Mrutyu pachhinu jivan - 25 in Gujarati Fiction Stories by Amisha Rawal books and stories PDF | મૃત્યુ પછીનું જીવન - ૨૫

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

મૃત્યુ પછીનું જીવન - ૨૫

મૃત્યુ પછીનું જીવન—૨૫

દેવદૂતો રાઘવને ૫ દિવસનો સમય આપી જતાં રહ્યાં. આ ૫ દિવસમાં એણે એનાં ખૂનીને શોધવાનો છે, સાથે ઘરમાં ચાલતાં ભેદ ભરમ અને કાવા દાવાને પણ ઉકેલવાનાં છે. અને બધું ઠેકાણે પાડી દેવદૂતો સાથે નવી યાત્રા પર નીકળવાનું છે. એણે જોયું કે ઘરમાં એનાં જ પાર્ટનર અને દોસ્તથી પણ વિશેષ એવાં કેશુભાએ ઘરનાં દસ્તાવેજને બદલે મોર્ગેજ લોનનાં ડોક્યુમેન્ટ્સ મુકી ઘરનાં બધાં સભ્યોની ઊંઘ ઉડાડી દીધી છે. ગોમતી ઘર અને ફેમિલી માટે ચિંતીત છે અને બંને છોકરાઓ આ સમસ્યાને હલ કરવામાં પડ્યા છે.

રાત્રે જમ્યા પછી બધા પોતાનાં રૂમમાં સુવા ગયા, પણ ઊંઘ તો સૌથી રિસાઈને ઘરનાં કયા ખુણે ભરાઈ હતી જાણે.. આજ સાંજના દ્રશ્યો જોઇને ડરી ગયેલી નવી વહુને સાચવવાં અંશ એની પાસે ગયો, ગોમતી પણ થાકી હારીને એનાં રૂમમાં આડી પડી, પણ સમીરને ચેન ન પડ્યું. સમીર ફરી ગયો, ઓફિસરુમમાં...એણે કોન્ફીડેન્શીયલ ડ્રોઅરમાંથી બધા જ ડોક્યુમેન્ટ્સ કાઢી ફરી ફરીને ચેક કર્યા, બહુ મથામણ કરી ,પણ કોઈ તાળો ન જ મળ્યો.

છેલ્લાં 7 કલાકથી એની જિંદગીના સૌથી મુશ્કેલ સમય ચાલી હતો કદાચ, અત્યાર સુધી જે કંઈ થોડાં ઘણાં કામ કર્યા, તે પાપાની સાથે કર્યા, કે પછી કેશુભા સાથે કર્યા. આજે એવો કપરો સમય છે કે બાપ હાજર નથી અને બાપ સમાન જેને ગણ્યા હતાં, એની જ સામે થવાનું આવ્યું...! જે દ્રોણાચાર્યે તીર ચલાવતાં શીખવ્યું ; એમની જ સામે તીર ઉગામવાનું આવ્યું આજે ...પણ એની પાસે બીજો કોઈ જ વિકલ્પ નહોતો; કારણ હવે એ ઘરનો મોભી બની ગયો તો ,પાછલી બે રાતમાં! એક તરફ પાપાનું મર્ડર, ખૂની કોણ છે કંઈ સમજાતું નહોતું, બાપની છત્ર-છાયા ગુમાવ્યાનું પહાડ જેવું દુઃખ તો માથે જ હતું ને બીજી તરફ ઊભો થયો ઘર સાચવવાનો પડકાર, ત્રીજી તરફ મા અને ફેમિલીની ઘર માટેની લાગણીઓ અને અસુરક્ષિતતાઓ.....શું સાચવવું ને શું નહીં ...?આટલું બધું સાથે ક્યારેય નથી આવી પડ્યું એનાં ખભા પર. જે કેશુભા હંમેશા દરેક મુશ્કેલીમાં રસ્તો બતાવતાં, એની વિરુદ્ધ આજે હવે કોણ રસ્તો બતાવશે ? સમીર વહેતા સમયની સાથે ટીક ટીક કરતાં હાંફતાં જતાં ઘડિયાળનાં કાંટાઓને સાંભળી રહ્યો. આજે સમય જાણે એકદમ ધીમે પગલે ચાલી રહ્યો હતો; આ સમયનું પણ કેવું છે ને? ખુશીનો સમય કયા ભાગતો નીકળી જાય છે, અંદાજેય નથી રહેતો. પણ દુઃખમાં એક એક મિનિટનો સમય એક એક દિવસ/કલાક જેટલો ધીમે ચાલે છે જાણે ...ભલે બધાય નાં હાથમાં બાંધેલી ઘડિયાળ એક સરખો સમય બતાવે, પણ બધાનો સમય સરખો નથી હોતો ...

આવા સંજોગોમાં પણ સ્થિર રહીને કામ પ્રત્યે જવાબદાર રહેવાનું એ એની ગવાર મા પાસેથી શીખ્યો હતો. રાઘવને ઘણી વાર ગુસ્સો આવતો સમીર પર, પણ આજે ગોમતીના આ ગુણને લીધે સમીર એનાં કુટુંબ માટે રાત્રે બે વાગે અહીં સમસ્યા સુલઝાવવા જાગતો બેઠો હતો.

સમીર સમસ્યાને અલગ અલગ પાસા થી જોઇને વિચારતો રહ્યો. પણ કોઈ એક કડી જાણે છુટતી હતી.... આખા દિવસ નો થાક અને સમસ્યાનો બોજ .. એની આંખો ભારે થવા લાગી .એમ ને એમ ત્યાં જ ટેબલ પર માથું ઢાળી સુઈ ગયો. બે – પાંચ મિનિટમાં તો ગાઢ નિંદ્રામાં સરી પડ્યો ..

અને અચાનક જાણે એને કોઈ સુકુનભર્યો સ્પર્શ થયો...એ ઊંઘમાં ને ઊંઘમાં કોઈ મીઠા સ્પર્શને માણતો રહ્યો....એણે જોયું કે સામેની ચેર પર પાપા આવીને બેઠાં ...બંને એકબીજાને જોતાં રહ્યાં. ૫ મિનિટ કોઈ કંઈ ન બોલ્યું. આ શાંતિ એકલી દેખાતી હતી , પણ એની સાથે ત્યાં અદ્રશ્ય રીતે ઘણાં બધાં હાજર હતાં, જીવતે જીવ સંતાનની કદર ન કરવાની પીડા, એક ડોનનાં પુત્ર તરીકે તકલીફોનો બોજ પહેલે જ દિવસે વારસામાં આપવાનું દર્દ, મિત્રની ગદ્દારીનો આક્રોશ, તો આ તરફ પિતાની ગેરહાજરીમાં માનાં ઘરને નહીં સંભાળી શકવાનું ગીલ્ટ... એ પીડાદાયક અને ભારે ભરખમ શાંતિથી બોઝલ થયેલ ક્ષણો નું મૌન આખરે તોડ્યું રાઘવે ...

“હું હંમેશા બોલતો તો, કેશુભા છે ને સંભાળી લેશે ,પણ કેશુભાની પાછળ ચુપચાપ કામ કરતો સમીર તો આજે દેખાયો મને ... હું તને હંમેશા ઇગ્નોર કરતો રહ્યો , બેટા...!”

સ્મશાનભૂમિમાં પિતાનાં શબને બાળ્યા પછી પહેલી વાર સમીરની આંખોમાં ઝળઝળીયા આવી ગયાં. એણે પાપાને આટલાં લાગણીશીલ થતાં ક્યારેય નહોતાં જોયાં.

“પાપા, કંઈ જ સમજાતું નથી ને કંઈ જ દેખાતું નથી, ચારે દિશાઓ ધુંધળી છે...હવે તમે જ રાહ બતાવો...”

“બધા ડોક્યુમેન્ટ્સ કરી એક વાર ચેક કર, તેં સાઈન ચેક કરી?

“હા, કરી.”

“પણ મેં એ સાઈન કરી જ ન હોય તો ?”

“એનો મતલબ જેણે કરી હશે, નકલી હશે? ”

“હમમ...હવે તું ફોરેન્સિક લેબમાં ડોક્યુમેન્ટ્સ મોકલ ને ચેક કરાવ.”

“પણ એનો રીપોર્ટ ૧૫ દિવસે આવશે,એ પહેલા ૭ દિવસમાં તો ઘર ખાલી કરવું પડશે..”

“નહીં , આ ડોક્યુમેન્ટ્સને તું ઈમરજન્સી કેસમાં મોકલ, કહે કે મારા મર્ડર સાથે આને સીધો સંબંધ છે, તો તને પોલીસ અને લેબનો પૂરો સહકાર મળશે.”

“ઓહ યસ...! ખૂટતી કડી મળી ગઈ.... ફેંટાસ્ટીક આઈડિયા...પાપા, યુ આર ગ્રેટ..!”

સમીર ઊછળી પડ્યો...અને રાઘવ એની વિશેષ અદાથી જોર જોરથી હસતો રહ્યો. અને એનાં એ મુક્ત હાસ્યની ગુંજ ઓફીસ રુમમાં અને સાથે સમીરનાં સ્વપ્નમાં પડઘાતી રહી....

એ અવાજથી સમીરની આંખો ખુલી ગઈ. બે ઘડી ચારે તરફ જોતો રહ્યો...એને સમજાયું નહી, આ શું હતું, સ્વપ્ન હતું કે હકીકત...એની આંખો ખુલી, ત્યારે પણ એને જાણે પાપાનાં હોવાની અનુભૂતિ થઇ. પછી એને યાદ આવ્યું, આ ડોક્યુમેન્ટ્ હાથમાં લઈને પાપા સાઈન તરફ ઇશારો કરતાં હતાં.

એણે ફરી એ ડોક્યુમેન્ટ્સ હાથમાં લઈને સાઈન ચેક કરી, પહેલી નજરે તો એકદમ બરાબર લાગી. બીજા બે આઈ ડી પ્રૂફ પર કરેલી પાપાની સાઈન સાથે એ સાઈન સરખાવી, મેગ્નીફાઈંગ ગ્લાસની મદદથી...એને લાગ્યું કે આમાં કોઈ ઝોલ છે જ ! એને થયું,પાપાની વાત એકદમ સાચી છે, ઈમરજન્સી કેસમાં ૨-૪ દિવસમાં રીપોર્ટ આવી શકે. એણે ફોરેન્સિક લેબમાં એપ્રોચ કરવાની તૈયારી શરુ કરી દીધી. બીજે દિવસે બેસણું રાખ્યું છે, એ પતે એટલે સીધું આ કામ પતાવવાના ઈરાદે એ ઉઠયો…

- અમીષા રાવલ

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

શું સ્વપ્નમાં આવીને રાઘવે સુચવેલો આઈડીયા સમીરને કામ લાગશે કે પછી એમણે ઘર ખાલી કરવું પડશે? ઘરની નાના માં નાની વાત પીછાણનાર કેશુભાને સમીર -અંશ હરાવી શકશે ?રાઘવને ખુની કોણ છે ? આ દરેક સવાલોનાં જવાબ મેળવવવા આગળ વાંચતાં રહો તમારી ફેવરીટ નોવેલનાં આગળનાં એપિસોડ્સ....અને આપસૌ નો પ્રતિભાવ અને રેટીંગ આપતાં રહો...

ALL RIGHTS RESERVED OF THIS BOOK

@UNDER TRADE MARK .

THOSE WHO WILL COPY THIS,

WOULD BE UNDER LEGAL ACTIONS.