આજે આ ડાઇનિંગ ટેબલ સાવ સુનસાન લાગી રહ્યું હતું ઉર્વરક ને, ન જાણે કેમ આજે જમવાની બધી વાનગી મીઠાશ વગરની લાગી રહી હતી, શું એની ખોટ આટલી બધી હતી?
અંતર આત્માએ કદાચ હકારમાં જવાબ આપ્યો.હા, એની ખોટ હતી, કેમ ના હોય? અડધું અંગ હતી એ. ખુશીઓનો ગુણાકાર અને દુઃખોનો ભાગાકાર હતી. ચહેરા પરનું સ્મિત હતી તો ક્યારેક આંખ પરના આંસુ પણ. ફુલ કપમાંથી અડધા કપ ચાની ભાગીદાર!!! જાણે લાગણી નો દરીયો એ હતી એની અર્પણા. અર્પણા એટલે પૂરે પૂરી ઉર્વરક ને અર્પણ. ડાઈનીંગ ટેબલ પર પોતે બેઠો, ટિસ્યુ પેપર હાથમાં લઈને અનાયાસે જ ગડીઓ વાળવા લાગ્યો, જાણે જમવાનું કંઈ ભાન નહોતું. નોકરાણીએ આવીને જમવાનું પીરસ્યું, આજે એ અથડાતા વાસણમાં માત્ર કર્કશતા હતી એમાં કોઈ મધુર અવાજ સંભળાતો ન હતો, વાસણ તો એના એ જ હતા તો પણ આવી કર્કશતા શાને? ક્યાં ગઈ એ મધુરતા? એ પીરસતી વખતે આવતો બંગડીઓનો અવાજ? ભૂલ શું હતી એની? ફક્ત મા નહોતી બની શકતી એટલી જ ને? તો તે પણ એનો સાથ છોડી દીધો!!! તે પણ ના વિચાર્યું એના માટે?!!! જો તું જ એનો ના થયો તો બીજું કોણ થશે?! આવા સવાલોની અવઢવમાં ઉર્વરક ને કેમે કરી કોળિયો ગળા નીચે ઉતરતો ન હતો.
રાત આખી આમ તેમ પડખા ઘસ્યા કર્યો, પરંતુ એને ઊંઘ ના આવી તે ના જ આવી. આખી રાત અર્પણાના વિચારોમાં વીતી. ભૂલ અર્પણાની નહોતી ભૂલ તો ઉર્વરક તારી હતી એ વાત નો એને ભારોભાર પસ્તાવો થવા લાગ્યો, માત્ર તારી એક દીકરીની ઈચ્છા પુરી ના કરી શકી એમાં તે એને છૂટાછેડા પણ આપી દીધા!! એ માં નહોતી બની શકતી પણ તું તો એક સારો બાપ બનીને એને એક સારી મા ચોક્કસ બનાવી શકત. આ વિચાર સાથે જ ઉર્વરક ના મોં પર આછું સ્મિત આવી ગયું.
સવારે વહેલા નાહી-ધોઈને ઉર્વરક તૈયાર થઈ ગયો અને ગાડી અર્પણાના આવાસ સુધી દોડાવી. અર્પણાને આગોતરી જાણ કર્યા વગર જ ત્યાં જવાનું નક્કી કરી લીધું. મનમાં વિચારો ના ઘોડાપુર ચાલતા હતા, અર્પણા પોતાને સ્વીકારશે કે કેમ એ નક્કી થતું ના હતું, પરંતુ અર્પણાને સમજાવીને પાછી લઈ આવવાનો નિશ્ચય મક્કમ હતો. અર્પણાના આવાસ સ્થાને જઈને ઉર્વરકે ડોરબેલની સ્વીચ દબાવી. અર્પણા તો દરવાજો ખોલવા ના આવી પરંતુ ઘરડી સાસુએ દરવાજો ખોલીને જમાઈને આવકાર આપ્યો. આવવાનું કારણ પૂછ્યું કેમકે અર્પણા ઉર્વરક થકી ત્યજાયેલી હતી એનો ગુસ્સો સાસુના મગજમાં હજુ હતો. કેમ ના હોય? પોતાની દીકરી ગુમાવી બેસી હતી.અર્પણા ઉર્વરકથી જુદા થયા બાદ અત્યંત ભાંગી પડી હતી.આજના મોર્ડન ગણાતા જમાનાના મહેણાનો ભોગ અર્પણા પણ બની હતી.બિચારીને આજુબાજુના હોશિયાર ગણાતા અધુરા ભણેલા લોકોએ એને શાંતિથી જીવવા ન દીધી તે ન જ દીધી.આખરે કટાળીને એણે પણ જીંદગી ટૂંકાવી નાંખી. સાસુના મોઢે અર્પણાના મૃત્યુના સમાચાર સાંભળી ઉર્વરકને ખૂબ દુઃખ થયું અને વિલા મોઢે પાછો ફરી ગયો.
રસ્તામાં આવતા અનાથાશ્રમે જઈને દીકરી દત્તક લેવાનો નિર્ધાર કર્યો. હા હું એક સારો પિતા અવશ્ય બનીશ, ભલે એક માનો પ્રેમ દીકરીને ના આપી શકું પરંતુ પિતાનો સૌથી ચઢિયાતો પ્રેમ તો ચોક્કસ આપી શકુ ને!!!! અનાથ આશ્રમ એ પહોંચીને દીકરી દત્તક લીધી. બેહુબ અર્પણા જ જોઈ લો. સૌથી પહેલા દીકરી માટે ઝાંઝર લીધા. આજે સાંજે જમતી વખતે ફરી એ કર્કશ વાસણો નો અવાજ મધુર થઇ ગયો.
દીકરી આરાધ્યાના ઝાંઝરનો રણકાર નમતી સંધ્યાના સથવારે સુરજના કિરણોની સાથે ઉર્વરક અને અર્પણાના આંગણામાં સદાય માટે કેદ થઇ ગયો!!