1.
ચુડેલના પડછાયા જેવી અંધારી રાત ઉતરી રહી છે. દૂર દૂરથી શિયાળની લાળી સંભળાઈ રહી છે. કૂતરાઓના ઉંચા અવાજો રાતને ભયંકરતા બક્ષી રહ્યા છે. આસપાસના વૃક્ષોમાંથી કોઈના રડવાના ધીમા સિસકારા વરતાઈ રહ્યા છે. અમાસની અંધારી રાત, જાણે માણસ ગંધાય માણસ ખાઉં !
તેણે હળવેકથી હવેલીનો મુખ્ય દરવાજો ખોલ્યો.
તેણે મોબાઈલમાં જોયું. રાતના સાડા અગિયાર વાગ્યા હતા. મોબાઈલની ટોર્ચ કરી તે અંદર દાખલ થઇ. સામે જ આંગણામાં ઉભેલા પીપળાના પાનનો સર સર અવાજ આવતો હતો. તેણે બે ડગ ભર્યા ને પીપળામાં બેઠેલી ચીબરી ચિત્કારી ઉઠી. તે ડરી ગઈ. ચીબરી તેના ઉપરથી ઉડી ગઈ અને તે પડી ગઈ.
થોડીવારે ઊભી થઇને ચાલવા લાગી. તેના શ્વાસ જોરથી ચાલતા હતા. હૃદયના ધબકારા પોતાને સંભળાતા હતા. તે ધીમે ધીમે પગ ઉપાડતી હતી અને ધીમે ધીમે મુકતી હતી. તેને લાગ્યું મારી સાથે કોઈ ચાલી રહ્યું છે. ડરતા ડરતા તેણે પાછળ ફરીને જોયું. તેની રાડ ફાટી ગઈ. અવાજ ગળામાં જ અટકી ગયો. દરવાજે કોઈ સ્ત્રી ઊભી હતી ! તેને માત્ર એ સ્ત્રીનો કાળો પડછાયો કળાતો હતો.
તે પરસેવે રેબઝેબ થઇ ગઈ. તેનું હૃદય જોરથી દ્રવી ઉઠ્યું. તેના શ્વાસોશ્વાસની ક્રિયા વધી ગઈ. તે કંઈક બોલવા માંગતી હતી પણ બોલી શકી નહીં. તેના પગ પણ ઉપડતા ન હતા. તેનો હાથ પોતાના ગળામાં પહોચ્યો અને તેના જીવમાં જીવ આવ્યો. ગળામાં તેણે માતાજીની છબી પહેરી હતી. આ તેની માની આખરી નિશાની હતી. તે ધીમે ધીમે પાછળ ખસવા લાગી.
અને જોરથી અથડાઈ. તેની છાતી ધમણની જેમ ચાલવા લાગી. તેણે પાછળ ફરીને જોયું તો પીપળાના થડમાં અથડાઈ હતી. તેણે દરવાજે નજર કરી પણ ત્યાં હવે કોઈ હતું નહીં. તેને હાશ થઇ !
તેને લાગ્યું પોતે અત્યારે અહીં ન આવી હોત તો સારું હતું. ગામમાં જતી રહી હોત તો કોઈ પણ તેનું નામ જાણીને પ્રેમથી રહેવાની વ્યવસ્થા કરી જ દેત. ઉપરથી આગ્તાસ્વાગતામાં કંઈ જ બાકી ન રાખત. તેને લાગ્યું પોતે અહીં આવીને ભૂલ કરી છે.
આ હવેલી તેના દાદાએ બંધાવી હતી. ગામથી દૂર. તેના દાદા અહીંના જમીનદાર હતા. આખા પ્રદેશમાં તેના દાદાનું મોટું નામ હતું. હવેલીની પાછળથી એક મોટું જંગલ ચાલુ થઇ જતું. એ જમીન પણ તેના દાદાએ ખરીદી લીધી હતી. હવેલીનો પાયો નંખાયો અને એક પછી એક અમંગળ ઘટનાઓ શરુ થઇ ગઈ હતી. તેના દાદી એવું કહેતા હતા. પોતે નાની હતી ત્યારે દાદીની વાર્તાઓ રસથી સાંભળતી. જેમાં મોટે ભાગે ભૂતની જ વાર્તાઓ રહેતી. રાત્રે ડરી જતી ત્યારે માના પડખામાં લપાઈ જતી.
‘શોર્વરી...’ એવો ભયાનક સાદ તેને સંભળાયો અને તે પાછળ ફરી. કોઈ હવેલીની પાછળ જતા તેને દેખાયું. તેના પગ ત્યાં જ જડાઈ ગયા. એ પડછાયો તેને જાણીતો લાગ્યો. જાણે એ કાયા ક્યાંક તો જોઈ છે. અચાનક હવેલીના ઉપરના કમરામાં લાઈટ થઇ અને બુઝાઈ ગઈ. તે ચમકી ગઈ. તેણે મોબાઈલમાં જોયું. બાર વાગ્યા હતા. અત્યારે અડધી રાત્રે અહીં કોણ હશે ? કારણ કે હવેલી તો વરસોથી બંધ હતી. ગામનું કોઈ રહેતું હશે ? પણ... ગામના તો દિવસે પણ હવેલીનું નામ સાંભળીને ધ્રુજી ઉઠતા હતા ! તો ? આખા પરિવારના ગયા પછી અહીં કોઈ રહેતું ન હતું. અને રહે એવું તેના સિવાય કોઈ બચ્યુય ક્યાં હતું ? આખો પરિવાર એક સાથે... પોતે ત્યારે વિદેશમાં હતી. અને પાછી આવી ત્યારે કોઈ જ પોતાનું કહી શકાય એવું બચ્યું ન હતું. બધા જ અકસ્માતમાં... અને ગામના કહેતા હતા એમ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા હતા !
પાછી આવ્યા પછી પંદર દિવસ અહીં રોકાઈ હતી. અને પછી પાછી ચાલી ગઈ હતી. પાછલા થોડા દિવસથી હવેલીના સપના આવ્યા કરતા હતા. એટલે પોતે આજે અહીં આવી હતી. એક બીજું કારણ પણ હતું અહીં આવવાનું. તેણે પોતાના મિત્રો સાથે મળીને એક હોરર શોર્ટ ફિલ્મ બનાવી હતી. પછી મુંબઈની એક ટેલિફિલ્મ્સ કંપનીએ તેનો સંપર્ક કર્યો હતો. તેને ગમતું કામ મળ્યું હતું. આજે એક વરસથી પોતે એ કંપની સાથે જોડાયેલી હતી. તે એક હોરર સ્ટોરીની તલાસમાં હતી. દાદીની વાર્તાઓ યાદ આવ્યા કરતી હતી પણ અધુરી... તેથી તેને લાગ્યું અહીં આવીને કદાચ કોઈ સારી વાર્તા યાદ આવી જાય...
‘શોર્વરી...’ ફરી એ ભયાનક અવાજ તેના કાને અથડાયો અને તે ચિલ્લાઈ ઉઠી. પીપળો ભૂતની જેમ ધુણવા લાગ્યો. એક કાળી બિલાડી રડતી રડતી તેની પાછળથી ઝડપથી પસાર થઇ ગઈ. તેના હાથ ઠંડા પડી ગયા. તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. તે દોડી મુખ્ય દરવાજા તરફ પણ.. તેને દરવાજો દેખાયો નહીં.
ચરરર...અવાજ સાથે હવેલીનો દરવાજો ખુલી ગયો. તે પાછી ડરી ગઈ. આ દરવાજામાં તો પોતે હાથે જ લોક માર્યો હતો વરસો પહેલા...તો..? તેણે ધીમે ધીમે એ દરવાજા તરફ પગ ઉપાડ્યો.
તે ધીરે ધીરે દાદરા ચડવા લાગી. તેના પગ ધ્રુજતા હતા. તે મહામુસીબતે પગ માંડી શકતી હતી. તેને થયું કે દોડીને પાછી જતી રહું...પણ સરલના શબ્દો યાદ આવ્યા... ‘ડર જેવું બહાર કંઈ હોતું જ નથી. ડર માત્ર આપણી અંદર હોય છે અને માણસ પોતાના અંદરના ડરથી મૃત્યુ પામે છે ન કે બહારના કોઈ ડરથી.’ તેને લાગ્યું પોતે નાહકની ડરી રહી છે. થોડીવાર ઊભા રહી સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ ફરક પડ્યો નહીં. પોતે એવી કોઈ બાબતોમાં માનતી નથી તો શા માટે ડરી રહી છે ? હિમ્મત કરીને તે એક પછી એક દાદરા ચડવા લાગી.
તેણે હવેલીમાં પગ મુક્યો ને આખી હવેલી સજીવન થઇ ઉઠી...
મોટાભાભી દોડ્યા... રસોડા તરફ... માને શાક સમારતાં ચપ્પુ વાગ્યું છે. તેના તરફ જોઇને ભાભીએ કહ્યું: ‘શોર્વરી જા. ફર્સ્ટ એઇડ બોક્સ લઇ આવતો.’
પણ આ ઘટના તો વરસો પહેલા બની હતી ! પોતે નાની હતી ત્યારે... પણ અત્યારે...? અને આ બધા જીવિત કઈ રીતે હોઈ શકે ? બધા તો વરસો પહેલા અકસ્માતમાં... તો આ બધું...!
‘શોર્વરી....કેટલી વાર...?’
અને તે દોડી...
(ક્રમશઃ)