RR બધી તૈયારી કરીને બસમાં ચઢે છે.
RR એના ફ્રેન્ડસને જોઈને કહે છે "તમને લોકોને કહ્યું હતું તે કરી દીધું?"
સુમિત:- "હા બધુ done છે."
RR:- "અને તમે બંન્નેએ હોટલના રૂમ બુક કરાવી લીધા ને?"
રૉકી:- "હા ઓનલાઈનથી બુક કરાવી લીધા છે."
પ્રિતેશ:- "અને હોટલવાળાને ફોન કરીને પૂછી લીધું છે."
RR:- "બધા આવી ગયા ને?"
બધાએ "હા" કહ્યું.
મિષા,પ્રિયંકા,નેહા અને શ્રેયસ જાણતા જ હતા કે મેહા તો હવે આવવાની નથી એટલે બધાની સાથે સાથે તેઓએ પણ "હા" કહી દીધું.
RR ની નજર મેહાને શોધે છે. RRની નજર મેહાને જોવા તરસતી હતી. બસ ચાલું થઈ ગઈ હતી.
RR:- "એક સેકન્ડ મેહા ક્યાં છે?"
નેહા:- "એનો ભાઈ ટ્રાફિકમાં ફસાયેલો છે. મેહાને અહીં સુધી મૂકી જાય તેવું કોઈ નથી. એટલે ફોન કરીને કહી દિધું કે એ નહીં આવી શકે."
આટલું સાંભળતા જ RR બસને રોકવાનું કહી ફટાફટ ઘરમાંથી બાઈકની ચાવી લઈ બાઈક સીધી મેહાના ઘર તરફ હંકારી મૂકે છે.
મેહા ઘરનાં પગથિયાં પર બેસીને વિચારો કર્યાં કરતી હતી અને એની નજર સતત કોઈને શોધી રહી હતી. થોડું થોડું અંધારું પણ થવા લાગ્યું. અચાનક જ બાઈકનો અવાજ આવે છે. મેહાને ઊંડે ઊંડે લાગ્યું કે શ્રેયસ જ મને લેવા આવ્યો હશે. બાઈકની લાઈટ સીધી મેહાના ચહેરા પર આવતા મેહાએ હાથ આડો કર્યો. બાઈક પર કોણ છે તે મેહાને ખ્યાલ ન આવ્યો. મેહાને તો એમજ હતું કે શ્રેયસ જ પોતાને લેવા આવ્યો છે. બાઈક એકદમ મેહાની સામે ઉભી રહી અને બાઈક બંધ થઈ ત્યારે મેહાએ નજર કરી તો સામે RR ઉભો હતો.
મેહાના ચહેરા પરના હાવભાવ જોઈ RR ને ખ્યાલ આવી ગયો કે મેહા થોડી મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે.
RR ચપટી વગાડતા કહે છે "ઑ હેલો ક્યાં ખોવાઈ ગઈ? ચલ બેસ. તારા લીધે મેં બસને રોકી રાખી છે.
મેહાએ બેગ પાછળ ભેરવી લીધી અને RR ની બાઈક પાસે ગઈ.
મેહા બાઈક પર બેસવા પ્રયત્ન કરતી હતી પણ બેસાતુ નહોતું. બાઈક ઊંચી હતી.
RR:- "મોડું થાય છે જલ્દી કર."
મેહા:- "આ તારી બાઈક કેટલી ઊંચી છે. હું કેમ કેમ બેસું?"
RR:- "મારા ખભા પર હાથ રાખીને બેસી જઈશ તો પાપ નહીં લાગે સમજી?"
મેહા RR ના ખભા પર હાથ રાખીને બેસી ગઈ.
RR એ બાઈક સ્ટાર્ટ કરી.
મેહા વિચારે છે કે "મને સીધી રીતના પણ કહી શક્યો હોત કે મારા ખભા પર હાથ રાખીને બેસી જા. પણ નહીં એને તો હંમેશા અવળું બોલવાની જ આદત છે."
RRએ મેઈન રોડ પર બાઈક હંકારી મૂકી.
RR:- "હું આવ્યો ત્યારે શું વિચારતી હતી?"
મેહા:- "હું થોડી શોક્ડ થઈ ગયેલી. મને લાગતું નહોતું કે તું મને લેવા આવશે. તું આવ્યો ત્યારે મને તો વિશ્વાસ નહોતો આવતો કે RR મને લેવા આવ્યો છે. લાગતું હતું કે હું સપનું જ જોઈ રહી છું."
મેહાએ ખુશીમાં ને ખુશીમાં તો કહી દીધું પણ કહેવાઈ ગયા પછી મેહાને વિચાર આવ્યો કે "શું બોલી રહી છે? આવી રીતના ડાયરેક્ટ RR ને કહી દીધું. RR શું વિચારશે. ક્યાંક RR ઊંધું ન વિચારે."
અચાનક જ સ્પીડ બ્રેકર આવતા મેહા પોતાના પર નિયંત્રણ ન રાખી શકી. મેહાએ RR ની પીઠ પર હાથ મૂક્યો. મેહાના કપાળ પર RR નું માથું હળવેકથી વાગ્યું.
મેહા:- "આઉચ. તારું માથું લોખંડનું છે કે શું? કેટલું જોરથી વાગ્યું. બાઈક કેવી રીતના ચલાવે છે તું?"
RR કંઈ બોલ્યો નહીં. બસ અરીસો સરખો કર્યો અને મેહાને જોઈ લીધી. બાઈક ચલાવતા ચલાવતા RR અરીસામાં મેહાને જોઈ લેતો.
થોડી જ વારમાં RR ઘરે પહોંચી ગયો.
વિનોદભાઈ:- "ક્યાં રહી ગયો આ છોકરો?"
નવિનભાઈ:- "આમ પણ મોડું થઈ ગયું છે."
નેહા બારી બહાર જ જોઈ રહી હતી.
નેહા:- "RR આવી ગયો અને સાથે મેહા પણ."
નેહાની વાત સાંભળી તનિષાએ બારી બહાર જોયું.
તનિષાએ મેહાને જોઈને મોઢું મચકોડ્યુ.
મેહા અને RR બસમાં ચઢ્યા. RRએ બસ સ્ટાર્ટ કરવાનો ઈશારો કર્યો.
મિષા રૉકી સાથે બેઠી હતી. નેહા અને પ્રિયંકા સાથે બેઠા હતા.
નેહા:- "મેહા પણ આવી ગઈ એટલે વધારે મજા આવશે."
મિષા:- "મેહા તું આ લાઈનમાં જ બેસી જા."
મેહા ટ્રિપલ સીટ પર બારી પાસે બેસી ગઈ.
RR મેહા સાથે બેસવાનો જ હતો કે શ્રેયસ આવીને મેહા પાસે બેસી ગયો. RR નાછૂટકે શ્રેયસની બાજુમાં બેસી ગયો.
શ્રેયસ:- "Hi મેહા. હું ખુશ છું કે તું આવી ગઈ. તારા વગર તો ગમતું જ ન હતું."
મેહા:- "હા તું આવવાનો હતો એટલે જ તો હું પણ મુંબઈ આવવા તૈયાર થઈ. હું એટલે જ તો ખુશ છું કે તું મારી સાથે છે."
મેહા મનોમન કહે છે "શું હું ખુશ છું..?? પણ મને ખુશી કેમ નથી થતી? ના મને ખુશી તો થઈ કે RR મને લેવા....પણ હું ખુશ શા માટે છું? શ્રેયસ સાથે સમય વિતાવવાનો મળશે એટલે કે RR મને લેવા માટે આવ્યો એટલે. હું કેટલી આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી કે શ્રેયસ મને લેવા આવશે પણ RR મને લેવા આવ્યો. ધારતે તો શ્રેયસ પણ મને લેવા આવતે. તો શ્રેયસે એવું કેમ કહ્યું કે હું તને લેવા આવવનો હતો પણ મોડું થઈ ગયું. અને એમ પણ કહ્યું કે મને તારા વગર ગમતું ન હતું. ગમતું ન હતું તો લેવા આવવું જોઈએ ને? ભલે મોડું થઈ ગયું તો શું થયું? RR તો આવ્યો જ ને? ક્યાંક હું વધારે તો નથી વિચારતી ને? શું હું શ્રેયસ પાસે વધારે આશા રાખું છું કે એણે જ મને લેવા આવવી જોઈએ. I think મેં કંઈક વધારે જ વિચારી લીધું. મારે શ્રેયસ પાસે વધારે આશા રાખવી ન જોઈએ. પ્રેમ તો પ્રેમ હોય છે. શું ખબર કદાચ શ્રેયસને સાચ્ચે જ મારા વગર ગમતું ન હોય."
મેહા બારી બહાર જોઈ રહી. રાતના નવ વાગવા આવ્યા હતા. બધા જાતજાતની વાતો કરતા કરતા હતા. અચાનક જ બસ ઉભી રહી ગઈ.
નવીનભાઈ:- "ચાલો આ હોટલમાં બધા જમી લઈએ."
બધા હોટલમાં જમવા ગયા. હોટલની બહાર પણ ટેબલ-ખુરશી ગોઠવ્યા હતા. કેટલાક પરિવાર બહાર જમતા હતા તો કેટલાક હોટલની અંદર.
બધાએ ખુલ્લી અને ઠંડી હવામાં બહાર જ બેસવાનું પસંદ કર્યું.
મેહા:- "બહું ભૂખ લાગી છે."
જેવી ડીશ આવી એવી તો મેહા ખાવા જ લાગી. ગુજરાતી ડીશ જોઈને જ બધાના મોંમાં પાણી આવી ગયું. બેત્રણ જાતના રસાવાળા શાક,કઠોળ, કચુંબર કઢી-ખીચડી બે ત્રણ જાતની ચટની, મસાલા પાપડ સંભાર અને મીઠાઈમાં ગુલાબજાંબુ...
મેહા રોટલી રસાવાળા શાકમાં બોળીને ખાય છે. પછી કેરીનું અથાણું ને મસાલા પાપડ ખાઈને એક ઘૂંટડો છાસ પીએ છે.
મેહા:- "Wow! યાર મને તો આમાં બત્રીસ પકવાનનો સ્વાદ આવે છે."
મિષા:- "હા યાર કેટલી સ્વાદિષ્ટ રસોઈ છે."
RR મેહાની સામે જ બેઠો હતો અને જમતા જમતા મેહાની ખવાની સ્ટાઈલ જોતો હતો.
મેહા અને RR તરફ જોઈ નેહાએ કહ્યું "તમે બંન્ને શાતિથી ખાઓ. અમે બસમાં જઈએ છીએ."
બધું જમવાનું પતાવીને મેહા છેલ્લે છાસ પી ગઈ. મેહાએ હાથ ધોઈ મોઢું ધોયું.
RR વોશરૂમ તરફ જાય છે.
મેહા:- "મજા આવી ગઈ ખાવાની એટલે પેટ ભરીને ખવાઈ ગયું અને હવે તો ઊંઘ આવે છે."
મેહાએ પાછળ ફરીને જોયું તો RR નહોતો.
મેહા મનોમન કહે છે "ક્યાં ગાયબ થઈ ગયો RR?"
ત્યારે જ મેહાની નજર RR પર પડે છે.
મેહા મનોમન કહે છે "વોશરૂમ તો મારે પણ જવું છે."
RR:- "અહીં જ રોકાવાનો ઈરાદો છે કે બસમાં પણ જવું છે?"
મેહા ચાલતા ચાલતા ઉભી રહી ગઈ.
RR:- "કેમ ઉભી રહી ગઈ?"
મેહા:- "તું બસમાં જા અને નેહાને કહેજે કે મેહા બોલાવે છે."
RR:- "એ લોકોને શું કામ બોલાવવાનું છે? મોડું થાય છે. આપણાં લીધે જ બસ રોકી રાખી છે ચાલ હવે."
મેહાની નજર વોશરૂમ તરફ જાય છે.
મેહા:- "RR સમજ ને પ્લીઝ. નેહાને બોલાવી લાવ."
RR:- "સમજી ગયો. વોશરૂમ જવું છે ને? તો જઈ આવ."
મેહા:- "હા પણ ત્યાં થોડું અંધારું છે."
RR:- "હા તો ચાલ હું સાથે આવું છું."
RR બહાર જ ઉભો રહે છે. મેહા આવે છે.
મેહા અને RR બસમાં ચઢ્યા. શ્રેયસ ટ્રિપલ સીટ પર વચ્ચે બેઠો હતો. મેહા બારી પાસે બેસી. અને RR શ્રેયસની બાજુમાં.
મેહાએ પોતાની બેગમાંથી શાલ કાઢી અને ઓઢી લીધી. બારી પણ બંધ કરી દીધી. મેહાને ઊંઘવું હતું એટલે અનાયાસે જ શ્રેયસ તરફ નજર કરી. પછી એના ખભા પર નજર કરી. મેહાને થયું કે શ્રેયસના ખભા પર માથું મૂકી સૂઈ જાઉં પણ પછી વિચાર આવ્યો કે હજી તો અમે કપલ પણ નથી બન્યા.
એક કામ કરું ઊંઘવાનું નાટક કરું. પછી ધીરે રહીને શ્રેયસના ખભા પર ઢળી જઈશ. શ્રેયસને એમ જ થશે કે હું સાચે જ ઊંઘી ગઈ છું. મેહાએ આંખ બંધ કરી દીધી.
શ્રેયસને એના ફ્રેન્ડસ બોલાવે છે. શ્રેયસે પાછળ ફરી જોયું.
મેહા શ્રેયસના ખભે માથું રાખી ઊંઘવાની જ હતી કે શ્રેયસ ઉભો થઈને એના ફ્રેન્ડસ પાસે ગયો. RR એ જોયું કે મેહા ઊંઘમાં છે. મેહા ઢળી જ પડવાની હતી કે RR મેહાની બાજુમાં બેસી ગયો. મેહા RRના ખભાનો ટેકો લઈને સૂઈ ગઈ. મેહાને તો એમજ હતું કે શ્રેયસ જ એની બાજુમાં બેઠો છે. મેહાને ઊંઘ આવી ગઈ.
RR મેહાને જોઈ રહ્યો. RR પણ ઊંઘી ગયો.
સવારની કિરણો મેહા અને RR ના ચહેરા પર પડી.
RR જાગી ગયો. સૂરજના કુમળા કિરણો મેહાના ચહેરા પર પડતા જ મેહાએ પોતાના ચહેરા પર હાથ આડો કર્યો. RRએ બારીના કાચ પડદાથી ઢાંકી દીધા. મેહા ભરપૂર નિદ્રામાં હતી. મેહા સુંદર સપનું જોઈ રહી હતી. પોતે એક સરસ મજાના નાના ઘરમાં છે. મેહા કોઈના ખભા પર માથું રાખી ઊંઘી રહી હતી. મેહાએ એ વ્યક્તિનો ચહેરો જોયો તો મેહા ચકિત થઈ ગઈ. એ ચહેરાને જોતા જ મેહા એકાએક ઝબકીને જાગી ગઈ. જાગીને જોયું તો એની બાજુમાં RR બેઠો હતો.
RR:- "Good morning..."
મેહા:- "Good morning..."
મેહાએ બસમાં આમતેમ નજર કરી તો આખી બસ ખાલી હતી.
મેહા:- "બધા ક્યાં જતા રહ્યા?"
RR:- "બધા ન્હાવા ધોવા હોટલમાં ગયા છે."
RR અને મેહા બસમાંથી ઉતરે છે. મેહા હજી પણ પેલા સપનામાં જ ખોવાયેલી હતી. "સપનામાં હું RR ના ખભા પર માથું રાખી સૂઈ રહી છું. એવું કેવી રીતે શક્ય બને? મને તો શ્રેયસના સપના આવવા જોઈએ તો RR ના સપના કેમ આવે છે? કદાચ હું RR વિશે વિચાર કરું છું. મગજમાં જ્યારે હોય ત્યારે RR ના જ વિચાર આવે છે. એટલે જ કદાચ RR નું સપનું આવ્યું હશે."
નાહી ધોઈને બધા તૈયાર થાય છે. હોટલમાં ચા નાસ્તો કરી બધા ઈગતપુરી જવા નીકળ્યા.
બસમાં બેઠા બેઠા RR ને વિચાર આવે છે કે "તે દિવસે શ્રેયસ અને મેહા એકલાં પાર્ટીમાં જવાના હતા. પણ મેં મેહાને જતા રોકી. મારે એને રોકવી જોઈતી નહોતી. હવે હું મેહાની જીંદગીમાં દખલગીરી નહીં કરું. હું દિલથી ઈચ્છું છું કે મેહા શ્રેયસ સાથે ખુશ રહે. અને શ્રેયસ પણ મેહાને કેટલું ચાહે છે. શ્રેયસ સારો છોકરો છે. એટલિસ્ટ મારા જેવો તો નથી. હું તો નવી નવી છોકરીઓ સાથે દોસ્તી કરી લઉં છું. અને શ્રેયસ ફક્ત એક જ છોકરીને ચાહે છે. શ્રેયસ ફક્ત મેહાને જ ચાહે છે. શ્રેયસ બધી girls ની આગળ-પાછળ નથી ફરતો એકલે જ કદાચ મેહા શ્રેયસને ચાહે છે. નહીં તો હું અને મેહા એક જ ક્લાસમાં છે. મારા પ્રેમમાં કોઈ ન પડે એવું તો બને જ નહીં. મેહાને મારી સાથે પણ લવ થઈ શકતે પણ મારા bad boy ના લક્ષણોને કારણે જ મેહાએ શ્રેયસ પર પસંદગી ઉતારી છે. મેહાને મારા પર વિશ્વાસ જ નથી."
RR એ હવે નિર્ણય લઈ લીધો હતો કે હવે એ મેહાની લાઈફમાં જરા પણ દખલગીરી નહીં કરે. મેહા ખુશ તો હું પણ ખુશ. કાશ મેહા મારી મનની વાત સમજી જતે. ધારું તો અત્યારે જ મેહાને મારા મનની વાત કહી દઉં પણ મેહા પછી કન્ફ્યુઝ થઈ જશે. અને મને જોઈને કદાચ એ ઓકવર્ડ ફીલ કરે તો. નહીં નહીં અત્યારે જ તો તે નિર્ણય લીધો કે મેહાની લાઈફમાં દખલગીરી નહીં કરું અને મારા મનની વાત કહી દઈશ તો એનો અર્થ એવો થશે કે હું મેહાની લાઈફમાં દખલગીરી કરું છું. એટલે મારા મનની વાત હું મેહાને નહીં કહું. મેહા શ્રેયસ સાથે ખુશ છે તો હું એને ખુશ રહેવા દઈશ.
ઈગતપુરી એક નાનકડું ગામ. આ ગામમાં નાની મોટી સુરમ્ય લીલીછમ સુંદર ઘાટીઓમાં બધાએ ખૂબ ફોટા પડાવ્યા. રૉકી કેમેરો લઈ આવ્યો હતો. RRએ ગ્રુપના ફોટો પાડવાના બહાને ચોરી છૂપીથી યાદગીરી માટે મેહાના સરસ સરસ ફોટા પાડતો હતો.
બપોરે હોટલમાં જમીને આરામ કરી મુંબઈના દરિયાકિનારે ફરવા ગયા. મેહા ઉભી ઉભી ઢળતા સૂરજને જોઈ રહી હતી. નેહા,મિષા અને પ્રિયંકા રેતી પર ચાલતા ચાલતા મસ્તી કરી રહ્યા હતા. તન્વી અને તનિષા ચાલતા ચાલતા થોડે દૂર પહોંચી ગયા હતા.
RR અને SR નું ગ્રુપ એક જગ્યા પર ભેગા થઈને વાતોએ વળગ્યા હતા. દરિયાકિનારે શ્રેયસની નજર સુંદર છોકરીઓ તરફ હતી.
શ્રેયસ:- "Wow! યાર મુંબઈ ની છોકરીઓ કેટલી હૉટ છે. એક ચાન્સ મળે ને તો હમણાં જ એમની સાથે મજા કરી લઉં."
RR:- "મજા એટલે."
શ્રેયસ:- "મજા એટલે મજા RR... તું સમજ્યો નહીં? મજા એટલે છોકરી સાથે..... તું સમજી ગયો ને?"
RR:- "એક મિનીટ શ્રેયસ. તું તો મેહાને પ્રપોઝ કરવાનો છે ને? તું તો મેહાને પ્રેમ કરે છે ને?"
શ્રેયસથી હસાઈ જાય છે.
શ્રેયસ:- "હું અને મેહાને ચાહવાનો? તે મેહાને જોઈ છે? ધ્યાનથી જો મેહાને. એ ગર્લફ્રેન્ડ ટાઈપ લાગતી પણ નથી. પૂરી બહેનજી ટાઈપ છે."
RR:- "પણ તે તો કહ્યું હતું ને કે તું એને પ્રપોઝ કરવાનો હતો?"
શ્રેયસ:- "હા પ્રપોઝ તો કરીશ. ટાઈમપાસ માટે ગર્લફ્રેન્ડ બનાવીશ."
RR શ્રેયસને આશ્ચર્યથી જોઈ રહ્યો.
શ્રેયસ:- "તું તો મને એવી રીતના જોઈ રહ્યો છે કે જાણે કે હું કોઈ મોટો ગુનો કરીને આવ્યો છું."
RR:- "પણ તું એક છોકરી સાથે આવું કંઈ રીતે કરી શકે?"
શ્રેયસ:- "તારા મોંઢેથી આવી વાત શૂટ નથી થતી. જે અઠવાડિયે અઠવાડિયે ગર્લફ્રેન્ડ બદલે છે તે મને સલાહ આપે છે. Relax RR...ચાલ મુંબઈની ગર્લ્સ સાથે થોડું Hi hello કરીએ. તને પણ મજા આવશે."
RR તો વિચારતો જ થઈ ગયો કે શ્રેયસને મેહા માટે પરફેક્ટ સમજતો હતો પણ શ્રેયસ તો મેહાને લાયક જ નથી. શ્રેયસ મેહાને ખુશ નહીં રાખી શકે.
સાંજે બધાએ દરિયાકિનારે દહીં પુરી અને રગડા પેટીસનો નાસ્તો કર્યો.
ક્રમશઃ