Mathabhare Natho - 39 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | માથાભારે નાથો - 39

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

માથાભારે નાથો - 39

માથાભારે નાથો ( 39)

હંસ સોસાયટીના મકાન નં 13 માં રાઘવ એનું ફેમિલી લઈ આવ્યો હતો. ઉપરના માળે રાઘવે રસોડું ચાલુ કર્યું એટલે મગન અને રમેશે ત્યાં જમાવનું ગોઠવી દીધું જેથી નાથાની બાને બહુ તકલીફ ન પડે.
રાઘવે આપેલી રફનો વેપાર સારો આવી રહ્યોં હતો.નાથો, એ રફ બજારમાં વેચીને સારા પૈસા કમાઈ રહ્યો હતો અને રાઘવે પણ ઠીક ઠીક નાણાં ભેગા કર્યા હતાં.
સાંજે જમીને ચારેય દોસ્તો બેઠા હતાં. રમેશને હીરાના બિઝનેસમાં કોઈ રસ નહોતો. રાઘવે નાથાને કહ્યું,
"નાથા, હવે આપણે આપણું કારખાનું કરીએ.હું તને મુંબઈથી જે કાચા હીરા મોકલું એ આપણે આપણા કારખાનામાં જ તૈયાર કરીએ તો ખૂબ ફાયદો થશે..મગન ઘાટ કરે છે.અને તૈયાર હીરાનો થોડો અનુભવ ધીમે થતો રહેશે.તું મકાન શોધી કાઢ.દસ ઘંટી ચાલુ કરીએ..પછી ધીમે ધીમે વધારીશું.."
"પણ કારખાનું ચલાવવાનો કોઈ અનુભવ મને નથી." નાથાએ કહ્યું.
''અનુભવ તો કોઈને નથી હોતો.કોઈપણ કામની શરૂઆત કરો એટલે અનુભવ થાય.પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે ક્યાં જઈ રહ્યાં છીએ.આપણી મૂડી ઘસાય ત્યારે ખામીઓ પ્રત્યે ધ્યાન રાખીએ અને પગ પ્રમાણે જ પછેડી પાથરીએ તો વાંધો ન આવે. આપણે જો ગદ્ધા ઉપર બેઠા હોઈએ તો આપણને ખબર હોવી જોઈએ કે આપણું વાહન ગધ્ધુ છે..એને ઘોડો સમજીને ખાડા ઠેકાવીએ તો ગધ્ધા સાથે આપણે પણ એ ખાડામાં ઠોકાઈ જઈએ.." મગને કહ્યું..
"આ શું તું ઘોડા અને ગધ્ધા પચીસીની વાત કરે છે ? આપણે કારખાનું કરવાનું છે, ઘોડા અને ગધેડાનો તબેલો નહીં.."નાથાએ ખિજાઈને કહ્યું.
"એને બિઝનેસ સ્ટ્રેટેજી કહેવાય, મિત્ર નાથેશ.. પૂછ રાઘવને મેં કહ્યું એ બરાબર છે ને..!"મગને સ્મિત કરતા કહ્યું.
"હા, મગનની વાત સાચી છે.આપણે ઘણાને ઉઠી જતા જોયા છે,આજે કરોડોમાં આળોટતા હોય એ કાલે ભીખ માંગતા હોય છે.એટલે આપણે જે રૂપિયા નરશી માધાના પડીકાંમાંથી બનાવ્યા છે..એ ટળી ન જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે.."રાઘવે મગનની વાતને ટેકો કરતા કહ્યું.
"નાથા તું અને મગન કાલથી કોઈ મકાન શોધો. હાલ પૂરતું એક ગાળો હોય તો પણ ચાલશે.."
"હવે તમારી આ ગધા પચીસી પુરી થઈ હોય તો એક વાત મારે તમને કહેવી છે.."અત્યાર સુધી શાંત બેઠેલા રમેશે કહ્યું.
"બોલને ભાઈ,અમારી આ ગધા પચીસી નથી પુરાણ છે એ નહીં પતે..તું બોલ.." રાઘવે કહ્યું.
"મારી સ્કૂલમાં એક છોકરો છે. પાંચમું ભણે છે.આખા વરસની એની ફી મૂળ છસ્સો રૂપિયા થાય છે,પણ એના બાપ પાસે એની પણ સગવડ નથી.બિચારો ભણવામાં ખૂબ હોશિયાર છે. અને પાછો વાડદોરીયા જ છે. એટલે મગન, તારા ભાયું કેવાય..તો એની બિચારાંની ફી ભરી દઈએ તો ?" રમેશે કહ્યું.
"એમ ? વાડદોરીયા છે ? એના બાપાનું નામ ખબર છે ? " મગને પૂછ્યું.
"વાડદોરીયા કેતન પરસોત્તમભાઈ"
"કેતન પરસોત્તમભાઈ ? એના બાપા પાંહે ફી ભરવાના પૈસા નથી ? કે ફી ભરવી નથી ? રમેશ તું તપાસ કર.." મગને ગુસ્સે થઈને કહ્યું.
"કેમ, ઓળખે છે પરસોત્તમભાઈને તું મગના..?" રમેશે નવાઈ પામીને કહ્યું.
"મારા મોટાભાઈ છે..મારા બન્ને ભાઈ હીરાના સારા કારીગરો છે..એની પાસે છસો રૂપિયા ફી ભરવાના ન હોય એ હું માનતો નથી.." મગનનું મન ખાટું થઈ ગયું.પોતાને ઘરમાંથી કાઢી મુક્યો હતો..ભાભીઓએ જમાડવાની પણ ના પાડી હતી એ એને યાદ આવ્યું..
"મગન, માણસનો સમય હમેંશા એક સરખો નથી રહેતો..આજે લગભગ એક વરસ ઉપર થઈ ગયું. તું તારા ભાઈઓને મળવા નથી ગયો..અને નથી ગામડે તારા બા બાપુજી પાસે ગયો..ભાઈઓ તો ભાઈઓ હોય મગન.તારે જવું જોઈએ..આજે તારી સ્થિતિ સારી છે.. એમને જરૂર હોય તો પાંચ દસ હજારની મદદ તું કરી શકે એમ છો.... ભાભીઓના દબાણમાં આવીને તારી સાથે એ અન્યાય કરી ચુક્યા હોય તો પણ આખરે તો એ ભાઈ છે.."રાઘવે મગનના હાથ પર પોતાનો હાથ મુકતાં કહ્યું.
"હું તો નાનો છું, એ મોટા છે.રાઘવ એમણે ક્યારેય મારી તપાસ પણ નથી કરી..હું ક્યાં રહું છું..ક્યાં ખાવ છું..અરે ખાવા પામું છું કે નહીં.. જીવું છું કે મરી ગ્યો છું..!" મગનની આંખોમાં આંસુ આવી ગયા.
"તપાસ કરી હોય તો'ય તને શું ખબર..? તેં તારું સરનામું આપ્યું છે કોઈને..? "નાથાએ કહ્યું.અને રમેશ તરફ જોઈ ઉમેર્યું, "રમલા..એ કેતન આપણો ભત્રીજો કહેવાય...તું કાલે એનું એડ્રેસ લઈ આવ.પરસોત્તમભાઈના ઘેર આપણે જઈએ..તપાસ કરીએ.."
"ત્યાં જવાની કોઈને જરૂર નથી..મારે કોઈ ભાઈ નથી.. નાથા, આ દુનિયામાં મારો કોઈ ભાઈ નથી અને હું કોઈનો ભાઈ નથી..જે ભાઈઓએ સગ્ગા નાના ભાઈ પાસે જમવાના પૈસા માંગ્યા હોય..બેકાર હોય એવા નાના ભાઈને એના નસીબે ઘરમાંથી કાઢી મુક્યો હોય એવા લોકો કોઈપણ સંજોગોમાં મારા ભાઈઓ ન હોઈ શકે.."
"મગન..પરિસ્થિતિ લોકો પાસે બધું જ કરાવે છે.. માણસ લાચાર હોય છે.ક્યારેક ભૂલ કરી બેસે છે.ભાઈ ભલે ગમે તેવા હોય..પણ આ ભત્રીજો તો તને વ્હાલો છે ને.? એના બિચારાનો શું દોષ ?" રમેશે કહ્યું..
"આપણે કાલે પરસોત્તમભાઈના ઘેર જવાનું ફાઇનલ,રમલા તું કાલે સરનામું લેતો આવજે.." નાથાએ કહ્યું.
"તું ડોફા.. રમલા રમલા શું કરછ..રમેશ કહેતાં તને ઘા વાગે છે..?"
"ઓહો હો..સાહેબને વહમું લાગ્યું..રમેશભાઈ માસ્તર..હવે તમને રમેશભાઈ માસ્તર કહીશું બસ..?'' નાથાએ કહ્યું.
"હું રમેશભાઈ કહેવાનું નથી કહેતો.." રમેશે કહ્યું
"ઓ...તોલા...સાલ્લા ઉજડે ચમન..હું તને રમલો જ કહીશ..તું માસ્તર હો તો તારા ઘરનો..માથે ટાલ પડતી જાય છે તે ભાઈને પ્રોફેસરની હવા ભરાઈ ગઈ લાગે છે..ઓ ઉજડે ચમન..તોલા..."
"તારી જાતનો નાથિયો મારું.." કહીને રમેશ નાથાને મારવા દોડ્યો. નાથાએ મગનને ખેંચીને આડો રાખ્યો અને ધક્કો દઈને રમેશ પર પાડ્યો..એ જોઈ રાઘવે નાથાને પકડી રાખ્યો.. રમેશે નાથના વાંસા માં બે ઢીકા ઠોકી લીધા.

* * * * *
"આવો સાહેબ...કેતન કેતો'તો કે મારા સર આવવાના સે..આવો બેસો..''પરસોત્તમભાઈએ રાત્રે નવ વાગ્યે પોતાન ઘેર આવેલા નાથા અને રમેશને આવકાર આપ્યો.નાથો, પરસોત્તમભાઈને જોઈ રહ્યો હતો. પાંત્રીસેક વરસની એમની ઉંમર હોય એમ લાગતું હતું..ભરતનગર સોસાયટીના એક ગાળા ટાઈપ મકાનના ટેરેસ પર બનાવેલી પતરાંવાળી રૂમો પૈકીની દસ બાય બારની રૂમમાં પરસોત્તમભાઈનો પરિવાર રહેતો હતો.કેતન સિવાય એમને બીજા બે બાળકો હતા.કેતનથી મોટો એક પુત્ર અને નાની એક પુત્રી હતી.
એક ખૂણામાં રાખેલા પલંગ પર ખૂણામાં તકીયાને ટેકે એ ગંજી અને લુંગી પહેરીને બેઠા હતા.
પરસોત્તમભાઈની દાઢી વધી ગઈ હતી.એમનો ચહેરો મગન જેવો જ દેખાતો હતો.
રમેશ અને નાથો એમની બાજુમાં બેઠાં.
"ભણવામાં કેવો છે અમારો કેતન ?" ભાભીએ પાણી આપતા કહ્યું. શરીરે સહેજ જાડા અને ગોળ મટોળ મોંઢાવાળા ભાભીને પણ નાથાએ સહેજ ગુસ્સાથી જોયા.."આ ભાભીએ મારા દોસ્તને ઘરમાંથી કાઢયો હશે ?"
''ભણવામાં તો ખૂબ હોંશિયાર છે..સ્કૂલમાં આજ એને ઉભો કરેલો.. આખા વરસની ફી બાકી છે...!'' રમેશે કહ્યું.
કેતન નીચું જોઈ ગયો. પરસોત્તમભાઈ કંઈ બોલ્યાં નહીં..
"સા..પીવો સો ને સાયેબ..?" ભાભીએ પૂછ્યું.
"અમે કંઈ ઉઘરાણી કરવા નથી આવ્યા..આતો કેતન હોંશીયાર છે અને સ્કૂલમાં એને ક્યારેય વર્ગમાં ઉભું થવું પડતું નથી.પણ ફી બાકી હોવાથી ક્લાર્ક બાળકોને ઉભા કરે છે..ખાલી છસો રૂપિયા ફી છે, આખા વરસની..તમારે સમયસર ભરી દેવી પડે.."
"ભરી દેશુ. મોટાની હજી ગયા મહિને ભરી.. હવે કેતનની ભરીશ..પછી આ નિતાની ભરીશ. શું છે કે સાહેબ, હમણાંથી શરીરમાં મજા નથી રે'તી..મહિનામાં માંડ પંદર દિવસ ભરાય છે.." પરસોત્તમભાઈ થોડાં દુઃખી થઇને બોલ્યા.
"કેમ શું તકલીફ છે..?" નાથાએ પૂછ્યું.
"તકલીફમાં તો એવું છે સાહેબ, બીજા આગળ આપડું દુઃખ રોવા બેસવું વ્યાજબી ન કહેવાય."
"અરે અમને બીજા ન ગણો. હું કેતનનો સર છું, મારી ફરજ છે કે વિદ્યાર્થીની પરિસ્થિતિ મારે જાણવી જોઈએ..હું સ્કૂલમાં એની રજૂઆત કરીને ફી માફ કરાવી શકું અથવા ઓછી તો જરૂર કરાવી શકું..તમે સંકોચ રાખ્યા વગર કહો"
રમેશે પરસોત્તમભાઈને કહ્યું.
પણ પરસોત્તમભાઈ મૂંગા જ રહ્યાં.
"એમને પેટમાં ગાંઠ સે સાહેબ..દુ:ખાવો બહુ થાય સે.ડોકટરે તો ઓપરેશન કરવાનું કીધું સે.પણ ખરસો બવ થાય ઇમ સે..અમારી પાંહે એટલા બધા પૈસાની સગવડ થાય ઇમ નથી એટલે દવા લઈને રોડવવી સવી.." ભાભીએ રકાબીમાં ચા રેડતાં કહ્યું.
રમેશ અને નાથો પરસોત્તમભાઈને જોઈ રહ્યાં.. એમનો નિસ્તેજ ચહેરો એ વાતની પુષ્ટિ કરતો હતો.
"તે તમારે કોઈ ભાઈ નથી ? ગામડે જમીન કે એવું કંઈક હશેને !" નાથાએ મગન વિશે જાણવા કહ્યું.
"અમે ત્રણ ભાયું છઈ..હું સૌથી મોટો છું.મને આ તકલીફ થઈ એટલે મારાથી નાનો છે ઈ નોખો થઇ ગયો..અને સૌથી નાનો છે ઈ ક્યાં છે ઈ ખબર નથી..."
"કેમ ભાગી ગયા છે એ ભાઈ..?"નાથાએ રસ લેવા માંડ્યો.
"એવું જ સમજોને...! એને ભણવું'તું..હવે ભણીને કોને નોકરો મળે છે ! તે અમે એમ કીધું કે તું હીરા ઘસવા બેહી જા તો જલ્દી બે પાંદડે થઈ જાશ..ખોટું ખોટું અમે એમ કીધું કે જો ભણવું હોય તો જમવાના પૈસા દેવા પડશે.મને ઈમ હતું કે આવું કેશુ તો હીરામાં બેહી જાશે..પણ ઈને ખોટું લાગી ગ્યું.. તે ઘરેથી વ્યો ગયો..અમે બવ ગોત્યો પણ જડતો નથી.. આવડા મોટા સુરતમાં ગોતવો પણ ક્યાં..?
ઈ હોત તો તો મારે કાંઈ ઉપાધિ ન્હોતી..પણ મારા ભાગ્ય એવા તે મેં ઈને બિચારાને દુભવ્યો..નો બોલવાનું બોલીને ગયો છે..બહુ યાદ આવે છે પણ શું કરું..ક્યાં ગોતું મારા ભાઈને..? ઇની ભાભીયું ઉપર બહુ દાઝે ભરાયો'તો.અમને શું ખબર કે આમ ઘર મૂકીને વયો જાશે..નકર અમે થોડા..."
પરસોત્તમભાઈ રડવા જેવા થઈ ગયા.એ જોઈને ભાભીએ કહ્યું,
''અમારી તો જીભ એવું કે'તા ન્હોતી ઉપડતી. પણ આમણે એવું શીખવાડ્યું.. કે ઇમ કેજો કે અમે લૂગડાં નહીં ધોઈ દેવી. ખાવું હોય તો લોજિંગ દેવું પડશે..હા..ય..હા..ય..નાનો દિયર તો દીકરો કે'વાય..અમે એની મા તો નો થઈ હકયા પણ સારી ભાભી'ય નો થઈ હકયા.." ભાભી પણ ઢીલા પડી ગયા..
"ચાચુ ક્યાં વયા ગ્યા છે મમ્મી..?" કેતને લેશન કરતાં કરતાં કહ્યું..
રૂમનું વાતાવરણ ગંભીર બની ગયું.રમેશે નાથા સામે જોયું.
"હું કેતો'તો. મગનાને ભાઈ કોઈ દિવસ આવું નો કરે..પણ ઈ માને...? " નાથાની વાત સાંભળીને તરત જ પરષોત્તમભાઈ અને ભાભી ચોંક્યા... તમે ઓળખો છો મગનને...?"
"અરે ઓળખવાની ક્યાં કરો છો..અમે હાર્યે જ રઈએ છીએ.પેલા રચના સોસાયટીમાં રહેતા હતા..અને હવે હંસ સોસાયટીના બંગલા નંબર 13 માં રઈએ છીએ..ભાઈ હવે તમે બિલકુલ મુંઝાશો નહીં..કાલે હું અને મગનો આવશું.તમે તૈયાર રહેજો.આપણે સારામાં સારા ડોક્ટર પાસે બતાવીશું.આપણી પાસે ઘણા રૂપિયા છે...
રમલા...અરે સોરી રમેશ સર તમે ભાઈને બે હજાર અત્યારે આપો..અને ઉભા થાવ.." નાથાએ હસીને કહ્યું..
"પણ તમે કોણ છો..હું તમને.."
"અરે બીજા બે મગન સમજો ને..ચાલો હવે અમે જઈએ..''કહી નાથાએ નાનકડા કેતનને તેડી લીધો...."ચાલ તારા ચાચુ પાસે આવવું છે ? હું અને તારા આ રમેશસર પણ ચાચુ જ છીએ હો."
"તમે મારા મગનચાચુને ઓળખો છો..તમે એને ભાળ્યા છે..?"
"અરે ભાળવાની ક્યાં કરે છે, બેટા તારા મગન ચાચુ મારી સાથે જ રહે છે..ચાલ તને લઈ જઉં.."
"પપ્પા..હું જાઉં..?"
"ચાલને હવે, પપ્પાને પૂછેલું જ છે..હું'ય તારો કાકો જ છું.."કહીને નાથો કેતનને તેડીને દાદર ઉતરવા લાગ્યો..
"ચાલો ભાઈ..ચાલો ભાભી..તમે હવે આરામ કરો..એ નાથીઓ હવે મગનનાનો'ય વારો કાઢશે..ચિંતા કરતા નહીં.. કાલે તમારો મગનો તમારા ચરણોમાં હશે.." એમ કહી રમેશ પણ નાથા પાછળ ઉતર્યો.
નાથાએ કેતનને હોન્ડા પર બેસાડીને કીક મારી. કેતન હોર્ન વગાડવા લાગ્યો..રમેશે પાછળ બેસવા પગ ઉંચો કર્યો કે તરત જ નાથાએ બાઇક ચલાવી મુક્યું..
"તારી જાતના..નથીયા..તારો કાકો હજી બેઠો નથી..." રમેશ પડતા પડતા બચ્યો.
નાથાએ દૂર જઈને બાઇક ઉભું રાખ્યું..રમેશ દોડીને ત્યાં પહોંચીને બાઇક પર બેસવા ગયો એટલે ફરી નાથાએ બાઈક ભગાવી..
"તું આજ મારા ખાવાનો થ્યો છો હો નાથીયા.. ઠોકીના..જા..મારે નથી આવવું તારી જોડે..હું રિક્ષામાં આવતો રહીશ.."રમેશ ખીજાયો..
"લે..લે..સર તો ખિજાયા..મને એમ જે સાહેબ બેસી ગયા હશે..આવ..આવ...આવ..! "નાથો આજે મૂડમાં હતો.કૂતરાંને બોલાવતો હોય એમ રમેશને એ બોલાવીને હસતો હતો.
રમેશ એની જગ્યાએથી એક ડગલું પણ ચાલ્યો નહીં. એટલે નાથાએ બાઇક પાછું વાળ્યું.
"ઉતર નીચે..હું તને હવે હાંકવા જ નથી દેવાનો.. ઉતર..નીચે ઉતર..''રમેશે નાથાનું બાવડું પકડ્યું..
"લે બેસ હવે..એવું નહીં કરું.."નાથો હંમેશા રમેશને ચીડવતો..
રમેશ ગુસ્સે થઈને પાછળ બેઠો. અને નાથાની કમરમાં જોરથી ચીમટો ભર્યો..
"તારી જાતના.. મુક..મુક..હાળા તોલા..." નાથો રાડ પાડી ઉઠ્યો.
રમેશના માથામાં આગળ ટાલ પડી હતી એટલે નાથો એને હંમેશા તોલો કે ઉજડે ચમન કહીને ખીજવતો..રમેશને પણ નાથાની મશ્કરી ખૂબ ગમતી.એકવડીયા નાથાને ઢીબવાની એને મજા આવતી..નાથો જીભ ચલાવતો અને રમેશ હાથ..!
યુવાનીકાળમાં મિત્રો વચ્ચે આવી ટપાટપીમાં જે મજા આવતી હોય છે એ અનેરી છે..
ઘેર આવીને બાઈક ઉભું રહ્યું કે તરત જ કેતન બાઈક પરથી નીચે ઉતરીને દોડ્યો..
બંગલાના આગળના ભાગમાં નાનકડું ચોગાન હતું.એમાં ખુરશીઓ નાંખીને રાઘવ અને મગન બેઠાં હતાં.
''ચા...આ....ચું... ઉ......"મગનને જોઈને કેતન દોડ્યો..મગન એને જોઈને ખુરશીમાંથી ઉભો થઈ ગયો..
"અરે...અરે...માલો દિકલો...."મગન ઝડપથી એને તેડીને ગળે લગાવી દીધો...
"ચાચુ...ચાચુ..તમે ક્યાં જતા રહ્યાં'તા..મને તમે બોવ યાદ આવતા'તા.."નાનકડા કેતને મગનના બંને ગાલો પર એની નાનકડી હથેળીઓ દબાવી. એની આંખોમાં હર્ષના આંસુ હતાં.
"ચાચુ..પપ્પાએ તમને રોજ રોજ બહુ ગોત્યા.. ચાચુ..મમ્મી અને પપ્પા પણ બહુ રોતા'તા...તમે કેમ આપડા ઘરેથી જતાં રહ્યાં..મને તમે યાદ કરતાં'તા..? હું રોજ તમારી બહુ વાટ જોતો'તો ચાચુ...મને કોઈ લેશન નો'તું કરાવતું..ચાચુ.."
કેતનની વાતો સાંભળીને મગને એને છાતી સરસો ચાંપી લીધો. એના આંસુ લૂછયા.
"મગના, ભાઈ અને ભાભીએ તને કાઢી ન્હોતો મુક્યો.તારા બે વરસ બચાવવા એમણે ભાભીને કડવા વેણ બોલવાનું કીધું'તું..તું ભણીને બે વરસ બગાડીશ..નોકરી તો કંઈ મળશે નહીં..એ કરતાં તું બે વરસમાં ધંધે ચડી જા..એવો એમેનો હેતુ હતો.. પણ ભાઈ તો એવા ભાગ્યા કે કોઈ દિવસ પાછું વળીને જોયું જ નહીં..તને ખબર છે..? ભાઈને પેટમાં ગાંઠ થઈ છે. ડોકટરે ઓપરેશન કરાવવાનું કહ્યું છે,પણ એમની પાસે પૈસા નથી.. મગન, ડાંગે માર્યા પાણી નોખાં નો પડે દોસ્ત.. ભાઈ તો ભાઈ હોય.. એ ભાઈ ભરતનગરની એક પતરાં વાળી રૂમમાં રહે છે...મગના તેં બહુ ખોટું કર્યું..નાનપણમાં એ ભાઈએ તને તેડ્યો હશે..એનો ભાગ તને ખવડાવ્યો હશે..તારી માટે કંઈક તો એણે કર્યું જ હશે...અને તું સાલ્લા એક નાની વાતમાં ભાઈને છોડીને ભાગી આવ્યો..?"
"બસ..નાથા..બસ..,બસ કર મારા ભાઈ..હવે ના બોલીશ.મને સમજાઈ ગયું.."કહીને મગને કેતન ના ગાલ પર ચુંબન કર્યું.
કેતનને પણ એના વ્હાલા ચાચુના આંસુ લૂછીને ચુંબન કર્યું.
"અમારા રમેશસર..આંય રહે છે ?.." કેતને કહ્યું.
'હવે એ રમેશચાચુ છે દીકરા..અને હું નાથા અંકલ..આ રાઘવ અંકલ." નાથાએ કહ્યું. એટલે રમેશે ફરી નાથાને કમરમાં ચોંટ્યો ભરીને કહ્યું, "કેમ અમે ચાચુ ને તમે અંકલ..? તું અને આ રાધવો બેય ઇંગ્લેન્ડથી આવ્યા છો ?" પછી કેતનના માથે હાથ મૂકીને ઉમેર્યું,
"જો બેટા..આ નાથોકાકો છે અને પેલા બેઠા એ રાઘવ કાકા.."
નાથો અને રાઘવ પણ હસી પડ્યાં. મગનના ખોળામાં બેસીને કેતન બધા સામે જોતો રહ્યોં.

* * *
"ભીમલાને શું કામ ટપકાવી નાંખ્યો ? રામાં બિચારાનો જીવ લેવા જેવું નો'તું..ઇના બયરી છોકરા રખડી પડે..મને ખુન ખરાબા પસંદ નથી..યાર તારે મને પૂછવું તો હતું..?" જોરુભાએ સિગારેટ સળગાવીને કહ્યું.
જોરુભા અને રામો એના ચાર સાગરીતોને લઈને સૌરાષ્ટ્રમાં જઈ રહ્યાં હતાં. રામાંનો ખાસ સાગરીત લાખો જીપ ચલાવી રહ્યોં હતો.
"જોરુભા,એ હરામીનો આપણને બધાને સલવાડેત.મને ફોન કરીને કેતો'તો કે મારી હાજરી વગર કોઈ તિજોરીને હાથ લગાડતાં નઈ.અને ભાગ હું પાડીશ..પચાસ ટકા મારા એકલાનો રેશે..અને પચાસ ટકામાં તમે બધા.. બોલો..મારુ બેટું મારું જ મીંદડું મને મીયાંઉ કરે..? તબેલે બોલાવીને @#$%નાને ઠોકી નાંખ્યો..હાહાહા...." રામાં ભરવાડે જોરથી હસીને બીડીને દમ માર્યો.
"મને બોલાવવો'તો..એમ કોઈને મારી નાખવો વ્યાજબી નથી.." જોરુભાને, રામાએ ભીમજી મૂછને મારી નાંખ્યો એ બિલકુલ ગમ્યું ન્હોતું.
"માથે જોખમ આવે ત્યારે વ્યાજબી અને વગર વ્યાજબી કરવા નો બેસાય બાપું.. પોલીસવાળા ગાં# હોજવાડી દે ઈ ખબર્ય સે..? નરશી માધાએ પોલીસને પાંચ લાખની ઓફર કરી સે..તિજોરી જલ્દી પકડવા હાટું..વિચાર કરો.. તિજોરીમાં માલ કેટલો હશે..? અને ઈ બે બદામનું ભીમલું..@#$%&નું..ધમકી મારતું તું કે હું પોલીસને કઈ દશ..એને ભાગ પચ્ચા ટકા ભાગ જોતો'તો..મેં સો એ સો ટકા દઈ દીધો.. હે..હે..હે.."
જોરુભા કંઈ બોલ્યો નહીં. આજ ઘણા દિવસ પછી પણ પોલીસ હાથ ઘસતી રહી ગઈ હતી. તિજોરી ચોરોના કોઈ સગડ મળતા ન્હોતા..
રામો હવે નિશ્ચિન્ત થઈ ગયો હતો.રામાએ એ તિજોરી લાખાના ગામડે મોકલી દીધી હતી. અને આજ એ લોકો ત્યાં જઈ રહ્યાં હતાં..!
એ લોકો સાંજે લાખાના ગામ તરઘડા પહોંચ્યાં હતાં.
લાખાના ઘેર એના ઘરડા માં બાપ કેટલાક ઘેટાં બકરાં રાખીને રહેતાં હતાં. ગામબહાર ભરવાડવાડામાં એમનો ઝોક આવેલો હતો.અને એ ઝોકમાં ત્રીસેક ઘેટાં અને વિસ પચ્ચીસ બકરાં પૂર્યા હતા.બે ડાઘીયા કૂતરાં ઓસરીના પગથીયે બેઠા હતાં.
કાંટા નાંખીને ઘર ફરતે કરેલી વાડમાં એક નાની ઝાંપલી હતી.અને બે ઘરની ઓસરી અને દેશી નળિયાવાળું કાચું મકાન, લાખાનું જન્મ સ્થળ હતું. રામો, આ લાખાનો માસિયાઈ ભાઈ હતો..
બાજરાના રોટલાં અને બકરાંનું દૂધ જમીને એ લોકોએ આરામ કર્યો.રાત્રે બાર વાગ્યે ખેમો, ગેસ કટર અને વેલ્ડીંગ મશીન વગેરે સાધનો લઈને આવી પહોંચ્યો..
બે કલાકની મહેનતને અંતે તિજોરી ખુલી હતી.તિજોરીમાં પડેલો માલ જોઈને જેટલાં જણ હાજર હતાં એ તમામની આંખો ફાટી રહી...!!

(ક્રમશ :)