*એક લટાર અદાલતની!!*
રોજ સવારે સમયસર નિયમિત કોર્ટે પહોંચી જવું તે નિત્ય ક્રમ હમણાંથી તૂટ્યો છે, તેના બદલે હવે વારા બંધાયા હતા. દરેકે વારાફરતી થોડા સમય માટે કોર્ટે જવાનો આદેશ હતો. તે હુકમની અમલવારી કરવા હું પણ ઉપડ્યો. વાતાવરણમાં સ્મશાનવત્ શાંતિ વ્યાપેલી હતી તે શાંતિમાં છુપાઈને બેઠેલી અશાંતિને હું સારી રીતે મહેસુસ કરતો હતો. ધોળા દિવસે પણ જાણે ઘોર અંધકાર વ્યાપેલો હોય તેવી અનુભૂતિ થતી હતી.
કાયમ હંસીને આવકારતુ અદાલતનું પ્રવેશદ્વાર આજે અર્ધ ખુલ્લુ અને નિરાશ વદને નમીને ઉભેલ હતું. કંઈ કેટલાંય અમલદારોને જેણે દસકાઓથી આવકાર્યા છે, કેટ કેટલાંય વૈમનસ્ય તેની કૂખે સર્જાયા છે, તો કેટલાંય સમાધાનોનું જે સાક્ષી છે તે કોર્ટ કમ્પાઉન્ડ, રોજ જે રીતે તે અભિવાદન કરતું, તેવાં ઉમળકાની ગેરહાજરી તેનામાં આજ સ્પષ્ટ વર્તાતી હતી.
ચેમ્બરમાં પ્રવેશ કર્યો ત્યાં તો રોજ જેને ગળામાં ધારણ કરૂં છું તે 'કાળી ટાઇ' અને મારા મિત્ર વિરેન્દ્રસિંહ રણાએ ભેટમાં આપેલી એ વહાલી 'રૂપેરી પેન' એકબીજા સાથે વાદ-વિવાદમાં પડ્યાં હતાં. મારા આશ્ચર્યનો કોઈ પાર ન હતો! મારી 'કાળી ટાઈ' પોતાની જાતને 'શેષનાગ' સમજતી હતી અને મને શંકર!! તો વળી પેલી 'રુપેરી પેન' કાંઈ ઓછી ગાજી જાય એમ હતી? સદાય મારા હાથમાં રમતી રહેતી અને ઘણીવાર તેને મોઢામાં નાખવાની મારી કુટેવના કારણે, તે વળી પોતાને 'મોહનની મોરલી' સમજતી હતી!!! કોનો મારા ઉપર વિશેષાધિકાર છે તે બાબત તેમની વચ્ચે જબરી કલહ ચાલતી હતી.
આ બંનેને વાસ્તવિકતાનું ભાન કરાવી, તેમને ધારણ કરી હું ડાયસ ઉપર ગયો. વર્ષોથી જે શોષિત, પીડિતની વાતો સાંભળતું આવ્યું છે તે સાક્ષીનું પાંજરું આજે નિર્જન ભાસે. કંઈ કેટલીયે કહાનીઓનું તે સાક્ષી છે, કંઈ કેટલાય નિર્ણયોમાં તે મારુ સહભાગી રહ્યું છે. જેણે પ્રકાંડ પંડિતોને અને મોલવીઓને સત્ય ધર્મની સોગંદ ઉપર ધરાર જુઠ્ઠું બોલતાં સાંભળ્યાં છે, તો વળી ક્યારેક અભણ, ગમાર અને જેને સમાજ તુચ્છ ગણે તેવાં વ્યક્તિઓને ઈશ્વરની શાખે ખુદના સંતાન વિરુદ્ધ સાચી સાક્ષી આપી ન્યાયનું પડખું સેવતા જોયા છે, વળી, આ બધું જોઈને ધર્મની સાચી સમજ કોને છે? એ વાતે કાયમ મારી સાથે જીભાજોડી કરતું એ સાક્ષીનું પાંજરું આજે સાવ નિસ્તેજ અને મૂંગુમંતર ભાસતું હતું. તો વળી, કાયમ પોતાના બાહુપાશમાં આરોપીઓને જકડીને બેસતું એ આરોપીનું પાંજરૂ પણ કેવું સાવ સૂનું સૂનું લાગે? અદાલતમાં કાયમ મેળો જામેલો હોય, કેટલાક લોકો પીડામાંથી મુક્તિ મેળવવા અદાલત માં આવતા હોય જ્યારે કેટલાક લોકો બીજાને પીડા આપવાના હેતુથી અદાલત માં આવતા હોય, સાર્વત્રિક બંધના પરિણામ સ્વરૂપ પક્ષકારો વકીલો અને કોર્ટ બર્ડ જેવા બીજા ઘણા લોકોની અવરજવર સાવ બંધ થઈ ગઈ છે. અદાલત ખંડમાં જ્યારે બધી જ ખુરશીઓ ભરાઈ જાય અને છેલ્લે એક હાથા વગરની ખુશી બચે કે જેના ઉપર કોઈ બેસવા રાજી ન હોય પરંતુ અન્ય ખુરશીઓ ભરાઈ ગયેલી હોય, કોઈ વ્યક્તિ નાછૂટકે તે ખુરશી ઉપર બેસવું પડે ત્યારે, હું જોતો કે તે હાથા વગરની ખુરશી કેવી ખુશી ની મારી ઉછડી પડતી અને કોઈ વખત ઉત્સાહમાં આવી જઈ બેસનારને કેવો ચૂંટલો પણ ખણી લેતી, તે ખુરશી આજે નિરાશ વદને પક્ષકારોની રાહ જુએ છે. આ લોકો તે અદાલતનો પ્રાણ છે. જાણે અદાલતનો આત્મા જ હણાઈ ગયો હોય, એવો સુનકાર સર્વત્ર વ્યાપેલો હતો. અદાલતમાં આજે કામ તો કંઈ હતું જ નહીં! માટે આ નિર્જીવ પદાર્થોની વ્યથાને મહેસૂસ કરી ભારે હૈયે મેં ત્યાંથી વિદાય લીધી.
'મને તો માત્ર શાંતિ જોઈએ' એવા વાક્ય બોલતો અને કાયમ મંદિર-મસ્જીદમાં જઈ ઉપરવાળા પાસે શાંતિની ઝંખના કરતાં માનવને ભગવાને અનાયાસે શાંતિ આપી છે પણ જુઓને! શાંતિ પણ તેને કેવી અકળાવે ? એને આ શાંતિ પણ ક્યાં સુખ આપે? ખરેખર આપણને જોઈએ છે શું?? એ સવાલ મારા માટે ઉકેલ માંગતો કોરડો બની રહ્યો, તેનો જવાબ શોધતો હું મારા મુકામે પહોંચ્યો.
સંજય_૦૬_૦૪_૨૦૨૦
slthakker123@gmail.com