Do you need help in Gujarati Travel stories by Krunal Sheth books and stories PDF | ડુ યુ નીડ હેલ્પ?

Featured Books
Categories
Share

ડુ યુ નીડ હેલ્પ?

ઘણા સમય થી લખવું હતું પણ ઘણી વાર રોજબરોજ ની પળોજણમાં તો ઘણી વાર આળસ ને લીધે લખાતુ નહતુ. આજે તો ગમે તેમ કરી ને ડિજિટલ કાગળ પણ ઉતારવાનું નક્કી કરી જ નાખ્યું. હું કઈ ઘડાયેલો તો છું નઇ લખવા માટે પણ છતાં હિમ્મત કરું છું થોડી આઝાદી લઈ ને જે કાંઈ શીખ્યો છું વાંચીને અને જોઈને. ભૂલચૂક માફ કરશો 🙏

વાત છે અમને "અમ્મેરિકા" 😀 માં થયેલ પેહલ વહેલ અનુભવની. નાનપણ થી જ હું ઘણી અવનવી વાતો સાંભળતો આવ્યો હતો અમેરિકા વિશે. જેમ કે ઈટ ઇઝ અ લેન્ડ ઓફ બ્રેવ્ઝ એન્ડ અપોર્ચ્યુનિટીઝ. ખાસ તો ગામ ના જ ઘણા સગા સંબંધી જેઓ વરસો થી ત્યાં સ્થાયી થયેલા હતા એમના મોઢે થી. ધીરે ધીરે ઇન્ટરનેટ નો વ્યાપ પણ વધ્યો એટલે ઘણું ખરું સાંભળ્યું એ જોયું પણ. મોટે ભાગે તો ત્યાં ના રસ્તા, આબોહવા, સ્વચ્છતા, અમેરીકન ઇન્ડિયન્સ ની અમુક પ્રકારની લાઇફસ્ટાઇલ, નાઇસ ઘરો, લકઝરી ગાડીઓ, સુપરસ્ટોર્સ વગેરે વગેરે. આ બધી વાતો ખરી પણ અહીં ના મોટા ભાગના નેટિવ અમેરિકન લોકોના સ્વભાવ ની વાત ભાગ્યે જ સાંભળી હતી અને એનો એક ખૂબ જ સુ:ખદ અનુભવ અમને જાતે થયો.

અહીં આવ્યાને માંડ બે મહિના થયા હશે એટલે હું અને મારી વાઈફ હજુ ધીરે ધીરે બધું સેટલ કરી રહ્યા હતા. અમારા ભાડા ના ફ્લેટ માટે અમુક બેઝીક ફર્નિચર લેવા અહીં ના એક સ્ટોર માં ગયા. કદાચ કોઈને ખબર ના હોય તો કહું કે અહીં યુએસ માં એવા સ્ટોર્સ છે જ્યાં લોકો પોતાને જરૂરિયાત ના હોય એવી વસ્તુઓ ડોનેટ કરી જાય અને સ્ટોર્સ એ વસ્તુઓ ને સસ્તા ભાવે વેચવા મૂકી દે. આ કમાણી આવા સ્ટોર્સ પોતાના ઓપરરેશનલ ખર્ચ પછી સખાવતી કાર્યો માં દાન કરી દે. ઘણી વાર તમને ઘણી જ મોંઘી અને નવી વસ્તુ એકદમ સસ્તા મળી જાય. આવા એક સ્ટોર માં અમે એક લાકડાનું કબાટ જોયું. અમારે ટીવી મુકવા માટે એની સાઈઝ એકદમ બરાબર હતી અને ભાવ ખૂબ નજીવો હતો એટલે અમે ખરીદવાનું નક્કી કરી નાખ્યું. અહીં સ્ટોર્સ માં વસ્તુ તમારે જાતે જ લઇ જવી પડે અને જો પ્રોફેશનલ માણસ રાખો તો સોના કરતા ઘડામણ મોંઘી થાય. સાઈઝ જોતા અમને લાગ્યું કે અમે એ કબાટ ને અમારી ગાડી માં મૂકીને લઈ જઈ શકીશું. કાઉન્ટર પર ડોલર ચૂકવીને અમે કબાટ ને ગમે તેમ કરીને પાર્કિંગ માં તો લઇ આવ્યા. ગાડી ની ટ્રંક ઓપન કરીને પહેલા તો એમા મુકવાનો પ્રયત્ન કર્યો પણ એમા ના સમાયું એટલે પાછળ ની સીટ પર પ્રયત્ન કરી જોયો પણ વ્યર્થ. અમારી ગણતરી ખોટી પડી. અમને એમ થયું કે અમારે આ કબાટ જો લઈ જવું હશે તો કા તો રેન્ટલ ટ્રક કરવી પડશે નઇ તો પછી કબાટ અહીં જ રાખી દેવું પડશે.

અમને આ ગડમથલમાં જોઈ અમારી પાસે એક અમેરિકન મહિલા આવી. એને નજીક આવીને અમને એકદમ જ પૂછ્યું કે "ડુ યુ નીડ હેલ્પ?". આ મહિલા પંચાવન-સાઈઠેક વર્ષ ની હશે અને એ પણ એ જ સ્ટોર માં કઈ ખરીદવા આવી હતી. અમે જોયું કે એની પાસે મોટી કાર હતી. અચાનક થી જ્યારે એને મદદ માટે પૂછ્યું તો પહેલા તો અમે ના પાડી પણ એને કીધું કે કબાટ ખૂબ સરસ છે અને તમારી નાની કાર માં નથી આવતુ તો ક્યાં તમે કબાટ કરતા પણ મોંઘુ થઈ જાય એટલી ભાડેથી કાર કરશો એના કરતાં મારી ગાડી મોટી છે, જો તમે નજીકમાં જ રહેતા હો તો હું આવું છું મારી કારમાં લઈને. કબાટ ને ત્યાં જ છોડવાની ઈચ્છા તો હતી નઈ એટલે અમે છેવટે હા પાડી. એની ઉમર હોવા છતાં પણ એને પહેલા તો પોતાની કાર ની પાછળની સીટો પાડી દીધી અને કબાટ ઉચકીને અંદર મુકવામાં પણ હાથ આપ્યો. કબાટ એની ગાડી માં મુક્યાં પછી એને કીધું કે તમે ગાડી આગળ લેતા થાઓ અને હું તમને ફોલો કરું છું. અમને સો ટકા વિશ્વાસ તો નતો પણ છતાં અમે હા પાડી અને ગાડી ઘર તરફ હંકારી. આખાય રસ્તા દરમિયાન હું અરીસામાંથી પાછળ જ જોતો હતો કે ક્યાંક પેલી લેડી એ વળાંક તો નઈ મારી દિધો ને! થોડી વારમાં ઘરે પોહચ્યા. એ મહિલાની ગાડી પણ ઘર પાસે ઉભી રહી. મારી વાઇફે દરવાજો ખોલ્યો અને એ મહિલાએ ફરી કબાટ ઉતારીને ઘર માં મુકવા સુધી હાથ આપ્યો. હજુ અમારે બૌ દિવસો થયા હતા નઇ એટલે થોડો ડર તો રહે જ જ્યારે તમે કોઈ પણ અજાણી વ્યક્તિ ને તમારા ઘર માં પ્રવેશ આપો. છતાં પણ આપણા ભારતીય સંસ્કાર પ્રમાણે કબાટ મુક્યાં પછી મેં એને બેસવા માટે આગ્રહ કર્યો પણ એને કીધું કે એને નીકળવું પડશે કારણકે એને બીજે ક્યાંક જવાનું છે. હવે મેં ખિસ્સા માંથી ડોલર કાઢ્યા કારણકે એ મહિલા અમને જાણતી ના હોવા છતાં પણ છેક ઘર સુધી અમને હેલ્પ કરવા આવી હતી એટલે મારે એને કંઈક તો સારા જેસ્ચર તરીકે આપવું હતું. એને સ્પષ્ટ ના પાડી. એટલે મારી વાઇફ ઘર માંથી ચોકલેટ લઈ આવી પણ એ મહિલાએ એ પણ ના લીધી. અમારા ઘણા આગ્રહ પછી એને કીધું કે તમને કંઈક આપવું જ હોય તો જયારે તક મળે ત્યારે કોઈ આવા જ બીજાને "હેલપિંગ હેન્ડ" આપજો અને મને એક હગ આપી દો. એમ કહીને એ મને અને મારી વાઇફ ને ભેટીને નીકળી ગઈ. અમે થોડી વાર માટે એની એ વાત થી એટલા બઘવાયેલા હતા કે એની સાથે એક ફોટો લેવાનુ પણ યાદ ન રહ્યું. હું અને મારી વાઇફ એનો હૃદયથી આભાર માની રહ્યા.

હવે આમ કોઈ એને એક સામાન્ય મદદ ની ઘટના કહી શકે પણ જો ધ્યાન થી જોવા જઈએ તો આ વસ્તુ આપણા ને ઘણું કહી જાય છે. એક તો એ કે દુનિયામાં બધે સારપ હજુ ધબધબે છે. ઘણી વાર અજાણ્યાને આવી નાની વસ્તુમાં મદદરૂપ બનવાથી તમને એક અનન્ય સંતોષ તથા આનંદ ની લાગણી થાય છે અને બીજું કે જ્યારે મેં પાછળ જોતો હતો ત્યારે મારા મનમાં પણ એક અવિશ્વાસ હતો. અત્યારે દુનિયામાં બનતી ઘણી રોજીંદી ઘટનાઓને લીધે આપણે પરસ્પરનો વિશ્વાસ ખોઈ બેઠા છે અને આ પ્રસંગ વિચારતા કરી મૂકે છે. ત્રીજી વસ્તુ કે આપણો એક સારો વ્યવહાર બહારથી આવેલ વ્યક્તિ ના માનસપટ પર આપણા દેશ માટે ની ઊંડી અસર છોડી જાય છે. જેને અંગ્રેઝી માં "ગુડ સમ્રાટીયન" કહે છે. મારે અત્યારે અમેરિકા-ભારત માંથી કયો દેશ સારો એની ની ડિબેટ માં નથી ઉતરવું પણ એ અમેરિકન મહિલાની નિ:સ્વાર્થ મદદ મારા મન માં તો એટલીસ્ટ આ દેશ માટે પણ ઊંડી છાપ છોડી ગઈ. કારણકે દેશ લોકો થી બનતો હોય છે અને પેલું કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. નમસ્કાર 🙏

~ કેવી શેઠ!