પ્રેમ, અઢી અક્ષરનો એક શબ્દ! કહેવા માટે તો એક શબ્દ છે પણ આ અઢી અક્ષરમાં એવું તે જાદુ છે જે બે હ્રદય ને એક કરી નાંખે છે. ‘પ્રેમ’ શબ્દ જ પોતે અધુરો છે, અઢી અક્ષર! આથી જ પ્રેમ કરવાં વાળા પણ અધુરા હોય છે. અધુરા એટલાં માટે કહું છું કેમ કે પ્રેમ કોઈ દિવસ પુરો થતો જ નથી. જેટલો વધુને વધુ પ્રેમ મળે તેટલો વધુને વધુ મેળવવા ની ઈચ્છાઓ થાય છે.
પ્રેમની એકાદ વ્યાખ્યા આપવી અઘરી છે પરંતુ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે શ્રેષ્ઠ વ્યાખ્યા આપે છે. કેમકે પ્રેમને બે ચાર શબ્દો માં રજુ કરવો અશકય છે. પ્રેમ એટલે સમર્પણની ભાવના, પ્રેમ એટલે વ્હાલ અને કરુણાનો દરિયો, પ્રેમ એટલે નિસ્વાર્થ ભાવની મીઠી વેદના, પ્રેમ એટલે સમજણ શક્તિ નું સરવૈયું અહીં સરવૈયું એટલાં માટે કહું છું કે બંન્ને પક્ષકારો માં સમજવાની એક સરખી શક્તિ હોવી જરૂરી છે..આવી અનેક વ્યાખ્યાઓ મળી શકે. પ્રેમ કરવાનો ના હોય પ્રેમ થઈ જાય. દુનિયામાં અબજો લોકો છે પણ પ્રેમ એક જ વ્યક્તિ સાથે થાય અને એ વ્યક્તિ કે જેને આપણે ઓળખતાં પણ નથી હોતાં એવી વ્યક્તિ પણ હોઈ શકે.
આપણને કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે. પણ મારા મત મુજબ પ્રેમ આંધળો નથી હોતો. આપણે કોઈપણ વ્યકિત નાં પ્રેમમાં પડી જતાં નથી, વ્યક્તિ ને બરાબર રીતે ઓળખીને આગળ વધીએ છીએ. પણ છતાં પણ કહેવાય કે પ્રેમ આંધળો હોય છે, એનું કારણ એ છે કે પ્રેમ એટલે વિશ્વાસ. અને વિશ્વાસ આંધળો હોય છે, વિશ્વાસ માં ખરાઈ કરવાં ના જવાય અને જો ખરાઈ કરવાની જરુરિયાત ઊભી થાય તો તે વિશ્વાસ કહી જ ના શકાય. પ્રેમ એટલે વિશ્વાસ નો નાજુક ડોર..આમ, વિશ્વાસ આંધળો હોવાનાં કારણે પ્રેમને પણ આંધળો કહ્યો છે. બાકી પ્રેમ તો સમજી વિચારીને જ થાય.
ઇતિહાસ માં અનેક અમર પ્રેમીઓ જોવાં મળે છે જેમનાં સોગંધ પ્રેમમાં ખવાય છે. ભલાં માણસ જો સોગંધ ખાવાની જરૂર પડે તો પ્રેમ કહેવાય જ નહીં! આજે પ્રેમ ને લોકો સાચો કહે છે પણ હકીકત માં જોવાં જઈએ તો કેટલો સાચો? એક મેસેજ નો જવાબ નાં મળે એટલે વ્યાકુળ થઈ જવાને સાચો પ્રેમ કહેવો? સંજોગોવસાત ભેગાં નહીં થઈ શકાય તો એકબીજા સાથે વેરની ભાવનાને સાચો પ્રેમ કહેવો? કસમો આપવી અને કસમો તુટે એટલે તરછોડી દેવું એને સાચો પ્રેમ કહેવો? ના, આ બધું પ્રેમનાં નામે પાખંડ જેવું છે. આજે પ્રેમીઓ વેલેન્ટાઇન ડે ઉજવે છે અને માને છે કે વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ નો દિવસ! તો બાકીનાં દિવસો શાના? કસમો અને વાદાઓ આપવાનાં? તું કહે તો હું આમ કરી નાંખુ, તું કહે તો હું તેમ કરી નાંખુ! ચાંદ તારા તોડવા વાળો ‘સાજન’ ઘરમાં એક લાઈટ ટ્યુબલાઇટ લાવી શકતો નથી ! હું તારી જ છું કહેવા વાળી ‘સજની’ વેલેન્ટાઇન ડે નાં દિવસે 4 ‘આશિકો’ પાસે ગુલાબ સ્વીકારે! આને સાચો પ્રેમ કહેવો? ખરેખર સમાજમાં પ્રેમની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. એનું કારણ એ છે કે હમણાં ની પેઢીઓ પ્રેમને સમજ્યા વિનાં જ પ્રેમ માં ગળાડૂબ થયેલાં હોય છે. આવાં સમયમાં કહેવું ઘટે કે, ‘પહેલાં પ્રેમમાં પડે, પછી વહેમમાં પડે અને પછી ડેમમાં પડે’, સાત સાત જન્મો સાથે રહેવાની વાતો કરતાં પ્રેમીઓ સાત કલાકમાં ‘બ્રેક અપ’ કરીને કહે મને આની સાથે પ્રેમ હતો! આને પ્રેમ નાં કહેવાય આને ગાંડપણ કહેવાય. પ્રેમને પામવામાં અને નિભાવવામાં સાત તો શું સાતસો જનમ પણ ઓછાં પડે! સાચો પ્રેમ એક જ વખત થાય છે.
પ્રેમ માટે કહી શકાય કે, જેને ચાહો છો એને પામી નથી શકતાં અને જેને પામો છો એને ચાહી નથી શકતાં’
આવાં બે ચાર ‘દિલફેંક’ આશિકોનાં કારણે પ્રેમ શબ્દ બદનામ થઈ રહ્યો છે. પરંતુ આજે પણ સાચો પ્રેમ હયાત છે. માતા પિતાનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, શિક્ષક અને વિદ્યાર્થીઓનો પ્રેમ. અને આ પ્રેમ પામવાં આપણે કશે જવું પડતું નથી, કોઈ હોટલોમાં જમવાનાં લાંબા બીલો ભરવાં પડતાં નથી, કોઈ મોબાઇલમાં ટોકટાઈમનું રીચાર્જ કરવું પડતું નથી, કોઈ ગાડીનું પેટ્રોલ ફુંકીને લોન્ગ ડ્રાઈવ પર જવું પડતું નથી..વિનાં મૂલ્યે અમૂલ્ય પ્રેમ મળે છે. પરંતુ આપણામાં એક કહેવત છે ને, ‘મફતનું પચે નહીં’, એમ આ મફતમાં મળતો પ્રેમ આપણે પચાવી શકતાં નથી. આપણને તો હજારો રુપિયા ખર્ચીને મેળવેલો’ મૂલ્યવાન’ પ્રેમ જ સાચો લાગે છે.
કૅર કરવા વાળાને આઈ લવ યુ ની કોઈ જરુર નથી હોતી પણ હા આઈ લવ યુ વાળાને કૅરની ખાસ જરૂર હોય છે. પ્રેમી માટે નિબંધો અને કવિતાઓ લખવાં વાળા આશિકો માતા પિતા વિશે બે લીટી નથી લખી શકતાં! આ સમાજની નબળાઈ છે. પ્રેમ કરીને અમર થઈ જવાય દોસ્ત! અમર થવાં માટે પ્રેમ નાં કરવાનો હોય. આજનાં ફેશનેબલ યુગમાં પ્રેમ પણ મોર્ડન થઈ ગયો છે. વ્હોટસઍપ અને ફેસ બુકનો પ્રેમ ત્યાં સુધી જ સિમિત થઈ ગયો છે. કદાચ સામે આવે તો ‘પાપા ની પરી’ ને ઓળખી પણ ના શકે એનો ‘જાનુ’. અને આને લોકો પ્રેમ કહે છે. ફોટાને બે ચાર લાઈકસ અને દિલના બે ચાર સ્ટીકરમા પ્રેમ સમાઈ ગયો છે. દિલના સ્ટેટસ મુકવાં કરતાં દિલમા સામેની વ્યક્તિ નું સ્ટેટસ બનાવો ત્યારે પ્રેમની સાચી વ્યાખ્યા બનશે.
પ્રેમ ફકત વ્યક્તિ માં જ થાય એવું નથી, વસ્તુ કે પ્રાણીઓ માટે પણ પ્રેમ હોઈ શકે. આપણો લગાવ, આપણાં અંતરની લાગણી, આ બધું પ્રેમ જ છે. પ્રેમને સમજવાની એક સાચી રીત કહું તો જેનાં વિશે તમે ખોટું કે ખરાબ સાંભળી નથી શકતાં એ તમારો પ્રેમ છે. પ્રેમ શીખવવાનો ના હોય એ આવડી જાય. પ્રેમ એ બંધન નથી પરંતુ એકબીજાની લાગણી અને જરુરિયાત સમજવાની એક કળા છે.
પ્રેમ વિશે તો આવાં અનેક લેખો લખું તો પણ ઓછાં પડે. સાચો પ્રેમ સમજીને એ પ્રેમને સાચવીએ તો જ ‘પ્રેમની પરિભાષા’ સાર્થક થશે...