chhaya books and stories PDF | જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૪)

Featured Books
Categories
Share

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૪)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ

ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા

ભાગ - ૪

પોતાના ખિસ્સાઓ અને પાકીટને ભરીને બગરોવે પેલા ચેક્સ અને બોન્ડ્સ પોતાના ટેબલના ડ્રોઅરમાં મુક્યા અને પાણીથી અડધો ભરેલો ગ્લાસ ખાલી કર્યો અને શેરી તરફ દોડ્યો.

“ટેક્સી!” તેણે ઉન્માદભર્યા અવાજમાં બૂમ પાડી.

રાત્રે સાડા અગિયાર વાગ્યે તે પેરીસ હોટલના દરવાજે પહોંચ્યો. અહીં થી તે જોરથી અવાજ કરતો કરતો ઉપર ગયો અને ગ્રોહોલ્સકીના એપાર્ટમેન્ટના દરવાજે તેણે ટકોરા માર્યા. તે અંદર આવ્યો. ગ્રોહોલ્સકી મોટી ટ્રંકમાં તેની ચીજવસ્તુઓ પેક કરી રહ્યો હતો. લીઝા ટેબલ પર બેઠા બેઠા એક પછી એક બ્રેસલેટ બદલીને જોઈ રહી હતી. જ્યારે બગરોવ આવ્યો ત્યારે બંને ડરી ગયા. તેમણે લાગ્યું કે તે તેણે લીધેલા નાણા તે પાછા આપીને લીઝાને પાછી લઇ જવા માટે આવ્યો છે. પરંતુ બગરોવ લીઝાને લેવા નહોતો આવ્યો. તે તો પોતાના નવા પોશાક અંગે શરમિંદા હતો અને વિચિત્ર રીતે ડરી રહ્યો હતો, તે દરવાજા પાસે કોઈ ખુશામતિયાની જેમ ઝૂક્યો. તેનો ડ્રેસ અદભુત હતો. બગરોવ ઓળખી ન શકાય એવો દેખાઈ રહ્યો હતો. તે વિશાળ શરીર ધરાવતો હતો પરંતુ આજદિન સુધી તેણે યુનિફોર્મ સિવાય બીજું કશુંજ પહેર્યું ન હતું, આજે તે સુંદર ફ્રેંચ ક્લોથમાંથી બનાવેલો, ચમકતા બટન ધરાવતો સુટ પહેરીને આવ્યો હતો. તેને પોતાના નવા કપડાંથી શરમ આવતી હતી, તેના જમણા હાથમાં ચેઈનવાળી ઘડિયાળ પહેરી હતી તે તેણે એક કલાક પહેલા જ ત્રણસો રુબલમાં ખરીદી હતી.

“હું કશુંક કહેવા આવ્યો છું,” તેણે શરુ કર્યું. “એક અમૂલ્ય બિઝનેસ અગ્રીમેન્ટ. હું મિશુત્કાને તને નહીં આપું...”

“કોણ મિશુત્કા?” ગ્રોહોલ્સકીએ પૂછ્યું.

“મારો દીકરો.”

ગ્રોહોલ્સકી અને લીઝાએ એકબીજા સામે જોયું. લીઝાની આંખો પહોળી થઇ, તેના ગાલ લાલ થયા, અને તેના હોઠ ભીડાયા...

“ઠીક છે.” તે બોલી.

તેને મિશુત્કાનું નાનું પારણું યાદ આવ્યું. એ અત્યંત ક્રૂર હકીકત હશે જો પેલા નાનકડા પારણાને બદલે તેને હોટલના સોફામાં સુવું પડે, પરંતુ તેમ છતાં તેણે સંમતી આપી.

“હું તેની સંભાળ લઈશ,” તેણે કહ્યું.

બગરોવ ઝૂક્યો અને બહાર જતો રહ્યો અને વૈભવ સાથે, હવાને ચીરતો ચીરતો દાદરા ઉતરી ગયો...

“ઘરે,” તેણે ટેક્સી ડ્રાઈવરને કહ્યું. “હું આવતીકાલે સવારે પાંચ વાગ્યે મારો દિવસ શરુ કરીશ... તું મને બહાર લઇ જઈશ. જો હું સુતો હોઉં તો તું મને જગાડીશ. આપણે શહેરની બહાર જવાનું છે.”

ઓગસ્ટ મહિનાની સુંદર સાંજ હતી. સૂર્ય જરાક જાંબલી રંગના મિશ્રણ સાથેના સોનેરી રંગમાં પશ્ચિમ દિશાની ક્ષિતિજમાં દૂર એક મકાનની પાછળ આથમી રહ્યો હતો. બગીચાના અડધા પડછાયા અદ્રશ્ય થઇ ગયા હતા અને હવા ભેજવાળી થઇ ગઈ હતી, પરંતુ સોનેરી પ્રકાશ હજી પણ વૃક્ષોની ટોચ સાથે રમી રહ્યો હતો... હજી પણ થોડી ગરમી હતી... વરસાદ હમણાંજ વરસ્યો હતો અને તેણે ચોખ્ખી સુગંધને વધારે ચોખ્ખી બનાવી દીધી હતી.

હું પીટર્સબર્ગ કે પછી મોસ્કોના ઓગસ્ટના સૂર્યનું વર્ણન નથી કરી રહ્યો એ તો ધૂંધળો, રડતો અને અંધારા અને ઠંડી સાથેના ભીના સુર્યાસ્તનો હોય છે. એ તો પૂરેપૂરું બદનસીબ જ છે! હું ઉત્તરના ઘાતકી ઓગસ્ટનું પણ વર્ણન નથી કરી રહ્યો. હું મારા વાચકોને મારી સાથે ક્રિમીયા આવવાનું કહી રહ્યો છું, તેના એક સમુદ્ર કિનારે જે ફેડોશીયાથી ખાસ દૂર નથી, એક એવી જગ્યા જ્યાં એક વિલા છે જે આપણા એક હીરોની છે. તે ખૂબ સુંદર છે, સ્વચ્છ વિલાની આસપાસ ફૂલોની જાણેકે પથારી છે અને ઝાડીઓને વ્યવસ્થિતપણે કાપવામાં આવી છે. તેની પાછળ સો પગલાં દૂર એક બગીચો છે જ્યાં આ તમામ વિલાઓના માલિકો ચાલવા જાય છે... ગ્રોહોલ્સકી આ વિલા માટે બહુ મોંઘુ ભાડું આપે છે, મારા ખ્યાલથી, વર્ષે એક હજાર રુબલ... આ વિલા આટલા બધા મોંઘા ભાડાને લાયક નથી, તેમ છતાં તે સુંદર છે. ઉંચી, નાજુક દીવાલો અને નાજુક રેલીંગ, નાજુક, પાતળા અને આછા ભૂરા રંગના પડદાઓ જે કોઈ નાજુક ચીની મહિલાનું વર્ણન કરતા હોય એવું લાગે છે.

ઉપર વાત કરી એ સાંજે ગ્રોહોલ્સકી અને લીઝા એ વિલાના વરંડામાં બેઠા હતા. ગ્રોહોલ્સકી નોવોયે વ્રેમ્યા વાંચી રહ્યો હતો અને લીલા મગમાંથી દૂધ પી રહ્યો હતો. તેની સામે રાખેલા ટેબલ પર સેલ્ત્ઝર પાણીની નળી રાખવામાં આવી હતી. ગ્રોહોલ્સકીને લાગી રહ્યું હતું કે તે શરદી-સળેખમથી પીડાઈ રહ્યો હતો અને ડૉ. દિમિત્રિએવની સલાહથી તે મોટી માત્રામાં દ્રાક્ષ, દૂધ અને સેલ્ત્ઝરનું પાણી પી રહ્યો હતો. લીઝા આ ટેબલથી થોડેક દૂર નાજુક આરામ ખુરશીમાં બેઠી હતી. તેની કોણી નજીકની પાળી પર અડેલી હતી અને તેનો નાનકડો ચહેરો તેના નાનકડા શરીરમાંથી બહાર આવ્યો હતો, તે સામેની વિલા તરફ જોઈ રહી હતી... સૂર્ય સામેની વિલાની બારીમાં પ્રકાશ પાડી રહ્યો હતો અને તેના ચમકતા કાચનું પરાવર્તન ચમકતા પ્રકાશ સાથે આવી રહ્યું હતું... બગીચાની પાછળ અને કેટલાક વૃક્ષો જે વિલાને ઘેરી વળ્યા હતા ત્યાં સમુદ્ર અને તેના મોજાંની ઝલક દેખાઈ રહી હતી, તે ઘાટા ભૂરા રંગના હતા, તે વિશાળ હતા અને ત્યાંથી જહાજનો સ્તંભ દેખાઈ રહ્યો હતો... અત્યંત આનંદદાયક દ્રશ્ય હતું! ગ્રોહોલ્સકી કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા લખવામાં આવેલો લેખ વાંચી રહ્યો હતો, અને દરેક ડઝન લીટીઓ વાંચ્યા બાદ તે પોતાની ભૂરી આંખો ઉંચી કરીને લીઝાની પીઠ નિહાળતો હતો. તેના પ્રેમમાં હજી પણ એટલો જ જુસ્સો અને એટલો જ ઉત્સાહ હતો કે તે તેની આંખોમાંથી છલકાઈ રહ્યો હતો. તેને ફેફસાંની કાલ્પનિક બીમારી હોવા છતાં તે ખુશ હતો... લીઝાને ખબર હતી કે તેની પીઠને ગ્રોહોલ્સકીની આંખ વારેવારે નિહાળી રહી છે પરંતુ તે મિશુત્કાના ભવ્ય ભવિષ્ય વિષે વિચારી રહી હતી, તેને અત્યંત રાહતની, અત્યંત શાંતિની લાગણી થઇ.

તેને સમુદ્રમાં કે પછી સામેની વિલામાં એક પછી એક ગોઠવવામાં આવેલી બારીઓના ચળકાટમાં કોઈજ રસ ન હતો.

આ બારીઓની અંદર ફર્નીચર અને ઘરની જુદીજુદી વસ્તુઓ સિવાય કશું જ ન હતું. લીઝાએ બારીની જાળીઓ અને બારીઓ જે કાચથી જડેલી હતી તે જોઈ, એ વિલા ખુલ્લી હતી અને એક પુરુષ ત્યાં ખૂબ ઝડપથી ફર્નીચરને આમતેમ ખસેડી રહ્યો હતો. મોટી મોટી આરામ ખુરશીઓ હતી, એક સોફા હતો જેના પર વેલ્વેટનું ઘાટા રાસબરી રંગનું કવર હતું, હોલ, બેઠક ખંડ અને ડાઈનીંગ રૂમમાં મુકવા માટેના ટેબલ હતા, એક મોટો ડબલ બેડ અને નાનકડા છોકરા માટે પારણું હતું જે કાચના દરવાજામાંથી અંદર લઇ જવામાં આવી રહ્યું હતું. એક મોટા સામાનને કપડાથી ઢાંકીને અંદર લેવામાં આવ્યો. એક મોટો પિયાનો, અને લીઝાનું હ્રદય બે ધબકારા ચૂકી ગયું.

ખૂબ લાંબો સમય વીતી ગયો હતો જ્યારે લીઝાએ છેલ્લે પિયાનો સાંભળ્યો હતો, તેને એ સાંભળવો ખૂબ ગમતો હતો. વિલામાં એક પણ સંગીતનું વાદ્ય ન હતું. ગ્રોહોલ્સકી અને તે પોતે આત્માથી જ સંગીતકાર હતા. પિયાનો અંદર લીધા બાદ એવા ઘણા બોક્સ અને પેકેટો અંદર લેવામાં આવ્યા જેના પર હેન્ડલ વિથ કેર લખેલું હતું.

“બધું કેટલું મોંઘુ મોંઘુ છે!” લીઝાને વિચાર આવ્યો અને તેને નાનકડો પોની યાદ આવ્યો જે ગ્રોહોલ્સકીએ સો રુબલ આપીને ખરીદ્યો હતો પરંતુ ક્યારેય તેના પર સવારી કરી ન હતી. તેણે એ પોનીને હંસલા જેવા ઘોડાઓ સાથે સરખાવ્યા જેની સામે તેનો પોની સાવ મચ્છર જેવો લાગતો હતો. ગ્રોહોલ્સકી જેને ખુદને ઘોડેસવારી કરવામાં ડર લાગતો હતો તેણે જાણીજોઈને લીઝા માટે એવો નાનો અને નબળો પોની ખરીદી આપ્યો હતો.

“કેટલી અઢળક સંપત્તિ છે!” સમાન છોડીને અવાજ કરતા જઈ રહેલી ઘોડાગાડીઓને જોઇને લીઝાએ વિચાર કર્યો.

સૂર્ય તુમુલીના ઝાડની પાછળ સંતાવા લાગ્યો હતો અને હવા પોતાની શુષ્કતા અને નિર્મળતા છોડી રહી હતી અને તેમ છતાં પેલા ઘરમાં ફર્નીચરને અંદર લઇ જવામાં આવી રહ્યું હતું. પછી તો એવું અંધારું થઇ ગયું કે ગ્રોહોલ્સકીએ છાપું વાંચવાનું બંધ કરી દીધું અને તે ઘરમાં જતો રહ્યો જ્યારે લીઝા હજી પણ એ ઘરને જોઈ જ રહી હતી.

“આપણે લેમ્પ સળગાવવો જોઈએને?” અંધારામાં ક્યાંક કોઈ મચ્છર પોતાના દુધના ગ્લાસમાં પડી ન જાય અને એ દૂધ તે પી ન લે તેવા ડર સાથે ગ્રોહોલ્સકી બોલ્યો.

“લીઝા? શું આપણે લેમ્પ ન સળગાવવો જોઈએ? કે પછી આપણે અંધારામાં જ બેસવાનું છે, મારી પરી?”

લીઝાએ જવાબ ન આપ્યો. તેને તો સામેની વિલાની અંદર જઈ રહેલી એક ઘોડાગાડીમાં રસ હતો... ઓહ! ઘોડાગાડીનો ઘોડો કેટલો સુંદર છે! બહુ નાનો નહીં અને બહુ મોટો પણ નહીં એવો મધ્યમ કદનો, ઘોડાગાડીમાં કદાચ ત્રણ વર્ષનું બાળક... કિશોર હશે, પોતાના ઘૂંટણ પર બેસીને પોતાનું માથું હલાવતો હતો... તે પોતાના પગ હલાવીને આનંદ વ્યક્ત કરી રહ્યો હતો.

લીઝાએ અચાનક જ નાનકડી ચીસ પાડી, પોતાની બેઠક પરથી ઉભી થઇ અને આગળ નમી.

“શું થયું?” ગ્રોહોલ્સકીએ પૂછ્યું.

“કશું નહીં... મેં તો ફક્ત... મેં કલ્પના કરી...”

એક લાંબો, પહોળા ખભાવાળો પુરુષ જેણે માથે હેટ પહેરી હતી તે ઘોડાગાડીમાંથી નીચે ઉતર્યો અને તેણે પેલા કિશોરવયના ઘોડા પર પ્રેમથી હાથ ફેરવી અને કુદકો મારીને નીચે ઉતાર્યો, અને તે આનંદપૂર્વક કાચના દરવાજામાંથી અંદર ગયો. દરવાજો એક અવાજ સાથે ખુલ્યો અને વિલાના અંધારામાં તે ગુમ થઇ ગયો.

બે હોંશિયાર સેવકો દોડતા આવ્યા અને ઘોડાગાડીમાં રહેલા ઘોડાને સન્માન સાથે દરવાજાની અંદર લઇ ગયા. તરતજ સામેની વિલામાં અજવાળું પથરાયું અને થાળીઓ, ચમચીઓ, છરી અને કાંટાના અવાજો આવવા લાગ્યા. પેલી હેટ પહેરેલો પુરુષ તેનું રાત્રીભોજ લઇ રહ્યો હતો, અને ચમચી વગેરેના અવાજ પરથી ખ્યાલ આવ્યો કે તેનું ભોજન ઘણા લાંબા સમય સુધી ચાલ્યું. લીઝાને લાગ્યું કે તેને ચીકન સૂપ અને રોસ્ટ ડકની સુગંધ આવી રહી છે. રાત્રીભોજ બાદ આખી વિલામાં બેસૂરી રીતે વગાડવામાં આવી રહેલા પિયાનોનો અવાજ ફેલાઈ ગયો. એવું લાગી રહ્યું હતું કે હેટ પહેરેલો પુરુષ કદાચ તેના બાળકને આ રીતે બેસૂરી રીતે પિયાનો વગાડીને મજા કરાવી રહ્યો હોય.

ગ્રોહોલ્સકી લીઝા પાસે ગયો અને તેની કમર ફરતે પોતાનો હાથ મૂક્યો.

“કેટલું સુંદર વાતાવરણ છે!” તેણે કહ્યું. “કેવી ઠંડી હવા છે, તને પણ તેનો અનુભવ થઇ રહ્યો છેને? હું ખૂબ ખુશ છું, લીઝા, હું ખરેખર ખૂબ ખુશ છું. હું એટલો બધો ખુશ છું કે મને આ ખુશી કદાચ જતી રહે તેનો ડર લાગે છે. ખૂબ સારી વસ્તુઓ બહુ જલ્દીથી નાશ પામતી હોય છે અને તને ખબર છે લીઝા, હું આટલો બધો ખુશ છું તો પણ મને પૂરેપૂરી શાંતિ નથી મળી રહી... એક અત્યંત ખરાબ વિચાર મને ડરાવી રહ્યો છે, અને બહુ ભયંકર રીતે ડરાવી રહ્યો છે. તે મને દિવસે કે રાત્રે ચેન પડવા દેતો નથી....”

==:: અપૂર્ણ ::==