Akalpniy sambandho in Gujarati Motivational Stories by Manisha Hathi books and stories PDF | અકલ્પનીય સંબંધો

Featured Books
Categories
Share

અકલ્પનીય સંબંધો

🌹અકલ્પનીય સંબંધો 🌹

🍁🍁🍁🍁

આ વર્ષે સ્કૂલની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો ..
શહેરની પ્રથમ હરોળમાં આ સ્કૂલનું નામ આવતુ હતુ .
પ્રાર્થનાહોલ ખીચોખીચ ભરાયેલો હતો . વિશાળ સંખ્યામાં એક-એક વિદ્યાર્થી એવો હતો . જેમનું મન કલ્પનાઓથી ભરેલું લીલુછમ હતું , મનમાં અનેક તરંગો ઉછળી રહી હતી , કેટલીયે અભિલાષાઓથી છલોછલ છલકતું મન અને મનની તરંગોમાં ઉડવાની એક શક્તિ પ્રદાન કરતું માધ્યમ એટલે સ્કૂલનું સ્વચ્છ વાતાવરણ ,
નર્સરીથી માંડી હાયર સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓમાં કૈક નવું કરવા માટે જન્મ લેતું એક બીજ એટલે સ્કૂલ , બાળકો માટેનું બીજું ઘર એટલે સ્કૂલ

એકસરખો સૂર ,લયબદ્ધ અને તાલબદ્ધ ગવાતી પ્રાર્થના
' નૈયા જુકાવી મેં તો જોજે ડૂબી જાયે ના... , ' પ્રાર્થનાના ગવાતા શબ્દોને મનમાં ને મનમાં ગણગણતા વિદ્યાર્થીઓ પોતાના હૃદયને પવિત્ર બનાવી રહ્યા હતા .
એકસરખો ગણવેશ પહેરી લાઇનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓથી
સ્કૂલનું સૌંદર્ય અદભૂત લાગી રહ્યું હતું .
પ્રાર્થના પછી એકસરખી લાઇન બનાવીને કલાસરૂમમાં જતા વિદ્યાર્થીઓ વચ્ચે ધીમી અવાજમાં શરૂ થયેલો કોલાહલ , શિક્ષકો વચ્ચે ચાલી રહેલી થોડી ગપસપ...
ખરેખર સ્કૂલનું વાતાવરણ અદભૂત અને અલૌકીક હોય છે . ,
આ સ્કૂલ સારા અને શિક્ષિત ઘરના લોકોની પ્રથમ પસંદગી હતી .

આ જ સ્કૂલમાં અભ્યાસ કરી રહેલ એક વિદ્યાર્થી જેનું નામ હતું સંદીપ ...
ભણવામાં હોશિયાર ,સ્કૂલમાં એની શિષ્ટતા પર હંમેશા વખાણ થતા .

શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતો સંદીપ દરેક શિક્ષકોનું માન રાખતો . , પૈસેટકે પણ ખૂબ સારા ઘરનો હતો ....

સાયન્સના એક શિક્ષક જેમનું નામ હતું વિરેન્દ્ર સર ,
જેમના મનમાં સંદીપને લઈને ગજબ મેલ ભરાયો હતો . કોઈપણ રીતે કોઈને કોઈ વાતમાં એને હેરાન કરવાનું વિચારતા રહેતા ...
એનું કારણ એટલું જ હતું કે એમનો દીકરો પણ એ જ કલાસમાં હતો અને ભણવામાં પૂરો ખાસ કંઈ હતો નહીં . એનું વર્તન પણ આવારા ટાઈપ હતું . બોલવામાં બિન્દાસ , પૈસા વાપરવામાં બેફામ પૈસા ખર્ચી નાખતો . એ તો સારું હતું કે પિતાની સહાયતાના હિસાબે આગળથી આગળ ધોરણોમાંથી પસાર થતો રહ્યો . જેની જાણ કોઈ કરતા કોઈને નો ' તી....

શિક્ષકની ચાલાકી પણ એટલી કે કોઈને પણ ખબર ન પડે એમ પરીક્ષા વખતે સંદિપની અમુક ઉત્તરવહી પોતાના દીકરાની ઉત્તરવહી સાથે જોડી દેતા .
દરેક વિષયોમાં છેલ્લે ટોટલ મારવાનું કામ એમણે જ માથે લીધુ હતુ .

સ્કૂલના સ્ટાફમાં પણ ચાપલુસી કરી કરીને લોકોના દિલ જીતી લીધા હતા .
કોઈને પણ શીશામાં ઉતારવામાં પારંગત હતા .

એમનો નકલી ચહેરો કોઈની નજરમાં આજ સુધી આવી શક્યો નો ' તો . ,

વાર્ષિક પરીક્ષાનો સમય ચાલી રહ્યો હતો . અમુક પેપરોની પરીક્ષા થઈ ગઈ હતી . અને બે ચાર બાકી હતા .
પરીક્ષા ચાલતી હોવાથી પુરી સ્કૂલનું વાતાવરણ એકદમ શાંત હતું .

બેલ વાગે એ પહેલાં શિક્ષકો પોતપોતાના વર્ગમાં હાજર થઈ ગયા હતા . સંદીપનાં કલાસમાં આવેલા શિક્ષક સપ્લીમેન્ટ્રીનો સેટ સ્ટાફ રૂમમાં જ ભૂલી ગયા .
એ લેવા એમણે સંદીપને મોકલ્યો . એ સમયે સ્ટાફરૂમમાં વિરેન્દ્ર સર એકલા જ હતા . અને એ કોઈ ગહન કાર્યમાં ડૂબેલા હોય એવું લાગ્યું .

સંદીપના આવવા જવાનું કોઈ ધ્યાન એમને ના રહ્યું . સપ્લીમેટ્રીનો સેટ લઈને નીકળતો હતો ને એનું ધ્યાન પોતાની ઉત્તરવહી તરફ ગયુ .. જે ઉડીને ટેબલ નીચે પડી હતી .. ચેકચાક કરેલી પોતાની ઉત્તરવહી જોઈને સંદીપ હેરાન થઈ ગયો ...
' મારુ પેપર આટલું ગંદુ કરનાર કોણ ???
એ વખતે તો એ ફટાફટ બહાર નીકળી ગયો અને ધ્યાન ન રહેતા એક ખુરશી સાથે અથડાયો ...
ખુરશીનો અવાજ થતા જ વિરેન્દ્ર સરનું ધ્યાન સંદીપ તરફ ગયું . બંનેની નજર એક થઈ ...
સંદીપે તુરંત સવાલ કર્યો ... ' સર ટેબલ નીચે મારી સપ્લીમેન્ટ્રી પડી છે એ પણ ચેકચુક કરેલી...

' સરની આંખો ગુસ્સામાં લાલઘૂમ થઈ ગઈ . ' અને બોલ્યા ' તું અત્યારે પરીક્ષા સમયે અહીં શુ કરે છે ? '
કૈક ગડમથલ કરવા આવ્યો લાગે છે !! '
હમણાં તારી કલાસમાં જા પણ મારે આ વાત પ્રિન્સિપાલ સરને કરવી જ પડશે ...પરીક્ષા સમયે અહીંથી ત્યાં આંટા મારે છે ... ???

સંદીપે પોતાની ક્લાસ તરફ પગ ઉપાડ્યા પરંતુ પગમાં તાકાત નો ' તી
આવીને ચૂપચાપ પોતાના સ્થાને બેસી ગયો . આજ એનું મન વિચિત્ર મનોદશા અનુભવી રહ્યું હતુ .

મન ચકડોળે ચડી ગયું .
પોતાની ઉત્તરવહીની આ દશા ?
કોણ કરતું હશે ? ,
વિરેન્દ્ર સરના હાથમાં પેપરોનું જે બંચ હતું . એમાં પણ ઉપર મારુ જ પેપર હતું .. ?
તો શું વિરેન્દ્ર સર આવું કરતા હશે ? ,
ના ,ના સર આવુ તો ના જ કરે ....' ,
પરંતુ સંદીપને સ્ટાફરૂમમાં એમના ચહેરાનો રંગ બદલાયેલો લાગ્યો હતો . , એમના બોલવાના રંગ - ઢંગ પરથી કૈક તો ગડબડ હશે જ એવું લાગ્યું .
દર વર્ષે કડી મહેનત અને કોઈપણ જાતની ભૂલ વગર એક-એક પરીક્ષાઓ આપી હતી ...
અને દરવખતે રિઝલ્ટ વીસથી પચીસ ટકા ઓછું જ આવતું .
આજનું પેપર ગમે તેમ કરીને ઉતાવળમાં તો ઉતાવળમાં જેમતેમ પૂરું કર્યું ... ,

શિક્ષકની વિરુદ્ધની વાત કોને જઈને કરવી ? જ્યાં સુધી કોઈપણ વાતની સાચી ખબર ના હોય ત્યાં સુધી કોઈ નિર્ણય પર કેમ પહોંચવું ? '
સંદીપ ખૂબ જ સમજદાર છોકરો હતો . પોતાની આંખે જોયું હતું છતાં એણે આ વાતનો ખુલાસો પોતાના મિત્રો આગળ પણ ના કર્યો .

આ બાજુ વિરેન્દ્ર સર પુરી રીતે ગભરાય ગયા હતા . પોતાનું નામ ન આવે એટલે એમણે પોતાના જ દીકરાની બે-ત્રણ ઉત્તરવહીમાં ચેકચાક કરી અને સીધા પ્રિન્સીપાલની રૂમમાં પહોંચી ગયા ...
ત્યાં પહોંચતા જ સંદીપ વિરુદ્ધની ફરિયાદ કરતા બોલ્યા .... ' સર આ જુવો આપણી સ્કૂલના વિદ્યાર્થીનુ કારનામું , એનુ નામ સંદીપ દેસાઈ છે . , આ તો ટાઇમસર હું ત્યાં પહોંચી ગયો , એટલે ખબર પડી .
અને એ પણ મારા દીકરાના જ પેપરમાં ચેકચાક કરી અમુક સપ્લીમેન્ટ્રી પોતાનામાં જોડીને કરામત કરતા પકડાઈ ગયો ...
સરે બધુ ચેક કર્યું ... અને વિરેન્દ્ર સરને કહેતા બોલ્યા ' એમતો આ વિદ્યાર્થીનું નામ ગુડ એબીલીટી ની લિસ્ટમાં હોય છે ... પરંતુ તે છતાં કાલે હું પરીક્ષા સમયે ચેક કરીશ .

બીજા દિવસે કલાસમાં સુપરવિઝનમાં વિરેન્દ્ર સર પોતે જ ગયા . અને પ્રિન્સિપાલના આવવાના થોડા સમય પહેલા ચાલાકીથી સંદિપની બેંચ આગળ ચૂપચાપ લખેલું એક પેપર ડૂચો કરી નાખી દીધું .

સંદીપને પોતાનું પેપર લખવામાં કાંઈ ખાસ ધ્યાન રહ્યું નહી . ,
કલાસમાં પ્રિન્સિપાલના આવતા જ એમણે પુરી કલાસમાં ચક્કર લગાવ્યા . સંદીપનાં ટેબલ નીચે જોતા જ ડૂચો વાળેલો કાગળ હાથમાં આવ્યો .
' સરે હાથમાં લીધું અને એકદમ તાડુક્યા....
' આ શું છે સર ,
તમારા સુપરવિઝન હેઠળ વિદ્યાર્થી ચોરી કરે છે ? '

વિરેન્દ્ર સર નાટક કરતા કરતા એકદમ દોડીને આવ્યા ' શુ થયું સર ? '
કાગળ ખોલીને જોતા જ આજના પેપરના થોડા જવાબો લખેલું પેપર હતું . .... , '
જોયું સર , મેં નો ' તું કહ્યું ???....!!!! સંદીપ કૈક તો બદમાશી કરે જ છે .
શિષ્ટતાનો ખોટો ડોળ કરતો હોય છે . દરેક પરીક્ષામાં આવુ જ કરતો હશે .
કાલે પણ મેં તમને પેલા પેપર દેખાડ્યા ને ... સર...
આવા વિદ્યાર્થીને આપણે આજ સમયે કલાસથી બાર કાઢવો જોઈએ નહીતો બાકીના વિદ્યાર્થીઓ પર એની ખરાબ અસર પડશે .
અને આ કંઈ નાની વાત નથી દરેક વિદ્યાર્થીની જિંદગીનો સવાલ છે ... ,

સંદીપતો અવાચક બની બંનેનો સંવાદ સાંભળી રહ્યો હતો . ' શુ બોલવું ? '
શુ નહી ? ' કાંઈ સમજાતું જ નો ' તું ... '
પોતાનો કોઈ વાંક જ નથી તો પછી આ સર મારી પાછળ કેમ પડ્યા છે ...? '

સ્કૂલના નીતિનિયમો પણ ઘણા સ્ટ્રીક હતા .પ્રિન્સિપાલ બોલ્યા આજના પેપરમાં તારે જેટલું લખાયુ હોય એટલું ભલે પણ હમણાં તો તારે કલાસથી બહાર જ નીકળવું પડશે .

સંદીપ બોલ્યો સર ' તમે ઇ .કાગળ અને મારા પેપરના અક્ષરો તો ચેક કરો ... મારા અક્ષર ક્યાં મળે છે ???
વાતને વચ્ચેથી જ કાપતા વિરેન્દ્ર સર બોલ્યા , ' તને સમજાતું નથી સર શુ કે છે ? ચાલ બાર નીકળ...

સંદીપની હાલત તો બહુ કફોડી થઈ ગઈ ...ઘેર પહોંચતા જ રડી પડ્યો . પોતાના પિતા આગળ બધી વાતની રજુઆત કરી .
બીજે દિવસે સંદીપને છેલ્લો પેપર બાકી હતો . એ સમયે એના પિતા પણ સાથે ગયા .
બંને સાહેબો સાથે વાત કરી ... બધી વાતમાં એમને વિરેન્દ્ર સરનો વ્યવહાર જરા અલગ જ લાગ્યો . એક પછી એક ચેકચુક કરેલા પેપર દેખાડ્યા અને એ પણ મેં મારી નજરે જોયું છે . ,
.. ' સર તમે તો ઘણા સજ્જન માણસ છો . તમારી સમક્ષ આ બધી રજુઆત કરતા મને પણ શરમ આવે છે ...
સંદીપનાં પિતાને પોતાના દીકરા પર પૂર્ણ વિશ્વાસ હતો . આવુ કામ મારો દીકરો કરે જ નહીં .
એમને દલીલોમાં ઉતરવું યોગ્ય ન લાગ્યું .
પરંતુ એટલું નક્કી કરી લીધું કે સંદીપને આ સ્કૂલમાં રાખવાનો કોઈ મતલબ નથી .... , આ સ્કૂલનું નામ ગમે તેટલું સારું હોય પરંતુ જ્યાં સાચા -ખોટા માપદંડની ખબર જ ના પડતી હોય એવી સ્કૂલમાં શિક્ષા લેવાનો કોઈ અર્થ જ નથી . એ પણ સીધા સાદા છોકરા સાથે જો આવો વ્યવહાર થાય તો બધુ બેકાર .... ,,,,,

🍁🍁🍁🍁🍁

વરસોનો સમય પસાર થઈ ગયો .
મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કેન્સરના એક સર્જન ખાસ ચિંતિત હતા . એમની સારવાર હેઠળ એક કેન્સરના પેશન્ટ આવ્યા હતા .
ચિંતિત એટલે કે એમના કોઈ દૂરના સગા છે એમ કહી એમને એડમિટ કરી ગયા એ પછી કોઈ એમની સંભાળ લેવા આવ્યું જ નહીં . એમની સારવાર પણ અત્યંત જરૂરી હતી .

ડો . પોતાના વૈભવશાળી બંગલોમાં ગરમાગરમ ચા ની ચુસ્કી લેતા પત્નિને કહેતા બોલ્યા ' હું બે દિવસથી એમની સારવારમાં જ છું . એમનો ચહેરો પૂરો ક્ષીણ થઇ ગયો છે . ખેર બીમારી પણ એવી જ છે .
એ પોતે પણ પોતાના વિશે ખાસ કંઈ જણાવતા નથી . અને જે નંબર લખાવ્યો હતો એ પણ ખોટો છે .

ડો.ની પત્ની જવાબ આપતા બોલી ' એવું હોયતો એમની ટ્રીટમેન્ટ પછી આપણા આઉટહાઉસમાં લઇ આવજો ..
અહીં દિવસ દરમ્યાન હું ધ્યાન રાખીશ . ,

અરે માનસી , હોસ્પિટલના પેશન્ટની સેવા મારા કરતાં તો તું વધારે કરે છે . ,

' તારા જેવી પત્ની મળવા બદલ હોસ્પિટલનો પૂરો સ્ટાફ મારી ઈર્ષ્યા કરે છે .
હોસ્પિટલના એવા કેટલાય પેશન્ટ હશે જેની તે દિલથી કાળજી લીધી છે . ગંભીરથી ગંભીર બીમારીમાંથી પણ તે એ લોકોને સાજા કરી કરીને ઘેર મોકલ્યા છે . લોકો ડો. ને ભગવાનનું સ્વરૂપ માને છે . પરંતુ મારા માટે તો તું ઈશ્વર બરોબર છે .
' તારામાં એવો શુ જાદુ છે ? '

અરે શુ તમે પણ , ' ઈશ્વરનો દરજ્જો આપો છો . હું તો ખાસ એવું કંઈ કરતી નથી . એમના ખાનપાન એમની દવાઓ પર નિયમિત ધ્યાન આપું છું .
અને ખાસ કરીને તો એ લોકોને પ્રેમની જરૂર હોય છે , જે હું ભરપૂર આપુ છુ. . એમનું મનગમતું સંગીત સંભળાવું છુ . થોડીઘણી કસરત કરાવુ છુ . એમની સુખદુઃખની વાતો રસપૂર્વક સાંભળું છુ .
બસ એનાથી વધારે કઈ નહીં...

માનસી તને ખબર નથી કે પરંતુ તું નિઃસ્વાર્થ ભાવે પરસેવાનું કાર્ય કરી રહી છે .

' આપણો આટલો પૈસો શુ કામનો ? થોડુંક તો સેવાકાર્યમાં વાપરીએ . તો પણ ક્યાં ખૂટી જવાનું છે . ,

હોસ્પિટલમાં રહેલા કેન્સરના પેશન્ટની સારવાર ચાલી રહી હતી . આજ મહિનો થઈ ગયો પરંતુ એમની સાર સંભાળ લેવા વાળુ કોઈ નજર આવતું જ નો ' તું...
એમને પણ હવે દવાઓની સાથે દુવાઓની વધારે જરુર હતી .
ડો.સાહેબે પોતાની પત્નીના કહેવાથી એમને ઘેર લઈ આવ્યા .

માનસી આવા દરેક પેશન્ટની ખૂબ દિલથી કાળજી લેતી . એમાં પણ પેશન્ટમાં કોઈ પુરુષ હોયતો એ પોતાની કામવાળીના દીકરાની મદદ લેતી .

સવારની ગરમાગરમ ચા થી લઈને રાતે ગરમાગરમ હળદરવાળા દૂધ સાથે દવાઓ આપી પછી વિશ્રામ લેતી .
સવાર- સાંજ સાદુ સાત્ત્વિક ભોજન આપતી . વચ્ચે-વચ્ચે ઘરનો તૈયાર કરેલો ઉકાળો ...
એમ પણ કોઈ ઇમરજન્સી ટ્રીટમેન્ટ જરૂર પડતી તો ડો. નું જ ઘર હતું .
ડો . પોતે પણ ગમે એટલા થાકેલા હોયતો પણ રાતે આવીને નિયમિત ચેકઅપ કરી લેતા .
ધીરે ધીરે પેશન્ટની તબિયતમાં ખાસ્સો એવો ફર્ક દેખાવા લાગ્યો .
માનસી એમની સાથે અલકમલકની વાતો કરતી અને એમનું મન હળવું કરતી .
હવે તો પેશન્ટને પણ માનસીની વાતોમાં રસ પડવા લાગ્યો .

એકદિવસ વાતોવાતોમાં એ બોલ્યા દીકરા તું અને તારા એ ડો. બંને જણા ઈશ્વરના દૂત સમાન છો .
મારી આ માંદગી દરમ્યાન મારો દીકરો મને અહીં આવીને મૂકી ગયો .
અને એ પછી એકપણ વાર મોઢું નથી દેખાડ્યું .
પરંતુ દીકરા મને મારા જ કર્મોનું ફળ મળ્યું છે . મેં અનેક લોકોના નિસાસા લીધા છે . , મારા ઉદ્ધતાઈ ભર્યા સ્વભાવને કારણે મેં ઘણા લોકોને હેરાન કર્યા છે .
મારો ભૂતકાળ જ એટલો ખરાબ હતો જેની વાવેણી જ નકલી હતી .
મારા જ હાથે મેં મારો સંસાર બગાડ્યો છે . તો પછી મારુ ભવિષ્ય ઉજ્જવળ ક્યાંથી હોવાનું ??? ' ,
દરેક મનુષ્યને કરેલા દુષ્કર્મોના ભોગ બનવું જ પડે છે .

આ હોસ્પિટલમાં એડમિટ થયો એ વખતે તો મને ખાસ કંઈ ધ્યાન પણ નહોતું ... કે કોણ ડો . છે ? એમનું શુ નામ છે ?

' માનસી દાદાની વાતને વચ્ચેથી જ અટકાવતા બોલી , ' બસ દાદા બસ હવે તમે આરામ કરો . ડો.સાહેબ આવશે તો મને વઢશે .

દીકરા તારા એ ડો.સાહેબનું નામ શું છે એ તો કહે ? ...

સંદીપ દેસાઈ નામ છે એમનું ...
મુંબઈમાં ખૂબ મોટું નામ છે એમનું બસ ઈશ્વરના આર્શીવાદ છે .

સંદીપ દેસાઈ નામ કાન પર પડતા જ દાદા પોતાની જગ્યા પર બેઠા થઈ ગયા .
ક્યાં શહેરના છે ? ક્યાંથી ભણ્યા બધી જ વિગત માનસીથી જાણી લીધી ...

દાદા પોતાના નસીબ , પોતાની જાતને ધૂત્કારવા લાગ્યા . પોતાની જાત પ્રત્યે નફરત ઉભી થઇ ગઇ હતી . અને એમાં પણ ડો . અને એમના પત્નીનો પેશન્ટ પ્રત્યેનો વ્યવહાર ....જમીન આસમાનનો ફર્ક હતો . પોતાના સ્વભાવ અને આ ડો .ના સ્વભાવ વચ્ચે ...

ડો. ને લોકો ધરતી પરનો ઈશ્વર માને છે . પરંતુ આ તો બંને માણસ અકલ્પનીય છે . મેં જિંદગીમાં ધર્મના નામે ધતિંગ કર્યું . મારી જ કારકિર્દીને શૂન્યતાની તરફ લઈ જનાર હું પોતે જ ...
હું એટલે વિરેન્દ્ર , ..... એ જ વિરેન્દ્ર જેણે સંદીપ ઉપર ખોટા આરોપ લગાડયા હતા . જેના કારણે મજબૂર બની એને સ્કૂલ છોડવી પડી હતી .
ધિક્કાર છે મારી જાતને ધૂળ પડે મારી જિંદગીમાં....
એમ તો ઈશ્વરે મને મારા કર્મોનું ફળ આપી જ દીધું હતું .
પરિવારથી વિખૂટો પડી ગયો . પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા . દીકરો જે પોતાની પાસે હતો . , એ પણ કેન્સરની બીમારીનું નામ સાંભળતા અહીં છોડીને ચાલ્યો ગયો .

અને આ ડો.તો ધર્મની ધજા લહેરાવી છે . પોતાના નામનો ક્યાંય દુરુપયોગ નથી કર્યો , બંનેના ચહેરા પર લેશમાત્ર અહંકાર નથી હોતો .
ડો.ની પત્ની તો હાઉસવાઈફ હોવા છતાં દિલોજાનથી લોકોની સેવા કરે છે .

કેન્સરના પેશન્ટની તબિયત સુધારા પર છે એ વાતની હોસ્પિટલમાં ખબર પડતા જ ડોક્ટર્સ સ્ટાફ પણ અચંભિત રહી ગયા . જેમના બચી શકવાની કોઈ આશા જ નો ' તી ...
એમનો આવો ચમત્કાર ...

ડોક્ટર્સ પણ અંદરોઅંદર ચર્ચા કરતા હતા . ડો.સંદીપ અને એમના પત્નીનું ધૈર્ય ખરેખર મજબૂત છે . ' શત્ત શત્ત નમન પ્રભુ તમને '
આટલા સેવાભાવી ડો. ના પગલે ચાલીશું તો આપણો પણ ઉદ્ધાર થઈ જશે ...

હોસ્પિટલનો સમય પૂરો થતાં જ ડો. સંદીપ પોતાના ઘેર રવાના થયા ..
પોતાની આદત મુજબ પેલા આઉટહાઉસમાં જ ગયા . માનસી પણ ત્યાં જ હતી .

રૂમમાં પ્રવેશતા જ જોયું દાદા એકદમ ફ્રેશ થઈ રૂમમાં આંટા મારી રહ્યા હતા .
સંદીપનાં મોઢામાંથી નીકળી ગયું ... શુ વાત છે ? ...આજતો એકદમ ફ્રેશ જણાવ છો ...
માનસી આતો બધો તારો જ ચમત્કાર છે હો...
બોલતા બોલતા ટેબલ પર પડેલુ ઈન્જેકશન તૈયાર કર્યું . અને દાદાને એક હાથથી ઈશારો કરતા બોલ્યો ' ચાલો હવે આજનો ડોઝ લઈ લઇએ ...
દાદા પલંગ પર સુવાની જગ્યાએ ડો.ના પગ પકડી બેસી ગયો . અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ...
રડતા રડતા બોલ્યો ... મને માફ કરી દે સંદીપ દીકરા ,
દાદાના મોઢેથી પોતાનું નામ સાંભળતા એને અચરજ થયું . પોતાના બંને હાથોથી એણે દાદાને ઉભા કર્યા
. ' આ શું કરો છો ? '
હું તો ફક્ત મારી ફરજ બજાવું છું . અને લોકોને સાજા કરી સહી સલામત ઘેર પહોંચાડનાર તો મારી પત્ની છે .

ડો.ને વચ્ચેથી બોલતો અટકાવી દાદા બોલ્યા ' દીકરા હું તારો ગુનેગાર છું . માફીને લાયક તો નથી જ ...
તે હજુ મને ઓળખ્યો નથી દીકરા ....

સંદીપ બોલ્યો ' પેલા તમે શાંતિથી બેસો , આમ રડશો તો ફરીથી તમારી તબિયત પર અસર થશે .
રહી હવે ઓળખવાની વાત તો એટલું કહીશ કે એ તો તમારા દીકરાએ હોસ્પિટલનું ફોર્મ ફીલ કરયુ હતું . એમાં ફોન નંબર ખોટો હતો . પરંતુ તમારું નામ , શહેરનું નામ અને એડ્રેસ તો એ જ જૂનું ને જાણીતું હતું .
જે શહેર હું વર્ષો પહેલા છોડીને આવી ગયો તો ..

એમ જોવા જાવ તો હું તો તમારો ઋણી છું . કેમ કે એ શહેર છોડ્યા પછી હું કાયમ માટે મુંબઇ આવી ગયો જ્યાં મને ઘણું શીખવા મળ્યું ... માનસી જેવી પત્ની મળી .
સર , અગ્નિ તો કેવળ શરીર ને દેવાય છે પરંતુ સંસ્કારો હંમેશા જીવંત રહે છે .
મારા માતા-પિતાના સંસ્કારો હંમેશા જીવિત રહે એટલે જ હું દરેકની દિલોજાનથી સેવા કરું છું .

સર તમને વાંધો ન હોયતો મેં એક આશ્રમ બનાવ્યો છે જ્યાં આવા જરૂરિયાતમંદ લોકો રહે છે . પરંતુ હા તમારી તબિયત પૂરી રીતે ફિટ થાય પછી જ અહીંથી બહાર નીકળવાનું છે .

અને હા માનસી આજે તો સર પણ આપણી સાથે ડિનર લેશે ....ચાલો સર ...
ભીતર સળગતા સંતાપોને બાજુએ મુકો ...અને તમારી નવી જિંદગી તરફ પ્રયાણ કરો...