KHAJANA... in Gujarati Motivational Stories by VARUN S. PATEL books and stories PDF | ખજાનો..

Featured Books
Categories
Share

ખજાનો..

ખજાનો

નમસ્કાર મારા દરેક વાચકોને. માફ કરજો લાંબા સમયથી હુ તમને કોઈ રચના નથી આપી રહ્યો કેમ કે હુ મારી આવનારી નવલકથા કબ તક રોકોગે ના સર્જનમા વ્યસ્ત છું. કબ તક રોકોગે મોડિ જરૂર થઇ છે પરંતુ જ્યારે પણ આવશે તમને ખુબ જ મનોરંજન આપશે અને તમારા હૃદયમાં વસી જશે પરંતુ તે પહેલા આ મારી નાનકડી રચના.

ખજાનો આ એક વાર્તા કરતા સમજણ વધારે છે. હુ શોર્ટસ્ટોરી ખુબ જ ઓછા પ્રમાણમાં લખુ છું પણ જ્યારે પણ લખુ છું તો એક જ વિચાર સાથે લખુ છું કે મારા વાચકનો સમય ન બગડે મારૂ લખેલુ વાચીને. મારો આ વાર્તા દ્વારા ઉદ્દેશ માત્ર એટલો જ છે કે જીવનનો સાચો ખજાનો જે છે તેને આપણે ઓળખી નથી શકતા. મારી આ વાર્તા એનુ જ એક ઉદાહરણ છે જો સાચા ખજાનાને ઓળખી જાવ તો જીવન કેવુ બની જાય અને જો ન ઓળખી શકો તો જીવન કેવુ બની જાય.
હેલ્લો હુ જીજ્ઞા.મારી ઉમર ૨૩ વર્ષની છે. મને નાનપણથી જ લખવાનો અને લેખક બનવાનો શોખ. હુ વાર્તાઓ જરૂર લખતી પરંતુ મને કાલ્પનિક વાર્તાઓ કરતા મારા પિતા કહેતા એમ કે ભગવાને આ દુનિયામાં જેટલા મનુષ્યો બનાવ્યા છે એ દરેક મનુષ્યોની પાછળ એક કહાની હોય છે. જેમ કે આપણે કોઈ ફિલ્મ જોતા હોઈએ તો એમા કોઈ એક પાર્ટીનો સીન આવે જેમા એક તરફ બધાને જ્યુસ આપતો વેઈટર દેખાય અને એક તરફ વાયોલીન વગાડતા લોકો પણ દેખાય. એ વાયોલીન વગાડતા વ્યક્તિની ફિલ્મમાં કોઈ જ કહાની નથી પરંતુ જો આપણે તેની પર્સનલ લાઈફમાં ઝાખીએ તો એની પણ એક કહાની જરૂરથી બહાર નીકળી આવે. એમ જ મને લોકોની કહાની લખવાની પસંદ છે અથવા તમે એમ પણ કહી શકો કે લોકોની પર્સનલ લાઈફમા ઘુસવાની મને ખુબ જ આદત છે.
હુ એક ગુજરાતી છું અને હુ હાલ અમેરિકામાં નિવાસ કરૂ છું. અહીં મારા પિતાના ઘણા એવા અમેરિકન મિત્રો છે. જેમાથી એક મિત્રનુ આજે અવસાન થયુ હોવાથી તેના ફ્યુનરલમા હુ અને મારા પિતા એમના પરિવારને સાંત્વના પાઠવવા માટે આવ્યા હતા. મને ખબર છે કે કદાચ તમને ફ્યુનરલમા ખબર નહીં પડી હોય તો ફ્યુનરલ એટલે કે જ્યારે કોઈ વ્યક્તિનુ અવસાન થાય અને એને દફનાવવા કે અગ્નિસંસ્કાર આપવાની જે વિધી હોય તેને વિદેશીધર્મમા ફ્યુનરલ કહેવાય. આજે હુ અને પપ્પા એ જ વિધીમા સામેલ થયા હતા. ભીડ વધુ હોવાના કારણે મને જેમનુ (જેક લુઈસ) અવસાન થયુ હતુ તેમનો ફોટો નહોતો દેખાઈ રહ્યો અને મારૂ અહીં આવવાનુ કારણ પણ એટલુ જ હતુ કે જે જેક લુઈસનુ અવસાન થયું છે તે અવસાન પાછળની કહાની મારે જાણવી હતી એટલે જ એ જાણવાની લાલસા જ મને અહીં સુધી ખેંચી લાવી હતી. વધુ ભીડ હોવાને કારણે પિતા આગળ જતા રહે છે અને હુ એક છોકરી હોવાને કારણે પાછળ જ રહી જાવ છું. આગળ કઈ પણ ન દેખાવવાને કારણે મે ક્રિશ્ચિયનનુ જે વ્યવસ્થિત કબ્રસ્તાન હોય છે તે જોવાની શરૂઆત કરી તો મને દેખાયુ કે જે જગ્યાએ વિધી ચાલી રહી હતી ત્યાથી થોડેક દુર કબ્રસ્તાનના એક ખુણે એક ઝાડ નીચે બાકડા પર આખોમા આસુઓ સાથે એક વ્યક્તિ બેઠો હતો એટલે મને થયુ કે લાવ જેક લુઈસના જીવન વિષે કંઈ જાણવા મળે ન મળે એ વ્યક્તિના આસુ પાછળની તો કહાની જાણી લઉં અને શુ ખબર કદાચ એ જેકનો કોઈ સગો-વહાલો હોય તો એના જીવનની કહાની પણ જાણવા મળી જાય. આ ઉદ્દેશય સાથે હુ એ વ્યક્તિ પાસે પહોચી. તેમની પાસે એકદમ શાંતિથી જઈને બેઠી.
બંને વચ્ચે બધો સંવાદ અંગ્રેજીમા જ થાય છે પરંતુ આપણી વાર્તા ગુજરાતી ભાષામાં હોવાથી સંવાદ ગુજરાતીમાં.
હેલ્લો. માફ કરજો તમને ડિસ્ટર્બ કરવા બદલ પરંતુ તમને રડતા જોઈને રહેવાયુ નહીં એટલે થયુ કે લાવ તમને પુછી લઉં શુ થયુ કોઈ તકલીફ છે. એક ગુજરાતી છું ને એટલે આ આદત મારા લોહીમાં છે... જીજ્ઞાએ કહ્યું.
જી ધન્યવાદ પરંતુ આને હુ તકલીફ કરતા અફસોસ વધારે કહીશ... એ અજાણી વ્યક્તિએ કહ્યુ.
પણ કેમ એવુ તે શુ થયુ... જીજ્ઞાએ કહ્યું.
એ અજાણ્યો વ્યક્તિ પોતાના પાછળના સમયની થોડિક વાત જણાવવાની શરૂઆત કરે છે.
માઈક અને જેક લુઈસ બંને ખુબ જ સારા મિત્રો હતા. માઈકના પરિવારમા કોઈ જ નહોતુ. જેકના પરિવારમા તેના મમ્મી, પત્ની અને એક નાનકડી દિકરી હતી. એકરોજ સવારે વહેલા કોઈ સ્વપ્ન આવવાના કારણે જેકની ઉંઘ ઉડી ગઈ અને એ સવાર સવારમાં કબ્રસ્તાન જોઈને જલ્દીથી માઈક પાસે આવે છે અને તેને જણાવે છે.
મને ગઈ કાલે રાત્રે કોઈક અજીબ જ સ્વપ્ન આવ્યુ માઈક. શુ આ કોઈ કુદરતનો ઈસારો તો નથી ને... માઈકને જેક લુઈસે કહ્યું.
કેવુ સ્વપ્ન પહેલા એ તો બોલ... માઈકે પુછ્યું.
સ્વપ્ન એ જ કે મારા પિતાની કબ્રસ્તાનમા જે સમાધી છે અને તેની પાસે જે ખાલી જગ્યા છે તે જગ્યાની અંદર ખુબ જ ખજાનો છે. ચાલ આપણે જઈને ત્યા ખોદીને જોવુ જોઈએ કે શુ ખરેખર ત્યા કોઈ ખજાનો છે... જેક લુઈસે કહ્યું.
જેક તુ ગાંડો તો નથી થઈ ગયોને. આ ખજાનાના સ્વપ્નાઓ ફક્ત સ્વપ્નાઓ જ હોય. તુ છે ને જલ્દી નોકરી શોધ તને ખબર છે ને કે તારી દિકરી બીમાર છે અને એના ઈલાજ માટે તારે એક મહિનાની અંદર બે લાખ રૂપિયા જમા કરાવવાના છે... માઈકે કહ્યું.
હા યાર મને ખબર છે... નિરાશા સાથે જેકે કહ્યું.
આમ જેક રોજની જેમ આજે પણ નોકરી શોધવાની શરૂઆત કરે છે. જેકની દિકરી ખુબ જ બીમાર હોય છે જેથી જેકને વધુ રૂપિયાની જરૂર હોય છે. કેમ કે જેકને દિવસમા ખેતી અને પાર્ટટાઈમમા નોકરી કરીને રૂપિયા જોડવાની નોબત આવી હોય છે. આજે જેકને નોકરી મળી પણ જાય છે જેનાથી એ પોતાની દિકરીને બચાવવા માટેના રૂપિયા જોડી શકે.
જેક જ્યા કામ કરતો ત્યા જે ટીવી હતુ ત્યા એક ફિલ્મ ચાલી રહ્યું હતું જેમાં એક ગુફામાં ખુબ જ વધારે પ્રમાણમાં સોનાના સિક્કાઓ બતાવવામાં આવે છે જે જોઈને જેકને ફરીથી પોતાનુ સ્વપ્ન યાદ આવી જાય છે. વાસ્તવિક રૂપમાં તો જેક કામ જ કરી રહ્યો હતો પણ તેનુ મગજ હજુ પણ તે સ્વપ્નના વિચારોમા જ ખોવાયેલુ હતુ.
આજે રાતે સુતા બાદ જેકને ફરીથી એક એ જ સ્વપ્ન દેખાયુ જેનુ વર્ણન કઈક આમ હતુ કે પહેલા તેને તેનુ ઘર દેખાય છે. પછી તેને તેનો પરિવાર દેખાય છે અને પછી કબ્રસ્તાનની તે જગ્યા જ્યા તેને પહેલા પણ ખજાનો દેખાયો હતો ત્યાજ આજે પણ ખજાનો દેખાય છે. આ જ સ્વપ્ન બીજીવાર કેમ તેના બે કારણો હોઈ શકે. કારણ એક કે આ ખરેખર કુદરતનો સંકેત છે ખજાના માટેનો અથવા તો કારણ બે કે પહેલા દિવસે જે સ્વપ્ન આવ્યુ તેનો બીજા આખા દિવસે સતત વિચાર કરવાથી આજે બીજીવાર સ્વપ્ન આવ્યુ? શુ હતુ તે તો ભગવાન જ જાણે.
આજે પણ જેક સૌપ્રથમ વહેલા ઉઠિને માઈક પાસે ગયો અને બંને વચ્ચે એજ ચર્ચા થઈ જે આગલા દિવસે થઈ. પરંતુ આજની ચર્ચા ફર્ક ફક્ત એટલો જ હતો કે આજે નોકરી પર ન જતા જેકનો જવાબ કઈક આમ હતો.
યાર આ રોજ રોજ આવતા સ્વપ્નાઓ કોઈ વહેમ નહીં પરંતુ ભગવાનનો મારા આ ખરાબ સમયમાં સંકેત છે કે તુ એ ખજાનો લઈલે અને તારી દિકરીનો ઈલાજ કરાવ અને પછી આલીશાન જીવન જીવજે... જેકે કહ્યું.
ખજાનાનુ ભુત જેકના રોમ-રોમમા ચડી ગયુ હતું.
જો જેક સમજ ખજાના જેવી કોઈ જ વસ્તુ નથી હોતી. તારો સાચો ખજાનો... આટલુ બોલતા જ માઈકને જેક અટકાવી દે છે.
તુ એ બધુ મુક અને તારે મારી સાથે આવવાનુ છે હુ કબ્રસ્તાન જઈ રહ્યો છું ખુદાઈ કરીને ખજાનો કાઢવા માટે તારે આવવુ છે. અડધો ભાગ તને પણ આપીશ દોસ્ત અને ચિંતા શુ કરે છે જો ખજાનો નહીં મળે તો કાલે નોકરી પર પાછા... જેકે માઈકને પણ લાલચ આપતા કહ્યું.
અરે ના મારે કોઈ ખજાનો નથી જોઈતો. મારો ખજાનો તુ તો છે... આટલુ બોલી અંતે માઈક પણ કબ્રસ્તાનની એ જગ્યાએ જ્યા જેકના પિતાની કબ્ર હતી ત્યા જવા રવાના થાય છે.
બંને ખુદાઈનો સામાન લઇને કબ્રસ્તાન પહોચે છે. પોતાના પિતાની કબ્ર પર ફુલ મુકીને બાજુમા જેક ખુદાઈ કરવાની શરૂઆત કરે છે. કબ્રસ્તાન સમુદ્ર કિનારે હોવાથી ઠંડો પવન આવવાથી માઈક ત્યાજ સુઈ જાય છે. ખજાનાની લાલચમા ખોવાયેલો જેક સાંજ સુધીમા ઘરના ત્રણ માળ થાય તેટલા ઉંડે સુધી ખોદી નાખે છે. બહાર માઈક હજુ સુધી સુતો જ હતો. ધીરે ધીરે ખાડો ઉંડો થવાને કારણે નીચેથી અને બાજુમાથી સમુદ્રનુ પાણી બહાર આવવા લાગે છે. જેક અંદર ખાડામાં જે માટી પર ઉભો હતો તે માટી એકદમ પણ નરમ હતી એટલે જેકના પગ માટીમા ખુચાવા લાગે છે. ધીરે ધીરે પાણીના આવવામા વધારો થાય છે અને પાણી જેકના પગ સુધી પહોચે છે એટલે જેકને થાય છે કે અહિયા હવે કશુ મળેના મળે જો તે વધારે સમય અંદર રહ્યો તો પોતે ડુબીને અથવા તો શ્વાસ ઘુટવાથી જરૂર મૃત્યુ પામી શકે છે એટલે તેને બહાર માઈકને સાદ પાડ્યો જેથી માઈક બહારથી એક દોરડુ ફેકે જેના ઝરીયે જેક બહાર આવી શકે.
માઈક તુ સાંભળી રહ્યો છે. જલ્દીથી રસ્સી ફેક... જેકે ચિલ્લાઈને કહ્યું.
બહાર માઈક ગાઢ નિંદ્રામાં સુઈ રહ્યો હતો કેમ કે જેકના ખુદાઈ કરતા કરતા ૮:૦૦ થી ૯:૦૦ કલાકનો સમય પસાર થઈ ચુક્યો હતો. ધીરે ધીરે જેકની કમર સુધી પાણી પહોચી ગયુ હતું. જેક અંદર માટીમા વધુને વધુ ખુચાઈ રહ્યો હતો. તે વારંવાર ચિલ્લાઈને જેકને કહી રહ્યો હતો. થોડિવાર ચિલ્લાયા બાદ માઈક જાગે છે અને એક ફફળાટ સાથે અંદર માઈકને જુએ છે અને અંદર રસ્સી ફેકે છે પરંતુ ત્યાથી સુધીમાં જેક ખુબ જ ઉંડે સુધી ખુચાઈ ચુક્યો હોય છે અને પાણી પણ તેની ગરદન સુધી પહોચી ચુક્યુ હોય છે. થોડિવાર બને કોશિષ કરે છે પરંતુ અંતે અંદરને અંદર જેકનુ અવસાન થાય... સંપુર્ણ કહાની જણાવતા એ અજાણ્યા વ્યકિતએ કહ્યું.
આટલી વાર્ત સાંભળી જીજ્ઞા પણ અંદરથી આ ઘટના પર દુઃખ અનુભવવા લાગે છે.
હે ભગવાન આવુ ક્યારેય કોઈની સાથે ન બને. અને હા જો માઈક વહેલા જાગી ગયા હોત તો કદાચ આજે આ ઘટના ન બની હોત. હવે એમની એ દિકરીનુ શુ થશે... જીજ્ઞાએ દુઃખ વ્યક્ત કરતાની સાથે રીપોટરની જેમ જ સવાલ કરતા કહ્યું.
દિકરીની તો કોઈ જ ચિંતા નથી એના માટે તો માઈક છે ને પણ અફસોસ એક જ વાતનો... આટલુ બોલી એ વ્યક્તિ અટકી જાય છે કેમ કે જીજ્ઞાના પિતા તેને બોલાવવા માટે સાદ પાડી રહ્યા હોય છે.
પિતાનો સાદ સાંભળી પોતાની જગ્યા પરથી ઉભી થઈને જીજ્ઞા થોડુ આગળ ચાલ્યા બાદ પાછળ ફરીને જુએ છે અને એ વ્યકિતને કહે છે.
આઈ થીંક તમે માઈક અને કદાચ તમને એ જ વાતનો અફસોસ છે કે તમે જેકને બચાવી ન શક્યા... ફટાફટ એ અજાણ્યા વ્યકિતને આટલુ કહીને જીજ્ઞા પોતાના પિતા પાસે પહોચે છે જ્યા પિતા કોઈ એક વ્યક્તિ સાથે ઉભા હતા. જીજ્ઞા પોતાના પિતા પાસે પહોચે છે અને તેના પિતા એ વ્યક્તિ સાથે જીજ્ઞાનો પરિચય કરાવે છે.
બેટા આ છે જેકના પરમ મિત્ર માઈક અંકલ... જીજ્ઞાના પિતાએ કહ્યું.
આ વાક્ય સાંભળતા અને માઈક અંકલને જોતા જીજ્ઞા પહેલા તો પાછળ એ જ્યા બેઠી હતી ત્યા તે વ્યક્તિને જુએ છે પરંતુ તે વ્યક્તિ ત્યાથી ગાયબ હતો. હજુ પણ જીજ્ઞા કોઈ પણ જાતના આશ્ચર્યમા નહોતી પરંતુ તે આશ્ચર્યમા ત્યારે મુકાય છે જ્યારે ફ્યુનરલમા જેકની તસ્વીર જુએ છે. એ અજાણ્યો વ્યક્તિ બીજુ કોઈ નહીં જેક પોતે જ હતો. આ ઘટના જોઈને જીજ્ઞા માઈકને કોઈ જ પ્રકારના સવાલ નથી કરી શક્તિ અને ફટાફટ માઈક અંકલને મળીને પોતાની કારમાં બેસી જાય છે અને જેકના અફસોસ વિશે વિચારવા લાગે છે કે એને કઈ વાતનો અફસોસ હતો. થોડિવાર વિચાર્યા બાદ જીજ્ઞાના મોઢા પર સ્મિત આવે છે અને પોતાના મનમાં જ કહે છે.
ધન્યવાદ જેક મને આ લેશન આપવા બદલ. તમારો અફસોસ એટલે કે એ સ્વપ્નને સમજવામા તમે ઘણી મોટી ભુલ કરી. તમારા સ્વપ્નનો મતલબ માત્ર એટલો જ હતો કે આપણા ઘરથી આપણા મૃત્યુ સુધીની સફરમાં આપણને થયેલા અનુભવો, આપણો પરિવાર, આપણા સ્નેહિજનો જે આપણને ખુબ જ પ્રેમ કરે છે, આપણુ ચરિત્ર અને મહેનતથી કમાયેલુ ધન આ જ આપણો સૌથી મોટા ખજાનો છે. જો તમારી પાસે ખજાનો હશે અને આ બધુ નહીં હોય તો તમે જીવનમાં ક્યારેય ખુશ નહીં રહી શકો અને જો તમારી પાસે આ બધુ હશે અને કદાચ ધન ઓછુ હશે તો પણ તમે હંમેશા ખુશ રહી શકશો કેમ કે આ જ તમારો સાચો ખજાનો છે. જો જેક આ ખજાનાની લાલચમા આવવાને બદલે પોતાની નોકરી કરતો હોત તો તેને તેનો સંપુર્ણ ખજાનો આમ ગુમાવવો ન પડેત. જેકને આ જ અફસોસ હતો. આ અફસોસ ક્યારે પણ તમારા જીવનમાં ન રહી જાય એટલે જ મે આ વાર્તા લખીને તમને સમજાવવાની કોશિશ કરી છે કે તમારી પાસે અત્યારે જે કઈ પણ છેને એ ખજાનાથી ઓછુ નથી એટલે એને એન્જોય કરો કોઈ પણ જાતની લાલચ પાછળ ભાગવા કરતા. કેમ કે લાચલ પાછળ ભાગવામા જ આપણે આપણી પાસે રહેલા ખજાનાને માણવાનુ ચુકી જઈએ છીએ. તો આજથી લાલચ પાછળ ભાગવાનુ બંદ અને આપણી પાસે જે છે અને મહેનતથી જે પામી રહ્યા છીએ તેને એન્જોય કરવાનુ ચાલુ કરીશુ એવી હુ તમારા સૌની પાસે આશા રાખુ છું. ધન્યવાદ મારી આ વાર્તા વાચવા બદલ.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય ।
A VARUN S. PATEL STORY.
COMING SOON ( " કબ તક રોકોગે " )