Asmanjas in Gujarati Short Stories by Puja Patel books and stories PDF | અસમંજસ

Featured Books
Categories
Share

અસમંજસ


બારણું જોરથી પછડાવાનો અવાજ આવ્યો અને અવનીની વિચારતંદ્રા તુટી....તે સમજી ગઈ કે ફરી આલોક ગુસ્સામાં જ બહાર નીકળી ગયો...હવે એ મોડી રાત્રે જ આવશે...
આ લગભગ રોજનું જ હતું. અને હવે તો એને આદત પડી ગઈ હતી...આલોકનાં સ્વભાવની,એનાં ગુસ્સાની,એની જીદની,એની ગાળોની,એનાં દ્વારા કરવામાં આવતી જુઠ્ઠી દલીલો,એનાં ખોટા અહંકારની અને એની કૃતઘ્નતાની....હવે આલોકનાં વર્તન માટે પોતાને જવાબદાર માની એ કલાકો રડતી નહિ... હવે એ જે એણે કરી જ નથી એવી ભુલો માટે દુઃખી નહોતી થતી...એવું તો જરા પણ નહોતું કે એ આલોકને પ્રેમ નહોતી કરતી...ના, પ્રેમ હતો માટે તો માફ કરતી જતી... એ આલોકને,જેને પોતાનાં વર્તનથી કોઈને દુઃખ પણ થઇ શકે એ સમજ જ નહોતી...અવની જાણતી કે આલોકનો આ સ્વભાવ હંમેશાથી નહોતો...હા ધૂની હંમેશાથી હતો.પોતાનું ધાર્યું જ કરતો અને ના થાય ત્યાં સુધી મથતો રહેતો ...તે બંનેનું બાળપણ એકસાથે જ તો વિત્યું હતું.....અવની એકાએક અતીતમાં ચાલી ગઈ જાણે..
અવની આલોકનાં માતા-પિતા એ નાનો હતો ત્યારે જ એક દુર્ઘટનામાં ગુજરી ગયા હતાં.તે તેનાં મામા-મામી સાથે રહેતો. મારાં ઘરની એકદમ સામે... મારાં પિતાની મોટી વાડીઓ હતી ફળોની...તે ફળોની નિકાસ કરતાં વિદેશમાં.મારાં આવ્યાં પછી આ વૈભવ આવ્યો હતો તેવું તેઓ માનતા..અને હું બે ભાઈઓની લાડલી નાની બહેન હતી...આલોકનાં મામા બેન્કમાં કારકુન હતાં. તેમનાં માટે આલોક તેમની એક ની એક બહેનની છેલ્લી નિશાની હતો.તે આલોકને પ્રેમ ખુબ કરતાં, પણ તેમની પત્નીની હાજરીમાં તે દર્શાવી ના શકતાં.આખો દિવસ તે કામ પર હોય ત્યારે મામી આલોક પાસે બધું કામ કરાવતાં અને ના કરવા પર મારપીટ પણ કરતાં. મારથી બચવા આલોક તેનાં ઘરે દોડી આવતો...માં તેને જમવાનું આપતી,વાગ્યાં પર મલમ લગાવી આપતી...આલોક મારી માં ને સગી માં જેટલું માનતો...અમે સાથે રમતાં,સાથે જમતાં,સાથે ભણતાં અને સાથે જ શાળાએ જતાં...
બાળપણ સમયની પાંખો પર સવાર ક્યારે ઉડી ગયું અને કયારે કિશોરાવસ્થામાં પહોંચી ગયાં એનું ભાન અમને બંનેને ત્યારે થયું જયારે માં એ નિશાળે જવા માટે આલોકને બદલે શેરીમાંની સવિતાનો સંગાથ કરવા કહ્યું... અમે બંને ભણવામાં ખુબ હોંશિયાર હતાં...બારમાં માં વિજ્ઞાનપ્રવાહમાં બંને પ્રથમ કક્ષામાં ઉત્તીર્ણ થયાં...હવે હું આગળ ભણવા મામાને ત્યાં અમદાવાદ આવી ગઈ અને આલોક મુંબઈ...બાળપણથી ક્યારેય અલગ ના થયેલાં બંને માટે આ અનુભવ અલગ હતો...અને હવે જ અમે બંને સમજી શક્યાં હતાં કે બંને વચ્ચે જે હતું તે બાળપણની મૈત્રીથી વધુ હતું...કશુંક એવું જે બંનેને 500કિલોમીટર દૂર એકબીજાથી જોડી રાખતું હતું...રજાઓમાં બંને જયારે ગામ જતાં ત્યારે મળતાં...પણ હજુ અમે એકબીજાને પોતાની લાગણી જણાવી નહોતી...
આલોક કશુંક બનવા મથતો...અને ઘણુંબધું મેળવ્યાં પછી જ અવનીનો હાથ માંગવા એના બાપુજી પાસે જશે એમ વિચારતો...અત્યારેતો તે હોસ્ટેલમાં રહેતો અને પોતાનો અને ભણવાનો ખર્ચો કાઢવાં તે નોકરી કરતો...
અહીં મેં ભણી રહ્યાં બાદ અમદાવાદમાં જ નોકરી લઇ લીધી હતી..ભાઈઓ એ તો ઘણું કહ્યું કે તારે નોકરીની શું જરૂર છે!અમે છીએને!પણ મારે પગભર થવું હતું...સારું ઘર અને મારી સુંદરતાનાં કારણે ઘણાં માંગા આવતાં હવે...પણ હું કોઈને કોઈ બહાને ટાળતી રહેતી...મને વગર વચન એ વિશ્વાસ હતો કે આલોક આવશે...અને એમજ બે વરસ વીતી ગયાં...
દિવાળી હોવાથી હું ઘેર જ હતી...આલોક લાંબી કાળી મર્સીડીસ લઇને સીધો અમારાં આંગણે જ આવ્યો...માં-બાપુને પગે લાગ્યો,મીઠાઈ આપી.પોતે જેને ત્યાં નોકરી કરતો એ શેઠ એ એની આવડત અને ઈમાનદારી જોતાં એને 10% નો ભાગીદાર બનાવ્યો હતો.એની પાસે ગાડી,નોકર-ચાકર,પૈસો અને બાંદ્રામાં એક સુંદર ફ્લેટ હતો...તેનાં શેઠએ એને ઘણું આપ્યું હતું...અને છેવટે એ બોલ્યો...જેનાં માટે હું ચાતક જેમ વર્ષાની જુએ એમ વાટ જોઈ રહી હતી...તેણે બાપુ પાસે મારો હાથ માંગ્યો...
બાપુએ માં સામે જોયું...એ ખુશ લાગી!પછી એમણે મારી સામે જોયું...જાણે મૌનની ભાષા સમજ્યાં હોય એમ એમણે હા પાડી દીધી...આજે પહેલીવાર મને સમજાયું કે પેટમાં પતંગિયાં ઉડવા એટલે શું!
લગ્ન પછી મેં મુંબઈમાં જ નોકરી લઇ લીધી.. મારી કંપની દુર હોવાથી હું રોજ ટ્રેનમાં જતી-આવતી.આલોકએ ઘણીવાર કહ્યું હતું કે આટલી તકલીફ લઇ નોકરી કરવાની જરૂર નથી તારે...હું કમાઈશ,તું મજા કર. પણ હું એને જણાવતી કે થશે ત્યાં સુધી કરીશ,નહિ થાય એવું લાગશે ત્યારે તને જણાવીશ!લગ્ન પછી ત્રણ વરસ સૌથી સુંદર સમય હતો...અમે ખુબ ફર્યા...આલોક મને ખુબ પ્રેમ કરતો...મારાં દરેક શબ્દને એ હકીકતમાં ફેરવતો..ઈચ્છા દર્શાવતાં સાથેએ પુરી કરતો...એટલો પ્રેમ કરતો કે હું મારી જાતને ચુંટી ભરી ખાતરી કરતી કે આ સ્વપ્ન નથી!પણ કહે છે ને કે સુખ હોય કે દુઃખ,કાયમ કશું નથી!

એક દિવસ આલોક કામ પરથી ખુબ જ ગુસ્સામાં ઘરે આવ્યો.કોઈ નાનકડી વાત પાર એને શેઠ સાથે માથાકૂટ થઇ હતી અને ગુસ્સામાં એણે શેઠને સ્ટાફની સામે જ લાફો મારી દીધો હતો...હવે ત્યાં પાછું જવું શક્ય નહોતું...બીજા જ દિવસે શેઠએ લીગલ નોટિસ મોકલાવી.માફી માંગવી અથવા ઘર ખાલી કરવા અને એમણે આપેલી દરેક વસ્તુ પરત મોકલવાં બાબતે.જો ત્રણ દિવસમાં એમ ના કરવામાં આવે તો એ માનહાનિનો દાવો માંડશે.એકાએક જ અમારી પાસે હવે કશું જ નહોતું...આલોક માત્ર ગુસ્સો કરતો,એ ત્યારે કશું પણ વિચારી શકે એમ નહોતો. પુરી વાત જાણ્યાં બાદ મેં એને સમજાવા પ્રયત્ન કર્યો હતો કે એની ભુલ છે એણે માફી માંગી લેવી જોઈએ...ભલે પછી એ શેઠ સાથે કામ ના કરે.પણ એ તૈયાર નહોતો. છેવટે રાતોરાત મેં ભાયંદરમાં એક રૂમ રસોડાનું ઘર શોધ્યું અને અમે ભાડે રહેવાં ચાલ્યાં ગયાં....
આલોક હવે ખપ પુરતું બોલતો...હું કોઈ વાત કરું તો અકળાતો. સવારે હું રાંધીને જાઉં એ જમી લેતો અને રાત્રે હું આવું પછી બહાર ગલ્લાં પર એના મિત્રોને મળવા જતો રહેતો.મોડીરાતે પાછો આવતો,જમીને સુઈ જતો...ઘણું સમજાવા છતાં એણે કોઈ બચત નહોતી કરી...મારી એકલીનાં પગારમાંથી ઘર ચલાવવું મને ખુબ અઘરું પડતું!પણ આલોકનું જાણે મન જ નહોતું નોકરી માટે!એને ધંધો જ કરવો હતો અને એના શેઠને દેખાડી દેવું હતું હવે! ધંધા માટે એ મારાં બાપુની મદદ નહિ લે એ હું જાણતી હતી.6-8 મહિના પછી મેં એને પ્રેમથી કહેવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યાં સુધી ધંધો ચાલુ ના થાય ત્યાં સુધી કોઈ નોકરી લઇ લે તો પછી જે બચત થશે એમાંથી ધંધો થશે!પણ એ અલગ જ દુનિયામાં રહેતો!હું કામ પર જાઉં એ પુરો દિવસ એ સુઈ રહેતો અને રાત્રે બહાર જતો રહેતો...અને મોડીરાતે આવતો..હવે વાત કરવાં માત્ર પર તે અભદ્ર ભાષા વાપરતો..આમ ને આમ બે વરસ વીતી ગયાં....

બાજુમાં પડેલ ફોન સતત વાગી રહ્યો હતો...હું ઝબકી...એકદમ વર્તમાનમાં આવી.... આલોક ફોન ઘરે જ મુકીને નીકળી ગયો હતો...સતત વાગી રહેલો ફોન વચ્ચે વચ્ચે મેસેજનાં નોટિફિકેશન દર્શાવતાં અવાજ કરતો. એકબીજાનાં ફોનનાં પાસવર્ડ જાણતા હોવાં છતાં અમે ખોલતાં નહિ ક્યારેય...પણ આજે મને થયું કદાચ કંઈક અગત્યનું કામ હશે કોઈને એટલે આટલાં ફોન આવી રહ્યાં છે!જોયું તો ડિસ્પ્લે માત્ર નંબર બતાવતો હતો...મેં ફોન અનલૉક કરી મેસેજમાં જોયું....આ જ નંબર પરથી ઢગલો તસ્વીરો અને મેસેજ હતાં...આખો દિવસની ચેટ હતી...બધાં પરથી હું સમજી કે આલોક રોજ રાત્રે આ નંબર પર વીડિઓ કોલ કરવાં બહાર જાય છે! મારાં વિશે ખોટી માહિતી આપી સહાનુભૂતિ મેળવવાનાં પ્રયત્નો હતા એમાં!દર બે દિવસે એ જે પૈસા માંગે છે એ અહીં વપરાય છે...ધંધાના સેટઅપ માટે ઇન્વેસ્ટર શોધવાનાં કારણ હેઠળ એ દિલ્હી ગયો હતો પાછલા છ મહિનામાં ત્રણવાર એ આ નંબરધારકને જ મળવા ગયો હતો!તસ્વીરમાં રહેલો ચહેરો હું ઓળખતી હતી!મારું શરીર અને મગજ સુન્ન થઇ ગયાં હતાં!એ મારી મિત્ર હતી જે દિલ્હી પરણી હતી..ત્રણ વરસ પહેલાં જ અમે એના લગ્નમાં ગયાં હતાં!ક્યારે આ ચાલું થયું,કેમ થયું એ હું નથી જાણતી...હા એટલું જાણું છું કે આલોકને કાંઈ પુછવાનો અર્થ નથી એ નહિ સ્વીકારે!ચેટ પરથી સમજી શકાયું કે આલોક પોતાનો અહંમ સંતોષી રહ્યો છે અને મારી મિત્ર એનાં બિઝનેસટૂર પર વ્યસ્ત રહેતાં પતિનાં કારણે એને સાલતી એકલતાનો ખાડો પુરી રહી છે...પ્રેમ નથી આ! અને કાયમી પણ નથી!
કોઈ ભવિષ્ય નથી આ સંબંધનું! સ્વાર્થ પતે એટલે પુરો!જો હું કોઈને જણાવીશ તો મારી મિત્રનું લગ્નજીવન પણ જોખમાશે!દરેક માણસ પ્રેમ માટે માફ નથી કરી શકતું!દરવાજો ખખડ્યો...મેં ફોન પાછો મુક્યો..આલોકને એટલાં જ પ્રેમથી જમવા પીરસ્યું જેટલાં પ્રેમથી પહેલાં પીરસતી...મેં નક્કી કર્યું કે હું એને માફ કરીશ....ભલે એણે માફી માંગી નથી...એને પહેલાં કરતાં પણ વધુ પ્રેમ આપીશ...
એ વાતને આજે ચાર મહિના થઇ ગયાં...સહદેવનું વરદાન આશિર્વાદ નહિ અભિશાપ હતો એ આ ચાર મહિનામાં હું સમજી...જાણીને અજાણ્યું બનવું ખુબ અઘરું છે!પતિનાં દગાની સામે વફાદારીથી સંબંધ ટકાવવો કપરું છે!પણ આલોકનું મારા સિવાય કોઈ નથી...હું એને છોડી જાઉં તો એ શું કરે!આજે રાત્રે ટ્રેન છૂટી જવાના કારણે હું મોડી આવી અને એણે મારાં ચારિત્ર્ય પર આંગળી ચીંધી મને ના કહેવાનાં વેણ કહ્યાં...હું નિર્દોષ હોવાં છતાં ચુપ છું...પ્રેમને ખાતર ચુપ રહું કે સ્વમાનને ખાતર એને સત્યનો અરીસો દેખાડું એ અસમંજસ માં છું....