GURUDAKSHINA in Gujarati Motivational Stories by Jagruti Vakil books and stories PDF | ગુરુ દક્ષિણા

Featured Books
Categories
Share

ગુરુ દક્ષિણા

ગુરુદક્ષિણા

“આવતીકાલે ગુરુપૂનમની ઉજવણી આપણી હમેશની પરંપરા મુજબ રહેશે...અને હા....આલોકા આજથી તમામ બુલેટીન બોર્ડની ઉપરી તરીકે રહેશે.તમારે સહુએ એના નેતૃત્વમાં સુંદર કામ કરી, આપણા છાત્રાલયને દીપાવવાનું છે.” છાત્રાલયના જ્યોતબહેન જેને સહુ મોટીબેન તરીકે જ સંબોધતા,તેમનો સુંદર અવાજ પ્રાર્થનાસભામાં પડઘાયો....અને સહુ આવક બની આલોકા અને મોટીબહેનને વારાફરતી તાકી રહ્યા.એ પ્રશ્નાર્થ સાથે “કલ્મ્ચોરને સજા કરવાને બદલે ઇનામ?” પણ ૧૦૦ વિદ્યાર્થિનીઓના છાત્રાલયમાં વડા મોટીબહેનના નિર્ણય સામે કોઈ જ પ્રશ્ન ઉઠાવી જ ન શકે.હમેશા કડક સાડીમાં શોભતા અને એવો જ કડક સ્વભાવ ધરાવતા મોટીબહેનની એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં ગુસ્સો રહેતો...અલબત કોઈ પણ બનાવ બને ત્યારે શાંતિથી પૂરી તપાસ કરી,સહુને સાંભળ્યા બાદ જ યોગ્ય નિર્ણય લેતા.જેથી તેઓ સાચા શિક્ષક અને યોગ્ય રાહબર તરીકે અનેક દીકરીઓના દિલમાં અનેરું સ્થાન પામ્યા હતા.પ્રાર્થનાસભા પૂરી થતા સહુ પોતપોતાના રૂમ તરફ જવા લાગ્યા ત્યારે આલોકા દોડીને મોટીબહેનના ચરણોમાં વંદી રહી...આભાર અને પશ્ચાતાપના આંસુ એક સાચા ગુરુના ચરણકમળને પખાળી રહ્યા....મોટીબહેનની આંખોની ભીનાશ વધે તે પહેલા તેઓ આલોકાના માથે હાથ પસવારી,ઝડપથી પોતાના રૂમ તરફ ગયા...

વાત જાણે એમ બની કે નજીકના ગામડામાંથી આ જ વર્ષે શહેરમાં ભણવા આવેલી આલોકા આમ તો ખુબ ડાહી અને હોશિયાર હતી...શરૂઆતમાં થોડા દિવસો ઘર અને મમ્મી પપ્પાથી દુર રહેવાને કારણે ઉદાસ રહેતી.પણ છાત્રાલયના પ્રેમાળ સુપરવાઈઝરશ્રી અનિકેતાબહેન અને અન્ય વિદ્યાર્થિનીઓ સાથે રહેતા હવે તે સરસ સેટ થઇ ગઈ હતી.

ગઈકાલે રાત્રે જ અનિબહેન આલોકાને તેમની ઓફિસમાં લાવી,ખુબ ગુસ્સામાં ફરિયાદ કરતા કલમચોર કહી,તેની રૂમ મેટની કલમ ચોરાવવાના આરોપ સાથે કડક સજા કરવાની રજૂઆત કરી હતી...કડક સ્વભાવના મોટીબહેનની એસી.ઓફિસમાં પરસેવે ધ્રુજતી,આલોકા ગભરાટને કારણે એક પણ શબ્દ બોલી ન શકી હતી.ત્યારે અનિબહેનને વિદાય કરી મોટીબહેને પોતાની ખુરશી પરથી ઉભા થઇ,આલોકા પાસે આવી,તેનો હાથ પ્રેમથી પકડી બાજુના સોફા પર બેસાડી,પાણી પીવડાવી શાંત પાડી....શું બન્યું હતું તે કહેવા જણાવ્યું...હવે આલોકામાં થોડી હિમત આવી અને તે બોલવા લાગી: “મોટીબહેન,એક દિવસ પછી ગુરુ પૂર્ણિમા છે.હું જે શાળામાં ભણતી,ત્યાં મારા એક ગુરુ શબનમ બહેન મને ખુબ ગમતા..હું દર વખતે ગુરુ પૂર્ણિમાએ તેમને સરસ કાર્ડ બનાવી એમાં સરસ કાવ્ય જાતે લખીને એમને આપતી....એ મુજબ આ વખતે પણ હું કાર્ડ બનાવવા બેઠી ...મારી રૂમમેટ સીયાનો રસોડાનો વારો હોતા તે હાજર નહોતી...ને મારી પેન અચાનક ચાલતી બંધ થઇ ગઈ...ઝડપથી કામ પૂરું કરવાના હેતુથી જ મેં સીયાના દફતરમાંથી તેની પેન લીધી અને કાવ્ય લખી,બાકીનું કામ પૂરું કરું:ત્યાં તો જમવાનો બેલ વાગ્યો અને હું પેન મારા ટેબલ પર મારા પાઉચમાં જ મૂકી જમવા ગઈ...જમીને સિયા મારા પહેલા રૂમમાં પહોચી ગઈ,પોતાની પેન ન જોતા તેણે અનીકેતાબહેનને ફરિયાદ કરી; હું રૂમમાં પહોચું તે પહેલા બહેને રૂમ તપાસ્યો ને મારા પાઉચમાંથી પેન મળી આવતા મને સહુ ચોરકહેવા લાગ્યા....”અને ફરી આલોકા ધ્રુસકે ધ્રુસકે રડી પડી....આંસુથી ખરડાયેલા ચહેરે માંડ માંડ બોલી શકી: “મોટીબહેન,સાચું કહું છું...હું ચોર નથી....હા, કોઈને પૂછ્યા વગર એની વસ્તુ ન લેવાય...એ તમારી વાત મેં ન માની એ સાચું....પણ મારો ઈરાદો ચોરીનો જરાય નહોતો...બહેન પ્લીઝ, મને માફ કરી દો ...”બે હાથમાં મો છુપાવી આલોકા ફરી રડવા લાગી.... ધ્યાનપૂર્વક આલોકાની વાત સાંભળતા મોટીબહેન ક્યાંક ખોવાઈ ગયા....થોડી વારે તેના માથે પ્રેમથી હાથ ફેરવી,પોતાના રૂમાલ વડે આલોકાના આંસુ લૂછ્યા.પછી પોતાના ટેબલ પરથી એક સરસ મજાની પેન તેને આપી,તેને રૂમમાં જઈ શાંતિથી સુઈ જવા કહ્યું...રાતભર મનોમંથન પછી સવારે પોતે પ્રાર્થનાસભામાં આ જાહેરાત કરી હતી.

અનિકેતાબહેન જરા રોષ મિશ્રિત આશ્ચર્ય સાથે મોટીબહેનના રૂમમાં પ્રવેશ્યા ત્યારે મોટીબહેનની લાલ આખો રાતના ઉજાગરાની ચાડી ખાતી હતી...મોટીબહેન હમેશ મુજબ મીઠું સ્મિત વેરી બોલ્યા: “હું જાણું છું અનિબહેન;તમારા મનમાં શું છે?પણ પ્લીઝ કઈ ન કહેતા...એક બાળકની ભૂલને પહેલીવાર માફ કરી,એને આગળ વધવાની તક આપીએ તો ખરેખર આપણે સાચી ‘કેળવણી’ આપી કહેવાય...અને આપણે એ જ કરવાનું છે...જાવ હવે જલ્દી,કાલની ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની તૈયારી કરવા લાગો...અને હા...આલોકા ખુબ સારું લખે છે અને તેના અક્ષર પણ ખુબ સારા છે...તેને એવું કાર્ય સોપી,પ્રેરણા આપજો હો...”મોટીબહેનના વચનમાં અને નિર્ણયમાં અડગ શ્રદ્ધા ધરાવતા અનિકેતાબહેન પોતાના કામ તરફ વળ્યા અને મોટીબહેન પોતાના રૂમમાં તેમના ગુરુની તસ્વીર પાસે દીવો કરતા પોતાના પ્રિય કવિશ્રી મકરંદ દવે ની પંક્તિને ગણગણ્યા: “એક નાનકડા સૂરમાં ગુથું એક નાનકડું ગીત,એક નાનકડું ઉર ગુંજે તો એટલી મારી જીત” પછી ભગવાનની મૂર્તિ તરફ દીવો કરવા આગળ વધતા પહેલા પોતાના પ્રિય ગુરુની તસ્વીરમાં, તેમની આંખોમાં જોતા જાણે તેમના મનમાં ઘેરાયેલું રહસ્ય ગુરુની તસ્વીર પામી ગઈ....અને મોટીબહેનની આખો અનરાધાર વરસી પડી...૧૩ વર્ષની જ્યોત કલમચોર હોવા છતાં સજા ન કરતા તેમના ગુરુએ તેને માફ કરી,એક સરસ મજાની કલમ ભેટ આપી,લખાણ કરવા પ્રેરી ન હોત તો આજે પ્રખ્યાત સાહિત્યકાર,કેળવણીકાર તરીકે જાણીતા જ્યોતબહેન ક્યાં હોત? પોતાના ઘડવૈયા આજે ભલે પોતાનાથી ઘણા દુર રહેતા હોવા છતાં આજે પણ પોતે તેમને સ્વરચિત કાવ્ય લખી મોકલતા...આ વખતે તેમને ગુરુ દક્ષિણા દેવાનો અંતરનો આનંદ અનેરો હતો...તો બારીમાંથી બહાર નજર કરતા આલોકાના અંતરનો આનંદ મોટીબહેનના ઓફિસની બાજુમાં રહેલા બુલેટીન બોર્ડ પર રંગબેરંગી ચોક વડે શણગારતા પ્રગટી રહ્યો હતો:શીર્ષક હતું : “ગુરુદક્ષિણા”!!!