" કેવલ! ચાલ હવે થોડીવાર ફ્રેશ થઈએ. કૉફી પીવા જઈએ. પછી આવીને ફરીથી વાંચીશુ." શૈલી કેવલને આગ્રહ કરી રહી હતી..
"ઓકે શૈલી! ચાલ જઈએ." કેવલ બોલ્યો..
બંને મિત્રો કોફીની મજા માણી રહ્યા હતા..
કેવલે હમણાં જ એન્જીનયરિંગ પૂરું કર્યું હતું. હવે આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આઈઆઈટીમાં એડમિશન મળે એની તૈયારી કરી રહ્યો હતો.. રાતદિવસ મન લગાવીને અભ્યાસ કરી રહ્યો હતો.. આઈઆઈટી એનું સપનું હતું..
બીજી તરફ શૈલી પણ એમબીબીએસ પૂરું કરીને આગળ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પોતાની મનગમતી બ્રાન્ચમાં એડમિશન મળે એની તૈયારી કરી રહી હતી..
બંને પહેલીવાર આજ લાયબ્રેરીમાં મળ્યા હતા.. બન્નેના ધ્યેય એક હતા.. એટલે એકબીજાની મદદ કરતા અને થોડી મસ્તી મજાક કરી હળવા થતા...
કેવલને વહેલી સવારે ફોન કરીને ગૂડ મોર્નિંગ કહેવાથી લઈને રાત્રે ગુડ નાઈટના મેસેજ સુધી સતત શૈલી તેની સાથે રહેતી... એકબીજાનો જન્મદિવસ સાથે મળીને ઉજવતા.. વાર તહેવાર એકબીજાની ઘરે જતા.. બંનેનાં પરિવાર પણ એમની દોસ્તીથી વાકેફ હતા..
છ સાત મહિનાથી દિવસનો મોટાભાગનો સમય સાથે વિતાવતા દોસ્તોની મૈત્રી ખૂબ ગાઢ થઈ ગઈ હતી... હવે લગભગ એકબીજાની આદત પડી ગઈ હોય છે..
સવારે શૈલીનો ફોન ન આવે તો કેવલ બેચેની અનુભવતો... લાયબ્રેરીમાં શૈલી ના દેખાય તો કેવલ વારેવારે એના ઘરે ફોન કરતો.. એની એક ઝલક માટે હાંફળોફાંફળો થઈ જતો... કદાચ મૈત્રી અને પ્રેમસંબંધ વચ્ચેની પાતળી ભેદરેખા એ ભૂંસી નાખવા માંગતો હતો..
ધીરેધીરે શૈલી તરફનું અપાર આકર્ષણ એની કમજોરી બનવા લાગ્યું.. કદાચ તે શૈલીના પ્રેમમાં હતો... પરંતુ શૈલી પણ એ જ વિચારે છે કે નહી એ જણવાની તેણે કોશિશ પણ નહોતી કરી... એને એ ભ્રમ હતો કે શૈલી પણ મારાં માટે એ જ લાગણી ધરાવે છે...
અને જોતજોતામાં પરીક્ષા નજીક આવી ગઈ. કેવલ આઈઆઈટી માટેની ગેટની પરીક્ષામાં ખૂબ ઉંચા ગુણથી પાસ થાય છે અને આઈઆઈટી ચેન્નાઈમાં એડમિશન મેળવે છે..
હજુસુધી એ શૈલીને પોતાના મનની વાત જણાવતો જ નથી.. એ માનતો જ હતો કે શૈલી પણ મને એટલું જ ચાહે છે..
એડમિશન મળ્યા પછી કેવલ ચેન્નાઈ જાય છે. હવે આગળના બે વર્ષ તેને ચેન્નાઈમાં રહીને અભ્યાસ કરવાનો હોય છે.અહીં આવ્યા પછી તેને શૈલી ખૂબ યાદ આવતી હોય છે... શૈલી તેની આદત બની ગઈ હતી..
એકદિવસ ફોનમાં શૈલીને પોતાના મનની વાત જણાવે છે.. અને શૈલી કહે છે,
"શુ તું મને પ્રેમ કરે છે?? પણ મેં તો તારા માટે એવું કયારેય વિચાર્યું જ નથી..હું તો તને મારો એક દોસ્ત માનું છું... મને તારા માટે એવી કોઈ લાગણી નથી.. એવું ભૂલથી પણ ના વિચારતો કે મને પણ તારા માટે પ્રેમ છે." શૈલીના શબ્દો કેવલના હૃદયમાં તીરની જેમ આરોપાર વીંધતા ગયા... એણે તો કયારેક કલ્પના પણ નહોતી કરી કે શૈલી આવો જવાબ આપશે...
હોસ્ટેલના રૂમના એકાંતમાં ખૂણામાં બેસીને ધ્રૂસકે ધ્રૂસકે રડતો હોય છે... હજુ તો હમણાં જ આવ્યો છે એનું કોઈ મિત્ર પણ નથી કે જેની સાથે મનની વાત કરી શકે...
મને શૈલી માટે આટલું બધું છે તો એને કેમ નથી?? આવું કેવીરીતે બને??
પણ પ્રેમમાં કોઈ શરત થોડી હોય! એ તો આપોઆપ થતી પ્રક્રિયા છે.. સામેવાળાને ના પણ થાય! એ સ્વીકારવાની હિંમત પણ હોવી જરૂરી છે.. મને થાય તો એને થવું જ જોઇએ એવો દુરાગ્રહ પ્રેમમાં ન હોય!!
અતિશય તડપાવનારું આકર્ષણ એ મોહ છે.. અને મોહ માણસને દુઃખી જ કરે.. પ્રેમ તો મુક્તિ આપે... ઈશ્વરની માનવીને આપેલી અદભૂત ભેટ છે પ્રેમ.. પરંતુ એ જ્યારે ઝનૂન બની જાય ત્યારે એના પરિણામ ભયંકર આવતા હોય છે...
એકતરફી પ્રેમ એ પ્રેમ જ નથી.. એ માત્ર અને માત્ર આંધળો મોહ છે. અને એ બીમારીથી તમે જેટલા જલ્દી બહાર આવી શકો એટલું જ તમારા માટે સારું છે.. એકતરફી પ્રેમમાં ઘણા આપઘાતો અને મર્ડર થતા હોય છે... ઈતિહાસ આવા કિસ્સાઓથી ભરેલો છે..
કેવલ પણ એકતરફી પ્રેમમાં પાગલ હોય છે.. ગમેતેમ કરીને શૈલી માની જાય એવી તજવીજ માં પડ્યો હોય છે.. બસ મને શૈલી જોઈએ જ જોઈએ.. એક વ્યસની જેમ વ્યસન માટે તડપતો હોય છે એમ કેવલ પણ શૈલી માટે તડપવા લાગ્યો... શૈલી હવે કેવલથી ત્રાસ અનુભવવા લાગી હતી.. અતિશય લાગણી પણ કોઈકને ગૂંગળાવતી હોય છે.. દોસ્તી સુધી વાત બરાબર હતી પરંતુ એનાથી આગળ વધવાની વાત શૈલી ધરાર ઠુકરાવી દેતી...
હવે કેવલનો એકપણ ફોન શૈલી ઉપાડતી નહોતી.. કેવલનો દુરાગ્રહ એને અસહ્ય થઈ પડ્યો.. આ તરફ કેવલ શૈલીની અવગણનાથી ઓર દુઃખી થઈ ગયો..
પોતાના સર અને મિત્રોને ફોન કરીને પોતાની અધૂરી પ્રેમકહાની સંભળાવ્યા કરતો.. મિત્રો પણ એને ખોટું આશ્વાસન આપ્યા કરતા..
ભૂલી જવાનો પ્રયત્ન કરતા વધારે યાદ આવતી.. એના એક એક મેસેજને તરસવા લાગ્યો..
અને એકદિવસ અચાનક એને ચક્કર આવવા લાગ્યા અને તપાસ કરતા ખબર પડી એનું બ્લડપ્રેશર વધી ગયું છે.. સતત એના એ જ વિચારો કરવાથી એનું શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું હતું...
ઘરથી દૂર એકલો હતો.. પણ ધીરે ધીરે દુઃખનું ઔષડ દહાડા એ ન્યાયે આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે..
લગભગ છ મહિના પસાર થયા.. અને હવે એ ઘણી હદે એ દર્દમાંથી બહાર આવી ગયો હતો.
એકવખત કેમ્પસમાં સાઇકલ લઈને આંટા મારી રહ્યો હતો ત્યારે એક છોકરી નવી નવી કોલેજમાં આવી હોય છે.. કેવલની જુનિયર..
"એક્સક્યુઝ મી સર." છોકરી કેવલને બોલાવી રહી હતી.. આઈઆઈટીમાં વિદ્યાર્થીઓ પોતાના સિનિયરને સર કહીને બોલાવતા હોય છે.
"યસ. હાઉ કેન આઈ હેલ્પ યું?" કેવલ બોલ્યો.
છોકરી પોતાની લેબોરેટરી શોધી રહી હતી.. આટલા મોટા કેમ્પસમાં નવું નવું એડમિશન મળ્યું હતું હજુ જગ્યાથી પરિચિત નહોતી..થોડી મૂંઝાયેલી ગભરુ છોકરી કેવલને મળી.
કેવલ પણ હોંશેહોંશે એની મદદ કરી રહ્યો હતો..
ચાલો હું તમારી સાથે આવું છું. કેવલ તેની લેબોરેટરી સુધી તેને લઈ જાય છે અને અન્ય પ્રોફેસર સાથે તેનો પરિચય કરાવે છે..
કેવલનો ખાલીપો ધીરે ધીરે ભરાવા લાગ્યો.. એને એક નવી દોસ્ત મળી ગઈ.. ફરીથી એ જ સિલસિલો શરૂ થયો.. સાથે ભણવું, સાથે લેબમાં કામ કરવું, એકબીજાની મદદ કરવી.. ફોન કરીને સવારે ગૂડ મોર્નિંગ અને રાત્રે ગૂડ નાઈટ... જાણે ભૂતકાળ ફરીથી નવા પાત્ર સાથે એ જ ઘટનાઓનું પુનરાવર્તન કરી રહ્યો હતો..
પરંતુ આ વખતે કેવલ સાવચેત હતો.. પોતાના મનને ખૂબ સમજાવ્યું કે હવે મારે ફરીથી દુઃખી નથી થવું. એકતરફી પ્રેમની પીડા ફરીથી નથી ભોગવવી...એકાદ વર્ષ સાથે વીતે છે..બન્ને એકબીજાથી ઘણી હદે પરિચિત થઈ જાય છે..
સાક્ષી કેવલની નવી મિત્ર.. ખૂબ રૂપાળી હોશિયાર સમજદાર અને લાગણીશીલ હતી. કેવલની ખૂબ કાળજી રાખતી. કોલેજના ઘણા કાર્યક્રમોમાં સાથે ભાગ લેતા.. ગીતો ગાતા, હસી મજાક કરતા કરતા સાક્ષી કેવલનાં પ્રેમમાં પડી ગઈ.. કેવલ પણ ખૂબ હોશિયાર અને રૂપાળો ફૂટડો યુવાન હતો.. તેને જોતાજ કોઈપણ છોકરી તેનાથી અંજાયી જાય..
સાક્ષી કેવલની જોડી ખરેખર ખૂબ સુંદર હતી.. જાણે ભગવાને બંને ને એકબીજા માટે જ ઘડ્યા હતા.. એકવાર મોકો મળતા સાક્ષી કેવલને પોતાના મનની વાત જણાવે છે.. કેવલને પણ તેના માટે ખૂબ લાગણી હતી પરંતુ આગલા કડવા અનુભવને કારણે પહેલ કરતા ડરતો હતો.. પરંતુ અહીં તો સામેથી સાક્ષી એ પહેલ કરી એટલે ના પાડવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો..
બંને ખૂબ રાજી હતા.. આ વખતે આગ બંને બાજુ એકસરખી લાગી હતી.. બંને ઘરે વાત કરે છે..
પરંતુ આ વખતે પરિસ્થિતિ કઈક જુદો જ વળાંક લે છે..
સાક્ષીના મમ્મી પપ્પા એક ચુસ્ત બ્રાહ્મણ પરિવારના તમામ રીત રિવાજોને વળગી રહેલા અને પરંપરાઓમાં કોઈ બાંધ છોડ કરવા માટે સહેજે તૈયાર નહોતા.. કુંડળીના અંક મળવા જોઈએ અને ગોત્ર અને સાત પેઢીનું સરવૈયુ કાઢીને પછી આ બધામાં જે ખરો ઉતરે એ મુરતિયા જોડે આપણી દીકરી પરણાવવી એવો એમનો દૃઢાગ્રહ હતો... અને વળી વિધિનું કરવું ને કેવલની કુંડળી સાક્ષીની કુંડળી સાથે સહેજે મળતી નહોતી...
અહીં દિલ મળ્યા પણ કુંડળી ના મળી... સાક્ષીના મમ્મી પપ્પા થોડીપણ ઢીલ મૂકે એમ નહોતા.. હવે શું કરવું??
કેવલને પોતાના નસીબ પર થોડી શંકા ગઈ.. "ભગવાન તું પણ ખરો છે આગળ છોકરી ના મળી અને હવે છોકરી મળી તો કુંડળી ના મળી... આવું શુ કામ કરો છો મારી સાથે?" મૂંઝાયેલો કેવલ સ્વગત ઉચ્ચારી રહ્યો..
"આમ કાઈ કુંડલી ના મળવાથી થોડું કાઈ લગ્ન અટકી જાય.. હું તો સાક્ષીને હર હાલમાં મેળવીને જ રહીશ.. કોઈક તો ઉપાય ચોક્કસ હશે.. " કેવલને ચેન નહોતું..
હવે એનું નવું મિશન હતું કુંડળી મેળવવાનું..
સાક્ષી અને કેવલ બંને બિચારા કેન્ટીનમાં બેઠા બેઠા નિરાશ ચેહરે ઉપાય વિચારી રહ્યા હતા.. અહીં બંને વચ્ચે કુંડળી વિલન બનીને ઉભી રહી હતી...
કેવલ એની મમ્મી ને ઘરે ફોન કરે છે," મમ્મી મારી નવી કુંડળી બનાવો. એવી કુંડળી બનાવો કે સાક્ષીની કુંડળી સાથે બધા જ અંક મળે."
"અરે દીકરા! આ તારા કોઈ કોમ્પ્યુટરનો પ્રોગ્રામ થોડો છે કે મન ફાવે એમ બદલી નખાય! એવું ના થાય બેટા! તું સમજ.. કુંડળી તારા જન્મ અને સમય પ્રમાણે બનતી હોય છે.." કેવલનાં મમ્મી સમજાવી રહ્યા હતા...
"તો તમે બીજો કોઈ પણ ઉપાય વિચારો.. હું હવે લગ્ન કરીશ તો સાક્ષી જોડે જ... ભલે ગમે તે થાય.. " કેવલ એની મમ્મીને સમજાવી રહ્યો હતો...
સાક્ષી કેવલ સાથે લગ્ન કરવા રાજી હતી પરંતુ એના મમ્મી પપ્પાની વિરુદ્ધ જઈને કે ભાગીને ક્યારેય નહીં.. સમાજમાં એના મમ્મી પપ્પાની બદનામી થાય એવુ કોઈ કામ કરવા નહોતી માંગતી..
કેવલ હવે ચેન્નાઈથી ભોપાલ જાય છે. સાક્ષીના મમ્મી પપ્પાને મનાવવા પણ એના મમ્મી પપ્પા માનવા માટે તૈયાર જ નથી...
ત્યાંથી નીકળીને કેવલ ઘણા જ્યોતિષને મળે છે અને પોતાની સમસ્યાનું નિવારણ શોધવાનો પ્રયત્ન કરે છે પરંતુ બધા જ્યોતિષ હાથ જોડે છે.. અમે આમાં કાઈ ન કરી શકીએ... તમારી કુંડળી બિલકુલ મળતી નથી.. આવા લગ્ન તો ચાલે જ નહીં, આગળ જતાં ખૂબ સમસ્યા આવશે લગ્ન જીવનમાં વિગેરે વિગેરે તમામ જ્યોતિષનો જવાબ હતો...
ત્યાંથી કેવલ કાશી જાય છે. કાશી પંડિતોની નગરી.. ચોક્કસ અહિતો કોઈ ઉપાય મળી જ જશે.. ઘણા બધા જ્યોતિષને મળે છે પણ બધું જ વ્યર્થ... હારીથાકીને કાશી વિશ્વનાથના મંદિરે આવે છે.. હવે તો ભગવાન તું જ કોઈ રસ્તો બતાવ .. હું હવે થાકી ગયો છું.. દરેક સમસ્યાનો ઉકેલ તમારી પાસે છે ભગવાન.. મને કોઈક રસ્તો બતાવ... હું સાક્ષીને માત્ર કુંડળી જેવા નજીવા કારણ માટે ગુમાવવા નથી માંગતો..." કેવલ પ્રાર્થના કરતો હોય છે...
પ્રાર્થના કરીને મન્દિરના પગથિયાં ઉતરતો હોય છે ત્યાં એને સામે એક વૃધ્ધ પંડિત દેખાય છે. દેખાવ પરથી કોઈ પ્રખર જ્ઞાનવૃધ્ધ કર્મકાંડી પંડિત દેખાતા હતા.. કેવલને થયું લાવને પૂછી જોઉં કદાચ આ મહારાજ પાસે મારી સમસ્યા નો કોઈ ઉપાય હોય...એમ વિચારીને કેવલ પંડિતજીને મળે છે.. પગે લાગીને પંડિતજીની પાસે બેસે છે..
પોતાની સમસ્યા પંડિતજીને જણાવે છે અને પંડિતજી કહે છે ઉપાય છે.. આ સાંભળીને કેવલ ખુશીથી નાચવા લાગ્યો.. પંડિતજી કહે "અહીં બેસ હું તને સમજવું.. જો તારી કુંડળી મુજબ તારા બે લગ્ન લખ્યા છે.. પહેલું લગ્ન તારું ચાલશે નહીં અને બીજું લગ્ન આજીવન ચાલશે.."
"આ કેવી વાત કરો છો પંડિતજી? મારે તો માત્ર સાક્ષી સાથે જ લગ્ન કરવા છે..અને તમે બીજા લગ્નની વાત કરો છો?" કેવલ થોડો ખીજાઈ ગયો.. થોડીવાર પહેલાની ખુશી ફરીથી નિરાશામાં પલટાઈ ગઈ..
"અરે, પણ તું સાંભળ તો ખરો.. તું પેહલા એક લગ્ન કરી લે પછી બીજા લગ્ન સાક્ષી સાથે કરજે.. " પંડિતજી બોલ્યા.
"અરે શુ વાત કરો છો પંડિતજી? આવું હું ના કરું.. હું મારી સાક્ષી સાથે દગો ના કરી શકું..તમે કશું બીજું વિચારો.. આ ઉપાય તો મને જરાય યોગ્ય નથી લાગતો.. " કેવલ થોડો અકળાઈ ગયો..
"અરે ભાઈ, તારે પહેલા લગ્ન એક ગાય સાથે કરવાના છે કે જેથી તારા કુંડળી દોષ ટળી જાય અને પછી બીજા લગ્ન તારી સાક્ષી સાથે કરી શકીશ... " પંડિતજી આરામથી કેવલને સમજાવી રહ્યા હતા..
"ગાય! શું મારે એક પ્રાણી સાથે લગ્ન કરવાના??
શું બોલો છો પંડિતજી?? તમે હોંશમાં તો છો ને!!" કેવલ થોડો હેબતાઈ ગયો.
"હા ભાઈ, હું પુરેપુરા હોશોહવાસ સાથે બોલું છું.. અને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.. હવે તારે માનવું ના માનવું તારી મરજી..."
બિચારો કેવલ વીલા મોઢે થોડીવાર સુધી સુનમુન બેસી રહે છે.. એને કાંઈ જ સૂઝતું નથી..ચેન્નાઈથી છેક કાશી સુધી આવ્યો અને આ ઉપાય મળ્યો?? મારે એક ગાય સાથે લગ્ન કરવાના?? પરંતુ સાક્ષીના મમ્મી પપ્પા જો માની જાય તો ભલે ગાય સાથે લગ્ન કરી લઈશ.. બીજું શું? પ્રેમમાં આવું પણ કરવું પડશે ક્યાં ખબર હતી? પણ અંતે પોતાનું મન મનાવી લે છે અને ગાય સાથે લગ્નની વાત માની જાય છે..
હવે ત્યાંથી પાછો ભોપાલ જાય છે અને સાક્ષીના મમ્મી પપ્પાને આ બધી વાતો વિગતવાર સમજાવે છે . રૂઢીચુસ્ત સાક્ષીના મમ્મી પપ્પા આ વાત સાથે સંમત થાય છે..
પરંતુ પોતાના મમ્મી પપ્પા ને કેવી રીતે મનાવવા એ મોટો પ્રશ્ન હતો?? છતાંય હિંમત કરીને તેના પપ્પાને વાત કરે છે... વાત સાંભળીને કેવલનાં પપ્પા ભડકયા...
"તારું મગજ ઠેકાણે છે ને? તું શું વાત કરે છે તને ભાન છે?? તારે ગાય સાથે લગ્ન કરવા છે?"
"પણ પપ્પા, સાંભળો તો ખરા!"
"અરે મારે કંઈ નથી સાંભળવું."
"મારો દીકરો ગાય સાથે કોઈ કાળે લગ્ન નહિ કરે. સમજ્યો? આખા સમાજમાં મારી આબરુના કાંકરા કરવા બેઠો છે? આટઆટલું ભણાવ્યું, એન્જિનિયર બનાવ્યો, આઈઆઈટીમાં ભણવા મોકલ્યો અને ભાઈને ગાય સાથે લગ્ન કરવા છે બોલો?" કેવલના પપ્પા ગુસ્સામાં બુમો પાડી રહ્યા હતાં.
"પણ પપ્પા, ગાય સાથે લગ્ન કરીશ એટલે કુંડળીના બધા દોષ ટળી જશે અને પછી હું સાક્ષી સાથે લગ્ન કરીશ તો આગળ કોઈ વાંધો નહિ આવે એવું જ્યોતિષ કહે છે. અને સાક્ષીના મમ્મી પપ્પા પણ માની ગયા છે. તેઓ પણ જો હું ગાય સાથે લગ્ન કરૂં એમાં રાજી છે. પ્લીઝ પપ્પા, તમે પણ માની જાઓ ને!" કેવલ તેના પપ્પાને આજીજી કરી રહ્યો હતો. પણ એના પપ્પા બિલકુલ માનવા તૈયાર જ ન હતા.
"મમ્મી, તમે પપ્પાને સમજાવોને! પ્લીઝ મમ્મી!" કેવલ હવે એ ઉપાય અજમાવી રહ્યો હતો જે લગભગ ક્યારેય ફેલ ના જાય.અને એ એની મમ્મી.
"જુઓ, આપણો એક નો એક દીકરો છે. અને એની ખુશી માટે તમે આટલું નઈ કરો? ગાય સાથેના લગ્ન તો પ્રતીકાત્મક છે. એ ક્યાં આજીવન ગાય સાથે રહેવાનો છે. સાક્ષીના મમ્મી પપ્પાની આસ્થા છે એટલે બિચારાને આવું કરવું પડે છે. બાકી છોકરી ઘણી સારી છે. રૂપાળી છે, હોશિયાર છે, આપણું ઘર દિપાવે એવી સરસ ગુણિયલ છે. એટલે હવે જીદ છોડીને માની જાઓ. જુઓ બિચારો કેટલો નિરાશ થઈ ગયો છે." કેવલના મમ્મી શિલાબેન એમના પતિને સમજાવી રહ્યા હતા.
"એક છોકરી માટે માણસ ગાય સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય? આપણા સમાજમાં છોકરીઓ ઓછી છે કાંઈ? એ શું આમ એક છોકરી પાછળ પાગલ થયો છે? અરે એને જોઈએ એવી છોકરીઓની લાઈન લગાવી દઈશ. પણ આ મને સહેજે મંજુર નથી. માં દીકરો કાન ખોલીને સાંભળી લ્યો." કેવલના પપ્પા ગુસ્સાથી બુમો પાડી રહ્યા હતા.
"જો બેટા, અત્યારે એ થોડા ગુસ્સામાં છે. પણ તું ચિંતા ના કરીશ હું એમને મનાવી લઈશ. એની હું ખાતરી આપું છું. તું તારે આરામ કર. જા બેટા!" કેવલના મમ્મી કેવલને આશ્વાસન આપી રહ્યા હતા.
કેવલ બિચારો એક મુસીબતથી છૂટ્યો ત્યાં બીજી મુસીબત ગળે પડી. "માંડ માંડ કોઈક ઉપાય મળ્યો ત્યાં પપ્પા માનતા નથી. હવે શું થશે? મને સાક્ષી મળશે તો ખરી ને ભગવાન?"કેવલ પથરીમાં પડ્યો પડ્યો વિચારી રહ્યો હતો. બિચારાને ઊંઘ પણ નહોતી આવતી.
"કેવલ દીકરા! તારા પપ્પા તને મળવા બોલાવે છે." સવારના સાત વાગ્યે કેવલના મમ્મી એને ઉઠાડી રહ્યા હતા.
"હવે પાછું શુ થયું હશે? ફરીથી મને ખખડાવશે કે શું?" એમ વિચારતો વિચારતો કેવલ એના પપ્પાને મળવા જાય છે.
"જો કેવલ. તારે ગાય સાથે લગ્ન કરવા હોય તો કરજે પણ એ બધું તારે ભોપાલમાં પતાવવાનું. અહીં કોઈને ખબર ના પડવી જોઈયે. આપણા ખાનદાનમાં આજસુધી કોઈએ ગાય સાથે લગ્ન નથી કર્યા પણ હવે તારા ભવિષ્યનો સવાલ છે તો ભલે, મને વાંધો નથી." કેવલના પપ્પા બોલ્યા.
આ સાંભળીને કેવલ દોડીને એના પપ્પાને ભેંટી પડ્યો. અને બોલ્યો, "થેક્યું પપ્પા."
"ઠીક છે, ઠીક છે, જા! હવે લગ્નની તૈયારી કર." કેવલના પપ્પા બોલ્યા.
અને અંતે કેવલ સાક્ષી સાથે લગ્ન કરે છે. આજે બંને પતિ પત્ની ખૂબ સુખી લગ્નજીવન માણી રહ્યા છે.
ઘણી પ્રેમકહાની આવી પણ હોય છે.. જ્યાં પ્રેમને મેળવવા કંઈ પણ કરવું પડે!!!!
મનીષા રાઠોડ