bhaar vinanu bhantar in Gujarati Philosophy by Gunjan Desai books and stories PDF | ભાર વિનાનું ભણતર

Featured Books
Categories
Share

ભાર વિનાનું ભણતર

આજે સૌથી મહત્વનાં વિષય પર વાત કરવી છે! વિષય મહત્વ નો પણ છે અને એનું મુલ્ય દરેક ને ખબર જ છે. ભણતર એટલે શુ? ધોરણ એકથી (હવે તો નર્સરી પણ પ્રવેશી) કોલેજ કે પછી માસ્ટર ડિગ્રી કરી એટલે ભણતર પુર્ણ થઈ ગયું? શું ચાર પાંચ વિષયો અને 50-60 પાઠો ભણ્યા એટલે ભણાય ગયું? અને આજે વાસ્તવમાં ડિગ્રી નાં થોકડા ને જ ભણતર કહેવામાં આવે છે. લોકો ડિગ્રી ને જ ભણતર માનતાં થઈ ગયાં છે. જેટલી ડિગ્રી વધારે એટલું ભણતર વધારે એમ માનવામાં આવે છે. જેનાં ટકા કે ગ્રેડ ઓછો એને નબળો માનવામાં આવે છે એની સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે ખુબ મોટું પાપ કરીને આવ્યો હોય! વિચાર કરો કે એક નાનું કાગળ એ નક્કી કરશે કે તમારામાં કેટલું જ્ઞાન છે? એ કાગળ કે જેને આપણે ડિગ્રી કહીએ છીએ ફકત નોકરી મેળવવા માટે કામ આવે પણ જો આગળ વધવું હશે તો તમારું જ્ઞાન જ તમને આગળ લઈ જશે. ડીગ્રી નાં ટકા કે ગ્રેડ જોવાં કરતાં બાળક માં રહેલી ખૂબી ઓ શોધી એને એ દિશામાં આગળ વધવાની તક આપો. દરેક બાળક માં કોઈને કોઈ પ્રકારની હોંશિયારી રહેલી હોય છે પરંતુ સમાજ માં ડિગ્રી નાં ગ્રેડ ને જ હોંશિયારી માનવામાં આવે છે. જેથી બાળક મને કમને ભણીને પોતાની હોંશિયારી બહાર લાવી શકતું નથી.
ભણતર એટલે જે તે વિષયમાં સાચું જ્ઞાન મેળવવું. અને આ જ્ઞાનનો પ્રાથમિક અરીસો એટલે જ ડિગ્રી. અને એટલાં માટે ડીગ્રી ને મહત્વ આપવામાં આવે છે. કડવી વાસ્તવિકતા એ છે કે આજકાલ નાં યુવાધન પાસે ડિગ્રી તો છે પણ જ્ઞાન ઓછું છે. ખેર, જે હોય એ આજે પહેલાનાં સ્લેટ પેન વાળા ભણતરમાં સ્લેટ અને પેન ની સુવાસ આજનાં આધુનિક ભણતરમાં કયાં ખોવાઈ ગઈ ખબર નથી પડતી.
આજે શિક્ષણમાં હરિફાઈ વધી ગઈ છે. કેમકે દરેક માં બાપ પોતાનું સંતાન એક આદર્શ વ્યક્તિ બને એવું ઈચ્છે છે. અને આથી દરેક વાલીઓમાં મોંઘીડાટ શાળાઓ માં પોતાનું બાળક ભણે એમાટે આંધળી દોટ મુકી છે. આનો સીધો ફાયદો શૈક્ષણિક સંસ્થાઓએ પોતાનાં ખિસ્સા ભરવા માટે કર્યો છે. શું મોંઘી શાળાઓ માં મુકવાથી બાળક વધુ હોંશિયાર કહેવાય? શાળા ની બહારની સુંદરતા થી આકર્ષાઈને એડમિશન લેવાં વાળા લાખો રુપિયા નો ધુમાડો કરે છે. બિચારું બાળક બોલતું થાય એ પહેલાં તો એનું એડમિશન લેવાઈ ગયું હોય. શું સારી શાળા માં મુકવાથી જ બાળક સારું ભણી શકે? આ બાબત સાથે હું સંમત છું પણ હા શાળા નાં બાહ્ય સૌંદર્ય કરતાં ભણતર સારું હોય એવી શાળા મારા મત મુજબ સારી શાળા કહેવાય. આજે ભણતર નાં ભાર નીચે બાળકો નું બાળપણ છીનવાઇ ગયું છે. બાળક ત્રણ વર્ષ નું થાય અને છ ચોપડીની ભાર ઉપાડી શાળા એ જવાનું શરું કરે. વાલીઓની હરિફાઈ નો ભોગ બાળક બને છે. અને બાળક માતા પિતાનો પ્રેમ સમજી શકે એટલાં માં તો એને ફુલ ડે શાળા માં મોકલી દેવામાં આવે છે અને બાળક માતા પિતા કરતાં વધારે સમય શાળા નાં શિક્ષકો પાસે વિતાવે છે. પછી બાળકો પાસે માતા પિતા આદર્શો અને પ્રેમની ઈચ્છાઓ રાખે એ કેવી રીતે શક્ય છે? બાળકને જ્યારે પ્રેમ ની જરુર હતી ત્યારે પ્રેમ આપ્યો નહીં તો બાળક મોટું થઈને પ્રેમ આપશે એ વાત માનવામાં આવે?
આજનાં હાઈટેક યુગમાં બાળકો ભણતર નાં ભાર નીચે દબાઈ ગયાં છે. શાળા, ટયુશન, આ ક્લાસ પેલો કલાસ! અને પરિણામે બાળક પાસે ચોપડીયું જ્ઞાન ભરપુર આવે છે પણ વ્યવહારું જ્ઞાનમાં બાળક પાછળ રહી જાય છે. હું અર્થશાસ્ત્ર વિષયમાં શિક્ષક છું તેથી ઘણીવાર મારાં બાળકો ને એક સવાલ પૂછું કે ,”શેર અને બશેર એટલે કેટલાં?” પરંતુ એક બે ને છોડીને મોટાભાગના બાળકો આ વ્યવહારું પ્રશ્ન નો ઉત્તર આપી નથી શકતાં. ત્યારે હું સમજાવું કે તમારી આ પેઢીએ વ્યવહારું જ્ઞાન મેળવવાની જરુરિયાત છે. બધી જગ્યાએ ચોપડીયું જ્ઞાન કામમાં નથી આવતું પણ ચોપડીયું જ્ઞાન ને વ્યવહારમાં કઈ રીતે ઉપયોગમાં લેવું એ જ સાચું શિક્ષણ છે. અને એવાં સમયે એ બાળકો નાં ચહેરાં સ્પષ્ટ બોલે છે કે અમને પણ આ શબ્દો સમજવો. અને અફસોસ એ છે કે શાળાઓમાં આ પ્રકારનું જ્ઞાન આપવામાં આવતું નથી. અને આપે પણ કઈ રીતે લાંબા લચક અભ્યાસક્રમો, શિક્ષકો ની ઘટ આવાં અનેક પ્રકારના પ્રશ્નો પણ શાળા ને મજબુર કરી દે છે.
આપણાં સમાજમાં અભ્યાસ ની રીત બદલવાની જરુર છે. ચોપડીની સાથે સાથે વ્યવહારું જ્ઞાન પણ આપવાની જરુર છે. બાળકો ની સાચી સમજણ શક્તિ નો ખ્યાલ અને બાળક ની રુચિ બાળક દસ બાર વર્ષ નું થાય પછી જ ખબર પડે. બાળકો ને એમની રીતે એમની ભણતર પસંદગી કરવાની તક આપો. અને જો બાળક કઈંક ખોટો નિર્ણય લે એવું લાગે તો એનાં પર ગુસ્સો કરવાનાં બદલે એને માર્ગદર્શન આપો તો બાળક ઉત્સાહભેર ભણી શકશે જબરદસ્તી કરવાથી બાળકના માનસ ઉપર ગંભીર અસર કરવાની કોઈ જરુર નથી. આખું વર્ષ બસ બાળક ભણ્યા જ કરશે એનાં કરતાં થોડું બીજી કોઈ પ્રવૃત્તિ કે જે એને ગમતી હોય એ પણ કરવાની તક આપો.ત્યારે બાળકો નો સર્વાંગી વિકાસ થશે.
આજથી થોડાં વર્ષો પહેલાં ની વાત કરું તો આવી તોતિંગ ફી વસુલતી શાળા ઓ ન હતી ત્યાં પણ બાળકો ભણતાં જ હતાં ને! મોટી શાળા માં જઈએ એટલે ખર્ચ મોટાં અને રોજ રોજ જુદા જુદા બહાને પૈસા આપવાના એ અલગ! અને જો એમ નહીં થયું તો બાળક લઘુતાગ્રંથિ થી પીડાય. આજે શિક્ષકો ને વર્ગો માં બાળકો પર હાથ ઉપાડવાનો કે ખીજવાવાનો પણ હક નથી. જો કઈંક આવું થયું તો વાલીઓ શિક્ષકો નો ઉધડો લઈ નાંખે! અને પરિણામ ઓછું આવ્યું તો પણ દોષ શિક્ષકો નાં માથે જ! શિક્ષકો પણ શું કરે? શિક્ષકો નો ધાક જ નહીં રહેશે તો બાળક કેવી રીતે ભણે? પહેલાના સમયમાં શિક્ષક ને આદર્શો માનવામાં આવતાં એમને માન આપવામાં આવતું એ હવે નહીંવત થઈ ગયું છે. શિક્ષક ગામમાં નીકળતા તો બાળકો ઘરમાં છુપાઈ જતાં. સોટી એ મારતાં અને પ્રેમ પણ એટલો જ આપતાં. આજે સમાજે જ શિક્ષકો નાં હાથ બાંધી દીધા તો શિક્ષકો પણ શિક્ષણ ને વ્યવસાય જ બનાવે ને એમાં કાંઈપણ ખોટું નથી. જેટલી જવાબદારી શિક્ષકો ની છે એટલી જ માતા પિતા ની પણ છે. પણ આજે માતા પિતાએ શિક્ષકો નાં માથે જ તમામ જવાબદારી થોપી દેવી છે અને બાળક નહી પરિણામ લાવે તો શાળા બદલવાની વાત કરવી છે. શું શાળા બદલવાથી બાળકો નું ભવિષ્ય સુધરી જશે?
શિક્ષકો એ બાળકો માટેનાં ‘ફ્રેન્ડ,ફિલોસોફર અને ગાઈડ’ છે. અને આ વાત દરેક માતા પિતા એ સમજવાની જરૂર છે. એક બાળક ને માતા પિતા અને શિક્ષકો જ સારી રીતે સમજી શકે છે. આજનો યુગ હરિફાઈ નો યુગ છે એમાં હાઈફાઈ શાળા ઓમાં મુકો કે કોઈક ગામડાની શાળા માં મુકો કહેવાનું તાત્પર્ય એ છે કે બાળક ને શિક્ષણ ની સાથે વ્યવહારું જ્ઞાન પણ આપો. એકલાં ભણતરના ભાર નીચે ધકેલવા કરતાં બાળકો ને એમનું બાળપણ જીવી લેવાં દો. જીવનમાં જેટલું મહત્વ શિક્ષણ નું છે એટલું જ મહત્વ બાળપણ માં જે બાળકો પોતાની જીજ્ઞાસા થી શીખે એનું પણ છે. અને બાળક બાળપણમાં પોતાની રીતે જેટલું શીખે એ જગતનો કોઈપણ શિક્ષક નહી શીખવી શકે. બાળપણ એ જીવનનો સૌથી અમુલ્ય સમય છે માટે બાળપણ માણવા દો. જવાબદારી તો આખી જીંદગી છે જ પછી. અંગ્રેજી અને ટેકનોલોજી નાં આ યુગમાં બાળક પોતાની માતૃભાષા થી દૂર ના થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાની જરુર છે. આપણો વારસો, સંસ્કૃતિ ની જાળવણી માટે માતૃભાષા ખુબ જરુરી છે.
બાળકો ને ફક્ત ભણાવો નહીં પરંતુ કેળવો. જીવનમાં કોઈપણ સમસ્યા નો સામનો કરી શકવા માટે તૈયાર કરો. ત્યારે બાળકો ને સાચી કેળવણી મળશે.