થોડું અંધારું હતું અને વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. આર્યા પાસે છત્રી ન હતી, રિક્ષાની રાહ જોતી તે વરસાદથી બચવાનો પ્રયત્ન કરી રહી હતી. આ વર્ષે વરસાદ પણ ધોધમાર વરસતો હતો.
અનિરુદ્ધ પણ ઓફિસમાંથી નીકળીને ઘેર જઈ રહ્યો હતો. બહાર નીકળીને એણે પલળતી આર્યાને જોઈ.
આર્યાના ગોરા ચહેરા પર વરસાદના બિંદુઓ પડતા અને નીતરી જતા. એનો ચહેરો જાણે ફૂલની જેમ નિર્લેપ જ રહેતો હતો. અનિરુદ્ધ ની નજર એના પરથી ખસતી જ ન હતી. અચાનક એને આ બાબતનો ખ્યાલ આવ્યો અને આર્યા તરફથી પોતાના મનને પાછું વાળવા માટે સ્વગત બબડ્યો,
પૂઅર પીપલ્સ… ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ વર્ક….
ફોનમાં જોયું તો જય કોલ કરી રહ્યો હતો. એણે જય સાથે વાત કરી. એના કહેવા પ્રમાણે આર્યા ફોન ઉપાડતી ન હતી અને એના સ્વજનો ચિંતા કરી રહ્યા હતા. જય કામમાં વ્યસ્ત હતો અને આર્યાને ઘરે મુકવા જઈ શકે એમ ન હતો તેથી તેણે અનિરુદ્ધને કહ્યું કે તે આર્યાને એના ઘેર પહોંચાડી આવે.
અનિરુદ્ધ ના ન પાડી શક્યો. તેણે ડ્રાઈવરને ગાડી આર્યા પાસે લઈ જવા કહ્યું. આર્યા પાસે ગાડી આવી એટલે એ આશ્ચર્ય સુચક નજરે ગાડી સામે જોઈ રહી.
એણે એક તીખી નજર અનિરુદ્ધ તરફ ફેંકી અને પાછળ આવી રહેલી રીક્ષાને રોકીને એમાં બેસી ગઈ.
ડ્રાઈવર સામે પોતાનું આટલું અપમાન જોઈ અનિરુદ્ધ સમસમી ગયો. ફટાક કરતો તે ઊતરીને રીક્ષા સામે અદબ વાળીને ઊભો રહી ગયો. એ વિસ્તારમાં પતંગિયાની માફક ભ્રમણ કરતો રહેતો એ રીક્ષાવાળો સાહેબની કડકાઈથી પરિચિત હતો. એ સમજી ગયો કે સાહેબ આ પેસેન્જરને પોતાની રીક્ષામાં જવા દેવા માંગતા નથી. એણે અરીસામાંથી પેસેન્જર સામે જોયું. કેટલી સુંદર છોકરી!!! એના મોં પર સ્મિત આવી ગયું.
આવી વરસાદી રાત્રે આટલી સુંદર છોકરી અને કલેક્ટર અને એ બંને વચ્ચે આવી અલપઝલપ રમત જોઈને રીક્ષાવાળા ના મોં પર તોફાની સ્મિત આવી ગયું પણ તુરંત અનિરુદ્ધનું ગંભીર મોં જોઈને ઓલવાઈ પણ ગયું.
એણે તરત જ આર્યા ને નીચે ઉતરી જવા કહ્યું. આર્યાની ઈચ્છા અનિરુદ્ધને ટક્કર આપવાની હતી પરંતુ પોતાની સામે હાથ જોડીને ઊભા રહેલા રિક્ષાવાળાને જોઈને આર્યાને એની દયા આવી અને તે નીચે ઉતરી ગઈ. રિક્ષાવાળો જતો રહ્યો.
“હાઉ યુ ડેર???”અનિરુદ્ધના મોં ઉપર ગુસ્સો ધસી આવ્યો.
“સોરી સર…. તમે મારા બોસ ઓફિસની અંદર છો. બહાર નહીં. તમારી ગાડીમાં બેસવું કે ના બેસવાનો નિર્ણય મારો છે. બાય ધ વે, થેન્ક્સ ફોર ઓફરીંગ લિફ્ટ.”
પોતાની સાથે વાત કરવા આખા શહેરની છોકરીઓ અધીરી રહેતી. પોતે અનન્યા સિવાય કોઈ છોકરીને પોતાની ગાડીમાં બેસાડવાની વાત કરે એ જ નવાઈ હતી. અને આજે પોતે જ્યારે જય ના કહેવા પર આ છોકરીને પોતાની ગાડીમાં બેસાડવા તૈયાર થયો છે ત્યારે એની આ હિંમત???
ચાલતી થઈ રહેલી આર્યા નો હાથ અનિરુદ્ધે જોરથી પકડી લીધો.
“મારી વાત હજુ પૂરી નથી થઈ.”
“પણ મારે તમારી સાથે કોઈ વાત કરવી નથી. આજનું તમારું બધું કામ મેં કરી આપ્યું છે. ઓફિસની વાત હોય તો કાલે ઓફિસમાં કરી શકો છો.”
આર્યાના જવાબો અનિરુદ્ધને વધુને વધુ અકળાવી રહ્યા હતા. અને આર્યાએ તો જાણે આજે નક્કી કર્યું હતું કે અનિરુદ્ધ નો ગુસ્સો સાતમાં આસમાને પહોંચાડી ને રહેશે.
અનિરુદ્ધે વધારે જોરથી આર્યા નો હાથ પકડ્યો એને ખેંચીને પાછળની તરફ હાથ વાળી દીધો. દુખાવાને લીધે આર્યાથી આછી ચીસ પડાઈ ગઈ.
“મને કોઈ શોખ નથી તને મારી સાથે ગાડીમાં ફેરવવાનો . તારી જેવી બહેનજી તો મારી ગાડીમાં શોભે પણ નહીં. આ તો જયે કહ્યું હતું એટલે.”
અનિરુદ્ધ હજી ઘણું બોલવા માંગતો હતો પરંતુ પોતે આર્યાને પોતાની ઘણી નજીક ખેંચી લીધી હતી એ બાબત એના ધ્યાનમાં આવી. આર્યાના ગરમ શ્વાસ એની છાતી સાથે અથડાઈ રહ્યા હતા. આર્યાના શરીરમાંથી કંઈક માદક સુગંધ આવતી હતી. અનિરુદ્ધ નું ધ્યાન આર્યાના મોં પર ગયું. વરસાદનું પાણી જાણે ગુલાબ પર પડ્યું હોય એમ આર્યાના હોઠ પર સ્થિર થયું હતું.
અચાનક અનિરુદ્ધ સભાન થયો અને તેણે આર્યાને ઝટકો મારીને હડસેલી દીધી. આર્યા ઝાડ સાથે અથડાઈ. એનો ઢીંચણ પથ્થર સાથે અથડાયો. પીડાના કારણે એના મોંમાંથી ચીસ નીકળી ગઈ, એની પરવા કર્યા વગર અનિરુદ્ધ એની ગાડી લઈને જતો રહ્યો.
આસુ ભરેલી નજરે આર્યા અનિરુદ્ધ ની ગાડી ગઈ હતી એ દિશામાં જોઈ રહી. અનિરુદ્ધ ની ઓફિસમાં આજે એનો પહેલો દિવસ હતો પરંતુ કોઈક ની ગરબડી ના કારણે એને ઘણું સહન કરવું પડ્યું હતું.
આવા માણસો પણ હોય છે.... એમ સ્વગત બબડતી એ બીજી રિક્ષા ઊભી રાખી ને એમાં બેસી ગઈ. એને ખબર ન હતી કે આવનારા દિવસો એને આજ માણસ સાથે સમય પસાર કરવા મજબૂર કરવાના છે.
ક્રમશઃ