આપણે બીજા ભાગમાં જોયું કે શાળામાં ભણતી સૃષ્ટિ અને અનુરાધાની નિજાનંદ જિંદગી કેવી રીતે આગળ વધી રહી છે. હવે સૃષ્ટિ માટે રાકેશની આવેલી ચીઠ્ઠી અનુરાધાના જીવનમાં શું ઊથલ પાથલ સર્જે છે અને સૃષ્ટિના જીવનમાં શું વળાંકો આવે છે એ હવે જોઇએ...
*****
"લાગણીઓ લખીને મોકલી છે કોઈએ,
એમાં માંગણીઓ લખીને મોકલી છે કોઈએ,
વળતા જવાબની આશાઓ હશે એની,
એટલે જ પ્રીત લખીને મોકલી છે કોઈએ."
અનુપના હાથમાં અનુરાધાની સંતાડેલી અને રાકેશે જે સૃષ્ટિ માટે લખી હતી એ ચીઠ્ઠી આવતા જ ઘરમાં ઊથલ પાથલ સર્જાઈ જાય છે. અનુરાધાને બોલાવી એને રીતસર ટોર્ચર કરવામાં આવે છે. અને પછી આ વાતનો રેલો સૃષ્ટિના ઘર સુધી પહોંચે છે.
સૃષ્ટિના મમ્મી પપ્પા પહેલા તો થોડા ગુસ્સે થાય છે પણ તરત જ જાત ઉપર કાબૂ મેળવી લે છે અને સૃષ્ટિને આ બાબતે પૂછે છે. સૃષ્ટિ પણ એટલી જ સ્વસ્થતાથી જવાબ આપે છે કે, એમાં એની અને અનુની કોઈ ભૂલ નહતી. એ બંને ને બિલકુલ ખ્યાલ નહતો કે આ લેટરમાં આવું લખ્યું હશે નહીં તો આ લેટર લીધો જ ના હોય. સૃષ્ટિના મમ્મી પપ્પાને એની વાતમાં રહેલી સચ્ચાઈ દેખાઈ જાય છે અને એની વાત માની જાય છે. પણ અનુરાધાના ઘરમાં પરિસ્થિતિ અલગ હતી, એમના ઘરમાં પહેલા જ રાધિકાનો બનાવ બની ગયો હોય છે અને એની સીધી અસર અનુ ઉપર પડી હતી. એની હાલત કફોડી થઈ ગઈ હતી, કોઈ પણ વાંક વગર એને ગુનેગાર માનવામાં આવી હતી. અનુરાધાની બહેન રાધિકાને આ વાતનો એહસાસ હોય છે કે, આ બધી પાબંદીનું ક્યાંક ને ક્યાંક કારણ એ છે એટલે એ આ વાતને લઈને ખૂબ રડે છે. તો અનુરાધા પણ એ રાત્રે ખાધા પીધા વગર એના કાન્હા ને યાદ કરતી કરતી સૂઈ જાય છે.
બીજા દિવસની સવાર અનુપ તરફથી કાંઈ નવી જ પાબંદીઓ લઈને આવે છે. સ્કૂલથી આવી અનુરાધાને કોઈને ત્યાં નહીં જવાનું એવી પાબંદી. આ તરફ સ્કૂલમાં સૃષ્ટિ, અનુરાધાને સાંત્વના આપે છે કે, "ચિંતા ના કર, હું તારી સાથે છું. ભલે પેલો બોલતો હું તારા ઘરે આવીશ. મારા પપ્પા મમ્મી મને સમજે છે અને એમને ખબર છે કે હું કાંઈજ ખોટું નહી કરું." આવા જ પ્રેમ, લાગણીઓ, વિશ્વાસ અને હૂંફ સાથે મોટી થઈ રહી હતી સૃષ્ટિ.
"અંતરની વાત સમજે છે, તેથી જ તો અંતરંગ કહે છે,
હૈયું મળી ગયું છે અહીં સખીઓનું, એટલે જ એકબીજા માટે લડે છે."
રાકેશને સૃષ્ટિ ચીઠ્ઠીનો રૂબરૂ જવાબ આપી દે છે કે, "તું મને પસંદ કરે છે મને ગમ્યું. કોઈ પણ છોકરો કોઈપણ છોકરીને attention આપે એ ગમે. તું ખુબ જ સારો છોકરો અને મારો સારો મિત્ર છે. અને સાચું કહું તો મને ગમે છે તું. તારી સાથે વાત કરવી.. તારી સાથે રહેવું એ ગમે છે મને... પણ એવું લાગે છે કે આ જ પ્રેમ નથી. એટલે આપણે સાથે છીએ પણ હું તને એવો કોઈ પ્રેમ નથી કરતી જેવો તું ઈચ્છે કે વિચારે છે."
આ વાત સાંભળતા રાકેશ થોડો ઉદાસ થાય છે પણ એને પોતાની ઉપર ગર્વ થાય છે કે એને એકદમ યોગ્ય પાત્ર સાથે પ્રેમ થયો છે. એ વિચારે છે કે, "પ્રેમ તો પ્રેમ જ છે. પામવું કે સ્વીકાર્ય હોવું જ થોડો કાંઈ પ્રેમ છે.!? એને હૃદયમાં રાખીને પણ એના વગર જીવવું એ પ્રેમ છે." એ બીજું કંઈ જ બોલ્યા વગર ફક્ત thank you કહીને ત્યાંથી ચાલ્યો જાય છે. એના મનમાં એકજ ભાવ હોય છે કે, "હું તો ચાહીશ તને મારા પૂર્ણ થયા સુધી.!"
"અનંત, અવિરત પ્રેમ છે મારો,
ભલે લાગ્યો આ વહેમ છે મારો,
જાણું છું.. ના બની શકે તું મારી આ ભવમાં,
પણ ભવો ભવની પ્રીતનો આ નેમ છે મારો."
સૃષ્ટિના મનમાં પણ ક્યાંકને ક્યાંક રાકેશ માટે લાગણીઓ છુપાઈ બેઠી હતી પણ એના માટે અત્યારે મહત્વનું હતું પોતાના પરિવારને આપેલું એ વચન કે ક્યારેય એના કારણે એના પરિવારને કોઈનું સાંભળવાનું નહી આવે. એણે જોયું હતું, અનુભવ્યું હતું કે અનુરાધાની બહેન રાધિકાના અણધાર્યા પગલાંની અસર રાધિકાના પરિવાર ઉપર શું થઈ. આ જ હતી સૃષ્ટિની પરિપક્વતા અને એને બીજાથી અલગ તારવી રાખતી એની માનસિક સ્વસ્થતા.
એક્દમ અલ્લડ અને અનોખી સૃષ્ટિની આ જ હતી કિશોરાવસ્થા અને યુવાનીની માનસિકતા અને વિચારો. એના પપ્પા અને મમ્મી પાસેથી જે સંસ્કારોનું સિંચન થયું એનું પરિવહન કરવા માટેની યોગ્યતા એણે કેળવી હતી. આમને આમ સૃષ્ટિ મોટી થઈ રહી હતી અને અનુરાધાને સાથે રાખી પોતાનું જીવન આગળ વધારી રહી હતી.
સૃષ્ટિએ ૧૨ કોમર્સ જેવું પૂરું કર્યું એના પિતાએ એનું એડમિશન H. L. College of Commerce નવરંગપુરા કરાવ્યું. એ જાણતા હતા કે આજના સમયમાં એકાઉન્ટ ખુબજ અગત્યનું છે, સાથે સૃષ્ટિને પણ આ વાતની સમજ આપી હતી. જ્યારે બીજી તરફ અનુરાધાએ BA કરવાનું પસંદ કર્યું.
યુવાનીમાં આવતા જ સૃષ્ટિ એક્દમ નિખરી હતી. આમતો સૃષ્ટિના સૌંદર્ય કરતા પણ એનો attitude અને dressing sense જોરદાર હતી. એટલે એ કોઈ પણ જગ્યાએ થોડી અલગ તરી આવતી હતી.
આજે પણ યાદ છે સૃષ્ટિને એની કોલેજનો એ પહેલો દિવસ. બધા છોકરાઓ એની સામે જ જોઈ રહ્યા હતા જાણે કોઈ અનોખા આકર્ષણ તરફ દોરાઈ રહ્યા હતા. એમના મોઢામાંથી રીતસરનું બોલાઈ ગયું, વાહ.... શું જોરદાર લાગે છે.
પપ્પાએ ત્યારે સૃષ્ટિને નવું જ સ્કૂટી અપાવેલું. કોલેજના ગેટથી એ જેવી ફૂલ સ્પીડમાં અંદર આવી જાણે થોડી ચહલપહલ થઈ ગઈ હતી અને બધાની નજર તરત ત્યાં ખેંચાઈ હતી. આછા વાદળી કલરનું ટોપ અને જીન્સ એની ખૂબસુરતીમાં વધારો કરી રહ્યા હતા. એના લાંબા ઝૂમખાં એની સુંદરતા વધારી રહ્યા હતા. એના ઉડતા વાળ જાણે એક નવી જિંદગીના દિવસની શરુવાતને આવકારી રહ્યા હતા.
" આ વહેતો પવન જાણે આવકારી રહ્યો છે,
સૃષ્ટિ માટે જાણે નવા શમણાં સજાવી રહ્યો છે,
આ યુવાનીના સુંદર પળોની જીંદગીમાં જાણે,
સૃષ્ટિને જીવંત અને અલ્લડ યુવતી બનાવી રહ્યો છે."
ત્રણ વર્ષ B.Com ના અને પછી બે વર્ષ M.Com ના એમ પાંચ વર્ષ સૃષ્ટિએ પોતાની કોલેજ લાઇફ પૂરી રીતે માણી. કોલેજ અલગ હોવા છતાં એની, અનુરાધાની અને રાકેશની મૈત્રી એવી જ યથાવત રહી.
લગ્ન પહેલાના અરસામાં અનુરાધાના જીવનને એક આગવું વ્યક્તિત્વ શ્યામ સ્પર્શી ગયો હતો. પણ એના માટે એ બાજુ વિચારવાનો કોઈ અવકાશ જ નહોતો અને શ્યામની પરિસ્થિતિ પણ એવી નહોતી કે અનુરાધા માટે આગળ આવીને એને પોતાની બનાવી શકે. થોડા વર્ષોમાં જ અનુરાધાના લગ્ન એનાથી છ વર્ષ મોટા વ્યક્તિ સમર્થ સાથે કરવામાં આવે છે પણ અનુરાધા માટે વિરોધ કરવો કે બીજું કાંઈપણ એ સમયે શક્ય નહોતું. આમપણ એના માટે એનો કાન્હો એ જ મહત્વનો હતો એની સાથે એ વરી ચૂકી હતી.
સૃષ્ટિના લગ્ન પણ ગાંધીનગરના મોભી અને માલેતુજાર નિરવ દેસાઈ સાથે કરવામાં આવ્યા. સૃષ્ટિના પિતા સુરેશ દેસાઈના મિત્રનો એ દીકરો હોવાથી સૃષ્ટિ માટે ના પાડવાનો કોઈ સવાલ નહોતો. આમપણ સૃષ્ટિ માટે એના પપ્પા ખુબજ મહત્વના હતા માટે સહર્ષ એણે આ સંબંધને વધાવી લીધો અને નિરવ દેસાઈ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગઈ.
સુહાગરાતના કેટલાએ શમણાં સજાવી બેઠેલી સૃષ્ટિ સુહાગરાતની સેજ ઉપર બેઠી હતી. રાત્રિના એક વાગ્યા છતાં નિરવ દેસાઈનો કોઈ અતોપતો નહોતો. આખરે દોઢ વાગ્યે ફુલ દારૂ પીધેલા નિરવ દેસાઈનું રૂમમાં આગમન થયું. રૂમમાં પ્રસરેલી ખુશ્બુ, દારૂની બદબૂમાં બદલાઈ ગઈ હતી સાથે શમણાં પણ તૂટી રહ્યા હતા. આવતાની સાથે નિરવ દેસાઈ સૃષ્ટિ ઉપર તૂટી પડયો અને જાણે મર્દાનગી સાબિત કરવાના ઇરાદાને સર કરવા લાગી પડ્યો. સૃષ્ટિના દેહ ઉપરથી ઉતરતા એક એક વસ્ત્રો જાણે એના સપનાઓ તૂટી રહ્યા હોય એમ ઉતરી રહ્યા હતા. જીવનનું ભયાવહ સપનું જાણે જીવી રહી હોય એવું લાગી રહ્યું હતું. દેહ ચુંથાઈ રહ્યો હતો અને સૃષ્ટિની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. આખરે નિરવ દેસાઈ સૃષ્ટિથી અલગ થયો અને ચિર નિંદ્રામાં પોઢી ગયો, જાણે એના માટે આ જ લગ્ન જીવન અને આ જ ઈચ્છાઓ.
આમ તો આ લગ્ન પૈસે ટકે સુખી સંપન્ન એવા દેસાઈ પરિવારના દીકરા સાથે થયા હતા પણ ખરું સુખ કેવું હોય એ સૃષ્ટિને હજુ સુધી જોવા મળ્યું નહોતું. એટલેજ કદાચ આ લગ્ન સૃષ્ટિના સપના હોમનાર સાબિત થયા. દરેક તબક્કે પોતાના હક માટે લડનારી સૃષ્ટિ હવે વામણી અને બિચારી થઈ રહી હતી. નિરવ દેસાઈ પહેલેથી માલેતુજાર અને પોતે સિટી સિવિલ એંજીનિયરનો ધરોબો ધરાવતો હતો આથી દરેક શનિવારે દારૂની મહેફિલ એ એક સામાન્ય વાત થઈ ગઈ હતી.
કડવા ચોથનું વ્રત કરી પોતાના પતિની લાંબી ઉંમર માટે આખો દિવસ મોડી રાત સુધી ભૂખી તરસી રહેલી સૃષ્ટિને નિરવ દેસાઈએ ચોકખું સંભળાવી દીધું હતું કે, "આ બધા નાટક કરવાની કોઈ જરૂર નથી, તારે જમી લેવાનું." ત્યારે સૃષ્ટિ અવાક બની ગઈ હતી પણ નિરવ તો બસ પોતાની ધૂનમાં બોલે જ જતો હતો. આમજ એક પછી એક લાગણીના અપમાન સાથે સૃષ્ટિના દિવસો પસાર થઈ રહ્યા હતા.
આ બધી વાતથી અજાણ એવા સૃષ્ટિના પિતા સુરેશ દેસાઈ પોતાની દીકરી સારી જગ્યાએ વળાવી એ વાતથી ખુશ હતા. આમપણ બાપ માટે દીકરી યોગ્ય જગ્યાએ જાય એથી વિશેષ શું હોય.!! એમને પહેલેથી હૃદયની તકલીફ હતી આથી સૃષ્ટિને પણ પપ્પાને આ બધું કહેવું યોગ્ય ના લાગ્યુ અને એનો સંસાર આ જ રીતે આગળ વધી રહ્યો હતો. દિવસો વીતતાં રહ્યાં.. અને સૃષ્ટિના જીવનમાં એક દિવસ સારો આવ્યો, એટલેકે એ પ્રેગ્નેન્ટ થઈ. સૃષ્ટિને લાગ્યું કે આ નવું આવનાર સભ્ય કાંઈક ખુશી લઈને આવશે અને એના જીવનમાં એક નવો હર્ષ ઉલ્લાસ ખીલી ઉઠશે.
આખરે ખોળો ભરી એ પોતાના પિયર આવી અને અનુરાધાને પણ મળવા બોલાવી. એણે મન ભરીને એણે અનુરાધા સાથે વાતો કરી, અને જૂની વાતો યાદ કરી ખુશ થવા લાગી. એનામાં આવેલો બદલાવ જોઈને અનુરાધા પણ વિચારમાં પડી અલ્લડ અને લડાયક સૃષ્ટિ આજે કેમ આવી બિચારી લાગી રહી છે.! એટલે એણે પૂછી જ લીધું કે, "શું થયું બધું ઓકે છે ને.!?" અને એ સાથે જ સૃષ્ટિની આંખોમાંથી સરી પડેલા આંસુ અને બોલાઈ રહેલા એક એક શબ્દ અનુરાધાને હચમચાવી રહ્યા હતા. અનુરાધા પણ મનોમન વિચારતી હતી કે સારુ છે મારું કાન્હા સાથે મન લાગેલું છે નહીં તો હું પણ આવું વિચારી દુખી થાત.
" સ્વપ્ન પણ સ્વપ્નવત થઈ જાય,
જ્યારે અણધાર્યું જીવન છીનવી જાય,
કલ્પનાઓની ઉડાન આંધી બની જાય,
જીવનમાં જાણે અંધારું છવાઈ જાય."
*****
નવું આવનાર બાળક સૃષ્ટિના જીવનમાં શું પરિવર્તન લાવશે?
સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવશે?
આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk
મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...
©રોહિત પ્રજાપતિ