લોકડાઉનમાં મુછાભિયાન
મુકેશ પંડયા
મારી સોસાયટીમાં જે મિત્રો મારા “હમપ્યાલા” “હમનિવાંલા” છે.અર્થાત મારી સાથે ખાનારા,પીનારા (પીનારાનો અર્થ એ ના કરતા જે સૌને દુઃખી કરે,આપણે ગુજરાતમાં છીએ.ગાંધીના ગુજરાતમાં.લો બોલો એકલા ગાંધીનું ગુજરાત.તમારૂ મારૂ કે બીજા કોઇનું નહીં !) છે તે સૌ અભિયાન સુરા છે.મતલબ અમારા સૌના જાતજાતના અભિયાન ચાલતા રહે છે.જેમકે “સોસાયટીમાં સફાઇ અભિયાન” “સોસાયટીમાં રાત્રી ક્રિકેટનું અભિયાન” “નવા નવા સ્થળ પર નાસ્તા કરવાનું અભિયાન” સમગ્ર ગ્રુપે માત્ર “ઓટલા પરિષદમાં મોબાઇલ નહીં વાપરવાનું અભિયાન અને સૌનું પ્યારૂં જેને દરેક સભ્ય ગુપ્ત રાખતો તે નાસ્તા બાદ “પેટ સફાઇ અભિયાન”.જોકે આ સિવાય પણ કોઇકના અન્ય પ્રકારનાં ગુપ્ત અભિયાન અંદરખાને ચાલતા રહેતા.જે ઘણીવાર નેતાઓના કૌભાંડની માફક ફૂટી જતા હતા.જયારે કોઇ “હમપ્યાલા” “હમનિવાલા”ના ગુપ્ત અભિયાનની માહિતી સોસાયટીના ઓટલા બેઠકમાં આવી જાય ત્યારે તેની હાલત “શોલે” ફિલ્મનાં “બેચારા વિરૂ,ના જાને કયા કરેગા ?” જેવી થઇ જતી હતી.અમુક અભિયાન ગુપ્ત રાખવાનો દરેક વ્યકિતનો આશય માત્ર એકજ રહેતો.”આત્મરક્ષા” જો અભિયાન લીક થઇ ગયું તો સમજીલો કે બીજા દિવસે ઓટલા પરિષદમાં “છોકરાઓને મન રમત થાય પણ દેડકાનો તો જીવ જાય ને !”
2020 ના માર્ચ મહિનાની પંદર તારીખે હું સપત્નિ અમેરિકાથી અમદાવાદ આવ્યો છું તે પહેલાથીજ દેશ-દુનિયામાં ચીની વાયરસ કોરોનાની ભારે દહેશત ફેલાઇ છે.ભારત સરકાર સાવચેતીના પગલા રૂપે વિદેશથી આવનાર પર પણ ધ્યાન આપતી હતી.છ મહિનાના વિદેશ નિવાસ બાદ સ્વદેશ આગમન બાદ મારી પત્ની બીજા જ દિવસે તેના પિયર ઉપડી ગઇ હતી.પછીના દિવસે મારા ઘેર આરોગ્ય વિભાગવાળાઓ પોલિસ રસાલા સાથે પહોંચી ગયા અને મારી પાસેથી તબિયતની જાણકારી માંગ્યા બાદ મને અને મારા દિકરા-વહુને પણ ઘરમાંજ ચૌદ દિવસ સુધી રહેવાની કડક સૂચના આપી અને ઘર બાહર જરૂરી સુચનાપટ પણ ચીપકાવી ગયા.આ દરમ્યાન થોડા દિવસો બાદ તારીખ પચીસ માર્ચ ના રોજથી સરકારે એકવીસ દિવસનું દેશભરમાં લોકડાઉન પણ જાહેર કરી દીધુ.
લોકડાઉન ગાળાને કારણે નવરા પડેલા મિત્રોએ અભિયાનને નવા સ્વરૂપમાં મુકયું.સૌ એકબીજાને નવી ખાધ્ય વાનગી જાતે બનાવવાની,પરંપરાગત લિબાસ પહેરવાની,પાઘડી બાંધવા જેવી વિવિધ અને કેટલીક વિચિત્ર ચેલેન્જ સ્વીકારવાની અને પછી તેને ગ્રુપમાં સોશિયલ મિડીયા પર શેર કરવા જણાવતા.એક દિવસ એક મિત્રએ દાઢી-મૂછ વધારવાની ચેલેન્જ મિત્રવર્તુળમાં મુકી.
મેં મારા હમપ્યાલા,હમનિવાલા મિત્રોની ચેલેન્જ સ્વીકારી પણ જરા જુદી રીતે.મેં મિત્રોને અંધારામાં રાખી એક અભિયાન ચાલુ કર્યું.જે અપને આપ સૌની સામે આવવાનું હતું.મારૂ અભિયાન જ એ પ્રકારનું હતું કે ”ઇશ્ક ઔર મુશ્ક(સુગંધ) છુપાયે નહીં છુપતે.”આ અભિયાન પણ સંતાડવાથી સંતાય તેવું ન હતું. મારા મોઢે જ તે બોલવાનું હતું.હિન્દી ફિલ્મ “જોની મેરા નામ”માં એક મજાના દ્રશ્યમાં સ્વર્ગસ્થ પ્રાણ સાહેબ કોમેડીયન સ્વર્ગસ્થ.આઇ.એસ.જૌહરને સવાલ પૂછે છે “તુમને મૂછ કયોં લગાઇ ?” ત્યારે પોતાની લાક્ષણિક અદા અને ધારદાર વ્યંગ માટે પ્રખ્યાત જૌહર જવાબમાં સામે સવાલ કરે છે “લગાઇ ?કૌનસી ભાષા બોલતે હો ભાઇ ? હિન્દુસ્તાની મેં મૂછ લગાના નહીં બોલતે,બઢાના બોલતે હૈં.પૂછો મૂછ કયોં બઢાઇ ?” એટલે હું પણ એમજ કહું તો “મૈંનેભી મૂછ બઢાઇ.”એટલે કે લોકડાઉનમાં મારૂ મૂછ બઢાવોનું ગુપ્ત અભિયાન શરૂ થયું.
મૂછ આવવાના શરૂઆતના દિવસો થોડા કઠીન હતા.મારી મૂછ ધીમી ગતિના સમાચારની માફક મંથર ગતિથી વધી રહી હતી.થોડા દિવસ પસાર થયા બાદ મારી મૂછ થોડી વધારે નજર આવવા લાગી.તો ચાહ પીતાં પીતાં મોં ઉપર ચાહ ની ભૂકી ચોંટી ગઇ હોય તેમ લાગ્યા કરતુ હતું,અને એવા વહેમમાં હું વારંવાર રૂમાલ વડે મોં સાફ કરવાની નાકામ ચેષ્ટા કર્યા કરતો હતો.બે ત્રણ દિવસ આમ જ ચાલ્યું પછી થોડા દિવસમાં મૂછ વધી એટલે આનંદ પણ વધ્યો.ગૌરીવ્રતમાં કન્યાઓ પોતાના હાથે ઉગાડેલાં જવારાને મોટા થયેલા જોઇને મલકાતા મલકાતા હાથ ફેરવ્યા કરે તેવું જ હું મારી મૂછ સાથે કર્યા કરતો હતો.ટૂંકમાં મુછોને પંપાળ્યા કરતો હતો.
પરંતુ થોડા દિવસબાદ મૂછને લીધે મારો આનંદ વધવાને બદલે ઘટવા લાગ્યો.મૂછના વાળ એટલા બધા છુટાછવાયા આવી રહ્યા હતા કે જાણે ચોખાના ખેતરમાં વાવણી કરી હોય તેમ લાગતું હતું.મૂછના મધ્ય ભાગમાં મતલબ નાકની નીચે વધુ પડતી જગ્યા છૂટવાને કારણે હું ભારતીયને બદલે ચાઇનીઝ જેવો દેખાવા લાગ્યો.જેના કારણે હું ચીનનાં મૃત જનરલ ચેંગ હુઆ ફૂઆને મારા સગ્ગા ફૂવા જ સમજવા લાગ્યો.છુટી છવાઇ ઉગેલી મૂછની સમસ્યાને દૂર કરવા અને સારા પ્રમાણમાં વાળ ઉગે તે માટે મારા એક પડોશીએ મને મલમ લગાવવાની સલાહ આપી અને મારા પર દયા દાખવીને મને મલમ પણ આપ્યો.
મલમ અભિયાન હવે ચાલુ થઇ ગયુ હતું.પણ મલમે નવી ઉપાધીનો સામનો કરાવ્યો.મલમનાં પ્રયોગથી થોડા દિવસમાં મારો સમગ્ર ઉપખંડજ બદલાઇ ગયો.ચાઇનીઝમાંથી હું ધોળા હબસી જેવો બની ગયો.અને આ કારણે હું મારી જાતને આફ્રો-ઇન્ડિયન એનઆરઆઇ સમજવા લાગ્યો.આનું કારણ એ હતું કે મલમના પ્રયોગથી મૂછ વધવાને બદલે હોઠ વધી ગયા હતા.અને સૂઝીને ગોળ વળી જવાના કારણે હોઠ હબસી જેવા જાડા થઇ ગયા હતા.આ સૂઝેલા હોઠ પર મૂછના વાળ એકદમ સીધી પોઝીશનમાં રહેતા હતા જે હવાના કારણે કયારેક કયારેક મારા નાકમાં ઘૂસી જતા હતા.આથી વારંવાર છીંકો આવતી હતી અને છીંકો ખાઇ ખાઇને શરીર બેવડ વળી જતુ હતું.ઉપરા છાપરી છીંકો આવવાથી ડર લાગવા લાગ્યો કે જો પડોશીઓને મારી છીંકો વિષે ખબર પડી જશે તો ઘરનાં બધાને કોરોન્ટાઇન સેન્ટરમાં જવાનો વારો આવશે એટલે મેં મારા રૂમમાંથી બાહર નીકળવાનું જ બંધ કર્યુ. વળી વારંવાર છીંકો ખાવાને લીધે દિકરો અને તેની પત્નિ મને કરોના વાયરસનો ચેપ લાગયાનું સમજીને ડોકટરને બોલાવવા માટે દબાણ કરવા લાગ્યા અને મારાથી દૂર રહેવા લાગ્યા તથા પૌત્રને પણ મારી પાસે મોકલવાનું બંધ કરી દીધું તો માંડમાંડ તેમને મારી સ્થિતી વિષે સમજાવી શક્યો.અંતે નાકમાં ઘુસી જતા વાળને કાપતા થોડી રાહત થઇ.આ હબસીના રોલમાંથી મૂળ રોલમાં પાછા આવવું મારા માટે દુષ્કર થઇ ગયુ હતું.પરંતુ “હિંમતે મર્દા તો મદદે મહિલા” સોરી..સોરી “મદદે ખુદા” જોકે મારી મદદે તો મહિલા જ આવી.દેશનું એકવીસ દિવસનું લોકડાઉન ખુલતાંજ પત્નિ ઘેર પાછી આવી ગઇ.તે મારી શારીરિક સ્થિતી જોઇને કશું સમજી શકી નહીં કે આ બધું શું છે ? હું સમજી ગયો કે તે કશું સમજી શકી નથી.પત્નિએ મારી શારીરિક સ્થિતી જોઇને સવાલનું તીર છોડયું.
હું ઘરમાં ન હતી એટલે લોકડાઉનનો કોણે આ લાભ ઉઠાવ્યો ?તમારૂં મોં કોણ સુઝાડી ગયું ? આ તમારા હોઠ હબસીનાં હોઠ જેવા ફૂલી ગયા છે અને સાથે સાથે મૂછના વાળ પણ બાહર આવી ગયા છે ને !
મેં પત્નીની ભૂલ સુધારતા અને સત્ય સમજાવતા કહ્યું “ડાર્લિંગ વાતને એકદમ રિવર્સ કરી નાખ,કદાચ તને બધું સમજાઇ જશે.”છતાં તે નાદાન ન સમજી શકી એટલે મેં ચોખવટ કરી “હોઠ માર ખાવાથી નથી ફૂલ્યા અને વાળ પણ એટલે બાહર નથી આવ્યા,પણ વાળ બાહર આવવાથી હોઠ ફૂલી ગયા છે અને માર ખાવાની વાત તો સાવ અસ્થાને છે દેવી.”
મારી ચોખવટ બાદ થોડી શાંત થતા પત્ની બોલી “આમ જ હોય તો ઠીક છે.પરંતુ તમારે આટલા વર્ષો બાદ મૂછની એકદમ કેમ જરૂર પડી.? મૂછ રાખવાથી તમે વધારે મરદ લાગશો એવું ન માનશો.જો મને અને બાળકોને ડરાવવા માટે મૂછ રાખી હોય તો ખોટી મહેનત ના કરશો.આ દુનિયા પર મૂછો વાળા જેટલો જ વટ મૂછ વગરનાઓએ પણ માર્યો છે.અને હા,મૂછ રાખી તમે મહારાણા પ્રતાપ અને ભગતસિંહ જેવો વટ રાખવાના હોવ તો ઠીક છે બાકી મૂછ તો ગટરના વંદા પણ રાખે છે તેનો કોઇ મતલબ ખરો ?અને હા.ખાસ બાત તરીકે કહુ તો મારા માટે તો તમે મૂછ વાળા અને મૂછ વગરના બંને રોલમાં હીરો જ છો અને અમને ડરાવવા માટે તમારી એક નજર જ કાફી છે ડિયર.”
પત્નીની સેવા અને યોગ્ય ઉપચારથી થોડાજ દિવસોમાં સ્વસ્થ થયા બાદ હું દાઢી કરાવવા હજામ પાસે ગયો ત્યારે તેણે દાઢી કરતાં મને પૂછયું સાહેબ મૂછ સેટ કરવાની છે ? ના..ના હવે બધું બરાબર સેટ થઇ ગયું છે.આજ એક ખોટુ સેટિંગ હતું.એને જ કાઢી નાંખ.કહીને હું આંખો બંધ કરી હજામની ખુરશી પર લબાવતા વિચારવા લાગ્યો હમપ્યાલ,હમ નિવાલાને નવું જ કોઇ અભિયાન આપવું પડશે.
-સમાપ્ત-