જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ
ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા
ભાગ - ૨
હવે જે બાકી હતું તે, આ બંનેમાંથી કોઈ એક કોઈ યોગ્ય કારણ શોધીને વાત શરુ કરે. બંનેને અહીંથી દૂર થઇ જવું હતું. પરંતુ તેઓ બેઠા રહ્યા, એકબીજાની સામે જોયા વગર અને તેમણે પોતપોતાની દાઢી સહેલાવી, અને આ વિચિત્ર પરિસ્થિતિમાંથી કેવી રીતે ભાગી જવાય તેના વિચારો મનમાં શરુ કરી દીધા. બંનેને પરસેવો થઇ રહ્યો હતો. બંનેની પરિસ્થિતિ દયાજનક હતી અને બંનેના મનમાં એકબીજા વિરુદ્ધ નફરતની લાગણી થઇ રહી હતી. બંને એક યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા પરંતુ બંનેમાંથી કોણ આ પહેલા યુદ્ધ શરુ કરે તેની બંનેમાંથી કોઈને પણ ખબર ન હતી. કદાચ લીઝા બહાર જતી રહે તો જ એ યુદ્ધ શરુ થવું શક્ય હતું.
“મેં તને ગઈકાલે એસેમ્બલી હોલમાં જોયો હતો,” બગરોવે કહ્યું. (હા, આ પતિનું નામ હતું.)
“હા, હું ત્યાં હતો... બોલ ડાન્સ... તે ડાન્સ કર્યો હતો?”
“અમમમ... હા... પેલી યુવતી લ્યુકોવત્સકી સાથે... તે બહુ ધીમો ડાન્સ કરે છે, એટલો ધીમો ડાન્સ કે કોઈ બીજું તેની સાથે સરખી રીતે ડાન્સ કરી જ ન શકે. પણ તે ખૂબ બકબક કરે છે.” (શાંતિ પથરાઈ) “તેને વાતો કરતા થાક પણ નથી લાગતો.”
“અમમમ... હા એ બહુ ધીમો ડાન્સ કરે છે. મેં પણ તને જોયો હતો.”
ગ્રોહોલ્સકીએ અકસ્માતે જ બગરોવ સામે જોયું... તેણે એક છેતરાયેલા પતિની આંખો જોઈ અને તેનાથી એ સહન ન થયું. તે ઝડપથી ઉભો થયો, તરતજ બગરોવનો હાથ પકડ્યો, તેને હલાવ્યો અને પોતાની હેટ ઉપાડીને દરવાજા તરફ ચાલવા લાગ્યો, તેને ખબર હતી કે તેની પીઠ પાછળ શું થઇ રહ્યું હશે. તેને એવું લાગ્યું કે હજારો આંખો તેની પીઠને જોઈ રહી છે. આ એવી પરિસ્થિતિ હતી જાણેકે કોઈ અદાકારની દર્શકોએ ખૂબ મજાક ઉડાવી હોય અને તેને સ્ટેજ પરથી અચાનક જ જતું રહેવું પડ્યું હોય, કે પછી કોઈ છેલબટાઉ યુવાન છેડતી કરતા પકડાયો હોય અને પોલીસ તેની પીઠ પર જોરથી દંડો મારીને તેને લઇ જતી હોય.
ગ્રોહોલ્સકીના પગલાંનો અવાજ આવતો બંધ થયાના તુરંત બાદ હોલનો દરવાજો બંધ થયો. બગરોવ ઉભો થયો અને તેણે બેઠક ખંડના બે કે ત્રણ ચક્કર લગાવ્યા અને પોતાની પત્ની પાસે આવ્યો. તેનો નાનકડો ચહેરો ઉંચો થયો અને તેણે પોતાની આંખો એવી રીતે ભીડી દીધી કે જાણેકે હમણાંજ તેને કોઈ તમાચો પડવાનો હોય. પતિ તેની નજીક પહોંચ્યો, તેનો ચહેરો અસ્તવ્યસ્ત અને પીળો પડી ગયેલો હતો, તેના હાથ, માથું અને ખભા ધ્રુજી રહ્યા હતા, તેના ઘૂંટણ તેની પત્નીના ઘૂંટણને સ્પર્શ્યા.
તેણે દબાયેલા અને રડતા અવાજે બોલવાનું શરુ કર્યું, “દુષ્ટ સ્ત્રી, જો તેં ફરીથી તેને અહીં આવવા દીધો તો હું... તેની હિંમત ન થવી જોઈએ અહીં ફરીથી પગ મુકવાની.... હું તને મારી નાખીશ. તને સમજણ પડે છે હું શું કહી રહ્યો છું? આહ્હ... નક્કામી સ્ત્રી... મરી જા! ગંદી સ્ત્રી!”
બગરોવે તેને તેની કોણીથી પકડી અને તેને હલાવી અને તેને એક રબર બોલની માફક બારી તરફ ફંગોળી દીધી.
“હલ્કી, અસંસ્કારી સ્ત્રી! તને કોઈ શરમ છે કે નહીં?”
તે બારી તરફ ફંગોળાઈ તેના પગ જમીન પર અડી નહોતા રહ્યા તેણે પડદા પકડીને પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી.
“મૂંગી જ મરજે,” તેના પતિએ બૂમ પાડી અને તેની પાસે કડક પગલાં ભરતો અને ચમકતી આંખો સાથે ચાલતો ચાલતો આવ્યો.
તે કશું બોલી નહીં, તે છતને તાકી રહી અને કોઈ નાનકડી છોકરીના ચહેરા પર સજા મળવાનો ડર હોય એવા હાવભાવ તેના ચહેરા પર હતા અને તે વિચિત્ર અવાજો કરી રહી હતી.
“તો તું છે કોણ? હેં? તું દંભને તારી સાથે લઈને ફરે છે હેંને? સરસ, બહુ સરસ. અને લગ્ન પહેલાના તારા વચનો? તેનું શું? તું છે કોણ? એક સારી પત્ની અને સારી માતા? મૂંગી જ રહેજે!”
અને તેણે તેના સુંદર અને કોમળ ખભા પર મુક્કો માર્યો. “બિલકુલ મૂંગી રહેજે ગંદી સ્ત્રી. હું તને આનાથી પણ ખરાબ સજા કરીશ, જો એ બદમાશ ફરીથી અહીં આવવાની હિંમત કરશે તો, જો હું તને તેની સાથે ફરીથી જોઈ ગયો તો... સાંભળ! જો હું એ બદમાશ સાથે તને ફરીથી જોઈ ગયો તો, મારી દયાની ઈચ્છા ન રાખતી. હું તને મારી નાખીશ, અને પેલાને પણ, મારે એના માટે છેક સાઈબીરીયા ભાગી જવું પડે તો એમ પણ કરીશ. હું બીજીવાર જરાય વિચાર નહીં કરું. હવે જતી રહે, મારે તારો ગંદો ચહેરો નથી જોવો!”
બગરોવે પોતાના શર્ટની બાંયથી પોતાની આંખો અને ભ્રમરો સાફ કરી અને બેઠક ખંડના દરવાજામાંથી ડાઈનીંગ રૂમમાં ગયો, લીઝા મોટાને મોટા અવાજ કરીને ડૂસકાં ભરવા લાગી, તેના ખભા અને નાક ઊંચા નીચા થઇ રહ્યા હતા, તેનો ચહેરો પડદામાં છુપાઈ ગયું હતું.
“તું ગાંડી છે,” તેના પતિએ ત્યાંથીજ ફરીથી બૂમ પાડીને કહ્યું. “તારું મુર્ખ મગજ બકવાસથી ભરેલું છે. એ માત્રને માત્ર ધૂની બની ગયું છે. હું એ નહીં ચલાવી લઉં મારી પ્રિય એલીઝાવેટા! તું મારી સાથે તો સંભાળીને જ રહેજે. મને એ ગમતું નથી. જો તને જાનવરની જેમ રહેવું હોય તો... તો અહીંથી જતી રહે. મારા ઘરમાં તારા માટે કોઈજ જગ્યા નથી. તારો બધોજ સમાન પેક કરીને જતી રહે. તું એક પત્ની છે એટલે તારે આવી છેલબટાઉગીરી ભૂલી જવી પડશે, તેને તારા મુર્ખ મગજમાંથી બહાર કાઢવો પડશે! આવું ફરીથી ન થવું જોઈએ. તું તારી જાતનું રક્ષણ કર. તારા પતિને પ્રેમ કર. તારો પ્રેમ માત્ર તારા પતિને જ આપ. જો તારાથી આવું ન થતું હોય તો તું હજી પણ જઈ શકે છે. ત્રાસદાયક લાગે છે મને આ બધું!”
બગરોવ થોડીવાર માટે રોકાયો અને ફરીથી તેણે બૂમ પાડી:
“હું તો કહું છું કે જતી રહે અહીંયાથી, નર્સરીમાં જતી રહે! અને તું શા માટે આટલું બધું રડી રહી છે, વાંક તો તારો છે અને તોય તું રડે છે? કયા પ્રકારની સ્ત્રી છે આ? ગયા વર્ષે તું પેતકા તોત્ચકોવની પાછળ પડી ગઈ હતી અને હવે તું આ રાક્ષસની પાછળ છે. હે ભગવાન અમને માફ કરી દેજે!... હવે સમય આવી ગયો છે કે તું તારી જાતને સમજે. તું પત્ની છે, માતા છે. ગયું આખું વર્ષ દુઃખમાં વિતાવ્યું અને આ વર્ષ પણ દુઃખમાં જ વીતશે..ઉફ્ફ!
બગરોવે જોરથી નિસાસો નાખ્યો અને અહીંની હવા સ્પેનીશ દારૂની સુવાસથી ભરાઈ ગઈ. તે ડાઈનીંગ રૂમમાંથી થોડી પીધેલી હાલતમાં આવ્યો.
“શું તને તારી ફરજ શું છે તેની ખબર નથી? નથીને? તો પછી તને તે ફરજ શીખવાડવી પડશે, કારણકે તને હજી સુધી તારી ફરજનું ભાન નથી. કદાચ તારી મમ્મા અહીં તહીં ફરતી જ રહે છે એટલે... હા તું રડ, બસ રડતી રહે...”
બગરોવ તેની પત્ની પાસે ગયો અને તેના હાથમાંથી પડદો દૂર કર્યો.
“બારી પાસે ન ઉભી રહે, લોકો તને રડતા જોશે... આવું ફરીથી ન થવું જોઈએ. જો આવું ફરીથી થયું તો તને આનાથી પણ વધુ તકલીફ પડશે. તને ખૂબ દુઃખ થશે. શું તને લાગે છે કે હું મૂર્ખ છું? અને તું કાયમ મને મૂર્ખ બનાવતી રહીશ અને પેલા બધા નીચલી કક્ષાના પુરુષો સાથે તારું ચક્કર ચલાવતી રહીશ? ચાલ, બહુ થયું હવે...બીજી વખત આવું ન કરતી... લીઝા... હું તને... અહીં જ ઉભી રહે...”
બગરોવે નિસાસો નાખ્યો અને લીઝાની આસપાસ સ્પેનીશ દારૂની સુવાસ છવાઈ ગઈ.
“તું યુવાન છે, ભોળી છે, તને કશીજ ખબર પડતી નથી. હું ઘરે બહુ ઓછું રહું છું અને એ બધા તેનો લાભ ઉઠાવે છે. તારે સમજદાર બનવું જોઈએ, વિવેક જાળવવો જોઈએ. એ બધા તને ભોળવવાની કોશિશ કરશે અને પછી હું તે સહન નહીં કરી શકું... પછી હું કશું જ નહીં કરી શકું. હા, કદાચ તને હું મારી નાખીશ. જો તું મારો ભરોસો તોડીશ તો હું ગમેતે કરી શકવા માટે સમર્થ છું, પ્રિયે. હું તને મારી મારીને મોતને ઘાટ ઉતારીશ... કે પછી તને ઘરની બહાર કાઢી મુકીશ અને પછી જ તું એ કુતરાઓ પાસે જઈ શકીશ.”
અને બરગોવે દ્રોહી લીઝાના ભીના અને આંસુઓથી ભરપૂર ચહેરાને પોતાની હથેળીથી ધીમે ધીમે સાફ કર્યો. તેણે પોતાની વીસ વર્ષની પત્ની સાથે જાણેકે તે એક બાળક હોય તેવું વર્તન કર્યું.
“આવ, બહુ થયું હવે... હું તને માફ કરું છું. ભગવાન કરે કે આવું ફરીથી ન થાય! હું તને પાંચમી વખત માફ કરી રહ્યો છું પણ છઠ્ઠી વખત માફ નહીં કરું. તે જે કાઈ કર્યું છે તેને તો ભગવાન પણ આટલીબધી વખત માફ ન કરી શકે.”
બગરોવ નીચે વળ્યો અને પોતાના ચળકતા હોઠ તેણે લીઝાના નાનકડા કપાળ તરફ વાળ્યા. પરંતુ ચુંબન થઇ શક્યું નથી. વરંડાના, ડાઈનીંગ રૂમના, પાર્લરના અને બેઠક ખંડના દરવાજા, બધાજ એક પછી એક જોરથી ભટકાયા અને ગ્રોહોલ્સકી એક વંટોળની જેમ બેઠક ખંડમાં આવી પહોંચ્યો. એ જોરથી પોતાના હાથ હલાવી રહ્યો હતો અને તેની કિમતી હેટને પોતાના હાથમાં વાળીને જોરથી ચાલી રહ્યો હતો. તેનો કોટ એ રીતે લહેરાઈ રહ્યો હતો જાણેકે તેને ખીલી પર લટકાવવામાં આવ્યો હોય. તેને જાણેકે તાવ આવી રહ્યો હોય તેવી ગરમી તેના ચહેરા પર વર્તાઈ રહી હતી. જ્યારે બગરોવે તેને જોયો ત્યારે તે પોતાની પત્નીથી દૂર થઈ ગયો અને બારીની બહાર જોવા લાગ્યો. ગ્રોહોલ્સકી તરતજ તેની તરફ ગયો અને જોરજોરથી પોતાનો હાથ હલાવવા લાગ્યો અને જોરથી શ્વાસ લેવા લાગ્યો અને માત્ર તેની તરફજ જોવા લાગ્યો. તેણે ધ્રુજતા અવાજે બોલવાનું શરુ કર્યું:
“ઇવાન પેત્રોવીચ! આપણે હવે આ નાટકને અહીં જ રોકી દઈએ! આપણે એકબીજાને ઘણા લાંબા સમયથી છેતરતા આવ્યા છીએ! પણ હવે બહુ થયું! મને હવે આમાંથી બહાર નીકળવું છે. તારે જે કરવું હોય એ કર પણ હું એમ નહીં કરી શકું! આ દ્વેષપૂર્ણ અને સ્વાર્થીપણું છે, આ બધું વિરોધાભાસી છે! તને ખબર પડે છે કે આ બધું વિરોધાભાસી છે?”
ગ્રોહોલ્સકીના શબ્દો છુટા પડવા લાગ્યા અને તેણે શ્વાસ લીધો.
==:: અપૂર્ણ :: ==