Aaruddh an eternal love - 3 in Gujarati Fiction Stories by Dipikaba Parmar books and stories PDF | આરુદ્ધ an eternal love - ભાગ-૩

Featured Books
Categories
Share

આરુદ્ધ an eternal love - ભાગ-૩

એના લહેરાતા કાળા લાંબા વાળને એ કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. ચામડી તો જાણે હમણાં જ રંગ પુર્યો હોય એવી સ્વચ્છ…. એક પણ ડાઘ વગરની. મેટ લિપસ્ટિક લગાવતા પણ આટલા સુંદર ન લાગે એવા ગુલાબી હોઠ. ભગવાનને પણ જાણે પોતે કશી કસર ન રાખવી હોય એમ આર્યાને છૂટે હાથે સૌંદર્ય બક્ષ્યું હતું.

જેમ અનિરુદ્ધ પોતાના આકર્ષક શરીર થી સભાન હતો એમ જ આર્યા પણ પોતાના સૌંદર્યથી સભાન હતી. પોતે મા-બાપ વગરની અનાથ છોકરી હતી એ બાબતે પણ તે સજાગ હતી. એથી જ તે બને ત્યાં સુધી અનાથાશ્રમની બહાર નીકળવાનું ટાળતી હતી જેથી ખરાબ નજરથી બચી શકાય.

“સર…. સર…. મુખ્યમંત્રીશ્રી લગભગ પહોંચવામાં જ છે.” અનિરુદ્ધે આર્યાને હજુ સરખી જોઈ પણ ન હતી ત્યાં જ એના પી.એ. આવીને એને સમાચાર આપ્યા.

અનિરુદ્ધ ત્યાંથી સડસડાટ ચાલ્યો ગયો.

“તમે બધીઓ તો સાવ ગાંડી છો… આટલું બધું જોરથી એને સંભળાય એમ બોલાતું હશે કંઇ!”

“એ બધું તો ઠીક છે…. પણ મને એવું લાગ્યું કે એ તારી સામે જોઈ રહ્યો હતો થોડીવાર માટે અપલક….”

“તે જુએ જ ને! આપણી આર્યા છે જ એવી! આમ તો આપણા ઘેર કોઈના મા-બાપ વિશે કશું બોલવાની ના છે છતાં પણ મારાથી કહ્યા વગર રહેવાતું નથી કે આર્યા ની મમ્મી દિવયાભારતી જેવી સુંદર હશે અને એના પપ્પા અને એના પપ્પા ઋત્વિક રોશન જેવા હેન્ડસમ હશે તોજ આર્યા આવી અપ્સરા જેવી બની હોય!”

આર્યા એ હળવેક દઈને રેખાને ચૂંટી ખણી અને પછી આગળ બેસાડેલા અનાથ આશ્રમ નાના બાળકોનું ધ્યાન રાખવા માટે જતી રહી.

આજના સ્વાતંત્ર્ય સમારંભમાં અનિરુદ્ધે હાજર બધી છોકરીઓ ની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું હતું, એનું કારણ હતું એની સાથે આવનાર આગંતુક છોકરી. એકદમ ગોરી ચામડી વાળી અને સુંદર દેહ વળાંકોવાળી એ છોકરી અનિરુદ્ધ ને છોડી ને કશે દૂર જતી ન હતી.

જિજ્ઞાસા અને સળવળાટ થી ભરપુર રેખા તો જાણી પણ લાવી કે એ કોણ છે. અવની અને બીજી છોકરીઓને કેટલીવાર પૂછ્યા પછી આખરે તે બોલી,

“પેલા ની સાથે આવનાર પકોડી એની ગર્લફ્રેન્ડ છે. ગર્લફ્રેન્ડ તો શું હોય, નક્કી પેલાએ એનું દેણું ચૂકવ્યું નહીં હોય અને પાછળ પડી હશે.”

“કેવી વાત કરે છે રેખા! આટલું કમાતા કલેકટરને વળી કઈ વાતનું દેણું હોય?”

“એ સોળ વરસની સુંદરી ઇવેન્ટ મેનેજર છે. અનિરુદ્ધ ના તમામ કાર્યક્રમોનું હેન્ડલિંગ એ કરે છે. અને પછી પેલા સાહેબ દિલ નહીં ચૂકવતા હોય એટલે પાછળ પડી ગઈ હશે.”

“દિલ કે બિલ?”

“જે સમજો એ. પણ તમને બધીઓને ખબર નથી? એ બંનેની વાતો તો અત્યારે શહેરમાં ખૂબ ચર્ચાઇ રહી છે. કહેવાય છે કે એ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે. જ્યાં જુઓ ત્યાં બંને સાથે જ હોય છે એ વાત સાચી છે.”

****

“મને તો એ નથી સમજાતું કે તમે બધીઓ આવું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એમ કેમ કરો છો? તમારા જેવી તો શહેરમાં હજારો છે પરંતુ વારો તો એકનો જ આવશે ને! અને એ એક પેલી પકોડી છે. માટે હવે અનિરુદ્ધ ની યાદ માં તણાઈ ગયેલું તમારું મન શોધીને પાછું લાવો અને કામમાં વળગાડો.”

રેખા ગંભીર વદને બધી યુવતીઓને માર્ગદર્શન આપી રહી હતી અને બધી યુવતીઓ એટલી જ ગંભીરતાથી રેખાને સાંભળી રહી હતી, એકમાત્ર આર્યાને હસવું આવી રહ્યું હતું.

***

“લેડીઝ એન્ડ જેન્ટલમેન,

કોઈક ભાગ્યશાળી કટારલેખક ને જ એક પ્રામાણિક અધિકારી વિશે લખવાનો મોકો મળે. કારણ કે શ્રેષ્ઠ પદો એ બિરાજે વ્યક્તિઓમાં પ્રામાણિકતાનો ગુણો ભાગ્યે જ જોવા મળે છે. બટ આઈ એમ લકી રાઇટર. હવે હું વર્ણન કરું છું. પહેચાન કૌન?

એ મોટેભાગે પોતે જ માણસોના સંપર્કમાં રહે છે. ખૂબ જ વરસાદ હોય, વાવાઝોડું હોય કે બીજી કશીક આફત હોય ત્યારે એ મહાશય પોતાની એસી કેબિનમાં બેસી રહેવાને બદલે જાતે જ ગાડી ડ્રાઈવ કરીને શહેરના જરૂરીયાત વાળા વિસ્તારોમાં ફરવાનું અને લોકોની તકલીફ સાંભળવાનું વધારે પસંદ કરે છે. ખિસ્સામાં હાથ નાખીને ગોગલ્સ પહેરીને પોતાની નજરે અવલોકન કરી રહેલા એમને તો તમે જોયા જ હશે!

આવું મારે લખાય નહિ પરંતુ લખ્યા વગર રહી શકતો નથી કે જેની પાછળ શહેરની મોટાભાગની છોકરીઓ ફિદા છે, લુખ્ખા તત્વો જેના નામથી જ ફફડે છે, જેમને લાંચ આપવાનો દરેકનો પ્રયત્ન નિષ્ફળ જાય છે, મૂછો અને દાઢી વાળો એ મરદ મુછાળો કોઈનાથી ડરતો નથી.

મેંતો શબ્દ ચિત્ર જ રજૂ કરી
દીધું પરંતુ તમારા સૌ વાચકોના મનમાં તો એનો ફોટો પણ ઝબકી ગયો હશે. ખરું ને! હા…. તો આજે આપણે વાત કરી રહ્યા છીએ આપણા કલેકટર અનિરુદ્ધની.”

પોતાના વિશે લખાયેલા આ લખાણને વાંચતા જ અનિરુદ્ધના મોં પર સ્મિત ઉપસી આવ્યું. એણે તરત જ હાથમાં મોબાઈલ લઈને ફોન લગાવ્યો,

“મેં તને ના પાડી હતી ને જય!”

“અને મેં તને કહ્યું હતું ને અનિરુદ્ધ કે હું છાપીશ જ!”

“તને મારા સિવાય કોઈ મળતું જ નથી ને!”

“મળે છે ને યાર! પણ તારામાં જે વાત છે એ બીજા કોઈનામા નથી. અને ધ બેસ્ટ હોય એને તો બધાની સામે લાવવું જ પડે ને! અમારુ જર્નાલિઝમનુ મુખ્ય ધ્યેય જ એ છે.”

“હા…હા…. તું તો ધાર્યું હોય એ જ કરવાનો છે ને! બાય ધ વે, તું કહેતો હતો કે મારી ઓફિસ માટે કોમ્પ્યુટર વર્ક કરી આપનાર કોઈ છોકરો શોધી આપવાનો છે. શું થયું શું થયું એનું? હમણાં થી મારો જિલ્લો સ્વચ્છ જિલ્લો એ પ્રોજેક્ટ શરૂ કર્યો છે એટલે હવેથી બહુ કમ્પ્યુટર કામ વધી ગયું છે. ઉતાવળ રાખજે. આમ તો ઘણા ઉમેદવારો તૈયાર છે એ કામ માટે પરંતુ તે કહ્યું હતું કે કોઈ જરૂરિયાતમંદ ને તુ શોધનાર છે તો પ્લીઝ ગો અહેડ.”

“હા બસ મેં લગભગ શોધી જ લીધેલ છે. બે દિવસમાં મોકલી આપું છું.”

અનિરુદ્ધ ફોનમાં વાતો જ કરી રહ્યો હતો ત્યાં તેના ગળા ફરતે બે રેશમી હાથ વીટળાયા. પાતળી પાતળી રેશમી આંગળીઓ અનિરુદ્ધ ના ગાલ પર રહેલી દાઢી ના વાળ માં ફરી રહી હતી. થોડીવાર રહીને એ આંગળીઓ અનિરુદ્ધ ના હોઠ પર ગોઠવાઈ.

અનિરુદ્ધ ના હોઠ અને એ સુંવાળી આંગળીઓ વચ્ચે ઘર્ષણ જામ્યું હતું ત્યાં જ અનિરુદ્ધ એ ફોન મુક્યો.

અનિરુદ્ધ એ બંને હાથ પોતાના હાથ વડે પકડી ને ખેંચ્યા. અનન્યા સીધી ખેંચાઈ આવીને અનિરુદ્ધના ખોળામાં પડી.

“યસ…. માય ઇવેન્ટ મેનેજર ડાર્લિંગ!
હાવ યુ ડેર ટુ ડિસ્ટર્બ મી! નાઉ યુ વિલ ગેટ પનિશમેન્ટ.” કહીને અનિરુદ્ધ એ અનન્યાને પકડી.

અનિરુદ્ધ નો ઈરાદો સમજી અનન્યાનુ મોં લાલઘૂમ થઈ ગયું. એણે અનિરુદ્ધનુ મોં પોતાના બંને હાથ વડે પકડી રાખ્યું.

“માય ડેશિંગ કલેકટર! કોઈ દિવસ આ ઇવેન્ટ મેનેજર ને તમારું અને અમારું એંગેજમેન્ટ પ્લાનિંગ કરવાનો મોકો તો આપો!”

“મળશે ડીયર! એ પણ મળશે!” કહીને અનિરુદ્ધ પોતાનું મોં છોડાવીને અનન્યાનુ મોં પકડયું.

અનન્યા અનિરુદ્ધ નો ઈરાદો સમજી ગઈ.

“તો તારે જે જોઈએ છે એ પણ તને લગ્ન પછી જ મળશે!”કહીને અનન્યા દોડતી ચાલી ગઈ.

ક્રમશઃ